પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ભૂજના પ્રાચાર્ય અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત ઇતિહાસવિદ સંજય ઠાકરે ૧૯૯૨ થી ‘૯૫ દરમ્યાન; મોટા ભાઇ ભરત `કુમાર` ઠાકર સાથે મળી `કચ્છમિત્ર`ની સાપ્તાહિક પૂર્તિ ‘સુરખાબ’માં `ભ્રમણભૂમિકચ્છʼ નામે કટાર લખી હતી. આ કટાર કચ્છના વિવિધ પ્રવાસધામો વિશેની હોવાથી તેમણે એ દરમિયાન કચ્છનો વ્યાપક અને અંતરિયાળ પ્રવાસ ખેડ્યો. એ વખતે અનેક વાવ તેમની નજરે ચડી હતી. મળે એટલી માહિતી એકઠી કરવાનું વલણ અપનાવીને તેઓ વયોવૃદ્ધો, વડીલો તેમજ રસજ્ઞ વ્યક્તિઓને મળીને નોંધો ટપકાવતા રહ્યા હતા. માહિતીનું ભાથું તૈયાર થતાં, તેમણે સાહિત્યોમાં ઉપલબ્ધ સામગ્રી સાથે ખરાઇ કર્યા બાદ કચ્છમિત્રની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં `કચ્છની સેલોર` કટારમાં ૧૫૦થી વધુ વાવ વિશે રજૂઆત કરી હતી. સંજય ઠાકરના આ ઉમદા કાર્યને પુસ્તક સ્વરૂપે સાચવી લેવા ગુજરાતની કલા, સંસ્કૃતિના સંમાર્જન માટે જાણીતા કલાતીર્થ ટ્રસ્ટે રસ લીધો અને કચ્છની વાવ અંગેના દસ્તાવેજીકરણનો આ દળદાર ગ્રંથ ઉપલબ્ધ કરાવ્યો.
પુસ્તકમાં સરેરાશ બેથી ત્રણ પાનનાં કુલ ૧૨૯ પ્રકરણો છે. આરંભિક પ્રકરણમાં વાવની ઉપયોગિતા, બાંધણી તથા સ્થાપત્યકીય અંગો અને વાવના પ્રકારો વિશે સમજ અપાયેલી છે. કચ્છના પ્રતિષ્ઠિત ત્રિમાસિક સામયિક ʻકચ્છ કલામʼમાં વાવના અર્થમાં વપરાતા કચ્છી શબ્દ ʻસેલોરʼ અંગે છેડાયેલા સુંદર ચર્ચાભ્યાસના કેટલાક અંશની વાત બીજા પ્રકરણમાં છે. લેખકે પુસ્તકમાં વાવ માટે ‘સેલોર’ શબ્દ પ્રયોજ્યો છે. ત્રીજા પ્રકરણમાં વાવ સ્થાપત્યો અંગે પ્રસિદ્ધ થયેલાં કેટલાંક પુસ્તકોનો અછડતો પરિચય છે. તેમાં જર્મનીના કલા ઇતિહાસકાર ડૉ. જુટા જૈન- ન્યુબાઉરે ૧૯૭૬-૧૯૭૮ દરમ્યાન ભારતના અને ખાસ કરીને ગુજરાતનાં જળસ્મારકો વિશે સંશોધનકાર્ય અને દસ્તાવેજીકરણ કર્યું અને ૧૯૮૧માં `સ્ટેપવેલ્સ ઑફ ગુજરાત: ઇન આર્ટ એન્ડ હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ` નામે દળદાર પુસ્તકનો ખાસ ઉલ્લેખ છે. ખુદ ગુજરાત સરકારના માહિતી વિભાગે પ્રગટ કરેલા પુસ્તક ʻવિતેલા યુગની વિસરાતી વાવોʼમાં પણ ઉપરના પુસ્તકને ટાંકતાં લેખકે કચ્છની વાવોની ઉપેક્ષા થઇ હોવાનો મત રજૂ કર્યો છે.
