મંજૂષા
વીનેશ અંતાણી

એકવીસમી ફેબ્રુઆરી ‘માતૃભાષા દિવસ’ તરીકે ઊજવાશે, એ નિમિત્તે માતૃભાષાથી વિમુખ થયેલી કેટલીક વ્યક્તિઓની વ્યથા જાણીએ.
ભારતની એક યુવતી હાઇસ્કૂલમાં હતી ત્યારે એને અંગ્રેજી વિષયમાં બધાથી વધારે માર્ક્સ આવતા. એ પ્રાથમિક શાળાથી અંગ્રેજી માધ્યમમાં ભણી હતી એથી પોતાની માતૃભાષા વાંચતાં કે લખતાં શીખી નહોતી. બોલવામાં પણ તકલીફ પડતી હતી. અંગ્રેજીમાં નિપુણ હોવાથી એને સારી નોકરી મળી. એને લાગ્યું કે એણે જીવનમાં બધું પ્રાપ્ત કરી લીધું છે. એકવાર એ કુટુંબમાં લગ્નપ્રસંગે એના વતનમાં ગઈ ત્યારે એને માતૃભાષાથી ઉચ્છેદાઈ જવાની ગંભીરતા સમજાઈ. એનાં ગામના અને બૃહદ્ પરિવારનાં લોકો અંગ્રેજી જાણતા નહોતા, એથી એ એમની સાથે વાતચીત કરવામાં મુશ્કેલી અનુભવતી હતી. લખે છે: ‘હું એ લોકોમાંની એક હતી, એમનું જ લોહી મારામાં વહેતું હતું, છતાં હું પરાયી બની ગઈ. મને પહેલીવાર સમજાયું કે હું મારી લાગણી, મારો સ્નેહ, મારો આનંદ, મારા વિચારો અમને જોડતી માતૃભાષામાં વ્યક્ત કરી શકતી નથી એ કેટલું ભયાનક છે?’
સૌરવ શાળામાં સૌનો લાડકો હતો. ‘વેરી સ્માર્ટ બોય’. રાગિણી પણ સૌરવના વર્ગમાં હતી. સૌરવને એનાં માતાપિતાએ શરૂઆતથી અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂક્યો હતો, જ્યારે રાગિણીને એનાં માતાપિતાએ ‘દેખાદેખી’માં ચોથા ધોરણ પછી અંગ્રેજી માધ્યમમાં મૂકી. એ વર્ગમાં બધાંથી પાછળ રહેવા લાગી. એની ગણતરી ‘સામાન્ય’થી પણ ઊતરતી કક્ષામાં થવા લાગી. ઘરમાં અને સામાજિક વર્તુળમાં રાગિણીની છાપ આત્મવિશ્વાસથી ભરપૂર, હોશિયાર અને ચબરાક છોકરીની હતી. શાળામાં એ મૂંગી, મૂંઝાયેલી, લઘુતાગ્રંથિથી પીડાતી છોકરી બની ગઈ. વર્ગમાં પગ મૂકતાં જ એનો આત્મવિશ્વાસ ડગી જતો. રાગિણી મોટી થઈ અને સંસારમાં ગોઠવાઈ પછી એણે લખ્યું: ‘શું આપણે પાગલ થઈ ગયાં છીએ?
ઘણા દેશોમાં માતાપિતા એમનાં સંતાનો સાથે આવું કરતાં નથી. તેઓ પણ અંગ્રેજીમાં ભણે છે પરંતુ એ એમની સેકન્ડ લેંગ્વેજ હોય છે. એમના માટે અંગ્રેજી કે અન્ય પારકી ભાષા ‘મહારાણી’ નથી, એમની મહારાણી માતૃભાષા છે.’ બલ્ગેરિયાની યાલદાઝ સાદાકોવા નાની ઉંમરે માતાપિતાની સાથે કેનેડા રહેવા આવી ગઈ હતી. મોટી થઈ પછી એક દિવસ એ ટોરોન્ટોની દુકાનમાં ગઈ. દુકાનનો માલિક બલ્ગેરિયન ભાષામાં વાતચીત કરતો હતો. યાલદાઝ પણ એની સાથે બલ્ગેરિયનમાં વાતો કરવા લાગી. એમાંથી ખબર પડી કે બંને બલ્ગેરિયાનાં તો છે, એમની જાતિ પણ એક જ હતી અને એમની માતૃભાષા ટર્કિઝ હતી. એ જાણીને દુકાનદાર ટર્કિઝમાં વાત કરવા લાગ્યો. યાલદાઝને કશું સમજાતું નહોતું. એણે કહ્યું: હું આપણી માતૃભાષા ભૂલી ગઈ છું. દુકાનદાર ગુસ્સે થઈ ગયો – તમે તમારી માતૃભાષા ભૂલી ગયાં છો એટલે શું? ગ્લાનિમાં ડૂબેલી યાલદાઝ દુકાનદારની આંખ સાથે આંખ મેળવવાને લાયક રહી નહોતી.
