સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

૧૯ મહિનાની ઉંમરે એક વિચિત્ર માંદગીના કારણે જેમણે દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દીધા હતા તે હેલન કેલરનું નામ કોણ નહિ જાણતું હોય? હિંમત હાર્યા વિના દૃઢ સંકલ્પના બળે તેઓ કેવી રીતે ભણ્યા તેની એક રોમાંચક કથા પણ એટલી જ જાણીતી છે. વાત માત્ર આટલી જ હોત તો પણ ઇતિહાસે તેની નોંધ લેવી જ પડતી. પરંતુ તેઓ આગળ વધીને વિદ્વાન બન્યા પછી દેશ અને દુનિયાની ગતિવિધિમાં ઊંડો રસ લઈને શોષિત વર્ગના હામી બન્યા. આપણને તેમના વિચારોની પ્રત્તીતિ તેમણે ૫ જાન્યુઆરી ૧૯૧૬ના દિવસે ન્યુયોર્કમાં આપેલા યાદગાર પ્રવચનથી થાય છે. આ પ્રવચન તેમણે ‘વીમેનસ પિસ પાર્ટી’ અને ‘લેબર ફોરમ દ્વરા’ યોજાયેલા એક સંયુક્ત કાર્યક્રમમાં ન્યુયોર્કના કાનુગી (Carnegie) હોલમાં આપેલું. યાદ રહે કે આ સમય પ્રથમ વિશ્વયુદ્ધનો હતો અને દુનિયા આખીમાં રાષ્ટ્રવાદ ઉફાણે ચડ્યો હતો. આ વખતે આ પ્રવચન આપવું એ બહુ મોટી હિંમત માગી લે તેવું કામ હતું. અહીં તેમનાં એ યાદગાર ભાષણના અંશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હેલન કેલર કહે છે,
‘પહેલા તો મારે કેટલાક સંપાદકો અને મારા હિતચિંતક એવા મિત્રોને કહેવા માગું છું. તેઓ એમ માનીને મારી દયા ખાય છે કે હું કેટલાક સિદ્ધાંતવિહોણા લોકોના વ્યર્થ વિચારો અપનાવીને તેમના હાથનું પ્રચારક રમકડું બની ગઈ છું. પરંતુ મિત્રો તમે બરાબર સમજી લો કે મારે તમારી દયાની જરૂર નથી. હું જે કહી રહી છું તે બાબતે સંપૂર્ણ સભાન છું. મારી પાસે માહિતીના સ્રોત્રો અન્ય કોઈપણ જેટલા જ વિપુલ અને ભરોસાપાત્ર છે. કદાચ તમારા બધા કરતા વધારે છે. હું ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને જર્મનીથી પણ પ્રગટ થતાં વર્તમાન પત્રો અને સામાયિકો મારી જાતે જ વાંચું છું. આટલું કદાચ છાપાઓના તંત્રીઓ કે સંપાદકો પણ નહિ વાંચતા હોય. તેઓ માત્ર જર્મન અને ફ્રેંચ ભાષાના વાસી થયેલા સમાચાર ઉપર જ આધાર રાખતા હશે. જો કે તેમને હું જરા પણ ઓછા આંકતી નથી. કારણ કે તેઓ કામના બોજા હેઠળ લદાયેલા હોય છે તથા તેમની પરિસ્થિતિનો અને તેમના વિષે લોકોને ભાગ્યે જ સાચો ખ્યાલ હોય છે.
મિત્રો હું તમારી સીગારેટ સળગે છે કે નહિં તે ભલે જોઈ શકતી ન હોઉ, પરતુ તમારે માટે જે શક્ય જ નથી તે અંધારામાં સોય પરોવી શકતી હું કોઇના પણ પક્ષે બેસી જવાને બદલે માત્ર સત્યને જ લક્ષ્યમાં રાખું છું.
આજની શક્તિશાળી અને પડકાર ઝીલવા હંમેશા સજ્જ એવી સીસ્ટમ અને આર્થિક વ્યવસ્થાની સામે મેં લડાઇનું બ્યુગલ ફૂંક્યું છે. હવે આરપારની લડાઇ વિના બીજો કોઈ વિકલ્પ જ નથી. જો કે મારી આ લડાઇ સામે સ્થાપિત વ્યવસ્થા સક્રિય થઈ જ ચૂકી છે, તેનો ખ્યાલ તમને કામદારોના શોરગુલ અને આંદોલનો સામે તેમના વધારે ઉંચા અવાજ પરથી આવી જ જશે. તેઓ કામદારોને કેવો સુફિયાણો ઉપદેશ આપે છે તે સાંભળો.
