નિસબત

ચંદુ મહેરિયા

આ દિવસોમાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યોના પક્ષી અભયારણ્યોમાં  પક્ષી મહોત્સવો ઉજવાઈ રહ્યાં છે. પટણામાં તો ઈન્ટરનેશનલ બર્ડ કોન્ફરન્સ યોજાઈ હતી. પક્ષીઓની વસ્તીમાં વૃધ્ધિ અને તેમના પ્રત્યે લોકોમાં સંવેદનશીલતા તથા જાગ્રતિ કેળવાય તે આશયથી આ ઉજવણીઓ થઈ રહી છે. પાંચમી જાન્યુઆરીના નેશનલ બર્ડ ડે ઉપરાંત યાયાવર પક્ષીઓના ભારતમાં આગમન અને નિવાસ તથા પક્ષીઓની ગણતરીની પણ આ મોસમ છે.

ભારતીય સંસ્કૃતિમાં પક્ષીઓનું ખૂબ મહત્વ છે. ભારત ૧૩૫૦ થી વધુ પક્ષી પ્રજાતિનું ઘર છે. તમામ ભારતીય ભાષાઓનું સાહિત્ય પક્ષીઓથી ભર્યું પડ્યું છે. પક્ષીઓના  આલેખન વિનાના બાળ સાહિત્યની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી. ગુરુ નાનકે ‘રામદી ચિડીયા, રામદા ખેત / ચુગ લો ચિડીયા, ભરભર પેટ ! ‘ કંઈ અમસ્તા નથી ગાયું. ‘ રે પંખીડા સુખેથી ચણજો’   કે ‘પંખીઓએ કલશોર કર્યો ભાઈ’  ઠાલી કવિતાઓ નથી માનવીના જીવનનો ભાગ છે.  પંખીઓના કલરવ, કલશોર અને કલબલાટ તથા તેમનાં અવનવા આકર્ષક રંગોથી શુષ્ક માનવજીવનમાં રંગો ભરાય છે.

ચકલીની ચીંચીંને ટી.વી.એન્ટેના અને મોબાઈલ ટાવર ભરખી ગયા તેને તો હવે બે દાયકા થયા. ઘરમાં જ ક્યાંક માળો બાંધતી ચકલી કે ચકાચકીની વાર્તા હવે ભૂતકાળ બની ગયાં છે. હવે માત્ર ચકલી કે ગીધ જ નહીં ઘણી પ્રજાતિનાં પક્ષીઓની વસ્તી દેશ અને દુનિયામાં ઘટી રહી છે. આ નજરે જોયું સત્ય તો છે જ તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અભ્યાસ-સંશોધનથી પુરવાર પણ કરવામાં આવ્યું છે. સ્ટેટ ઓફ ધ વલ્ડ બર્ડસ રિપોર્ટ -૨૦૨૨ અને સ્ટેટ ઓફ ધ ઈન્ડિયાઝ બર્ડ રિપોર્ટ- ૨૦૨૩ના તારણો જણાવે છે કે દુનિયાની તમામ પક્ષી પ્રજાતિમાંથી અડધોઅડધ ઘટી રહી છે. વધુ ચિંતાજનક એ છે કે દર આઠે એક પક્ષી પ્રજાતિ વિલુપ્તિની કગાર પર છે.

૩૦,૦૦૦ પક્ષી દર્શકોના ૩૦ મિલિયન નિરીક્ષણોના એકત્ર આંકડા અને દેશની ૧૩ સરકારી-બિનસરકારી સંસ્થા-સંગઠનોના પ્રથમ સહયોગાત્મક પ્રયાસોથી ભારત પક્ષી સ્થિતિ અહેવાલ-૨૦૨૩ તૈયાર થયો છે. આ અહેવાલમાં ભારતમાં નિયમિત રીતે જોવા મળતી યાયાવરસહિતની પક્ષી પ્રજાતિઓની સમગ્ર સંરક્ષણ સ્થિતિનું મૂલ્યાંકન છે. આ રિપોર્ટની સૌથી આનંદદાયક બાબત એ છે કે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તી ફૂલી-ફાલી રહી છે. છેલ્લા થોડા દાયકાઓમાં મોરની વિપુલતામાં દોઢસો ટકાનો વધારો થયો છે. જે મોર ૧૯૯૮માં કેરળના માત્ર બે જ જિલ્લામાં જોવા મળતા હતા તે હવે આખા કેરળમાં જોવા મળે છે. ભારતીય મોરની વસ્તી વધવાનું કારણ વિભિન્ન આવાસ અને ખાધ્ય સંસાધનો સાથેનું અનુકૂલન છે. ભારતીય મોર ઉપરાંત એશિયન કોયલની વસ્તી પણ વધી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

સ્ટેટ ઓફ ધ ઈન્ડિયાઝ બર્ડ રિપોર્ટ- ૨૦૨૩ માં પક્ષીઓની વસ્તીમાં જોવા મળતા દીર્ઘકાલીન અને વાર્ષિક ફેરફારો નોંધવામાં આવ્યા છે. ૩૦ વરસોના પરિવર્તનોને લાંબાગાળાના અને આઠ વરસોનાને વાર્ષિક ગણવામાં આવ્યા છે. દીર્ઘકાલીન કે ૩૦ વરસોના વલણોના આકલના માટે જે ૩૩૮ પ્રજાતિઓના પક્ષીઓની પર્યાપ્ત વિગતો ઉપલબ્ધ થઈ હતી તેમાંથી  ૬૦ ટકામાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૪ પ્રજાતિના પક્ષીઓની સંખ્યા લાંબા સમયથી અને ૯૮ ઝડપથી ઘટી રહી છે. માત્ર ૩૬ પ્રજાતિમાં જ વૃધ્ધિ જોવા મળી છે. જે ૩૫૯ પ્રજાતિમાં છેલ્લા આઠ વરસોમાં ફેરફાર જોવા મળ્યા તેમાં ૪૦ ટકાની વસ્તી ઘટી રહી છે. કુલ ૯૪૨  પ્રજાતિના પક્ષીઓના ઘટાડા પર સરકાર અને સમાજે ધ્યાન આપવાની જરૂર છે. જોકે ૧૭૮  પ્રજાતિઓને સર્વોચ્ચ પ્રાથમિકતાના ધોરણે બચાવવાની કે સંરક્ષણની જરૂર છે. જો તેમ નહીં કરવામાં આવે તો તે નાશ પામશે. બીજી ૩૨૩ પ્રજાતિને મધ્યમ અને ૪૪૧ને નિમ્ન મધ્યમ પ્રાથમિકતાથી સંરક્ષણ આપવાની જરૂર હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

