જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

.

ઉપાડ

દિવ્યભાષ સી. અંજારીઆ

કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત અને # ૪.૪ માં રોકાણ એમ ચાર મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.

હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  પાંચમાં મહત્ત્વનાં ઘટક ઉપાડ  વિશે વાત માંડીશું.

ઉપાડ શા માટે?

આપણે આપણાં રોકાણોને સજાવી રાખીને, તેમને જોઈ જોઈને, ખુશ ન થયા કરી શકીએ. આપણે રોકાણ કરીએ જ એટલા સારૂ છીએ કે આપણા ભવિષ્યના ખર્ચાઓને, કે અચાનક આવી પડતા, વિપરીત, સંજોગોને, પહોંચી વળી શકીએ. ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં આપણું રોકાણમાંથી ઉપાડ કરીને એ પરિસ્થિતિની જરૂરિયાત  પુરી કરવી પડતી હોય છે.

ઉપાડ કેટલો કરવો?

આપણી હાલની જરૂરિયાતને પહોંચી વળી શકાય તેટલી આપણી કમાણી ન હોય તો ભૂતકાળમાં કરેલી બચતો, કે રોકાણો,માંથી ઉપાડ કરીને એ જરૂરિયાત પુરી કરી શકાય છે. બચત કે રોકાણ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ તો હોય છે.

આપણી જરૂરિયાત પુરી થઈ શકે એટલો ઉપાડ આપણે આપણી બચત કે રોકાણમાંથી કરવો જોઈએ.

પણ જો બચત કે રોકાણ પર્યાપ્ત હોય તો?

બચત કે રોકાણ કરતી વખતે આપણી ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળી શકાય તેનું આપણે ધ્યાન રાખ્યું હોય તો પણ ઘણી વાર એવું બને છે કે જ્યારે ખરેખર જરૂરિયાત ઊભી થાય ત્યારે એ બચત કે રોકાણ પુરાં ન પડે. આમ થવા પાછળનાં મુખ્ય કારણોમાંનું પહેલું કારણ તો એ કે બચત કે રોકાણ કરતી વખતે આપણે ભવિષ્યના ખર્ચાની જે ગણતરી મુકી હોય તેના કરતાં વાસ્તવિક ખર્ચ ઘણું વધારે આવી પડે. કે પછી ધાર્યા કરતાં ખર્ચ વહેલું પણ આવી પડ્યું હોય એમ પણ બને. આપણે અપેક્ષા કરી હોય તે કરતાં ખરેખર મળેલું વળતર ઓછું હોય તો પણ આપણું રોકાણ અને વળતર મળીને પણ આપણી જરૂરિયાત પુરી ન થાય. આપણે ગણતરી મુકી હોય તે કરતાં આપણી જરૂરિયાતની ચીજવસ્તુઓ કે સેવાના ભાવ ઘણા વધારે વધી જવાને કારણે આપણી તે સમયની  જરૂરિયાત માટે આપણી ખરીદ શક્તિ પર્યાપ્ત ન પરવડે એમ પણ બનતું હોય છે. તે ઉપરાંત આપણી વધતી જતી અપેક્ષાઓને કારણે આપણી જરૂરિયાતો જ  એટલી વધી ગઈ હોય કે આપણી વર્તમાન બચત કે રોકાણથી તેને સંતોષી ન શકાય.

આ બધી સંભવિત ઘટનાઓ નાણાકીય અર્થવ્યવસ્થામાં નાણાના સંદર્ભમાં લેવાયેલા નિર્ણયો અને તેના અમલ સાથે સંબંધિત છે. આ દરેક કિસ્સાઓમાં આવક, વર્તમાન ખર્ચાઓ, બચત અને રોકાણનાં દરેક પાસાંને અનુરૂપ નાણાની જે કંઈ વ્યવવ્સ્થા કરી હતી તે ભવિષ્યની જરૂરિયાતોના સંદર્ભમાં અપુરતી નીવડેલ છે. રોકાણ સલાહકારો એવી સલાહ આપતાં હોય છે કે પોતાની જરુરિયાત પુરી કરવા માટે જે ઉપાડ કરવો પડવાની શક્યતા હોય તેના કરતાં વધારે બચત ઊભી કરવી હિતાવહ છે, જેથી સંભવિત ફુગાવાની અસરોને પહોંચી વળી શકાય. પરંતુ જેમની વર્તમાન આવક અમુક સ્તરની જ બચત કરવા માટે પુરતી હોય એવા સંજોગોમાં વધારાની બચત કરવા માટે અત્યારની, કે ભવિષ્યની, જરૂરિયાતોમાં કાપ મુકવાની જરૂર પડી શકે, કે વધારાનું કરજ ઉભું કરવું પડે. આવતી કાલની ચિંતામાં આજની જરૂરિયાતો પર કાપ મુકવાની સલાહ કેટલે અંશે વ્યાજબી ગણવી ? નાણાકીય અર્થવ્યવસ્થાના સિદ્ધાંતોની દૃષ્ટિએ કદાચ એ ઉચિત સલાહ હશે,પણ દરેક વ્યક્તિની પોતાની જીવનશૈલી અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ ઘડાતી અંગત અર્થવ્યયસ્થાના માળખામાં તે માંડ બંધબેસતી જણાય.

