દીપક ધોળકિયા

ગદરના વીરો (૩) થી આગળ

પ્રથમ વિશ્વયુદ્ધ અને કડક સરકારી જાપ્તો

ગદર પાર્ટીના કાર્યકર્તાઓ સરકારની નજરમાં હતા અને  સરકાર જાણતી હતી કે કામાગાટા મારૂના મુસાફરો ગદર પાર્ટીના સંપર્કમાં હતા. સરકારે વિદેશથી આવતા કોઈ પણ માણસની હિલચાલ શંકાસ્પદ લાગે તો એને પકડીને પોલીસને હવાલે કરી દેવાની બંગાળ અને મદ્રાસ પ્રાંતોને સત્તા આપી હતી. કાલપીમાં જહાજ લાંગર્યું કે તરત પોલીસો એમાં ઝડતી લેવા ચડી ગયા. મુસાફરોએ તો એના માટે તૈયારી રાખી જ હતી. એમણે ગદર પાર્ટીનાં ચોપાનિયાં, છાપાં વગેરે સમુદ્રમાં ફેંકી દીધાં હતાં. બાબા સોહન સિંઘ ભકનાએ બે પેટી ભરીને પિસ્તોલો અને ગોળીઓ આપી હતી તેમાંથી ઘણી કટાઈ ગઈ હતી, તે બધી ફેંકી દઈને કામ આવે તેવી સારી પિસ્તોલો અને ગોળીઓ સંતાડીને રાખી દીધી હતી. પોલીસે ત્રણ દિવસ જહાજના ખૂણેખૂણે કેટલીયે વાર તપાસ કરી પણ કંઈ વાંધાજનક ન મળ્યું એટલે ૨૯મી સપ્ટેમ્બરે પોલિસે જહાજને કાલપીથી બજબજ ઘાટ લઈ જવાનો હુકમ કર્યો. બજબજ ઘાટ પર એક ખાસ ટ્રેન તૈયાર રાખવામાં આવી હતી. સરકારની યોજના એવી હતી કે મુસાફરોને જહાજથી ઉતારીને સીધા ટ્રેનમાં બેસાડી દઈને પંજાબ પહોંચાડી દેવા.

પોલીસે મુસાફરોને પોતાનો સામાન સાથે લેવા ન દીધો, પણ મુસાફરોએ ગુરુ ગ્રંથસાહેબનું સુખાસન ઉપાડી લીધું. ધરમની વાતમાં પોલીસના ગોરા અફસરોનું કંઈ ચાલે એમ નહોતું. જહાજમાં બે બાળકો સહિત ૩૨૧ મુસાફરો હતા, તેમાંથી ૫૯ તો ટ્રેનમાં બેસી ગયા. બાકીના મુસાફરોએ બજબજ ઘાટ પર ઊતરીને ટ્રેનમાં બેસવાની ના પાડી અને કલકત્તા જવાની માગણી કરી. એમણે કહ્યું કે તેઓ ગુરુ ગ્રંથસાહેબને કલકત્તાના ગુરુદ્વારામાં મૂકીને પછી જ બીજાં કામો કરશે. સિપાઈઓ એમને ધકેલતાં સ્ટેશને લઈ ગયા પણ એ ટ્રેનમાં ન ચડ્યા અને બેસી જઈને સબદ-કીર્તન કરવા લાગ્યા. શું કરવું તે કોઈને સમજાતું નહોતું. ઓચિંતા જ મુસાફરો સુખાસન ઊંચકીને કલકત્તા તરફ ચાલવા લાગ્યા. ગુરુ ગ્રંથસાહેબ હોવાને કારણે એમની સામે બળજબરી પણ વાપરી શકાય તેમ નહોતું. ગોરા અફસરો એમને રોકવાની કોશિશ કરતા રહ્યા પણ એમને પાછા વાળવામાં કલાકો લાગી ગયા. અંતે જો કે એમણે બધા મુસાફરોને સ્ટેશને પહોંચાડી દીધા.

રક્તપાત

પરંતુ એમની ટ્રેન તો નીકળી ગઈ હતી. અફસરો બીજી ટ્રેનની વેતરણમાં હતા, ત્યારે સાંજનું અંધારું ઊતરવા લાગ્યું હતું. રાતવાસો કોઈ ખાલી જગ્યામાં કરવો પડે એમ હતું. મુસાફરો ફરી સુખાસનને ગોઠવીને બેઠા અને સબદ-કીર્તનમાં લાગી ગયા. એ જ વખતે સુપરિન્ટેન્ડન્ટ ઈસ્ટવૂડ હાથમાં સોટી સાથે ગુરદિત્તા સિંઘને બોલાવવા આવ્યો. એનું આ રીતે ગ્રંથસાહેબ સમક્ષ આવવું સૌને અપમાન જેવું લાગ્યું. ગુસ્સાની એક લહેર દોડી ગઈ. એમણે ઈસ્ટવૂડને ઘેરી લીધો. એક જણે એના હાથની સોટી ઝુંટવી લીધી. ઈસ્ટવૂડે પિસ્તોલ કાઢીને બે ગોળી છોડી. કોઈને ઈજા ન થઈ પણ રોષ ભભૂકી ઊઠ્યો. મુંશા સિંઘ નામનો એક મુસાફર જહાજમાંથી ઊતરતી વખતે એક પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો, એણે વળતો ગોળીબાર કર્યો તેમાં ઈસ્ટવૂડ માર્યો ગયો, બીજા એક અફસર પૅટ્રીને જાંઘમાં ગોળી વાગી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બંદુકધારી સૈનિકોની ટુકડી ઊભી હતી. ગોળીઓની રમઝટ વચ્ચે પણ મુસાફરોએ પોલીસો પર હુમલો કર્યો. એમની બંદૂકો અને તલવારો ઝુંટવીને એમના પર જ હુમલો કર્યો. કેટલાક સિપાઈ આમાં માર્યા ગયા કે ઘાયલ થયા. પરંતુ ફોજીઓના હુમલા સામે મુસાફરો ટકી ન શક્યા. એ બજાર તરફ ભાગ્યા તો  ત્યાં પણ એમને નિશાન બનાવ્યા.

