પ્રવાસી યુ. ધોળકિયા
‘આ ધર્મ સનાતન છે’ ને સમજવાની યાત્રાનાં ત્રીજાં ચરણ પર આપણે હવે ચાલીશું. આજના મણકામાં ચાર વેદ ઉપરાંત તેનાં અન્ય શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.
વેદોની મહાન પરંપરાને શ્રદ્ધાંજલિ આપતાં ઋગ્વેદના એક મહાન સુક્તથી આજના મણકાનો પ્રારંભ કરીશું.
ॐ
आ नो भद्रा कृतवो यन्तु विश्वतः ।
અર્થાત્
વિશ્વના સર્વે ઉમદા વિચારો અમને પ્રાપ્ત થાઓ.
શ્રુતિ સાહિત્ય
શ્રુતિ સાહિત્યમાં ચાર વેદો ઉપરાંત બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એમ અન્ય ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.
(૧) બ્રાહ્મણ
પૌરાણિક હિંદુ ધર્મમાં ધર્મનું જે સ્થાન છે તે વેદોમાં યજ્ઞનું છે. આ યજ્ઞોને પારિભાષિક કરતું સાહિત્ય એટલે બ્રાહ્મણ ગ્રંથ. તેનો બીજો અર્થ એ થાય છે કે અહીં પરમ તત્ત્વ બ્રહ્મ વિશે કર્મકાંડ દ્વારા જેની સમજ આપવામાં આવી છે તેવા ગ્રંથ. આચાર્ય ચતુરસેનના મત પ્રમાણે એક કાળે લગભગ ૭૦ બ્રાહ્મણ ગ્રંથો પ્રાપ્ય હતા, પરંતુ આપણા દુર્ભાગ્યે બહુ ઓછા ગ્રંથ મળે છે. દરેક વેદના કેટલાક અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથ છે. તેની યાદી નીચે પ્રમાણે છેઃ
|
વેદ |
બ્રાહ્મણ |
| [अ] ઋગ્વેદ | (૧) ઐતરેય (૨) કૌષીતકી |
| [ब] શુક્લ યજુર્વેદ | (૧) શતપથ બ્રાહ્મણ
(અ) યાજ્ઞવલ્કય લિખિત માધ્યદિન સંહિતા (બ) કણ્વ રચિત સંહિતા |
| [क] સામવેદ | (૧) પંચવિશ (૨) તાંડવ |
| [ड] અથર્વવેદ |
ગોપથ |
ઉપર કહ્યું તેમ બ્રાહ્મણ ગ્રંથોમાં મુખ્યત્વે યજ્ઞના કર્મકાંડના વિજ્ઞાનને અદ્ભૂત રીતે સમજાવવામાં આવ્યું છે. તે ઉપરાંત તેમાં સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું અને તેમાં કયાં રહસ્યમય તત્ત્વો છે એ વિષય પર પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ બધા ગ્રંથોમાં સૌથી વિશિષ્ટ અને દળદાર ગ્રંથ શતપથ બ્રાહ્મણ છે. આવો ગ્રંથ વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં નથી. અન્ય કોઈ સંસ્કૃતિઓ તેને રચી શકે તેવાં સામર્થ્યોનો પણ એ સંસ્કૃતિઓમાં અભાવ છે.
(૨) આરણયક
આરણ્યક ગ્રંથો આમ તો બ્રાહ્મણ ગ્રંથોનો અંતિમ ભાગ કહેવાય છે. તેથી, તેમાં , બ્રહ્મ, યજ્ઞ, રહસ્યવાદ જેવાં વેદોનાં વર્ણિત પરમ ચેતના પર વિશ્લેષણ વધારે જોવા મળે છે. આરણ્યકોમાં ઉપનિષદ વર્ણિત આત્મા અને અન્ય રહસ્યો પર પણ પ્રારંભિક ચર્ચાઓ જોવા મળે છે. તેથી આ ગ્રંથોને બ્રાહ્મણ અને ઉપનિષદ વચ્ચેની અગત્યની કડીઓ ગણવામાં આવે છે. મુખ્ય આરણ્યકોમાં ઐત્રેય, સંખ્યાયન, બૃહદારણ્યક, તૈતરીય અને તલવાકર છે.
(૩) ઉપનિષદ
આમ તો ઉપનિષદોની કુલ્લ સંખ્યા ૨૦૦ છે. પરંતુ ૧૦૮ ઉપનિષદને વૈદિક પરંપરામાં મુકવામાં આવે છે. તેમાં પણ ઐતરેય, ઈશાવાસ્ય, બૃહદારણયક, તૈતરીય, શ્વેતાસ્પર, કેન, છાંદોગ્ય, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, કઠ અને આર્ષેય એમ બાર ઉપનિષદોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
જો તટસ્થ રીતે વિશ્વમાં મતદાન કરવામાં આવે કે ધર્મ અને અધ્યાત્મના વિષય પર લેખિત ગ્રંથોમાં કોણ પ્રથમ ક્રમે આવે તો નિર્વિવાદ રૂપે ઉપનિષદોને એ સ્થાન આપવામાં આવે. ઉપનિષદોમાં ઋષિપ્રજ્ઞાએ પરમ તત્ત્વ એટલે કે પરમ ચેતનાના અંતિમ બિંદુ પર પહોંચીને જ્ઞાનનું દર્શન પ્રતિપાદિત કર્યું છે. આ પછી ધર્મ અને અધ્યાત્મ પરના વિષયોમાં એક પણ વધારાનો શબ્દ ઉમેરી શકાતો નથી. તેથી જ આ મહાજ્ઞાનને વેદાંત નામ આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે,
(૧) ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
અર્થાત્,
આ (અજ્ઞાત બ્રહ્માંડ) પૂર્ણ. છે, આ (પ્રત્યક્ષ બ્રહ્માંડ) પણ પૂર્ણ છે. આ પૂર્ણતા તે બીજી પૂર્ણતાથી પ્રાપ્ત થઈ છે. જ્યારે આ બન્ને પૂર્ણતાઓ એકબીજાથી અલગ થઈ જાય છે ત્યારે પણ જે શેષ રહે છે તે પણ પૂર્ણ છે.
(૨) ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ।।
અર્થાત્,
જડ-ચેતન પ્રાણીઓવાળી આ સમગ્ર સૃષ્ટિ પરમાત્મામાં વ્યાપ્ત છે. મનુષ્યે તેનો આવશ્યકતા પ્રમાણે ભોગ કરવો જોઈએ, પરંતુ આ બધું મારું નથી તે ભાવ સાથે આ પદાર્થોનો સંગ્રહ કરે.
ઉપરોક્ત શ્લોકને સરળતાથી સમજવો હોય તો એમ કહી શકાય કે વ્યક્તિ દરેક જન્મમરણના ચક્રમાં એક વર્તુળમાં ફર્યા કરે છે. ભારતીય ઋષિઓએ આપણને યોગ અને તપ તથા અનેક સાધનો દ્વારા આ વર્તુળમાંથી મુક્તિ પામીને પૂર્ણત્વમાં વિલય થવાનો માર્ગ દર્શાવ્યો છે. આમ અહીં જીવાત્માને પરમાત્મામાં વિલય થવાની ચાવી પુરી પાડવામાં આવી છે.
ઉપનિષદમાં શું છે?
- આપણે કોણ છીએ
- મૃત્યુ પછીની ગતિ
- પરમ સત્તા
- ઈશ્વરનું નિરૂપણ
- જ્ઞાન માર્ગની પ્રધાનતા
- જીવાત્માને પરમાત્મામાં વિલિન થવાની વિધિઓ
- સાંખ્ય પ્રણીત મહત્ત તત્ત્વ ઉપરાંત અન્ય તેત્રીસ તત્ત્વો વિશે વૈજ્ઞાનિક ચર્ચા – ન્યાય તથા યોગ વિજ્ઞાન પરની તત્ત્વિક સમજણ
- માનવજીવનનું અંતિમ ધ્યેય પોતાની મર્યાદાઓનું રૂપાંતરણ કરી પૂર્ણતા પ્રાપ્ત કરવી તેવો ઉપદેશ
યજ્ઞો
વૈદિક પરંપરામાં યજ્ઞોને અતિ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વેદો શ્રુતિ પરંપરામાં છે એટલે તેના યજ્ઞોને શ્રૌત યજ્ઞો તરીકે ઓળખવામાં આવે છે. આ યજ્ઞોના બે વિભાગ છેઃ હવિર્ય યજ્ઞ અને સોમ યજ્ઞ.
હવિર્ય યજ્ઞમાં ચોખા, જવ, અને ઘીને અગ્નિમાં હોમવામાં આવે છે. તેના સાત પ્રકારો છેઃ ૧) અગ્નિહોત્ર ૨) દર્શપૂર્ણમાસ ૩) અગ્રયાન ૪) ચાતુર્માસ્ય ૫) નિરુધ પશુબંધ ૬) સૌત્રમણિ, અને ૭) પિંડ પિતૃયજ્ઞ
સોમ યજ્ઞમાં યજ્ઞમાં અગ્નિમાં સોમરસની આહુતિ આપવામાં આવે છે. તેના પણ સાત પ્રકાર છેઃ ૧) અગ્નિષ્ટોમ ૨) અત્યગ્નષ્ટોમ ૩) ઉકથ્ય ૪) ષોડશી ૫) વાજપેય ૬) અતિરાત્ર, અને ૭) આપ્તોર્યામ.
