દીપક ધોળકિયા

આપણે વચ્ચે એક ૧૯૦૯ના શહીદને છોડી આવ્યા છીએ. કથાને સળંગ રાખવા માટે એ જરૂરી  લાગ્યું હતું. પણ એમને ભૂલી નથી ગયા.

મદન લાલ ધિંગડા અમૃતસરના એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા. એમના પિતા રાયસાહેબ દિત્તામલ ધિંગડા પ્રતિષ્ઠાવાન  સિવિલ સર્જન હતા. એમના છ બંગલા હતા. અંગ્રેજો સાથે એમની  મિત્રતા હતી. એમના બધા પુત્રો પણ ઊંચી પાયરીએ પહોંચ્યા. આવા કુટુંબમાં  મદન લાલના રૂપમાં એક વિદ્રોહી પાક્યો.

મદન લાલ આગળ અભ્યાસ માટે  ૧૯૦૬માં લંડન ગયા અને ત્યાં શ્યામજી કૃષ્ણવર્માના સંપર્કમાં આવ્યા અને ઇંડિયા હાઉસ સાથે જોડાયા. ઇંડિયા હાઉસ ભારતથી આવતા વિદ્યાર્થીઓનું મળવાનું સ્થાન હતું. બંગભંગ પછી દેશમાં વાતાવરણમાં ગરમી હતી અને ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજી સત્તા સામે ક્રોધની લાગણી સાથે બ્રિટન આવતા હતા. વિનાયક દામોદર સાવરકર પણ ૧૯૦૬માં જ લંડન પહોંચ્યા. ઇંડિયા હાઉસમાં મદન લાલ અને સાવરકર મળ્યા. મદન લાલ શ્યામજી કૃષ્ણ વર્માના ઉદાર વિચારોથી પ્રભાવિત થયા એટલા જ સાવરકરના સાંસ્કૃતિક વિચારોથી પણ પ્રભાવિત થયા. બ્રિટિશ સરકારે તે પછી શ્યામજી કૃષ્ણ વર્માની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો એટલે એ લંડન છોડીને પૅરિસ ચાલ્યા ગયા. તે પછી મદન લાલ અને સાવરકર સાથે મળીને કામ કરવા લાગ્યા. સાવરકરે અભિનવ ભારત નામની સંસ્થા બનાવી હતી, મદન લાલ એમાં જોડાયા અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી. મદન લાલ અંગ્રેજોની વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા છે એવી પિતાને ખબર મળતાં એમણે મદન લાલને પુત્ર ગણવાનો ઇનકાર કરી દીધો અને એમની સાથેના બધા સંબંધ કાપી નાખ્યા.

થોડા વખત પછી  મદન લાલ ઇંડિયા હાઉસ છોડી ગયા.  કર્ઝન વાઇલી એ વખતના હિન્દુસ્તાન માટેના પ્રધાનનો રાજકીય મદદનીશ હતો. એ ભારતમાં કામ કરી ચૂક્યો હતો. અને મદન લાલના પિતા દિત્તામલનો મિત્ર પણ હતો. લંડન પાછા ગયા પછી એમ કહેવાતું કે એ હિન્દુસ્તાનીઓને જાસૂસ બનાવે છે. મદન લાલ વાઇલીને ઓળખતા હતા અને ખરું જોતાં, એ લંડન આવ્યા ત્યારે વાઇલી પર જ ભલામણનો પત્ર લઈને આવ્યા હતા. હવે એમણે વાઇલીની હત્યા કરવાનું નક્કી કરી લીધું

તે પછી ૧ જુલાઈ ૧૯૦૯ના ભારતીય વિદ્યાર્થીઓના સંગઠનના વાર્ષિક કાર્યક્રમમાં વાઇલી અને એની પત્ની આવ્યાં ત્યારે  મદન લાલ આગળ ધસ્યા અને વાઇલીના મોઢા પર પાંચ ગોળી છોડી દીધી, એમાંથી એક જ આડે ફંટાઈ ગઈ.  તે પછી મદન લાલે આપઘાત કરવા માટે પોતાને જ લમણે પિસ્તોલ ગોઠવી પણ ગોળી છોડે તે પહેલાં જ એમને પકડી લેવાયા. દોઢ મહિનો કેસ ચાલ્યો પણ મદન લાલે પોતાનો બચાવ ન કર્યો. એમણે વકીલ પણ નહોતો રાખ્યો. જો કે એમના પિતાએ વકીલ રાખ્યો હતો પણ વકીલે મદન લાલનો બચાવ કરવાનો નહોતો, માત્ર કેસની કાર્યવાહીમાં હાજર રહેવાનું હતું અને એના સમાચાર અમૃતસરમાં દિત્તામલને મોકલવાના હતા.

કોર્ટે જ્યારે એમની મોતની સજા કરી ત્યારે પણ મદન લાલે જજનો આભાર માન્યો અને કહ્યું કે ” મને દેશની સેવા કરવાનો મોકો મળ્યો.” ૧૭મી ઑગસ્ટે એમને ફાંસી આપી દેવાઈ. એ હસતે મુખે આ દુનિયા છોડી ગયા. દેશની બહાર લંડનમાં હિન્દુસ્તાન માટે મરી ખપનારા એ પહેલા અને એક માત્ર વીર છે.

જો કે એમના પછીની પારિવારિક પેઢી હજી પણ એમના પૂર્વજ રાયસાહેબ દિત્તામલના હુકમને માને છે અને મદન લાલની શહીદીને સો વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અંજલી  આપવાનો કાર્યક્રમ યોજાયો તેમાં ભાગ લેવાનો એમણે ઇનકાર કર્યો હતો.

૦૦૦

સંદર્ભઃ

  1. mygov-999999999590844/pdf
  2. વિકીપીડિયા

દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી