વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

પ્રાચીન શાસ્ત્રોનો અભ્યાસ

વૈશ્વિક કાળ ગણના

ચિરાગ પટેલ

મનુસ્મૃતિ, વિવિધ પુરાણો, સૂર્ય સિદ્ધાંત, ભગવદ્ ગીતા આદિ ગ્રંથોના આધારે આપણે ચાર યુગોની કાળગણના જોઈએ. આ લેખ સંખ્યાઓ અને ગણતરીઓથી ભરપૂર છે, એટલે જેમને ગણિત પ્રત્યે આભડછેટ હોય તેઓ સીધા છેલ્લા ખંડ પર કૂદકો મારે અને ઉલ્ટા ક્રમમાં લેખ વાંચે!

ચાર યુગ કે ચતુર્યુગ એટલે સતયુગ કે કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. આવા ૭૧ ચતુર્યુગ મળીને એક મન્વંતર બને. એક મન્વંતરમાં ૧૨ હજાર દેવ વર્ષ હોય છે. ૧૪ મન્વંતરો તથા એક મન્વંતર સંધ્યાથી એક કલ્પ બને છે. એક મન્વંતર સંધ્યા એક સત્ યુગ જેટલી હોય છે. એક કલ્પ એટલે ભગવાન બ્રહ્માનો એક દિવસ જેમાં લગભગ એક સહસ્ત્ર ચતુર્યુગ હોય છે. ભગવાન બ્રહ્માનું આયુષ્ય ૩૬૦ કલ્પનાં બનેલા એક વર્ષ જેવા ૧૦૦ વર્ષોનું કહેવાય છે, જેને પર કે મહા કલ્પ પણ કહે છે. (આ ગણતરીમાં એક સુધારો મારા અવલોકન પ્રમાણે આગળ હું સૂચવીશ.) એક પરાર્ધ એટલે ભગવાન બ્રહ્માના ૫૦ વર્ષ. ભગવાન બ્રહ્માના દિવસમાં જીવ સૃષ્ટિ વ્યક્ત થાય છે અને તેમની રાત્રિમાં અવ્યક્ત રહે છે. અર્થાત્ ભગવાન બ્રહ્મના ૧ દિન જેટલાં સમય સુધી જીવ સૃષ્ટિનું અસ્તિત્વ હોય છે અને ૧ રાત્રિ સુધી જીવ સૃષ્ટિ અવ્યક્ત રહે છે. પુનઃ નવી જીવ સૃષ્ટિ વ્યક્ત થાય છે અને આમ સૃષ્ટિનું ચક્ર ચાલતું રહે છે. મહાકલ્પ અર્થાત્ બ્રહ્માના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં મહાપ્રલય થાય છે અને બ્રહ્માંડનો અંત થાય છે. અને, નવા બ્રહ્માંડનું બીજ રહી જાય છે. બ્રહ્માના અન્ય ૧૦૦ વર્ષ સુધી એ બીજ નિષ્ક્રિય રહે છે. અને, નવા બ્રહ્માની ઉત્પત્તિ સાથે નવું બ્રહ્માંડ આકાર લેતું જાય છે.

એક દેવ વર્ષમાં ૩૬૦ દેવ દિવસ હોય છે. એક દેવ દિવસ એટલે મનુષ્યોના છ માસનો દિન અને છ માસની રાત્રિ એટલે કે, એક દેવ દિવસ એક મનુષ્ય વર્ષ જેટલો હોય છે. ૧૨,૦૦૦ દેવ વર્ષમાં ૪,૦૦૦ દેવ વર્ષ સત્ યુગ ૪૦૦ દેવ વર્ષ આરંભ સંધ્યા અને ૪૦૦ દેવ વર્ષ અંત સંધ્યા હોય છે. એ જ પ્રમાણે, ત્રેતા યુગના દેવ વર્ષો ૩૦૦ + ૩,૦૦૦ + ૩૦૦ = ૩,૬૦૦ હોય છે. દ્વાપર યુગના દેવ વર્ષો ૨૦૦ + ૨,૦૦૦ + ૨૦૦ = ૨,૪૦૦ હોય છે. કલિ યુગના દેવ વર્ષો ૧૦૦ + ૧,૦૦૦ + ૧૦૦ હોય છે. પ્રત્યેક સંખ્યાને ૭૧ વડે ભાગવાથી એક ચતુર્યુગના વર્ષ મળે છે, કારણ કે ૧ મન્વંતરમાં ૭૧ ચતુર્યુગ હોય છે. એ પ્રમાણે એક ચતુર્યુગ ૬૦,૮૪૫.૦૬૮૮ માનવ વર્ષનો છે.

