જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી

અંશ #

દિવ્યભાષ સી. અંજારીઆ

કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત, # ૪.૪ માં રોકાણ અને # ૪.૫માં ઉપાડ એવાં નાણાનાં પાંચ મહત્ત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ તેમજ  નાણાં અને સંપતનાં મહત્ત્વ અને નાણાકીય સંપત્તિની ભ્રામકતા વે સમજને લગતી વાત કરી ગયાં છીએ.

આજના મણકામાં નાણાનાં છઠ્ઠાં મહત્ત્વનાં પાસાં – હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી – ની કેટલીક લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું.

મિલકતનો પોતા પુરતો ઉપયોગ

જીવનની અર્થવ્યવસ્થા વાસ્તવમાં એક માત્ર આશય તો પોતાની મિલકતનો ભવિષ્યમાં ઉપયોગ કરવા સંબંધી જ છે. આપણે બચત અને રોકાણ કરીએ છીએ જ એ માટે.

પોતાનાં રોકાણો અને મિલકત આપણી ભવિષ્યની  – અપેક્ષિત કે આકસ્મિક – જરૂરિયાતો પુરી કરવા માટે હોય છે. ‘ખરૂં મહત્ત્વનું જીવન છે, અર્થવ્યવસ્થાનું નહીં’ એ જીવનની અર્થવ્યવસ્થાનો પાયાનો મંત્ર છે. જ્યારે ભવિષ્યની જરૂરિયાત સામે આવીને ઊભી રહે, ત્યારે આપણી એકઠી કરેલી મિલકત વાપરવાનો નિર્ણય લેતી વખતે, જીવનની અર્થવ્યવસ્થાનો પાયાનો આ મંત્ર ભુલાવો ન જોઈએ. આખરે,અર્થવ્યવસ્થાનું મહત્ત્વ જ આપણાં જીવનનાં અપેક્ષિત સુખને સિદ્ધ કરવા પુરતું છે. મિલકતનું મહત્ત્વ જીવનનાં આર્થિક પાસાંને સમ્રુદ્ધ કરવા પુરતું જ છે. એટલે હવે આવી પડેલ જરૂરિયાત પુરી કરવા માટે આપણી વર્તમાન આવક પુરતી ન હોય તો, આપણે એકઠી કરેલ મિલકતનો પોતાની એ જરૂરિયાત પુરી કરવામાં ખચકાટ ન અનુભવવો જોઈએ.

આપણી જરૂરિયાતોને પુરી કરવા માટે આવશ્યક મિલકતથી વધારે મિલકત, આપણે અગાઊ જોયું તેમ, ભાવ વધારો, ફુગાવો કે અન્ય કોઈ પણ બાહ્ય આર્થિક પરિબળને કારણે વણવપરાયેલી મિલકત તો પોથીમાંનાં રીંગણા સમાન બની રહી શકે છે.

જોકે એ પણ હકીકત જ છે કે આપણામાંનાં મોટા ભાગનાં લોકો મિલકત માત્ર પોતાના ઉપયોગ માટે જ એકઠી કરતાં હોય છે. કેટલાંકને ભવિષ્યની અનિશ્ચિતાઓની ચિંતા હોય છે. તો કેટલાંકને બીજાં કરતાં વધારે મોટા દેખાવા માટે મિલકત એકઠી કરવી હોય છે. તો વળી, કેટલાંકને તો પોતાની વર્તમાન આવક જ એટલી વધારે પડતી હોય છે કે તેમની મિલકત આપોઆપ જ વધ્યા કરે છે ! મિલકત એકઠી કરવા સિવાય તેમને બીજો કોઈ વિકલ્પ જ દેખાતો નથી હોતો ! ખેર, કારણ કોઈ પણ હોય, પરિણામ એ આવે છે કે કોઈ પણ સમાજમાં અમુક લોકો પાસે જરૂર કરતાં વધારે જ મિલકત હોય છે. આવી વધારે મિલકતને એકઠી જ થયા દેવાનું એક તો પરિણામ છે ભવિષ્યમાં તેનાં વાસ્તવિક મૂલ્યમાં ઘટાડો થવો.

