સંવાદિતા
કેટલાક ફિલ્મ વિવેચકોના મતે ઋત્વિક ઘટક અને મૃણાલ સેન ફિલ્મ સર્જક તરીકે મહાન સત્યજીત રાયની સમકક્ષ જ હતા
ભગવાન થાવરાણી
ફિલ્મોના વિશ્વ – ફલક પર ભારતને નામના ભલે સત્યજીત રાયના કારણે મળી હોય પરંતુ ફિલ્મોની ગુણવત્તા અને વિષય વૈવિધ્યને ધ્યાનમાં લઈએ તો બંગાળના જ ઋત્વિક ઘટક અને મૃણાલ સેન એમનાથી સ્હેજે કમ નહોતા. આજે પણ ઘણા ફિલ્મ વિવેચકો એમને સમાન સ્તરે મૂલવે છે. આજે વાત કરીએ આ મૃણાલ સેનની કુલ ૨૭ ફિલ્મોમાંની એક, ૧૯૮૨ માં નિર્મિત ‘ ખારિજ ‘ ફિલ્મ વિષે. ઉર્દુ / અરબી શબ્દ ખારિજનો અર્થ થાય નિષ્કાસિત, બહિષ્કૃત કે રદબાતલ. એ શબ્દનો અપભ્રંશ ‘ ખારેજ ‘ પણ ગુજરાતીમાં વપરાય છે. અહીં એવા લોકો વિષેની વાત છે જે ઉવેખાયેલા છે, રદબાતલ ગણાયા છે, જે મુખ્ય પ્રવાહથી અનેક કારણોસર ખારેજ થયા છે.

ફિલ્મ બંગાળી લેખક રમાપદ ચૌધરીની એ જ નામની નવલકથા પર આધારિત છે. ( એમની જ અન્ય વાર્તાઓ પરથી મૃણાલ સેને ‘ એક દિન અચાનક ‘ અને તપન સિંહાએ ‘ એક ડોક્ટર કી મૌત ‘ બનાવેલી. )
વાત છે મધ્યમ વર્ગીય પરંતુ ખાધેપીધે સુખી નોકરિયાત દંપતિ અંજન સેન ( અંજન દત્ત ) અને મમતા સેન ( મમતા શંકર ) ની. બન્ને ભાડાના મકાનમાં નાનકડા પુત્ર સાથે રહે છે. ઘરકામ માટે એ લોકો એક તેર વર્ષના જરૂરતમંદ છોકરા પાલનને નોકરીએ રાખે છે. ત્રીસ રુપિયા મહિનો પગાર અને રહેવા, ખાવા-પીવાનું ‘ મફત ‘ ! સૂવાના થોડાક કલાકો સિવાય પૂર્ણ સમયની નોકરી અને સૂવાનું ફ્લેટના ભોંયતળિયે આવેલા દાદરા નીચે. એનો ગરીબ બાપ દર મહિને ગામડેથી આવીને દીકરાનો પગાર લઈ જાય. સેન દંપતિ માટે આ છોકરો પણ જાણે અન્ય કોઈ વપરાશની ફ્રીજ, ટીવી કે એસી જેવી ચીજ જેવી ઉપયોગી સગવડ છે.
એક દિવસ અચાનક એક દુર્ઘટના બને છે. અતિશય ઠંડીના કારણે પાલન શેઠ – શેઠાણીની જાણ બહાર મોડી રાતે ઘરના રસોડામાં અંદરથી બારણું વાસી સુઈ જાય છે અને સવારે ત્યાંથી મૃત અવસ્થામાં મળે છે. રસોડામાં સળગતી રહી ગયેલી સગડી અને એમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઈડ હૂંફને બદલે એના મોતનું કારણ બને છે. કમનસીબે રસોડામાં કોઈ હવાબારી પણ નહોતી.