પ્રત્યેક યુગનો આરંભ દિન નિશ્ચિત હોય છે.

સત્ યુગ -> વૈશાખ શુક્લ તૃતીયા
ત્રેતા યુગ -> કાર્તિક શુક્લ નવમી
દ્વાપર યુગ -> ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશી
કલિ યુગ -> માઘ પૂર્ણિમા

પ્રત્યેક મન્વંતરમાં બ્રહ્મા મનુની ઉત્પત્તિ કરે છે જે અન્ય સર્વે પ્રાણીઓનું સંવર્ધન કરે છે. જે-તે મનુના નામ પર મન્વંતર ઓળખાય છે. પ્રત્યેક મન્વંતરમાં મનુષ્યોની આકૃતિ ભિન્ન હોય છે. જેમ કે, ચાક્ષુસ મન્વંતરમાં મનુષ્યો વર્તમાન વૈવસ્વત મન્વંતરના બિલાડી કુળના પ્રાણીઓ જેવાં હતાં. પ્રત્યેક મન્વંતરના નિર્ધારિત સપ્તર્ષિ હોય છે. મન્વંતરના નામ અને સપ્તર્ષિઓ જોઈએ.

૧. સ્વાયંભૂવ – મરીચિ, અત્રિ, અંગિરસ, પુલહ, ક્રતુ, પુલસ્ત્ય, વસિષ્ઠ
૨. સ્વરોચિષ – ઉર્જા, સ્તમ્ભ, પ્રાણ, દત્તોલી, ઋષભ, નિશ્ચર, અર્વરિવત / ઉર્જા, સ્તમ્ભ, પ્રાણ, વાત, પૃષવ, નિરાય, પરિવન
૩. ઉત્તમ – કૌકુનિધિ, કુરુનધિ, દલય, સાંખ, પ્રવાહિત, મિત, સમ્મિત
૪. તામસ – જ્યોતિર્ધામ, પૃથુ, કાવ્ય, ચૈત્ર, અગ્નિ, વાનક, પિવર
૫. રૈવત – હિરણ્યોર્મા, વેદશ્રી, ઉર્ધ્ધબાહુ, વેદબાહુ, સુધામન, પર્જન્ય, મહામુનિ
૬. ચાક્ષુસ – સુમેધસ, હવિશ્મત, ઉત્તમ, મધુ, અભિનમન, સહિષ્ણુ / સુમેધ, વિરાજ, હવિશ્મન, ઉત્તર, મધુ, સહિષ્ણુ, અતિનામ
૭. વૈવસ્વત (વર્તમાન મન્વંતર) – વસિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, જમદગ્નિ, ભરદ્વાજ, કશ્યપ, ગોતમ
૮. સૂર્ય સાવર્ણ / સાવર્ણિ – દિપ્તિમત, ગાલવ, પરશુરામ, કૃપ, દ્રોણી (અશ્વત્થામા), વ્યાસ, ઋષ્યશૃંગ
૯. દક્ષ સાવર્ણ – સાવન, દ્યુતિમત, ભવ્ય, વસુ, મેધાતિથી, જ્યોતિષ્માન, સત્ય
૧૦. બ્રહ્મ સાવર્ણ – હવિષ્માન, સુકૃતિ, સત્ય, અપમ્મૂર્તિ, નભગ, અપ્રતિમૌજસ, સત્યકેતુ
૧૧. ધર્મ સાવર્ણ – નિશ્ચર, અગ્નિતેજસ, વપુષ્માન, વિષ્ણુ, અરુણી, હવિષ્માન, અનઘ
૧૨. રુદ્ર સાવર્ણ – તપસ્વી, સુતપસ્, તપોમૂર્તિ, તપોરતિ, તપોધૃતિ, તપોદ્યુતિ, તપોધન
૧૩. રોચમાન / દેવ સાવર્ણ – નિર્મોહ, તત્વદર્શિન્, નિશપ્રકંપ, નિરુત્સૂક, ધૃતિમત, અવ્યય, સુતપસ્
૧૪. ભૌતય / ઇન્દ્ર સાવર્ણ – અગ્નિબ્સુ, સૂચિ, ઔક્ર, મગધ, ગૃધ્ર, યુક્ત, અજીત

ત્રીસ કલ્પ દિવસ અર્થાત બ્રહ્માના એક માસના પ્રત્યેક દિવસનું નામ: ૧) શ્વેતવારાહ (વર્તમાન કલ્પ) ૨) નીલલોહિત ૩) વામદેવ ૪) રથન્તર ૫) રૌરવ ૬) દેવ ૭) બૃહત્ ૮) કંદર્પ ૯) સદ્ય ૧૦) ઈશાન ૧૧) તમઃ ૧૨) સારસ્વત ૧૩) ઉદાન ૧૪) ગારુડ ૧૫) કૌર્મ ૧૬) નારસિંહ ૧૭) સમાન ૧૮) આજ્ઞેય ૧૯) સોમ ૨૦) માનવ ૨૧) તત્પુમાન્ ૨૨) વૈકુંઠ ૨૩) લક્ષ્મી ૨૪) સાવિત્રી ૨૫) અઘોર ૨૬) વારાહ ૨૭) વૈરજ ૨૮) ગૌરી ૨૯) માહેશ્વર ૩૦) પિતૃ.

મનુષ્યના વર્ષ સૂર્યની ગતિ પર આધારિત છે, એવા ૧૨ વર્ષના સમયગાળાને બૃહસ્પતિ (ગુરુ ગ્રહ)નું એક ચક્ર કહે છે. આવા પાંચ બૃહસ્પતિ ચક્ર વર્ષો એટલે કે ૬૦ વર્ષોનાં ચક્રને સંવત્સર ચક્ર કહે છે. એ પ્રમાણે સંવત્સર (સૂર્ય વર્ષ)ના નામ: ૧) પ્રભવ ૨) વિભવ ૩) શુક્લ ૪) પ્રમોદૂત ૫) પ્રજાપતિ ૬) આંગિરસ ૭) શ્રીમુખ ૮) ભવ ૯) યુવ ૧૦) ધાતુ ૧૧) ઈશ્વર ૧૨) બહુદાન્ય ૧૩) પ્રમાદી ૧૪) વિક્રમ ૧૫) વિશુ ૧૬) ચિત્રભાનુ ૧૭) સુભાનુ ૧૮) ધારણા ૧૯) પાર્થિભ ૨૦) વિય ૨૧) સર્વજિત ૨૨) સર્વાધારી ૨૩) વિરોધી ૨૪) વિકૃતિ ૨૫) કર ૨૬) નંદન ૨૭) વિજય ૨૮) જય ૨૯) મન્મથ ૩૦) દુર્મખી ૩૧) હેવિલમ્બી ૩૨) વિલમ્બી ૩૩) વિકારી ૩૪) શરવારી ૩૫) પ્લવ ૩૬) શુભકૃતુ ૩૭) શોભકૃતુ ૩૮) ક્રોધી (સન ૨૦૨૪નું વર્ષ) ૩૯) વિશ્વાવસુ ૪૦) પરાભવ ૪૧) પ્લવઙગ ૪૨) કીલક ૪૩) સૌમ્ય ૪૪) સાધારણ ૪૫) વિરોધિકૃતુ ૪૬) પરિધાબી ૪૭) પ્રમાદીચ ૪૮) આનંદ ૪૯) રાક્ષસ ૫૦) નલ ૫૧) પિંગલ ૫૨) કાલયુક્તિ ૫૩) સિદ્ધાર્થી ૫૪) રૌદ્રી ૫૫) દુર્મતિ ૫૬) દુંદુભિ ૫૭) રુધિરોદ્ ગારી ૫૮) રકતાક્ષી ૫૯) ક્રોધન ૬૦) અક્ષય.