મહામહેનતે એકઠી કરેલી મિલકતનું ભવિષ્યમાં મૂલ્યને ઘટેલુ જોઇને હાથ ઘસતાં રહી જવા સિવાયના બીજા કોઈ (સારા) ઉપયોગ પણ હશે?

મિલકત  – નાણાં વ્યવસ્થાપકોને હવાલે

આપણામાંનાં ઘણાં લોકો પોતાની મિલકતની વ્યવસ્થા કરવાનું કામ બેંક કે અન્ય વ્યવસ્થાપકોને સોંપી દેતાં હોય છે. આમ કરવા પાછળનો આશય નાણાંનો ઉપયોગ વધારે ઉત્પાદક વળતર આપે તે રીતે કરવાનો હોય છે. પરંતુ એ આશય સિદ્ધ થશે જ એની કોઈ નિશ્ચિતતા કે બાયંધરી નથી હોતી. નાણા વ્યવસ્થાપક ગમે તેટલો નિષ્ણાત હોય તો પણે સર્વજ્ઞાની ભવિષ્યવેતા તો નથી હોતો. એટલે ગમે તેટલા સારા આશયથી, સમજી વિચારીને, એમના દ્વારા કરવામાં આવેલ રોકાણ ધાર્યું વળતર ન આપી શકે, કે મિલ્કતમાં ઘટાડો કરે, એવું બની શકે. કદાચ ધાર્યું વળતર મળે તો પણ આપણા ભવિષ્યના ઉપયોગમાં તે અપેક્ષિત કક્ષાએ અસરકારક ન નીવડે એમ પણ બની શકે.

નાણા વ્યવસ્થાપકને વ્યવસ્થા કરવા સોંપેલી મિલ્કત એ આપણી પોતાની જ મિલ્કત હતી, છે અને રહેશે; આપણી પોતાની ભવિષ્યની જરૂરિયાતોને પુરી કરવા માટે એકઠી કરેલી એ આપણી જમાપુંજી છે. એ મિલ્કતની વ્યવસ્થાનું કામ કોઈ પણ નાણા વ્યવસ્થાપકને સોંપવા છતાં એ જમાપુંજીના રક્ષણ માટે કરીને પણ આપણે જમાપુંજીની સુરક્ષા અને વળતર જેવી બાબતો વિશે એ નાણા વ્યવસ્થાપકની કાર્યસિદ્ધિ બાબતે નિયમિત સમયાંતરે સમીક્ષા કરતાં રહેવું જરૂરી છે.

સમકક્ષ માપદંડોની, કે અન્ય સમકક્ષ વ્યવસ્થાપકોની, સરખામણીમાં આપણે વ્યવસ્થા માટે સોંપેલ મિલ્કત પરનું વળતર કે તેનું મૂલ્ય સંતોષકારક ન હોવા માટે જો કોઈ ભરોસાપાત્ર ખુલાસો ન મળતો હોય તો એ નાણા વ્યવસ્થાપક પાસેથી આપણા નાણાનો હવાલો પાછો લઈ લેવો જરૂરી બની રહે છે.

પણ જો આપણો એ નાણા વ્યવસ્થાપક આપણી મૂડી પર સારૂં વળતર અપાવતો હોય અને નાણાનાં ભાવિ મૂલ્યમાં વધારો પણ કરી રહેલ હોય, તો શું કરવું?