હવે શરુ થાય છે ખરી વાર્તા . સેન દંપતિ પોતાને નિર્દોષ અને આદર્શ સાબિત કરવા જે કવાયત આદરે છે, જે હવાતિયા મારે છે એની કથની. આ પ્રકારના લોકોથી આપણે સૌ પરિચિત છીએ. ભીરુ, સમાજમાં પોતાની આબરૂ વિષે ચિંતિત, દૂધ અને દહીંમાં પગ રાખનારા, પોતાના હિત અને સ્વાર્થને સર્વોપરી માનનારા, દયાવાન – સહૃદય હોવાનો દંભ કરનારા પણ કટોકટી વખતે મોઢું છુપાવનારા ! સ્વાભાવિક રીતે સમગ્ર ઘટનામાં ડોક્ટર, પોલિસ, પોસ્ટમોર્ટમ પ્રવેશે છે. અડોશીપડોશીમાંના કેટલાક એમની વહારે આવે છે તો કેટલાક ટીકા કરે છે. તાણમાં આવી આ મૂળભૂત રીતે પ્રેમાળ દંપતિ પણ એકબીજાનો દોષ કાઢવા પર ઊતરી આવે છે. એ લોકોને લાગે છે કે મોટી ભૂલ તો મકાનમાલિકની. એણે રસોડામાં વેંટીલેશન જ ન રાખ્યું !
ફિલ્મમાં ડગલે ને પગલે આર્થિક અસમાનતાને કારણે ઊભા થયેલા અને હજૂ પણ વિદ્યમાન વાડા દ્રષ્ટિગોચર થાય છે. પાલન ગૂંગળાઈ ગયો એ રાતે એ છેલ્લા શોમાં ફિલ્મ જોવા ગયેલો. એ માટેના પૈસા એની પાસે ક્યાંથી આવ્યા એની ચર્ચામાં સંભ્રાંત વર્ગમાંનુ કોઈક કહે છે ‘ આ લોકો તો ગમે ત્યાંથી પૈસાનો મેળ કરી જ લે ! ‘ અહીં પણ ‘ આપણે ‘ અને ‘ એ લોકો ‘ ! પાલનના અંતિમ સંસ્કારમાં પણ આ વર્ગભેદ ઊડીને આંખે વળગે છે. ચિતાની એક બાજુએ ગામડેથી આવેલા પાલનના પિતા, એનો પરિવાર અને પાલનની જેમ આજુબાજુના ઘરોમાં વૈતરું કરતા છોકરાઓનું જૂથ તો બીજી તરફ સાવ અળગા અંજન, એના મકાનમાલિક અને એમના ઉચ્ચભ્રૂ સાથીઓ ! વળી એ લોકો અંતિમવિધિમાં પણ નામમાત્રની હાજરી પૂરાવી ભાગી છૂટે છે !
ફિલ્મમાં એક બુદ્ધિજીવી કહેતો સંભળાય છે કે આ બાળમજૂરીની સમસ્યા અંગે રાષ્ટ્રીય સેમિનારો થવા જોઈએ ! મૂળ મુદ્દો છે મધ્યમ વર્ગની પલાયનવાદી, સ્વાર્થી અને ડરપોક માનસિકતાનો. અહીં પાલન પર કોઈ જોરજુલમ અને જબરજસ્તી થયા નથી પણ કરુણતા પણ એ જ છે કે ‘ પોતે કેટલા સારા છે, કેવા માનવીય છે, એને કુટુંબના છોકરા જેમ રાખ્યો ‘ જેવી આત્મતુષ્ટિના અંચળા હેઠળ મૂળ વાતને ઠેકાડી દેવાય છે . પોલીસ તપાસ દરમિયાન ખબર પડે છે કે એમને પાલનનું આખું નામ કે સરનામું ખબર જ નથી ! વકીલની સલાહ લેવા ગયેલ અંજન ઠાવકાઈથી કહે છે કે છોકરો અમારા કુટુંબના સભ્ય જેવો જ હતો . હકીકતમાં ફિલ્મમાં ડગલે ને પગલે એ લોકો પોતાના દીકરાના ઠાઠમાઠની કેવી કાળજી લેતા એ વિરોધાભાસ દર્શાવાયો છે. એમનું બાળક જ્યારે નિર્દોષભાવે ‘ પાલન ક્યાં ગયો ? ‘ એવું પૂછે છે તો ઉડાઉપણે ‘ એ તો છે જ તોફાની, પોલિસ એને લઈ ગઈ છે. ‘ એવું સમજાવવામાં આવે છે !