શસ્ત્રો પરથી હવે આધુનિક વિજ્ઞાન પર કૂદકો મારીએ. વર્તમાનમાં પૃથ્વીની ધરી ૨૩.૫ અંશ નમેલી છે, પરંતુ એ નમન ૨૨.૧ અંશ અને ૨૪.૫ અંશ વચ્ચે પરિવર્તન પામતું હોય છે. આ પરિવર્તનનું ચક્ર આશરે ૪૧,૦૦૦ માનવ વર્ષનું છે. આ પરિવર્તન પૃથ્વી પરના ઋતુઓનો અવધિ બદલે છે. જેમ કે, ૩ મહિનાની વસંત ઋતુને બદલે એ ૨ મહિનાથી લઈને ૪ મહિના સુધીની થાય છે. વળી, પૃથ્વીની ધરી સ્થિર નથી. એ ભમરડાંની ધરીની જેમ એક વર્તુળમાં ચકરાવો લે છે. એક ચકરાવો પૂર્ણ થતાં આશરે ૨૫,૭૭૨ વર્ષ લાગે છે. ધરીનું ગમન ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર દેખાતાં આકાશમાં પરિવર્તન લાવે છે. એક ચોક્કસ વર્તુળમાં ધ્રુવનો તારો, સપ્તર્ષિ મંડળ ઇત્યાદિ ચકરાવો લે છે. ધ્રુવના તારાનું સ્થાન અન્ય કોઈ તારો લઈ લે છે. અન્ય એક પરિવર્તનમાં, ઋતુ ચક્ર પ્રત્યેક વર્ષે આશરે ૨૦ મિનિટ જેટલું વહેલું થતું જાય છે. જેમ કે, ભારત દેશમાં વસંત ઋતુ વર્તમાનમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં આવે છે. જ્યારે, ૫,૦૦૦ વર્ષ પહેલા ભારતમાં વસંત ઋતુ સપ્ટેમ્બર/ઓકટોબર મહિનામાં હતી. ધરીનું આવું એક સંપૂર્ણ ગમન પૂરું થઈને મૂળ સ્થાન પર આવતા ૨૫,૭૭૨ વર્ષ લાગે છે. મનુષ્ય અનુભવી શકે એવું આ ભૌગોલિક પરિવર્તન છે. એક આડવાત. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પોતાને વર્ષના મહિનાઓમાં માર્ગશીર્ષ (માગશર) અને ઋતુઓમાં વસંત ઓળખાવે છે. એ રીતે જોતાં, આશરે ૫,૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં વસંત ઋતુ માગશર માસમાં આવતી હતી! એટલે કે, શ્રીકૃષ્ણ એટલાં વર્ષો પૂર્વે ભારતમાં સદેહે હતાં.

છઠ્ઠી સદીમાં થઈ ગયેલા શ્રી વિષ્ણુચંદ્રે કરેલી ગણતરી પ્રમાણે ૧ કલ્પમાં ધરીના ૧,૮૯,૪૧૧ નમન પરિવર્તન ચક્ર હોય છે. તેમના પછી થયેલા શ્રી ભાસ્કર-૧ની ગણતરી પ્રમાણે ૧,૯૪,૧૧૦ ચક્ર હોય છે. બારમી સદીમાં થયેલા શ્રી ભાસ્કર-૨ ૧,૯૯,૬૯૯ ચક્ર જણાવે છે. આ આંકડાઓનો તાળો આધુનિક ગણતરીમાં મળતો નથી.

હવે, આધુનિક વિજ્ઞાન પ્રમાણે અમુક આંકડા જોઈએ. ગણતરી માટે પૃથ્વીનું માનવ વર્ષ એકમ રૂપે લીધેલું છે.

બ્રહ્માંડની વય = આશરે ૧૩ અબજ ૮૧.૩ કરોડ વર્ષ
આકાશ ગંગાની વય = આશરે ૧૨ અબજ ૧૫ કરોડ વર્ષ
સૂર્યની વય = આશરે ૪ અબજ ૬૦ કરોડ વર્ષ
પૃથ્વીની વય = આશરે ૪ અબજ ૫૪ કરોડ વર્ષ

મંદાકિની આકાશ ગંગા (Milky Way) અને દેવયાની આકાશ ગંગા (Andromeda)નું મિલન = આશરે ૬ અબજ ૭૫ કરોડ વર્ષ પછી

સૂર્યમંડળને આકાશ ગંગાના કેન્દ્રનું પરિભ્રમણ કરતાં લાગતો સમય = આશરે ૨૨ કરોડ ૫૦ લાખ વર્ષ જેને મંદાકિની વર્ષ (galactic year) કહે છે.

સૂર્યમંડળનું આકાશ ગંગા કેન્દ્રથી અંતર = આશરે ૨૫ હજાર પ્રકાશ વર્ષ

પૃથ્વીની ધરીનું નમન ચક્ર ૨૫,૭૭૨ વર્ષ છે જ્યારે શાસ્ત્રીય ચતુર્યુગ ૬૦,૮૪૫.૦૬૮૮ માનવ વર્ષનો છે. શ્રી યુકતેશ્વર જેવા ઘણાં વિદ્વાનો એવું માને છે કે, એક ચતુર્યુગ ચક્રમાં સત્ -> ત્રેતા -> દ્વાપર -> કલિ -> કલિ -> દ્વાપર -> ત્રેતા -> સત્ એવી રીતે યુગ પરિવર્તન થતાં હોય છે.  તો તાળો કઈક આ પ્રમાણે બેસે છે.