સંતાનો માટે મિલ્કત મુકી જવી 

આપણામાંના મોટા ભાગનાં સામાન્ય લોકો માટે પોતાની મિલ્કત સંતાનોનાં સારાં અને સુરક્ષિત ભવિષ્ય માટે મુકી જવી એ એક માત્ર,અને સારામાં સારો પણ, વિકલ્પ હોય છે. ઘણા લોકો નાણા વ્યવસ્થાપકને મિલ્કતની વ્ય્વસ્થા સોંપતી વખતે તેમને આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને મિલ્કતની વ્યવસ્થા ગોઠવવાનું કહેતાં હોય છે. જોકે બહુ લાંબા ગાળે મિલ્કતનાં મૂલ્યમાં સંભવિત ઘટાડાનાં જોખમને ધ્યાનમાં લેતાં, પોતે મહામહેનતે રળેલી પુંજીને નાણા વ્યવસ્થાપકને હવાલે સોંપવી એ પોતા પુરતો જેટલો સારો ઉપાય ગણાય તેટલો સંતાનોના સંદર્ભે કદાચ વ્યાવહારિક ઉપાય ન પણ ગણાય.

સંતાનો માટે મિલ્કત મુકી જવાથી પોતાનાં સંતાનોને અન્યોનાં સંતાનો સાથેની હરિફાઈમાં પહેલેથી જ સારી શરૂઆતની વ્યવસ્થા પાકી કરી લેવાની ગણતરી મુકવી એ આપણા માટે કદાચ સહજ માની શકાય..  પરંતુ, આ મનોદશાને સ્વાર્થી ન ગણીએ  તો પણ કંઈક અંશે સ્વકેન્દ્રી મનોદશા તો ગણી જ શકાય. સંતાનો માટે વારસામાં પોતાની મિલ્કત એ પેઢીને  જે લોકો પોતાનાં સંતાનો માટે મિલ્કત નથી મુકી જઈ શક્યાં તેમની સરખામણીમાં દેખીતી રીતે ફાયદાકારક નીવડતી દેખાય. જોકે, આ નિર્ણયની નૈતિકતાને એક વાર ગણતરીમાં ન પણ લઈએ તો પણ, સંતાનો માટે મુકેલી મિલ્કત તેમને હરિફાઈમાં ફાયદાકારક નીવડશે જેવી કોઈ ખાત્રી ન મુકી શકાય.

આવો વિચાર જેમ આપણને આવે તેમ બીજાંઓને પણ આવે જ. તેમની પાસેનાં સાધન સંપત્તિ આપણા કરતાં વધારે હોય તો તેઓ આપણા કરતાં વધારે મિલ્કત પોતાનાં સંતાનો માટે મુકી જાય એવું પણ બને. સંતાનો માટે મિલ્કત મુકી જવાની આજની પેઢીની ઘેટાં ચાલની મનોદશાને કારણે સંતાનોની પેઢીનો સમય આવે ત્યારે બહુ વધારે નાણા અર્થતંત્રમાં ફરતાં થઈ જવા લાગે તો એ સમયે મિલ્કતની ઘટેલી વાસ્તવિક કિંમત નવી પેઢીને ખરેખર કેટલી કામ આવશે તે અનિશ્ચિતતા તો તોળાએલી જ રહેવાની.

તદુપરાંત, સંતાનોના હાથમાં વધારે મિલ્કત આવવાથી તેઓ પોતાનું ભવિષ્ય વધારે ઉજ્જવળ બનાવવા સક્ષમ થશે એવું પણ જરૂરી નથી. ઘણા કિસ્સાઓમાં, મોટાં થતાં પોતાના હાથમાં તો બાપીકી મિલ્કતનો દલ્લો મળશે એ વિચારે, પોતાની શક્તિઓ અને અપેક્ષાઓને ખીલવવા માટેની ઉમરે જ,  સંતાનોની સ્વપ્રેરણા કુંઠિત થઈ જાય એવું પણ બને. એવા દાખલાઓ પણ જોવા મળતા જ હોય છે કે સંતાનોના અપરિપક્વ કે ઉતાવળા નિર્ણયો દ્વારા, કે બેજવાદાર અને ઉડાઉ આદતોને કારણે, વારસામાં મળેલી મિલ્કત રોળાઈ ટોળાઈ જતી હોય છે.

એકંદરે, સંતાનો માટે મિલ્કત મુકી જવાની સામુહિક મનોદશા એક તરફ એવા લાભથી વંચિત વર્ગને અસમાન પરિસ્થિતિમાં મુકી શકે છે તો વારસામાં મળતી સંપતિવાળાં સંતાનો માટે, ખરેખરની તેમજ દેખાદેખીની, હરિફાઈની પરિસ્થિતિ પેદા કરી મુકી શકે છે.

