સંવાદિતા

કોઈની સ્મૃતિને હૃદયમાં જડીને એની સંગે યાત્રા કરીએ ત્યારે એ બહિર્યાત્રા ઓછી અને અંતર્યાત્રા વધુ હોય છે.

ભગવાન થાવરાણી

હિંદીના મૂર્ધન્ય લેખક, નિબંધકાર, અનુવાદક અને ચિંતક નિર્મલ વર્માની આજે અઢારમી પુણ્યતિથિ નિમિત્તે  એક એવી પ્રવાસકથાની વાત જે એમણે લખી નથી પણ એના કેન્દ્રમાં એ પોતે છે. અવાક્ નામના એ અદ્ભુત પુસ્તકના લેખિકા છે ગગન ગિલ, નિર્મલના પત્ની. જો કે એમની ઓળખ એ કરતાં ઘણી વિશેષ છે. ગગન ગિલ હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત કવયિત્રી, ગદ્યકાર, સંપાદક, અનુવાદક અને પત્રકાર છે. એમના ચાર કવિતાસંગ્રહો , બે ગદ્ય પુસ્તકો અને નિર્મલ અને એમના ભાઈ વિખ્યાત ચિત્રકાર રામકુમાર વર્મા વિષયક પુસ્તકો પ્રકાશિત થયા છે. એમણે જગતભરના પ્રવાસો કર્યા છે પરંતુ એમનું પ્રિય પ્રવાસન સ્થળ છે તિબેટ. એ પોતે બૌધ અને હિંદુ ધર્મના પ્રખર અભ્યાસુ છે.
અવાક્ને માત્ર યાત્રાવૃતાંત કહેવું એ છેક અપર્યાપ્ત કહેવાય. કબૂલ કે એ કૈલાસ માનસરોવરની યાત્રાની વાત કહે છે પણ સાથોસાથ એ છે એક વ્યક્તિની સ્મૃતિમાં, એક પ્રિયજનના મોક્ષાર્થે એની સાથે જ આરંભાયેલ એક પાવન તીર્થાટન !
ગગન ગિલના પતિ અને એક અનુપમ કથાકાર નિર્મલ વર્મા ૨૫ ઓક્ટોબર ૨૦૦૫ ના રોજ મૃત્યુ પામ્યા. એ મૃત્યુ -શૈયા પર હતા ત્યારે એમણે પહેરેલું અંતિમ વસ્ત્ર ગગન ગિલે ઉતારીને કોઈક હેતુસર સાચવી રાખેલું. એમની હયાતીમાં જ એ જ્યારે હોસ્પીટલના બિછાને હતા ત્યારે એમના પુણ્યાર્થે એમની સંમતિથી ગગન ગિલે આ યાત્રા એમની એક બહેનપણી સાથે કરવાનો નિશ્ચય કરેલો. નિર્મલ પોતે તો આ યાત્રા કરી શકે તેમ જ નહોતા. નિર્મલની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી ચાલી અને એ અવસાન પામ્યા ત્યારે કોઈ અન્યએ લાવેલું માનસરોવરનું જળ પણ એમને અંતિમ સમયે પીવડાવવામાં આવેલું.
ભાવકો જાણે છે કે કૈલાસ માનસરોવરની યાત્રાનું અાગવું ધાર્મિક મહત્વ છે. આપણી ચાર અગત્યની નદીઓ સિંધુ, બ્રહ્મપુત્ર, સતલજ અને કરનાલીનું ઉદ્ગમ પણ માનસરોવરમાં છે.  હિંદુ, બૌધ અને જૈન ધર્મનું એ સૌથી અગત્યનું યાત્રા સ્થળ છે. એ એક આકરી જ નહીં, દરેક રીતે પડકારજનક યાત્રા છે જેમાં તન અને મનની આકરી કસોટી થાય છે. એનું મહાત્મ્ય અનેરું છે . બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નિવાસોમાંથી ભગવાન શંકરનુ આ એક જ નિકેત એવું છે જ્યાં સદેહે જઈ શકાય. અન્ય બે – બ્રહ્મલોક અને વૈકુંઠમાં મરણોપરાંત જ જઈ શકાય !