ધીંગાણું બંધ થયું ત્યારે આ અંધાધૂંધીમાં પચાસ-સાઠ મુસાફરો ભાગી છૂટ્યા હતા; ૧૨ જણના જાન ગયા. બીજી લાશો સમુદ્રકાંઠે કે બજારમાં મળી. સાતને ગંભીર ઈજાઓ સાથે હૉસ્પિટલ પહોંચાડવા પડ્યા. બીજા ૨૯ને કેદ કરી લેવાયા. આના માટે તપાસ પંચ નિમાયું તેના રિપોર્ટ પ્રમાણે ૩૨૧માંથી ૨૬૦ જેલોમાં હતા અને ૧૯નાં મોત ગોળીથી થયાં હતાં.

૦૦૦

કામાગાટા મારૂની ઘટના ગદર પાર્ટીના સશસ્ત્ર સંઘર્ષના ઇતિહાસનું મહત્વનું અંગ છે, પરંતુ મુખ્ય અંગ નથી. એ મુખ્ય ઝાડમાં ફૂટેલી નવી શાખા છે, એક મહત્વની આડકથા છે. એ કથા ગદર પાર્ટીના કાર્યક્રમનો ભાગ નહોતી પરંતુ સૈદ્ધાંતિક રીતે એ ગદરના સિદ્ધાંતોની નજીક હતી. પરંતુ કામાગાટા મારૂ સાથે ગદરની કથાનો અંત નથી આવતો.

ઠેકઠેકાણેથી આવેલા ગદરીઓએ ધીમે ધીમે સૈન્યમાં પણ ઘૂસવાનું શરૂ કર્યું. સૈનિકો કે સિપાઈઓમાં ઘણાખરા ગામડાંના હતા એટલે ગદર પાર્ટીનો પ્રચાર તો એમના સુધી પહોંચ્યો હતો. અમુક સ્તરે એમના તરફથી સહકાર મળવાની પણ આશા હતી. આ સ્થિતિમાં એમણે બે આર્મી કૅમ્પો પર હુમલા કરવાનું નક્કી કર્યું. આમાં ૨૩મી ડિવીઝનના સિપાઈઓ પણ સામેલ થવાના હતા. બધા એના હેડ ક્વાર્ટર્સ પર હુમલો કરવાના હતા. પણ આર્મીનાઅ એક ગ્રંથિએ (ધાર્મિક શીખ કર્મચારીએ) એમને વાર્યા. જો કે ચાર ઘોડેસવારો વિદ્રોહીઓ જ્યાં હતા ત્યાં મોડેથી પહોંચ્યા પણ એ વખતે તો બધા ચાલ્યા ગયા હતા. આમ કૅમ્પ પર હુમલા કરવાની યોજના નિષ્ફળ રહી.

એ જ રીતે ફિરોઝપુર કૅંટોનમેન્ટ પર હુમલો કરવામાં એમને નિષ્ફળતા મળી. ્હુમલો કરવાના ઇરાદે ગયા તો હતા પણ એમને સમાચાર મળ્યા કે ૩૦મી નવેમ્બર સુધીમાં એમને આર્મીનાં હથિયાર એક કૅમ્પમાંથી મળી જશે. એટલે બધા ટ્રેનમાં બેસીને પાછા ફરી ગયા. તેમ છતાં અમુક રહી ગયા તે ટાંગાઓ કરીને પાછા જતા હતા. સંયોગોવશાત એ દિવસે પોલીસ દળનો એક મોટો અધિકારી ત્યાં આવવાનો હતો એટલે સિપાઈઓએ ટાંગા રોકીને બધાને જમીન પર બેસાડી દીધા. એક સિપાઈને શું સૂઝ્યું કે એણે એક ગદરી રહમત અલી વાજિદને થપ્પડ મારી દીધી. આ જોઈને ભગત સિંઘ કચ્ચરમનને ગુસ્સો આવી ગયો અને એણે કંઈ જોયા જાચ્યા વગર પોતે ઓઢેલી ચાદરમાં છુપાવેલી પિસ્તોલ કાઢીને ગોળીબાર કર્યો. એમાં સિપાઈઓની ટુકડીનો લીડર માર્યો ગયો. એના બચાવમાં આવેલો બીજો એક સિપાઈ પણ માર્યો ગયો. પરંતુ તે પછીં વિદ્રોહીઓ ભાગી જવાને બદલે ઝાડીઓમાં છુપાઈ ગયા. થોડી વારમાં પોલીસની મોટી ટુકડી આવી અને આખા વિસ્તારને ઘેરી લીધો. હવે ગદરીઓ બચી શકે તેમ નહોતા. બે પોલીસના નિશાને ચડી ગયા અને બાકીના બીજા પકડાઈ ગયા. એમના પર કેસ ચલાવીને તાબડતોબ સાતને મૃત્યુદંડ આપવામાં આવ્યો, બીજાને પણ સખત કેદની સજા થઈ. જે હાથમાં ન આવ્યા એમને ‘ભાગેડુ’ જાહેર કરવામાં આવ્યા.

ગદર ગાથા હજી આગળ ચાલશે

૦૦૦

સંદર્ભઃ

  1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.  ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)  | સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com

દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી