સંવાદિતા
પોતાની જ પ્રેમિકાના અન્ય પ્રેમી, એટલે કે પોતાના હરીફ, સાથે આવો સંવેદના-સભર સંવાદ સાધવો એ વિશ્વ કવિતાની વીરલ ઘટના છે
ભગવાન થાવરાણી
થોડીક વાત ફૈઝ વિષે. ( ફૈઝ શબ્દનો અર્થ વિજેતા થાય. ) પાકિસ્તાનના ફૈઝ સાહેબ ૧૯૮૪ માં ૭૪ ની વયે અવસાન પામ્યા એ પહેલાં એક કાલજયી અને ક્રાંતિકારી સર્જક તરીકે જગતભરમાં ખ્યાતિ પામી ચૂક્યા હતા. એમનું નામ નોબેલ પારિતોષિક માટે પણ પ્રસ્તાવિત થયેલું. નોબેલ સમકક્ષ ગણાતો રશિયાનો લેનિન શાંતિ પુરસ્કાર એમને એનાયત થયેલો. પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન – એ – ઈમ્તિયાઝ એમને મરણોપરાંત એનાયત થયેલો. એમનું મોટા ભાગનું જીવન તુમુલ સંઘર્ષમાં વીત્યું. પાકિસ્તાની સામ્યવાદી પક્ષના તેઓ સક્રિય સદસ્ય હતા. ત્યાંની લિયાકત અલી ખાન સરકારને ઉથલાવવાના કથિત કાવતરા સબબ એમને ચાર વર્ષ કેદની સજા થયેલી. વિભાજન પહેલાં એમણે બ્રિટિશ આર્મીમાં લેફટનન્ટ કર્નલ તરીકે પણ સેવાઓ આપેલી. એ પછીના વર્ષોમાં સત્તારૂઢ થયેલ ભુટ્ટો સરકારના એ કૃપાપાત્ર હતા. એમના કુલ ૨૩ પુસ્તકોમાંથી ૮ એમના જીવનકાળમાં જ પ્રકાશિત થયેલા. એમનું પુસ્તક ‘ દસ્ત – એ – સબા ‘ હૈદ્રાબાદ જેલમાં લખાયેલું. કારાવાસ દરમિયાન એમણે લખેલા અને એમને એમના પત્નીએ લખેલા પત્રો પણ સંગ્રહરૂપે પ્રકાશિત થયા છે. એમના સમગ્ર કાવ્યોનો સંચય ‘ સારે સુખન હમારે ‘ ઉર્દૂ અને દેવનાગરીમાં ઉપલબ્ધ છે.
આવ ! તારી સાથે સંકળાયેલ છે
એક એવા સૌંદર્યની સ્મૃતિઓ
જેણે મારા મનને રૂપ – મંદિર બનાવી મુકેલું
એના પ્રેમમાં હું દુનિયા વિસરી ગયેલો
દુનિયા આખી વાર્તા લાગતી મને
તારા પગલાંને એ રસ્તાઓ પણ ઓળખે છે
જેના પર એનું યૌવન મહેરબાન છે
અહીંથી જ એ પરીના સૌંદર્યનો કાફલો પસાર થયો છે
જેની મારી આંખોએ નિષ્કામ અર્ચના કરી છે
હા, તારી સંગે રમણા કરી છે એ વ્હાલૂડી હવાએ
જેમાં એના વસ્ત્રોની ઉદાસ ખુશ્બૂ હજી સાબૂત છે
તારા ઉપર એ અટ્ટાલિકાએથી ચંદ્રનું નૂર વરસ્યું છે
જ્યાં હજી વીતેલી રાત્રિઓની પીડ હયાત છે
તેં તો જોયું છે એ મુખારવિંદ, એ કપોલ, એ ઓષ્ઠ
આપણે બન્નેએ જેની કલ્પનામાં જીવન લૂંટાવી દીધું
તારા ભણી પણ મંડાઈ છે એ ચંચળ જાદૂઈ આંખો
જેમના ખાતર આપણે બન્નેએ આયખું ખોઈ નાંખ્યું
પ્રેમની પીડાના આપણા પર સહિયારા ઉપકાર છે
એ હદે કે ગણ્યા ગણાય નહીં
આપણે આ પ્રેમમાં શું ખોયું અને શું પામ્યા
તારા વિના સમજાવું તો સમજાવું કોને ?
વિનમ્રતા અને અકિંચનતાની હિમાયત એમાં શીખ્યા
વિષાદ – બુદ્ધિનો સંબંધ, દુ:ખ દર્દના અર્થ એમાં પામ્યા
પીડિતોની મુશ્કેલીઓ એના કારણે સમજ્યા
ઠંડા નિશ્વાસ, ફિક્કા ચહેરાના અર્થ પણ એના થતી સમજ્યા.
લાચાર લોકો જ્યારે રડે છે
એમના અશ્રુ આંખમાં જ થીજી જાય છે
કમજોર લોકોના કોળિયા પર તરાપતા ગીધ
ગણતરીપૂર્વકની મીટ માંડી ઝપટ મારે છે
જ્યારે પણ વેચાય છે બજારમાં મજૂરનું માંસ
રાજમાર્ગો પર ગરીબોનું લોહી વહે છે
છાતીમાં રહી – રહીને એવી આગ ભડકે છે
કે મારો સ્વયંના દિલ પર કાબૂ જ નથી રહેતો..
ચાર – ચાર પંક્તિના સાત લયબદ્ધ બંધ અને એક જ બહરની પંક્તિઓમાં રચાયેલી આ રચનામાં પાંચમા બંધથી સહસા નઝ્મનો મિજાજ બદલાય છે . રકીબ સાથેના સંવાદ ઉપરથી એ કચડાયેલા લોકોની હાલતની વાત પર ઉતરી આવે છે. ભાવકને પહેલાં એ વિષય – પરિવર્તન સમ લાગે પણ થોડીક વારમાં સમજાય કે એ લોકોની પીડાની સમજણ પણ આ પ્રેમે જ તો ઉઘાડી આપી ! બન્ને એક જ પાત્રને બિનશરતી દિલ-ફાડ પ્રેમ કરીને જ શીખ્યા કરુણા, ઉદાસી અને દર્દનો સાચો અર્થ, અકિંચનોની મુસીબતો અને નિસ્તેજ ચહેરાઓનું હાર્દ ! કોઈને પ્રેમ કરીએ ત્યારે પ્રેમના આનંદ અને પીડાની સાથે દ્રષ્ટિનો વ્યાપ પેકેજમાં મફત મળે છે ! રમેશ પારેખના શબ્દો મૂજબ, હવે આપણે ‘ વિશ્વ દ્વારા પડાયેલી કાળી ચીસના ખાસ શ્રોતા ‘ બનીએ છીએ ! બધું નોખા અજવાળામાં દેખાય છે. હૃદય પથ્થર મટીને આઈનો બને છે અને આસપાસ ઘટિત થતી પણ અત્યાર સુધી ઉપેક્ષિત રહેલી ઝીણી – ઝીણી વાતો હવે એમાં ઝીલાય છે !ફૈઝ સાહેબની અનેક ગઝલો અને નઝ્મો નૂરજહાં અને મેંહદી હસનથી માંડીને આબિદા પરવીન, ઈકબાલ બાનો, ફરીદા ખાનમ, નય્યરા નૂર, ગુલામ અલી અને જગજીત સિંહ સમાન દિગ્ગજોએ ગાઈને જાત રળિયાત કરી છે.
#
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