“દેશપ્રેમી અને મિત્રો એવા સાથી કામદારો, તમે જાણો છો કે તમારો દેશ આજે કેવા સંકટમાં મૂકાયો છે. આપણી ચોતરફ એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રોની પાર જ્યાં જુઓ ત્યાં શત્રુઓ જ શત્રુઓ છે. તમે જુઓ તો ખરા કે બેલ્જિયમની શી દશા થઈ છે? સર્બિયામાં પણ આમ જ થવા બેઠું છે. એ તો ઠીક તમારા પોતાના વતનની આઝાદી પણ જોખમમાં છે. આવી હાલતમાં તમે તમારા અપૂરતા વેતનનું ગાણું ગાઈ રહ્યા છો? એવામાં જર્મની જો ફાવશે અને જે દોજખભરી સ્થિતિમાં આપણો દેશ મૂકાશે તેની સરખામણીમાં તમારી સ્થિતિ તો ખૂબ જ બહેતર છે. માટે તમારા રાષ્ટ્રની રક્ષા માટે એક આઝાદ અને ઝિંદાદિલ નાગરિક તરીકે આક્રમકોને મારી હઠાવવા માટે તમે સજ્જ થઈ જાઓ”
મને ડર છે કે આ વખતે પણ કામદારો આ લોકોની શબ્દજાળમાં સપડાઇને મૂર્ખ સાબિત થશે. કારણ કે લોકો આ પ્રકારની વાક્પટુતાથી હંમેશા અંજાઈ જતા હોય છે. કામદારોના ખરા શત્રુ તો તેમના માલિકો જ છે. તેમના નાગરિકત્વની સાબિતી આપતું પતાકડું તેમના સ્ત્રીબાળકો કે તેમની પોતાની સલામતીની ખાતરી કદી આપતું નથી. તેમનો કઠોર પરિશ્રમ અને સતત સંઘર્ષમય જીવન એ તો તેમના માલિકોના હિતો માટે છે, નહીં કે તેમના પોતાના હિત માટે. તેઓ બહાદુર હોવા છતાં ગુલામો જ છે.
ઉચ્ચ સ્થાને બિરાજેલા લોકો મૂર્ખતા કહી શકાય તેટલી હદના કામદારોના ભોળપણને બરાબર જાણે છે. તેમને ખાતરી છે કે આ લોકોને ગણવેશ પહેરાવીને એક હાથમાં રાયફલ અને બીજા હાથમાં ધ્વજ પકડાવી દઈશું તો શૂરવીર બનીને લડાઇમાં ઝંપલાવી દેશે અને મોતના મુખમાં ધસી જતા ડરશે નહિ. પણ આનાથી શું મળશે? તેમના જેવા અન્ય લાખો લોકોનું જીવન દોજખમય બની જશે. સેંકડો વર્ષોના પરિશ્રમથી મેળવેલી સિદ્ધિઓ પળ માત્રમાં ભસ્મીભૂત થઈ જશે. ખરેખર તો તમારાં સ્ત્રી અને બાળકોને રોટી, કપડા, શિક્ષણ સહિતની સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય તો જ તમારા બલિદાનની સાર્થકતા છે.
હું માનું છું કે આ જગતમાં સ્વાર્થરહિત કોઇ વર્ગ હોય તો તે કામદાર વર્ગ છે. તેમની શહાદત તો અન્ય લોકો માટે હોય છે. તેઓ જેને દેશ માને છે તે તેમનો પોતાનો નહિ પણ માલેતુજારોનો છે. કામદારો માત્ર સત્તાધારીઓની જ આઝાદી અને સુખચેન માટે લડે છે. પોતે તો સ્વતંત્ર છે જ નહિ. તેમના લમણે તો દિવસના આઠથી બાર કલાકની થકવી નાખતી મજૂરી જ લખાઈ છે. જીવન જીવી શકાય તેટલું અલ્પ વેતન પ્રાપ્ત કરવા જેટલા પણ તેઓ સ્વતંત્ર નથી. તેમના બાળકો કારખાનાઓમાં કામ કરીને ભૂખે મરતા વેઠિયા જ છે. તેમની સ્ત્રીઓએ શરમજનક વ્યવસાયોમાં જોતરાવું પડે છે. જો તેઓ માનભેર જીવવા માટે યોગ્ય મહેનતાણું માગશે તો તેમને જેલનો દરવાજો બતાવવામાં આવશે.