પક્ષીઓની વસ્તીમાં ઘટાડા માટે અનેક કારણો અને પરિબળો જવાબદાર છે. આદ્ર્રભૂમિ અને ઘાસના મેદાનોમાં જોવા મળતા પક્ષીઓની વસ્તીમાં થયેલા  ઘટાડાનું કારણ તેમને અનુકૂળ નિવાસ અને પરિવેશમાં ઘટાડો છે. પક્ષીઓને નિર્વાહ માટે જરૂરી એવા જળપ્લાવિત કે વેટલેન્ટમાં ઘટાડો પણ તેમની વસ્તી ઘટાડે છે. એક અંદાજ પ્રમાણે ૧૯૭૦ પછી દેશની ૩૫ થી ૪૦ ટકા વેટલેન્ડ નાશ પામી છે અને તેનો અન્ય ઉપયોગ થાય છે. નદી કિનારે માળા બનાવી રહેતા પક્ષીઓ નદી કિનારે થયેલા દબાણોથી ઘટી રહ્યાં છે. શહેરીકરણ, વન વિસ્તારમાં ઘટાડો,  જળવાયુ પરિવર્તન, પક્ષીઓનો ગેરકાયદે શિકાર અને તેનો વેપાર, ખાધ્ય સંસાધનોમાં હાનિકારક પ્રદૂષકો , માનવીય હસ્તક્ષેપ, અનિયંત્રિત માળખાકીય વિકાસ, મોબાઈલ ટાવરના રેડિએશન, પતંગ માટે વપરાતી ચાઈનીઝ દોરી, ખેતીમાં વપરાતા જંતુ નાશકો અને વધતા હવાઈ ઉડયન્નો પણ  પક્ષીઓની વસ્તીના ઘટાડા માટે જવાબદાર છે.

માનવીએ રચેલી ભૌગોલિક સીમાઓને પક્ષીઓ સ્વીકારતા નથી. ગુજરાતમાં છેક ઉત્તર ધૃવ અને સાઈબેરિયાથી પક્ષીઓ આવે છે. પણ તેમના કુદરતી આવાસમાં માનવીય હસ્તક્ષેપ વધતો જશે તો તે આવતા ઘટશે કે નાશ પામશે. પક્ષીઓની સંખ્યામાં થઈ રહેલા મોટા ઘટાડાને અટકાવવા માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક ધોરણે પક્ષીઓની સ્થિતિ સંબંધી આ અહેવાલો આપણી આંખ ઉઘાડનારા છે. પક્ષીઓ કીડા મકોડા ખાઈને પાકને બચાવે છે. તેમનો માનવજાત પરનો આ ઉપકારક આપણે ભૂલવો ના જોઈએ. એટલે પક્ષીઓને બચાવવા અલ્પ માનવીય હસ્તક્ષેપના પક્ષી અભયારણ્યો અને સંરક્ષિત ક્ષેત્રો બનાવવા જોઈએ. તમામ પ્રકારના પ્રદૂષણો ઘટાડવા જોઈશે કે નિયંત્રિત કરવા જોઈશે. ટકાઉ ઉર્જા સ્ત્રોતમાં વૃધ્ધિ અને ગ્રીન હાઉસ ઉત્સર્જન ઓછું કરવાની પણ આવશ્યકતા છે. પક્ષીઓના પ્રાકૃતિક વન આવાસોને સંરક્ષવા જોઈએ. પક્ષીઓ માટે જોખમરૂપ પશુ ચિકિત્સાની દવાઓ પ્રતિબંધિત કરવી જોઈએ.પડતર બિનઉપજાવ જમીનોને નવસાધ્ય કરવાની નીતિ તર્કસંગત હોવી જોઈએ. તે પક્ષીઓનો વિનાશ નોતરે તેવી  ન હોઈ શકે.

પક્ષીઓની સ્થિતિ દર્શાવતા અહેવાલો દુર્લભ અને ઘટતી પ્રજાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને બચાવવાના ઉપાયો શોધવાની દિશામાં નોંધપાત્ર છે. અનેક દેશી-વિદેશી પક્ષીઓના માથે અસ્તિત્વનું સંકટ જોવા મળી રહ્યું છે. ૨૦૨૦ના ભારતના પહેલા પક્ષી સ્થિતિ રિપોર્ટમાં જે ૧૦૧ પક્ષીઓની પ્રજાતિઓને સંરક્ષણની ઉચ્ચ પ્રાથમિકતાની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા તેમાંથી પોણાભાગના (૭૪) ૨૦૨૩માં પણ તે જ શ્રેણીમાં છે. એટલે પંખીઓનો કલરવ સાંભળવો હશે અને તેના અવનવા રંગ નિહાળવા હશે તો વિના વિલંબે જાગવું પડશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.