પ્રારંભિક ત્રણ પ્રકરણોમાં ઉપરોક્ત માહિતી પીરસ્યા પછી લેખકે કચ્છની વાવોનો પરિચય આપ્યો છે. શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિના મનાતા ધોળાવીરાની વાવ (જેને કેટલાક અભ્યાસુઓ જળાશય અથવા કૂવો કહે છે)થી કરાઇ છે. એ ઉપરાંત વિવિધ સમયગાળામાં નિર્માણ થયેલી દોઢસોથી પણ અધિક વાવોનો સમાવેશ છે. આવી વાવોમાં ભદ્રેશ્વર, કંથકોટની વાવો, ચાવડા વંશના સમયની (ઇ.સ. ૬૯૦-૯૪૨)નિર્માણ થયેલી સિયોત (તા. લખપત)ની સેલોર, શ્રીધરવાળી ભૂજની વાવ (૪૦૦ વર્ષ); ધ્રંગની ખીરસરી સેલોર, આડેશરની વાવ, સંઘાડની વાવ; રાજા અર્જુનદેવનો ઇ.સ. ૧૨૭૨નો શિલાલેખ ધરાવતી રવની સેલોર વગેરે જેવી પુરાણી વાવોનો ટૂંકો પરિચય છે. તેમાં રાવ શ્રી ભારમલજી પહેલાના વખતમાં ઇસ ૧૬૩૨માં શેઠ ધનરાજે બંધાવેલી રામપર-સરવા રોડ પરની વાવ આશરે ૨૦૦ ફીટ ઊંડી છે!
પુસ્તકમાં આ વાવ અંગેની માહિતીઓ જેવી કે, સ્થળનું ભૌગોલિક સ્થાન, સંકલિત કોઇ ઇતિહાસ જો હોય તો તેની જાણકારી; ધાર્મિક અથવા સામાજિક મહત્વ કથા, માન્યતા કે મહત્વ; કોઇ સાહિત્યિક કે ઐતિહાસિક જોડાણ વગેરે અંગેનો પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ વાવોની હાલની માહિતી જેવી કે જળસભર (જીવતી) છે કે સૂકી, ત્યજાયેલી છે કે ઉપયોગમાં; જીર્ણ અવસ્થા છે કે સાબૂત વગેરેનું વર્ણન છે. એ ઉપરાંત વાવોનાં અંદાજિત માપ, સાંકળતા શિલાલેખ ઉપલબ્ધ હોય તો તેનું સતસવીર વર્ણન છે. ક્યાંક ચિત્રોનો પણ ઉપયોગ છે. આજે વાવ ન હોય, પરંતુ જ્યાં એક સમયે વાવ- સેલોર હોય અને લોકગીતોમાં તેનો પડઘો પડતો હોય તો એના ઉલ્લેખ પુસ્તકને રસાળ બનાવે છે.
પુસ્તકમાં વાંચવાથી જણાય છે કે મોટા ભાગે સાદી બાંધણી ધરાવતી સેલોરો છે, પરંતુ સાવ એવું નથી કે કોઇ નકશીકામ જ નથી. જેમ કે, ૩૫૦ વર્ષ પુરાણી બિદડાના પીપલેશ્વર મંદિરની સેલોરમાં ગણેશ, હનુમાનજીની પ્રતિમાઓ છે, તો મેકરણદાદાના જન્મસ્થળ તરીકે પ્રસિદ્ધ ખોંભડીની સેલોરમાં કેટલાંક શિલ્પસ્થાપત્યો જોવા મળે છે. પુસ્તક વાંચવાથી કેટલીક અચંબિત કરનારી માહિતીઓ પણ સાંપડે છે, જેમ કે કચ્છમાં ચોબારીમાં મોટો વિસ્તાર આવરી લેતી વિજયા પ્રકારની ચૌમુખી વાવ પણ છે. આશ્ચર્યમાં ગરકાવ કરી દે અન્ય બેલાની વણઝારી વાવ છે, જે ખડક કોતરીને બનાવેલી છે! ઉલ્લેખો છે કે વાવના પાણીથી માથાના વાળ ફરી ઉગે છે તથા ચામડીના રોગો મટી જાય છે..એમ પણ કહેવાય છે કે તેના પાણીમાં ક્યારેય જંતુ પડતાં નથી! આવી જ ચકિત કરનારી અન્ય વાવોમાં ગેડીની સેલોર, રતનપર (ખડીર)ની સેલોર,વાઘુરાના ફૂલેશ્વર મંદિરની વાવ, મહાતીર્થ નારાયણ સરોવરમાં (૪૦૦ વર્ષ જૂની) સીતા વાવ છે, જેમાં આજે પણ પાણી ઉપલબ્ધ છે.