લખી રાખજો કે જ્યાં સુધી કાયદાના ઘડવૈયાઓ શોષિતોનું હિત જોયા વિના પોતાના જ હિતમાં કાયદાઓ બનાવશે ત્યાં સુધી કામદારોને માત્ર મતદાન કરવાથી શોષણમાંથી મુક્તિ નહિ મળે. વળી આ દૃષ્ટિથી જોઈએ તો વિશ્વમાં કોઇ પણ દેશ આઝાદ અને પ્રજાસત્તાક નથી. સામાન્ય લોકો તો જેની પાસે પાશવી સૈન્યબળ છે તેની શરણાગતિ સ્વીકારી લેતા હોય છે. સમરાંગણમાં પોતાના જ બાંધવોની લાશો ઢળી રહી હોય છે ત્યારે તેઓ શક્તિશાળી લોકોની જમીન ખેડી રહ્યા હોય છે અને પોતાના પરિશ્રમનું ફળ તેમને મળતું નથી હોતું. કઠોર પરિશ્રમ કરીને તે લોકો ઉંચા મહેલમિનારા, પિરામિડો કે દેવળોનું નિર્માણ કરે છે પણ તેમની પોતાની સ્વાતંત્ર્ય દેવી તો આ ઇમારતોમાંથી તો ગાયબ જ હોય છે.
સભ્યતાઓ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ વધુ સંકુલ બનતી જાય છે અને કામદારો વધુ ને વધુ ગુલામ બનતા જાય છે. આજે તો તેઓ પોતે જે યંત્રો ચલાવે છે તેના નિજીવ પૂર્જા બની ગયા છે. ગગનચૂંબી ઈમારતો કે રેલરસ્તા બાંધતી વખતે, ગોદીમાં, ખાણમાં કે સાગરમાં કામ કરતી વખતે તેઓ સતત મોતના ઓથાર નીચે જીવતા હોય છે. તેઓ દૂર દૂરથી વાહન હંકારીને આપણા ભોગવિલાસ માટેના સાધનો લઈ આવે છે, તેના બદલામાં તેમને વેતન તો નજીવું મળે છે.
કામદાર મિત્રો, તમારે સંગઠિત થઈને તમારા જીવનને નવો ઓપ આપવાનો છે. આ કામ કદી કોઈ સરકાર કે સત્તાએ કશું કર્યું નથી. હા, જર્મનોએ પાશેરામાં પૂણી જેટલું કામ કર્યું છે. તેમને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરીને સ્વચ્છ વસાહતોમાં આશ્રય આપ્યો છે અને જીવવા માટે પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, દવાઓ વગેરે પુરી પાડી છે. પરંતુ તેની પાછળ તેમનો હેતુ તો મજબૂત સૈનિકો તૈયાર કરવાનો છે.
માટે તમારે જરૂર છે તંત્રનું નાક દબાવીને તમારી આવશ્યકતાઓ મેળવી લેવાની. “બિચારી સરકાર આવું કરી શકશે કે નહિ” એવા વ્યર્થ વિચારો ન કરો. ખરેખર તો યુદ્ધ દરમિયાન બધી જ સરકારોએ આ કરેલું છે. વળી એ પણ હકીકત છે કે પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગો તો ખાનગી સાહસો કરતા જાહેર સાહસોથી જ વધું સારી રીતે ચાલ્યા છે.
આથી તમારી ફરજ બની રહે છે કે વધુ ક્રાંતિકારી પગલાઓ પર ભાર મૂકવો. તમારે એ જોવું જોઈએ કે કુમળા બાળકોએ કારખાના, ખાણ કે સ્ટોરમાં કામ કરવું ન પડે. તેમને એવાં કોઈ સ્થળે રહેવું ના પડે કે જ્યાંનું વાતાવરણ પ્રદુષિત અને ગીચ વસ્તીથી ભરેલું હોય. તમારે એ જોવાનું છે કે દેશના કોઈપણ ખૂણે જન્મેલું બાળક સારા લાલનપાલન, સારા શિક્ષણ કે સારી તબીબી સારવારથી વંચિત ન રહે.
તમે વિશ્વશાંતિનો ભંગ કરતા યુદ્ધો અને યુદ્ધખોરો સામે આહલેક જગાવો. તમારા વિના કોઈપણ દેશ લડાઇ લડી શકે તેમ નથી. તમે યુદ્ધ સામે જેહાદ પુકારો કારણ કે યુદ્ધનું કામ તો તમારી વર્ષોની મહેનત પછી કરેલા નિર્માણને ક્ષણ માત્રમાં ભસ્મીભૂત કરવાનું છે. ઝેરી ગેસ, બોંબ કે યુદ્ધના અન્ય હથિયારો બનાવતા કારખાના સામે તમારો અવાજ બુલંદ કરો અને વિનાશ માટેની ગુલામી છોડીને નવનિર્માણ માટેના નાયકો બનો.”
(નોંધ : સૌ પ્રથમ મને ઉપરોક્ત માહિતી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ ૧૨ના અંગ્રેજી સેકન્ડ લેન્ગ્વેજના પાઠ્યપુસ્તકમાંથી મળી અને ત્યાર પછી ગૂગલમાંથી પણ વિશેષ માહિતી મળી જેનો મેં ગુજરાતીમાં અનુવાદ કરવા પ્રયાસ કર્યો છે. આથી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને ગૂગલ ગુરુનો આભાર માનું છું)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