આમ, સંતાનો માટે મિલ્કત મુકી જવાનો વિચાર સંતાનોને મન શાંતિ અને સુરક્ષાની ભાવના નીવડવા કરતાં આપણાં મનને વધારે શાંતિ આપતો નીવડે.

વારસા દ્વારા સંપત્તિના હસ્તાંતરણને કારણે ભવિષ્યની પેઢીમાં ઊભી થનારી આર્થિક અસમાનતા સમાજના જુદા જુદા સ્તરનાં લોકોમાં સામાજિક ઘર્ષણનું કારણ બનતું નીવારવા માટે ઘણા દેશોમાં વારસા વેરો લાગુ કરવામાં આવતો હોય છે. વધારે સંપતિ ધરાવનાર અને ઓછી સંપતિ ધરાવનાર વર્ગો વચ્ચે અસમાનતા ઓછી કરવાના સારા આશયથી લાગુ કરાતો વારસા વેરાને કારણે લોકોની વ્યક્તિગત જિંદગીમાં થતી અપેક્ષિત તેમજ વણકલ્પેલી સારી તેમ જ અવળી આડ અસરો એ વળી વ્યક્તિગત અર્થવ્યવસ્થા માટે વિગતે વિચારવા લાયક એક સ્વતંત્ર વિષય બની રહે છે !

વર્તમાન ચર્ચાના સંદર્ભમાં તો એટલું જ નોંધવું પૂરતું કહી શકાય કે જરૂર કરતાં વધારે નાણાકીય સંપત્તિ નવી પેઢીની કલ્પનાશક્તિ અને સાહસવૃત્તિને કુંઠિત કરી મુકવાનાં જોખમની પરિસ્થિતિ પેદા કરી શકે છે. આમ થવાની એક મહત્ત્વની અસર એ પડી શકે છે કે નવી પેઢી મિલ્કત રચયિતા બનવાને બદલે મિલ્કત ઉપભોગતા બની રહે છે. ભૌતિક અને માનસિક રીતે સુસજ્જ, સશક્ત અને સ્વસંપોષિત સમાજને મિલ્કતના ઉપભોગતાઓ કરતાં મિલ્કતના રચયિતાઓની આવશ્યકતા વધારે છે. વ્યક્તિગત રીતે પણ એ પેઢીને પોતાની ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા માટે હજુ પણ વધારે સંપત્તિની જ જરૂર રહેવાની છે.

જીવનની અર્થવ્યવસ્થાનો એક બોધપાઠ તો એ જ છે કે આપણી વ્યાખ્યા મુજબનાં સુખ માટે આપણે પોતે, પોતાની રીતે, પોતાની અર્થવ્યવસ્થા ગોઠવવાની છે તેમ જ નવી પેઢીએ પોતાનાં સુખની પોતાની વ્યાખ્યા અનુસાર પોતાની અર્થવ્યવસ્થાને સમજવાની અને ગોઠવવાની છે. જીવનની અર્થવ્ય્વસ્થાની સાચી સમજ એ છે કે આપણે આપણી પેઢીને ભવિષ્ય માટે નાણાકીય સંપતિનો વારસો આપવાને બદલે તેમને પોતાનાં સમયની સ્પર્ધામાં સરસાઈ મેળવતાં રહેવા માટે જરૂરી આવક, બચત અને મિલ્ક્ત ઉપાર્જન માટે, જ્ઞાન, સમજણ અને તાલીમ દ્વારા, સામર્થ્યવાન બનાવીએ. આપણી મિલ્ક્તનાં ઉપાર્જન પ્રક્રિયામાંથી આપણને મળેલા જીવનના અનુભવો આપણી નવી પેઢીને કામ આવે એ રીતે વારસામાં આપી જઈએ.

હવે પછી આપણે નાણાકીય મિલ્કતની વહેંચણી વિશે વાત કરીશું.


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.