તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જૂન, ૧૯૪૦માં સુભાષચંદ્ર બોઝે સાવરકરના મુંબઈ ખાતેના નિવાસસ્થાને તેમની ઓચિંતી મુલાકાત લીધી હતી અને એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝની કોલકાતાના તેમના નિવાસસ્થાનેથી ગુપ્ત રીતે ગુમ થઈ જર્મની ભાગી જવાની યોજના સાવરકર-બોઝ વચ્ચેની આ મુલાકાત દરમિયાન ઘડવામાં આવી હતી.
ખરું પૂછો તો આ મુદ્દે કે’દીનો લખું લખું છું : ગઈ છઠ્ઠી જાન્યુઆરીએ રા. રા. રણદીપ હુડાએ યરોડા સેન્ટ્રલ જેલથી મુક્તિ શતાબ્દી યાત્રાને લીલી ઝંડી આપ્યાનું જાણ્યું ત્યારે ખયાલ આવ્યો કે આ ભાઈ તો સાવરકર જીવનચિત્ર (બાયોપિક)નું મુખ્ય માણસ છે. દરમ્યાન, જાણ્યું કે હવે બાવીસમી માર્ચે તે ફિલ્મ પ્રેક્ષકવગી થશે.
સાવરકર બાયોપિકની એક ભૂમિકા ચોક્કસ હોઈ શકે. કાળાં પાણીની યાતનામયી કેદ, ત્યાંથી વતન આંગણે ચાલુ જેલવાસ- જુલાઈ ૧૯૧૧થી મે ૧૯૨૧ અંદામાન, ’૨૧-’૨૩ અલીપુર ને રત્નાગીરી જેલવાસ, ને અંતે યરોડા જેલમાંથી ૧૯૨૪ની છઠ્ઠી જાન્યુઆરીએ મુક્તિ, રત્નાગીરી જિલ્લાબંધીના ધોરણે. અંદામાન પૂર્વે છાત્ર દિવસોથી ક્રાંતિકારી રુઝાન, આગળ ચાલતાં ઈન્ડિયા હાઉસ (લંડન)નું રોમહર્ષક પર્વ, ગોરી સામ્રાજ્યધાનીમાં 1857ની શતાબ્દીની ધરાર ઉજવણી, ચોક્કસ જ એક અપીલકારી પૂર્વરંગ છે.
મુશ્કેલી ત્યાં છે કે હાલના સત્તાવિમર્શમાં એમની કદ સે જ્યાદા, હદ સે જ્યાદા પ્રતિષ્ઠાની હોડ મચી છે. તેમાં ઈતિહાસવિવેકનું હોવું ન હોવું અસ્થાને છે. જેમકે, હુડાની આવતે મહિને આવી રહેલી ફિલ્મની જે આગોતરી ખાટીમીઠી (ટીઝર) આપણી સામે છે એમાં સાવરકર સહસા સુભાષબાબુ, ભગતસિંહ અને ખુદીરામ બોઝના પ્રેરણાપુરુષરૂપે જાહેર થાય છે. આ ચાર પૈકી એકેના અધિકૃત ઈતિહાસકારને નહીં એવી ને એટલી ખબરે ખબર હુડા મહાશયને છે. નેતાજીના પ્રપૌત્ર (મોટાભાઈ શરતચંદ્રની સંતાન પરંપરામાં) ચંદ્ર બોઝ, જે વચ્ચે કેટલોક વખત ભાજપમાં હતા, એમણે લાગલી જ પ્રતિક્રિયા આપી છે કે નેતાજી અને ભગતસિંહ જે સેક્યુલર ભારતનું સપનું લઈને ચાલ્યા હતા એ સાવરકરનું નહોતું. શહીદ ખુદીરામ બોઝના પ્રપૌત્ર સુબ્રતો રોયે કહ્યું છે કે હેમચંદ્ર કાનુનગો, સત્યેન બોઝ, અરવિંદ ઘોષ ને એકંદર અનુશીલન પરંપરામાં ખુદીરામનું ઘડતર થયું હતું. જર્મનીથી નેતાજીનાં પુત્રી અનીતાએ પણ ચીપિયો ખખડાવ્યો છે. અને હા, નેતાજી સ્થાપિત ફોરવર્ડ બ્લોકે પણ હુડાઈ બાબતે સખત નારાજગી દર્શાવી છે.
મુદ્દે, હુડા તો માનો કે એમને તહેદિલ કશુંક વળગણ (ઓબ્સેશન) લાગ્યું કે આડેધડ અધ્ધરપધ્ધર મચી પડ્યા હોય. ફિલ્મ-નિર્માણની પ્રક્રિયામાં એમનાથી જુદા પડેલા દિગ્દર્શક મહેશ માંજરેકરે કહ્યું છે કે જેને અંગે તથ્યની ભોંય ન હોય એવી વાતો- જેમકે, સાવરકર ને ભગતસિંહ રૂબરૂ મળ્યા હતા- હુડા ઘુસાડવા ઈચ્છતા હતા. પ્રશ્ન લબરમૂછ વોટ્સએપ બાળુડાંનો એટલો નથી જેટલો હાલના સત્તાવિમર્શના ખેલંદાઓનો છે.