કૈલાસ વિષે એવી આસ્થા છે કે ત્યાં પરિક્રમાના માર્ગે આવેલા ડોલ્મા લા ( ગૌરીકુંડ પાસે ) એટલે કે મા તારાદેવીના સ્થાનકે કોઈ મૃતકે ઉપયોગમાં લીધેલા વસ્ત્ર, એમના વાળ, નખ કે અન્ય ચીજ અર્પણ કરી આવો તો દેવી સદૈવ એ આત્માને શરણ આપે છે. ગગન ગિલે નિર્મલના મૃત્યુ સમયે જ પ્રણ લીધેલું કે એમના પ્રિયજન માટે એ આ યાત્રા, એમણે ઉપયોગમાં લીધેલા મોજા, શર્ટ, સ્વેટર પહેરીને કરશે અને એમણે પહેરેલું અંતિમ વસ્ત્ર માના ચરણે ધરવા જશે. એ યાત્રાના સંસ્મરણરૂપે એમણે ખેડેલી બહિર અને અંતર્યાત્રા એટલે આ અવાક્ . યાત્રા નિર્મલના મૃત્યુ પછી દોઢ વર્ષે પૂર્ણ થઈ અને આ પુસ્તક લખાઈને બહાર પડ્યું ૨૦૦૮ માં.
સંસ્કૃત શબ્દ अवाक् ના અનેક અર્થ છે – સુન્ન, સ્તબ્ધ, હત્તોત્તર, ઉત્તરહીન, અવ્યક્ત, નિ:શબ્દ, શાશ્વત, મૌન, શાંત, પ્રદક્ષિણાશીલ, બ્રહ્મ, અંતરાકાશ, પરમ તત્ત્વ.
પુસ્તકમાં નિરંતર અવાકરૂપે નિર્મલ વર્મા હાજર છે. યાત્રા દરમિયાન લેખિકાની એક જ લગની છે, નિર્મલને મા તારાદેવીના શરણમાં સોંપી એમને મનોમન આપેલું વચન પૂરું કરી મુક્તિ મેળવું. એ નિરંતર એમના નામ અને પોતાના લક્ષ્યની રટણા કરતા રહે છે. ક્યાંક તો એ પોતાના પ્રિયપાત્રને એટલી ઉત્કટતાથી સ્મરે છે જાણે વિલાપ કરતા હોય !
પુસ્તકનું ગદ્ય અનોખું છે. સ્વયં નિર્મલના ગદ્ય જેવું પદ્યાત્મક અને સ્વગતોક્તિ જેવું. એમાં લેખિકાના લેખન જેટલું જ કથન હિંદુ અને બૌધ ધર્મની સુક્તિઓ, કથાવચનો, શ્લોકો, અને ગદ્યાંશો રૂપે પુરાણો, વેદ, ગ્રંથો અને શિલાલેખોમાંથી ઉદ્ધૃત કરવામાં આવેલા સાહિત્યનું પણ છે. વળી એ બધું આ યાત્રા અને એની સાથે સંકળાયેલા લેખિકાના ભાવવિશ્વ સાથે સુસંગત છે. એ વાંચતા એવું લાગે જાણે ગદ્ય અને કવિતા, વૃત્તાંત અને ચિંતનના પારંપરિક દ્વૈત ખરી પડ્યા છે. મનુષ્ય હોવાના રહસ્યોનો પરમ અજવાસ અનેક રંગતોમાં અહીં જોઈ – અનુભવી શકાય છે. પુસ્તકના બસો ઉપરાંતમાંના પ્રત્યેક પાનાનો આનાથી વધારે સદુપયોગ ન થઈ શક્યો હોત ! સાત પ્રકરણોમાં ડગલેને પગલે આ મૌક્તિકો પથરાયેલા છે. યાત્રા દરમિયાન આવતા કેટલાક સ્થળો સેપિયા રંગના ફોટોગ્રાફરૂપે છે પણ એ બધામાં લેખિકાએ સ્વયંને દેખાડવાનું જાણે ઈરાદાપૂર્વક ટાળ્યું છે. હા, થોડા થોડા સમયે એ નિર્મલને પોકારતા રહે છે.