જૅની લિયાઓ મૂળ ચીનની. એ બે-ત્રણ વર્ષની હતી ત્યારે એનાં માબાપ ચીનથી માઇગ્રેટ કરી અમેરિકા આવી ગયાં હતાં. બીજા દેશમાંથી આવેલાં લાખો-કરોડો બાળકોની જેમ જૅની પણ એમની જાતિની કેન્ટોનિઝ ભાષા છોડીને અંગ્રેજીમાં ભણી અને મોટી થઈ. નાનપણમાં એ ઘરમાં અને માબાપની સાથે કેન્ટોનિઝમાં વાતો કરતી પણ પછી એનો મહાવરો રહ્યો નહીં. એ કેન્ટોનિઝ ભાષા સાવ જ ભૂલી ગઈ. એનાં માબાપ ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલે અને જૅની કેન્ટોનિઝ બોલી કે સમજી શકે નહીં. એથી એનાં માબાપ શું કહે છે તે એને સમજાતું નહીં અને એ બોલતી તે માબાપ સમજતાં નહીં. એમની વચ્ચે માતૃભાષાનો પુલ તૂટી ગયો હોવાથી તેઓ એકમેકથી લગભગ અજાણ્યાં જેવાં થઈ ગયાં.
જૅની તો માઇગ્રેટ કરેલાં માતાપિતાનું સંતાન છે પરંતુ આજે ભારતમાં જ વસતાં માબાપોના અંગ્રેજી પ્રત્યેના મોહને કારણે એમનાં સંતાનો માતૃભાષાથી દૂર જવા લાગ્યાં છે એનું શું?
આજના વૈશ્વિક વાતાવરણમાં અંગ્રેજી શીખવી જરૂરી છે પરંતુ માતૃભાષાના ભોગે તો નહીં જ. માતૃભાષા ત્યારે જ લુપ્ત થાય છે, જ્યારે આપણે જાતે જ એનું ખૂન કરીએ છીએ. એ ખૂનથી ઊડતા લોહીના ડાઘ આપણી ભાવિ પેઢી પર પડવા લાગ્યા છે એની ચિંતા સત્વરે થવી જોઈએ અને માતૃભાષાને બચાવી લેવાનું આંદોલન પારિવારમાંથી જ શરૂ કરવું જોઈએ. કોઈ પણ માતૃભાષાનો એક ભાષક હયાત હશે ત્યાં સુધી એ ભાષા જીવતી રહેશે.
આર્જેન્ટિનાના નવ્યાસી વર્ષના બ્લાસ ઓમાર જેઇમની માતૃભાષા ‘શાના’. આર્જેન્ટિનાના મૂળ વતનીઓને એમના પ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી નવા સત્તાધીશોએ પોતાની ભાષા લાદી અને સ્થાનિકોની ‘શાના’ લુપ્ત થવા લાગી. બ્લાસની માતા પોતાની માતૃભાષાને બચાવી લેવા કૃતનિષ્ચય હતી. એણે રોજ બપોરે દીકરા બ્લાસને એમનાં પૂર્વજો, સંસ્કૃતિ, લોકવાર્તા વગેરેની માહિતી ‘શાના’ ભાષામાં આપવાનું શરૂ કર્યું. બ્લાસે એ બધું યાદ રાખ્યું. એ નિવૃત્ત થયો પછી એની જાતિના થોડા લોકોને શોધ્યા અને એમની સાથે ‘શાના’માં વાતચીત કરવાનું શરૂ કર્યું. પોતાની દીકરીને પણ ‘શાના’ શીખવી અને બંનેએ સાથે મળીને લુપ્ત થયેલી માતૃભાષાના હજારથી વધારે શબ્દોની ડિક્શનેરી તૈયાર કરી. બ્લાસે એમની જાતિની સંસ્કૃતિ અને માતૃભાષા વિશે વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. એ રીતે એણે માતૃભાષાને સજીવન કરવાનો યજ્ઞ આરંભ્યો. બે દાયકાના અવિરત પ્રયત્નો પછી એણે એની માતૃભાષાને ફરી વિશ્વની ભાષાઓના નકશા પર મૂકી આપી છે. એણે કહ્યું છે: ‘માતૃભાષાનો દ્રોહ કરનાર લોકોના અસ્તિત્વની કિંમત ફૂટી કોડીનીય નથી.’
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