બે મુખ ધરાવતી માંડવીની ભદ્રા વાવ જેવી કેટલીકે એવી વાવો છે, જે તાજેતરના વર્ષોમાં નિર્માણ થયેલી છે. તેમાં માથકની વાવ તો હમણાં ૧૯૯૯માં નિર્માણ પામી હતી. આ નિર્માણકાર્યો કચ્છની પ્રજામાં રહેલા પરમાર્થના હેતુને સુપેરે પ્રતિબિંબિત કરે છે.
કેટલાંક વર્ષ પહેલાં પાણીથી ભરી રહેતી અને આજે કોરીકટ રહેતી બિબ્બર સહિતની કેટલીક વાવોનાં વર્ણનોમાં લેખકનો ઝુરાપો જણાઇ આવે છે જે વાચકને પણ વ્યથિત કરે છે.
પુસ્તકમાં છેલ્લે એવી સેલોરોની વિગતો અને ફોટા આપવામાં આવ્યા છે કે જેની કોઇ જાણકારી મળી શકી નથી. પરિણામે વાચક એ અધૂરપથી અવગત રહે છે અને ભવિષ્યમાં વધુ માહિતી ઉપલબ્ધ થાય તો ઉમેરણ કરી શકે છે.
◙ ◙ ◙
વાવ સ્થાપત્ય એ ભારતે વિશ્વને આપેલી અનોખી ભેટ છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં અનેક વાવો જોવા મળે છે. રાજ્ય પુરાતન ખાતાના ભૂ.પૂ, નિયામક મુકુંદ રાવલે નોંધ્યું છે તે મુજબ ફક્ત ગુજરાતમાં જ વાવોની કુલ સંખ્યા ૨૦૦૦ કરતાં પણ છે. તમામ વાવોને આવરી લેતો કોઇ સંદર્ભ ગ્રંથ ઉપલબ્ધ નથી, ત્યારે કચ્છની જાણી અજાણી અનેક વાવો/ સેલોરો વિશેનો આ સુંદર અને માહિતીસભર ગ્રંથ છે. પુસ્તક વાંચવાથી તેના હાલ સુધી જારી રહેલા નિર્માણકાર્યથી ખાતરીપૂર્વક કહી શકાય કે કચ્છની સેલોરો ભલે અલંકૃત નથી, પણ તેમાં પરમાર્થના હીરાનું ગૌરવવંતુ જડતર અવશ્ય છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
કચ્છધરાની વિસ્મૃત વિરાસત- સેલોર-વાવ સ્થાપત્ય : સંજય પી. ઠાકર
પૃષ્ઠસંખ્યા : 334 | કિંમત : (અમૂલ્ય)
આવૃત્તિ પ્રથમ
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : રમણિક ઝાપડિયા, કલાતીર્થ ટ્રસ્ટ; ‘રંગ’ 18, ગજાનન સોસાયટી વિભાગ-3, ગજેરા સ્કૂલની સામે, કતારગામ, સુરત-395004 | સંપર્કઃ +91 98256 64161
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

એક અછૂતા પણ રસપ્રદ બાબત પણ લખાણ બાદ આભાર. આ દસ્તાવેજોની ઐતિહાસિક આંકણી સમજી સાચવામાં આવેછે તે અગત્યનું છે. તેને ઈન્ટરનેટ પર મકવામાં આવે તો તેનો લાભ ઘણા લઇ શકશે. શ્રી સંજયભાઈ ઠાકર નું પુસ્તક વાંચવું પડશે. -નીતિન વ્યાસ
LikeLike