ઓક્ટોબર ૨૦૨૩માં સરસંઘચાલક મોહન ભાગવતની પ્રસ્તાવના સાથે સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશનર ઉદય માહુરકર ‘વીર સાવરકર : ધ મેન હુ કુડ હેવ પ્રીવેન્ટેડ પાર્ટિશન’ લઈને આવ્યા ત્યારે પ્રકાશન સમારોહમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે સાવરકરને બચાડાને તમે મર્સી પિટિશન વાસ્તે ઠાલા ઝૂડો છો- ખુદ ગાંધીજીએ જ સાવરકર બંધુઓ માટે અરજી કરી હતી. અંદામાનના યાતના દિવસોમાં સાવરકરે માનો કે એક પ્રયુક્તિ તરીકે દયા અરજી કરી હોય, એક કરતાં વધુ વખત કરી હોય (જે ફાઈલબધ્ધ દસ્તાવેજ છે) એમાં ગાંધીજી ક્યાંથી ચિત્રમાં આવ્યા? એમને સજા ૧૯૧૦માં થઈ હતી. ગાંધીજી હજુ તો દ. આફ્રિકામાં બેરિસ્ટર ગાંધીભાઈ હતા. ઉપરાછાપરી અરજીઓના છેવટના હિસ્સામાં ગાંધીપ્રવેશ જરૂર થયો છે. બે સાવરકરભાઈઓ જેલમાં છે અને જે ત્રીજા બહાર છે તે ગાંધીજીને મળ્યા છે અને ભાઈઓને છોડાવવા સારુ કાંક કરો એવી વિનંતી કરી છે. તે સંદર્ભમાં ગાંધીજીએ લીધેલી ભૂમિકા એ હતી કે હિંદની અંગ્રેજ સરકારે બધા રાજદ્વારી કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો છે એનો લાભ સાવરકરભાઈઓને પણ મળવો જોઈએ, કેમ કે વિ. દા. સાવરકરે જેલ અધિકારીઓ મારફતે સરકાર જોગ કરેલ એકાધિક અરજીઓમાં લખ્યું છે કે હું તો તમારો ‘પ્રોડિગલ સન’ છું. ક્યારેક ભલે જે માનતો કે કરતો હોઉં પણ હવે તો હું બંધારણીય રસ્તે કામ કરવામાં માનું છું. મતલબ, હવે એ ક્રાંતિકારી (ત્યારના પ્રયોગ પ્રમાણે ‘ટેરરિસ્ટ’) નથી પણ રાજકીય પ્રવૃત્તિકારની એમની ભૂમિકા છે.
હવે જો સાવરકર આમ કહેતા હોય તો સરકારે અન્ય રાજકીય કેદીઓની જેમ એમને પણ ‘એમ્નેસ્ટી’ (સાર્વત્રિક માફી)નો લાભ આપવો જોઈએ. ‘કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી’માંથી પસાર થતાં આખી વાત તરત સ્પષ્ટ થઈ જાય છે. ૧૯૦૯માં ૨૪મી ઓક્ટોબરે લંડનમાં દ. આફ્રિકાની કામગીરીસર આવેલા ગાંધી, સાવરકર અને મિત્રોના નિમંત્રણથી દશેરા ઉત્સવમાં અધ્યક્ષ તરીકે સામેલ થયા હતા. તે પછી છેક ૧૯૨૭ની પહેલી માર્ચે બંને રત્નાગીરીમાં મળ્યા છે. એ મુકાબલો, એક માન્યતા પ્રમાણે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરી સુધી ખેંચાય છે. કોઈ કોઈ ચરિત્રકાર પણ લંડન બીના અને દિલ્હી ઘટના, એ બે બિંદુઓ પકડીને ગાંધી-સાવરકર મુકાબલાની દાસ્તાં લખવી પસંદ પણ કરતા હોય છે.
તત્કાલીન ઈતિહાસપ્રવાહના સંદર્ભે બંનેનાં વૈચારિક વલણો અને જીવનકાર્યને તપાસીએ તે ઈષ્ટ લાગે છે. ગાંધીહત્યાનો મુદ્દો અસામાન્ય મુદ્દલ નથી. માત્ર, વિચારધારાકીય તપાસને ધોરણે તેમજ વીરતા અને સ્વતંત્રતાની અભિનવ સમજને ધોરણે એમાં અટવાયા વિના ચાલવું અને વીરતાની વ્યાખ્યા જેમ ગોળી મારવામાં તેમ ઝીલવામાંયે રહેલી છે તેવો નવવિવેક કેળવવો એ હાલના કથિત વૈકલ્પિક વિમર્શની દૃષ્ટિએ વધુ પથ્ય થઈ પડશે.વીરતા ને દેશભક્તિ લગારે આથાઅમળાટ વિનાની એટલે કે નિરામય હોઈ શકે? રેશનલિસ્ટ સાવરકર અને આસ્તિક ગાધીને આ રીતે જોવાતપાસવા જેવા છે. ગોડસે હો કે હુડા, એમનું ગજું શું.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૮ – ૨ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