૧ નમન ચક્ર = ૨૫,૭૭૨ વર્ષ
૧ આધુનિક ચતુર્યુગ ચક્ર = ઊતરતો ચતુર્યુગ અને ચઢતો ચતુર્યુગ = ૫૧,૫૪૪ વર્ષ

વળી, આમાં ૨૦% યુગસંધિ એટલે કે ૧૦% આરંભ સંધ્યા અને ૧૦% અંત સંધ્યાન્શ ઉમેરણ કરીએ તો વર્ષ થાય ૬૧,૮૫૨.૮! પૃથ્વીની ધરીનું નમન ચક્ર પણ વધ-ઘટ થતું હોય છે (૨૩,૦૦૦ વર્ષથી લઈને ૬૯,૦૦૦ વર્ષ) એટલે આપણે આ આંકડો ચતુર્યુગ માટે લઈ શકીએ. સંધિના વર્ષ ક્યારે ઉમેરવા એ અંગે ચોક્કસ નિર્દેશ મળતો નથી. આપણે એવું માની શકીએ કે એક ચતુર્યુગ પૂરો થાય પછી સંધિના વર્ષો ઉમેરવા જોઈએ. કોઈ નિશ્ચિત ખગોળીય કે ભૌગોલિક ઘટનાનું ચક્ર એની સાથે બંધ બેસતું દેખાતું નથી. કદાચ હિમ યુગ (ice age) હોઈ શકે. પણ, મને એ માટે નક્કર માહિતી મળી નથી.

આપણી આકાશ ગંગાની વયને સૂર્યમંડળના આકાશગંગા ફરતે લગતા પરિભ્રમણ વર્ષ વડે ભાગાકાર કરીએ (૧૨,૧૫,૦૦,૦૦,૦૦૦ / ૨૨,૫૦,૦૦,૦૦૦) તો આંકડો આવે છે ૫૪. આ અંક શાસ્ત્રો પ્રમાણે બ્રહ્માની વય જે બ્રહ્માનું આયુષ્યનું ૫૧મું વર્ષ ગણાવે છે એને મળતો આવે છે. એટલે, સૂર્યમંડળનું આકાશગંગા ફરતે પરિભ્રમણ એ બ્રહ્માનું એક વર્ષ ગણી શકાય. એ પ્રમાણે, સૂર્યની વય ૪૬૦ કરોડ વર્ષ છે એટલે કે ૨૦.૪૪ મંદાકિની વર્ષ. અને, પૃથ્વીની વય ૪૫૪ કરોડ વર્ષ એટલે ૨૦.૧૮ મંદાકિની વર્ષ.

બ્રહમાના એક દિવસમાં જીવસૃષ્ટિ વ્યક્ત થાય છે અને એક રાત્રિમાં અવ્યક્ત રહે છે. પૃથ્વી પર પ્રત્યેક ૨.૬ કરોડથી ૩ કરોડ વર્ષે સામૂહિક જૈવ વિનાશ (mass extinction) થતો હોય છે. જૈવ વિનાશ પછી પૃથ્વી પર પુનઃ જીવ સૃષ્ટિનું વૈવિધ્ય પહેલા જેવુ થતાં ૧.૫ કરોડથી ૩ કરોડ વર્ષ લાગે છે. આશરે ૬ કરોડ ૨૦ લાખ વર્ષનું આ ચક્ર છે એમ વૈજ્ઞાનિકો જણાવે છે. આ આંકડાને ચતુર્યુગ (૬૧,૮૫૨.૮) વડે ભાગીએ તો મળે છે લગભગ ૧,૦૦૨.૩૮! એક કલ્પમાં લગભગ એક સહસ્ર ચતુર્યુગ હોવાનું કહેવાય છે. એટલે, આ સામૂહિક જૈવ વિનાશના સમયગાળાને આપણે એક કલ્પ ગણીએ એ યોગ્ય લાગે છે.