આપણાં વ્યક્તિગત જીવનની અર્થવ્યવસ્થા મદદરૂપ બની શકે

આ સંજોગોમાં આપણાં વ્યક્તિગત જીવનની અર્થવ્યવસ્થા મદદરૂપ બની શકે. આપણી આવક, ખર્ચાઓ કે બચતોમાં નાણાનો સિંહ ફાળો તો રહેવાનો જ છે; એ મુજબ નાણાનું સમજી વિચારીને રોકાણ કરવાની આવશ્યકતાનું અગત્ય પણ ઓછું ન આંકવું જોઈએ. તેમ છતાં, આપણી બિનનાણાકીય આવડતો, સંપર્કો, સમય અને મહેનત જેવાં સંસાધનોને ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવામાં કામે લગાડી શકાય. આ બધાં સંસાધનોને યોગ્ય, કે ક્યારેક થોડાં કલ્પનાશીલ, રીતે કામે લગાડીને આપણી આજની તેમ જ ભવિષ્યની જરૂરિયાતોમાં કાપ મુકવાની સંભાવનાઓને મહદ અંશે નીવારવાની વ્યવસ્થા ઉભી કરી શકાય.

આવડતો, સંપર્કો, સમય અને મહેનત જેવાં આપણાં બિનનાણાકીય સંસાધનોના વર્તમાન ઉપયોગને ભલે હાલનાં નાણા ઉપાર્જનમાં કામે ન લગાડીએ, પણ ભવિષ્યની જરૂરિયાત પુરી કરવામાં કામ આવે એવી આવડત કે સંપર્ક કેળવવામાં, કે કોઈ બિનનાણાકીય સેવા સંસ્થા કે સમુદાયની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવા જેવા વિકલ્પોમાં રોકાણ જરૂર કરી શકીએ. સેવાઓની અર્થવ્યવસ્થા પર ભાવ વધારાની અસરો બહુ અસર નથી થતી. એટલે તેટલા પુરતી એ અર્થવ્યવસ્થા વિનિમય અર્થવ્યવસ્થા જેવી ગણી શકાય. એટલે કે, આપણી આવડત કે સેવાનું વર્તમાનમાં આપણે “ખર્ચ” કરીને ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવાં મદદરૂપ થાય એવાં “વળતર”વાળાં “રોકાણ”ને ઊભું કરી શકીએ.

નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થામાં આવક રળવા, ખર્ચ કે બચત કે રોકાણ કરવા કે પછી ઉપાડ કરવા માટે નાણાની સમજ જરૂરી છે

નાણા એવી એક કેન્દ્રવર્તી બાબત છે જેના પાયા પર આજની સમગ્ર વ્યવસ્થાની ઈમારત રચાય છે. વ્યક્તિઓ, સંસ્થાઓ અને રાષ્ટ્રોના વ્યક્તિગત તેમ જ સામુહિક આદર્શો અને સ્વપ્નો નાણાના સંદર્ભમાં જ આકાર લે છે. આપણે કમાઈએ નાણામાં છીએ અને ખર્ચ, બચત, રોકાણ અને ઉપાડ પણ નાણાનાં માધ્યમથી જ કરીએ છીએ. એટલે, નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાનાં એક એકમ તરીકે આપણે નાણાની લાક્ષણિકતાઓ, બારીકીઓ, ક્ષમતાઓ અને મર્યાદાઓને સારી રીતે સમજવી એ આજના સમયની માંગ છે.

આપણે જો વિનિમય અર્થવ્યવસ્થામાં રહેતાં હોઈએ તો નાણાને ઓછું મહત્ત્વ, કદાચ, આપી શકીએ. પણ આજે વિનિમય અર્થવ્યવસ્થા લગભગ બધે જ અપ્રસ્તુત બની ગઈ છે. પરિણામે, આપણાં જીવન વ્યવહારોનાં ચેતાતંત્રને ઉર્જા નાણા જ પુરી પાડે છે. એ સંજોગોમાં નાણાની ભૂમિકા અને ઉપયોગની સમજણ આપણાં જીવનમાં આપણે અપેક્ષા કરેલાં સુખની સિદ્ધિ પ્રાપ્તિ આપણે નાણાકેન્દ્રી અર્થ વ્યવસ્થામાંથી ખોળી કાઢવાની છે. તેથી, સુખ અને સંતોષમય વ્યક્તિગત જીવનશૈલી માટેની માર્ગદર્શિકાની આપણે જે રૂપરેખા તૈયાર કરી રહ્યાં છીએ તેમાં નાણાના વ્યવહારોની આર્થિક તેમ અંગત જીવન વ્યવસ્થા પરની અસરોની સમજણનાં રેખાંકનોની આડવાત વચ્ચેથી કરી લઈશું.

આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં સંબંધી  નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો ની આડવાત પેટે આપણે હવે પછી નાણાની સમજણની વાત કરીશું.


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.