પોતાને નિર્દોષ ઠેરવવાની હાયવોયમાં એ લોકો એ પણ ભૂલી જાય છે કે પાલનનો મૃતદેહ હોસ્પીટલમાં પડ્યો છે અને પાલનના કુટુંબીઓને આ ઘટનાની જાણ કરવાની છે. એ યાદ આવતાં એમને એ ભય ઘેરી વળે છે કે પાલનના કુટુંબીઓ પ્રતિશોધ લેશે, વળતરની માગણી કરશે, કોર્ટ – કચેરીનો આશરો લેશે. બન્ને પતિપત્ની એક વાર પણ ભેગા બેસીને એ ચર્ચા નથી કરતા કે એમનાથી ભૂલ શું થઈ કે એક નિર્દોષનો જીવ ગયો ! પોતાને બચાવવા અંજન તો પોલિસ આગળ એવી આશંકા પણ વ્યક્ત કરે છે કે પાલન કોઈક રોગથી પીડાતો હોવો જોઈએ !
પુત્રના સમાચાર સાંભળી પાલનના પિતા આવે છે ત્યારે અંજનને એક મહાશય એવી સલાહ આપે છે કે કોઈ પણ સંજોગોમાં એમને ઘરે જ રાખજે, બહાર જવા ન દેતો નહીંતર ‘ એમના વાળા ‘ એને આડુંઅવળું સમજાવી ગેરમાર્ગે દોરશે . સંવેદનશીલતાનો કેવો અભાવ ! એ લોકો પાલનના પિતાના સૂવાની વ્યવસ્થા પોતાના દીવાનખાનામાં કરે છે ત્યારે એમને યાદ આવે છે કે આપણી પાસે વધારાનો ધાબળો તો હતો જે આપણે ક્યારેય પાલનને આપ્યો નહીં. પોલિસ, ડોક્ટર અને વકીલ પણ એમની સાથે છે અને તત્પર છે કે ‘ નૈતિક સત્ય પર કાયદાનું જૂઠ ‘ વિજયી બને !
ફિલ્મના અંતિમ દ્રષ્યમાં પાલનનો અગ્નિદાહ પતી ગયા પછી પાલનના પિતા અને કુટુંબીઓ અંજનના ઘરે આવે છે ત્યારે બધા મનોમન ફફડાટ અનુભવે છે કે આ લોકો કોઈક બખેડો ઊભો કરશે પણ એ લોકો તો વિનીતભાવે આભાર માની ચાલ્યા જાય છે. ફિલ્મકાર મૃણાલ સેને મૌન અને અલ્પોક્તિના હથિયારથી આ દ્રશ્યને ગજબનું ધારદાર બનાવ્યું છે. સમગ્ર ફિલ્મ પણ આવા સંયમ અને સંવેદનશીલતાના નાજુક લસરકાઓથી પ્રેક્ષણીય બની છે.
મૃણાલ સેન પર આ ફિલ્મ સંદર્ભે આક્ષેપ હતો કે એમણે ઉપેક્ષિત અને કચડાયેલા વર્ગ પ્રત્યે જોઈતી હમદર્દી દાખવી નથી. ખરેખર તો ફિલ્મના અંતમાં હાથ જોડી સૌની વિદાય લેતા પાલનના પિતાએ અંજનને સણસણતો તમાચો ચોડી વિદાય લેવી જોઈતી હતી. મૃણાલ સેનનો જવાબ હતો ‘ પિતા મૂંગેમૂંગા જતા રહે છે એ શું અંજન, મારા અને તમારા મોઢે મરાયેલો તમાચો નથી ! ‘
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