એક મન્વંતર ૧૨,૦૦૦ દેવ વર્ષ અને ૭૧ ચતુર્યુગથી બને છે. ૧૨,૦૦૦ દેવ વર્ષના ૩૬૫.૨૬ લેખે ૪૩,૮૩,૧૨૦ મનુષ્ય વર્ષ થાય છે. એને ચતુર્યુગ ૬૧,૮૫૨.૮ વડે ભાગતા ૭૦.૮૬ આવે એટલે એ રીતે મન્વંતરના વર્ષો યોગ્ય લાગે છે. એક કલ્પ (૬.૨૦ કરોડ)મા એ રીતે ૧૪.૧૪ મન્વંતર થાય છે. આ આંકડો પણ શાસ્ત્ર સિદ્ધ ૧૪ મન્વંતર અને એક મન્વંતર સંધ્યા એમ એક કલ્પના સમીકરણને મળતો આવે છે.

હવે, બ્રહ્માનું એક વર્ષ મારી દૃષ્ટિએ શાસ્ત્રો કરતાં ભિન્ન કેવી રીતે છે એ જોઈએ. બ્રહ્માના એક વર્ષ (૨૨.૫ કરોડ)માં ૩.૬૩ કલ્પ અને ૫૧.૩૩ મન્વંતર આવે છે. એ પ્રમાણે જો ૩૬૦ કલ્પનું બ્રહ્માનું આયુષ્ય ગણીએ, તો ૫૪ (બ્રહ્માની વય) x ૩.૬૩ = ૧૯૬.૦૨ કલ્પ પૂર્ણ થયા અને ૧૬૩.૯૮ કલ્પ જેટલું આયુષ્ય બાકી કહેવાય. એટલે કે, ૧૦ અબજ ૩૫ કરોડ વર્ષ પછી આકાશ ગંગા નહીં હોય. આધુનિક વિજ્ઞાન ૬ અબજ ૭૫ કરોડ વર્ષ પછી મંદાકિની આકાશ ગંગા અને દેવયાની આકાશ ગંગા એકબીજામાં ભળી જશે એમ જણાવે છે. એટલે, ૩૬૦ કલ્પનું બ્રહ્માનું આયુષ્ય આપણે માની શકીએ. એટલે, બ્રહ્માનું એક વર્ષ એ ૩૬૦ કલ્પનું નહીં પણ ૩.૬૦ કલ્પનું હોવું જોઈએ.

પ્રત્યેક મન્વંતરમાં સપ્તર્ષિ મંડળ ભિન્ન હોય છે. એટલે, આપણે અનુમાન કરી શકીએ કે એવું પણ કોઈ મન્વંતર રૂપ ચક્ર છે જે અમુક નિયત સમયે પુનરાવર્તન પામે છે. આપણી ગણતરીમાં ૨૨.૫ કરોડના મંદાકિની વર્ષના પરિઘનું એક વર્તુળ ગણીએ તો એક મન્વંતરને એ વર્તુળનો ૭.૦૧૨૯૯૨ અંશનો વક્ર મળે છે. એટલે, આવ્યા પ્રત્યેક વક્રમાં સપ્તર્ષિઓનું મંડળ પરિવર્તન પામતું હશે.

શાસ્ત્રોમાં વર્ણવાયેલ કાળ ગણના અને આધુનિક વિજ્ઞાનની વૈશ્વિક સારણીને એકસાથે જોઈએ.