યાત્રા નેપાળવાળા માર્ગે થઈ છે. કાઠમંડૂથી નગરકોટ, ધૂલિખેલ, ઝાંગ્મૂ, કોદારી, નિયાલમ, સાગા, પ્રયાંગ, માનસરોવર, દારચેન, કૈલાસ અને પરત. લેખિકા ડોલ્મા લા પહોંચીને નિર્મલના અંતિમ વસ્ત્રનો હવાલો મા તારાદેવીને સોંપે છે એ વખતના એમના ઉદ્દગારો અને એ દ્વારા વ્યક્ત થતી એમની મન:સ્થિતિ કોઈપણ સંવેદનશીલ ભાવકને હચમચાવી મૂકે એવી છે. ઉતરાણ વખતે એક સહયાત્રિક એમને કુતુહલવશ પૂછે છે ‘ તમારા પતિ સાથે નથી આવ્યા ? ‘ ત્યારે લેખિકા સારગર્ભિત જવાબ વાળે છે કે સાથે જ હતા પણ એમને હું ઉપર મૂકી આવી ! લેખક કીથ ડોમેન એમના પુસ્તક ‘ ધી સિક્રેટ લાઈફ ઓફ તિબેટ ‘ માં નોંધે છે ‘ આપણે જેને ચાહીએ – પૂજીએ છીએ તેનું સ્મૃતિચિહ્ન કોઈ શક્તિ – સ્થળે છોડી આવવાનો અર્થ એ છે કે આપણે એના માટે આપણી ઉપસ્થિતિ છોડી આવીએ છીએ. ખાસ કરીને ત્યારે, જ્યારે યાત્રિક મૃત્યુ અને પુનર્જન્મ વચ્ચેનો રસ્તો પાર કરી રહ્યો હોય ! ‘
આ યાત્રાએ જઈ આવેલા ભાગ્યશાળી યાત્રિકો કબૂલ કરશે કે એ યાત્રા સંપન્ન કરનારાઓનો એક અનૌપચારિક સંપ્રદાય હોય છે જે કોઈ ધર્મ કે અનુષ્ઠાનથી નહીં, સહિયારા અનુભવોથી જોડાયેલો હોય છે. એ અનુભવ જે એમને ત્યાં થયેલો જ્યારે એમણે શાશ્વતને પોતાની નજરે જોયેલો.
પુસ્તકમાં લામા અંગરિકા ગોવિંદાના ઉદ્ધરણો આપેલા છે. તેઓ કહે છે ‘ તીર્થયાત્રા કેવળ બહારથી શરુ નથી થતી. એનો વાસ્તવિક લય ભીતરે શરુ થાય છે. કોઈક અદ્રષ્ય આંતરિક બિંદુએથી. ‘ આવી યાત્રાઓમાં પડતી પારાવાર શારિરિક મુશ્કેલીઓ વિષે તેઓ કહે છે ‘ રસ્તાની ભીષણતા એક પ્રતીકાત્મક મૃત્યુ છે. જ્યાં સુધી તીર્થયાત્રામાં આવી મૃત્યુ – ક્ષણનો અનુભવ ન થાય, પુનર્જન્મનો પ્રસાદ અસંભવ છે. ‘
આવા વૃતાંતો આપણને માત્ર પ્રવાસને જ નહીં, જીવનને પણ નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે. રસપ્રદ વાત એ કે લેખિકા પોતે આ પ્રવાસેથી પાછા ફર્યાના પાંચ જ મહિના બાદ ફરી તિબેટના પ્રવાસે ગયેલા.
‘ બધા કહે એના પર ભરોસો ન કરો. જાઓ અને જૂઓ. ‘

સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.