  શાસ્ત્રીય (મનુષ્ય વર્ષ) આધુનિક(મનુષ્ય વર્ષ)
ચતુર્યુગ (ઋતુ પરિવર્તન/ધરી નમન ચક્ર) ૬૦,૮૪૫.૦૭ ૬૧,૮૫૨.૮
દેવ વર્ષ ૩૬૦ ૩૬૫.૨૬
કુલ સત્ યુગ (૪૦% મન્વંતર) ૧૭,૨૮,૦૦૦ (૪૦૦+૪,૦૦૦+૪,૦૦) ૧૭,૫૩,૨૪૮
કુલ ત્રેતા યુગ (૩૦% મન્વંતર) ૧૨,૯૬,૦૦૦ (૩૦૦+૩,૦૦૦+૩૦૦) ૧૩,૧૪,૯૩૬
કુલ દ્વાપર યુગ (૨૦% મન્વંતર) ૮,૬૪,૦૦૦ (૨૦૦+૨,૦૦૦+૨૦૦) ૮,૭૬,૬૨૪
કુલ કલિ યુગ (૧૦% મન્વંતર) ૪,૩૨,૦૦૦ (૧૦૦+૧,૦૦૦+૧૦૦) ૪,૩૮,૩૧૨
એક સત્ યુગ ૨૦,૨૮૧.૬૯ (૪૦% ચતુર્યુગ/૧.૨) ૧૦,૩૦૮.૮ (x ૨)
એક ત્રેતા યુગ ૧૫,૨૧૧.૨૭ (૩૦% ચતુર્યુગ/૧.૨) ૭,૭૩૧.૬ (x ૨)
એક દ્વાપર યુગ ૧૦,૧૪૦.૮૫ (૨૦% ચતુર્યુગ/૧.૨) ૫,૧૫૪.૪ (x ૨)
એક કલિ યુગ ૫,૦૭૦.૪૨ (૧૦% ચતુર્યુગ/૧.૨) ૨,૫૭૭.૨ (x ૨)
મન્વંતર સંધ્યા (૧ સત્ યુગ) ૨૦,૨૮૧.૬૯ ૨૦,૬૧૭.૬
મન્વંતર (૧૨,૦૦૦ દેવ વર્ષ/સપ્તર્ષિ મંડળ પરિવર્તન ચક્ર) ૪૩,૨૦,૦૦૦ (૭૧ ચતુર્યુગ) ૪૩,૮૩,૧૨૦ (૭૦.૮૬ ચતુર્યુગ)
લ્પ (બ્રહ્મા દિવસ) (સામૂહિક જૈવ વિનાશ ચક્ર) ૬ કરોડ ૨૦ લાખ વિજ્ઞાન પ્રમાણે ૬,૦૫,૦૦,૨૮૧.૬૯ (૧૪ મન્વંતર + ૧ મન્વંતર સંધ્યા) ૬,૧૩,૮૪,૨૯૭.૬
બ્રહ્મા વર્ષ (સૂર્યમંડળનું આકાશ ગંગા ફરતે પરિભ્રમણ) ૨૨ કરોડ ૫૦ લાખ વિજ્ઞાન પ્રમાણે ૨૧,૭૮,૦૧,૦૧૪.૦૮૪ (૩.૬ કલ્પ) ૨૨,૪૨,૧૨,૨૮૫.૪૧ (૩.૬૫૨૬ કલ્પ)
પરાર્ધ (બ્રહ્માના ૫૦ વર્ષ) ૧૦,૮૯,૦૦,૫૦,૭૦૪.૨ (૧૮૦ કલ્પ) ૧૧,૦૪,૯૧,૭૩,૫૬૮
બ્રહ્માની વય (આકાશ ગંગાની વય)
૧૨ અબજ ૧૫ કરોડ વિજ્ઞાન પ્રમાણે
૧૦,૯૧,૭૬,૭૩,૪૦૭.૬૫૩ ૧૧,૦૭,૭૧,૭૦,૬૩૪.૪
મહા કલ્પ (બ્રહ્માનું આયુષ્ય/પર/આકાશ ગંગાનું આયુષ્ય) ૨૯ અબજ ૯૮ કરોડ વિજ્ઞાન પ્રમાણે ૨૧,૭૮,૦૧,૦૧,૪૦૮.૪ (૩૬૦ કલ્પ) ૨૨,૪૨,૧૨,૨૮,૫૪૧.૩૮ (૩૬૫.૨૬ કલ્પ)

 

વર્તમાનમાં સાતમો વૈવસ્વત મન્વંતર છે. વળી, વર્તમાન મન્વંતરના ૨૭ ચતુર્યુગ વીતી ચૂક્યાં છે અને ૨૮મા ચતુર્યુગના કલિયુગનું પ્રથમ પદ હાલ ચાલી રહ્યું છે. બ્રહ્માના આયુષ્યના ૫૧મા વર્ષનો પ્રથમ માસ ચાલી રહ્યો છે. અને પ્રથમ કલ્પ શ્વેત વારાહ કલ્પ ચાલે છે. આ લેખનું વર્ષ ૨૦૨૪ એ ક્રોધી સંવત્સર છે. શાસ્ત્રો પ્રમાણે શ્રી કૃષ્ણના મૃત્યુદિનને કળિયુગનો પ્રથમ દિવસ કહેવાય છે. એ દિનાંક હતી ૧૮ ફેબ્રુઆરી ઈસાપૂર્વ સન ૩૧૦૨. એટલે કે, ચતુર્યુગ ચક્રમાં પ્રથમ ત્રણ યુગો ઉતરતા ક્રમમા એ દિવસે પૂરા થયા. શાસ્ત્રીય ગણતરીમાં ૧૦,૮૯,૦૦,૫૦,૭૦૪.૨ (પરાર્ધ) + ૨,૫૯,૨૦,૦૦૦ (૬ મન્વંતર) + ૧૬,૪૨,૮૧૬.૮૯ (૨૭ ચતુર્યુગ) + ૫૪,૭૬૦.૫૬૩ (પ્રથમ ત્રણ યુગ) + ૩૧૦૨ + ૨૦૨૪ = ૧૦,૯૧,૭૬,૭૩,૪૦૭.૬૫૩ વર્ષ. જ્યારે આધુનિક ગણતરીમાં ૧૧,૦૪,૯૧,૭૩,૫૬૮ (પરાર્ધ) + ૨,૬૨,૯૮,૭૨૦ (૬ મન્વંતર) + ૧૬,૭૦,૦૨૫.૬ (૨૭ ચતુર્યુગ) + ૨૩,૧૯૪.૮ (ઉતરતા પ્રથમ ત્રણ યુગ) + ૩૧૦૨ + ૨૦૨૪ = ૧૧,૦૭,૭૧,૭૦,૬૩૪.૪ આવે છે; જે આધુનિક વિજ્ઞાન પ્રમાણે આકાશગંગાની વયના આંકડા ૧૨ અબજ ૧૫ કરોડ વર્ષ માટે વધુ નિકટનો આંકડો છે.

શ્રીકૃષ્ણના મૃત્યુનું વર્ષ લઈને ગણતાં, શાસ્ત્રીય કાળ ગણના પ્રમાણે ૫,૦૭૦.૪૨ વર્ષનો કલિયુગ સન ૧૯૬૮માં પૂરો થયો અને આપણે આશરે ૧૦,૧૪૦ વર્ષની ચતુર્યુગ સંધિમાં છીએ. અન્ય એક સ્થળે એવી ગણતરી પણ મારા ધ્યાનમાં આવી છે જેમાં શાસ્ત્રીય કલિયુગ સન ૨૦૬૯ મા પૂરો થઈ નવો સત્ યુગ ૨૦૬૯ મા વૈશાખ માસની શુક્લ તૃતીયાએ આરંભાશે! આધુનિક ગણતરી પ્રમાણે, ઉતરતા કલિયુગના વર્ષ (૨,૫૭૭.૨) પૂરા થયા ત્યારે એટલે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી (૫૨૪)માં બુધ્ધ થઈ ગયા. આધુનિક ગણતરી પ્રમાણે, ચઢતો કલિયુગ સન ૨૦૫૨મા સમાપ્ત થાય છે એટલે નવા દ્વાપર યુગનો (ચઢતો) સન ૨૦૫૨ ભાદ્રપદ માસની કૃષ્ણ ત્રયોદશીએ આરંભ થશે.

પ્રચલિત શાસ્ત્રીય કાળ ગણનામાં થોડો ફેરફાર કરી આપણે જોઈ શકીએ છીએ કે એ આધુનિક વિજ્ઞાનના અનુમાનો અને ગણતરીઓ સાથે સામ્ય ધરાવે છે. ભારતીય ઋષિઓ કઈ પધ્ધતિ કે પ્રયોગ વડે આ જાણી શક્યા હશે?

છેલ્લે, એક વિજ્ઞાન કથામાં જોવા મળે એવી વાત! સૂર્યમંડળનું આકાશ ગંગાના કેન્દ્રથી અંતર આશરે ૨૫ હજાર પ્રકાશ વર્ષ જેટલું છે. એ કેન્દ્રમાં રહેલા બ્લેક હૉલ (જેને હું વિષ્ણુની નાભિ ગણાવું છું)માંથી કોઈ સંદેશો પ્રકાશની ઝડપે વહેતો થાય તો એ પૃથ્વી સુધી પહોંચે ત્યાં સુધીમાં ઊતરતો ચતુર્યુગાર્ધ (સત્ -> ત્રેતા -> દ્વાપર -> કલિ) પૂરો થાય અને એ સંદેશાનો પ્રત્યુત્તર કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં ચઢતો ચતુર્યુગાર્ધ (કલિ -> દ્વાપર -> ત્રેતા -> સત્) પૂરો થાય!

ૐ તત્ સત્


શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

Leave a comment