રાજસૂય અને અશ્વમેધ યજ્ઞ ફકત રાજવીઓ જ કરી શકતા. તે પહેલાં ઉપરોક્ત વાજપેય યજ્ઞો બ્રાહ્મણો દ્વારા કરવાનું વિધાન છે.
વાચકોને જણાવી દઈએ કે અગ્નિના ત્રણ પ્રકારો હતાઃ ૧) ગાર્હપત્ય ૨) આહ્યનીય અને ૩) દક્ષિણાગ્નિ.
બુદ્ધ અને મહાવીરનાં અભિયાન પછી આ યજ્ઞો હવે કોઈ નથી કરતું. અત્યારે સ્માર્ત (સ્મૃતિ ગ્રંથ) યજ્ઞોનું ચલણ છે.
વેદના સ્મૃતિગ્રંથ
વેદના શ્રુતિગ્રંથો ઉપર ટુંકી ચર્ચા કર્યા પછી આપણે હવે તેના સ્મૃતિગ્રંથોનું સંક્ષિપ્ત અવલોકન ગાયત્રી મંત્રની પ્રાર્થના સાથે કરીએ.
ॐ भूभुर्वः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।।
અર્થાત્ઃ
અમે પૃથ્વી, અંતરીક્ષ અને સ્વર્ગલોકમાં વિરાજતા સૃષ્ટિકર્તાનું દર્શન કરીએ છીએ, તે અમારી બુદ્ધિને સૂર્ય જેવી પ્રખર બનાવે.
વેદાંગ
વેદમાં જે પરમ પુરુષની પ્રાર્થના કરવામાં આવી છે તેના છ અંગો એટલે વેદાંગ.
(૧) શિક્ષા
વેદ સંહિતાઓ મૂળભૂત રીતે પરમ પુરુષના ઋષિઓએ કરેલાં આત્મદર્શનને સ્વર અને શબ્દનાં સ્પંદનોમાં ગુંથવામાં આવેલ છે. આમ આ દૈવી વાણીને વ્યક્ત કરતાં વેદનાં સૂત્રો, ઋચાઓ અને શ્લોકોને સંગ્રહિત કરીને મૌખિક રીતે સાચવવાનો અદ્વિતિય પ્રયાસ અહીં જોવા મળે છે. તેથી આ ઋચા – શ્લોકોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થાય તેને શિક્ષાશાસ્ત્રના ત્રીસ ગ્રંથોમાં સમજાવવામાં આવ્યું છે.
(૨) કલ્પ
ક્લ્પને પરમ પુરુષના હાથરૂપ ગણવામાં આવે છે. આમ તો વેદોમાં યજ્ઞોનું પ્રાધાન્ય છે. તેનું વિધિપૂર્વકનું જ્ઞાન આપણે જોયું તેમ બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથોમાં મળે છે. પરંતુ આ ગ્રંથો યજ્ઞ ઉપરાંત વેદોમાં રહેલાં સત્યો અને આખ્યાયિકાઓ પર પણ ચર્ચા કરે છે, જ્યારે કલ્પમાં ફક્ત યજ્ઞોની વિધિને જ કેન્દ્રમાં રાખીને યાજ્ઞિકોને સૂચના આપવામાં આવી છે. કલ્પનાં ત્રણ સૂત્રો છેઃ શ્રૌત, ગૃહ્ય અને શુલ્ય. શ્રૌત સૂત્રના રચયિતા શંખ્યાયન, શત્યાયન, હિરણ્યકેશી અને બૌદ્ધાયન છે. ગૃહ્ય સૂત્રમાં માનવજીવનના જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારોને સમજાવવામાં આવ્યા છે. તેના રચયિતાઓ ઉપરોક્ત ઋષિઓ ઉપરાંત આશ્વાલયન અને ગોભિસ છે. શૂલ્ય સૂત્રનો અર્થ દોરા દ્વારા માપવું એવો થાય છે, તેમાં યજ્ઞની વેદીઓ, તેમાં વપરાતી ઇંટોનાં તેમજ દરેક વેદીઓ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ તેનાં ચોક્કસ માપ દર્શાવવામાં આવ્યાં છે. આજના આધુનિક ગણિતશાસ્ત્રના પાયામાં આ શૂલ્યશાસ્ત્ર છે.
(૩) છંદ
વેદનાં સુક્તો, ઋચાઓ અને મંત્રોને છંદોમાં વણી લેવામાં આવેલ છે. આમ તો ચાર વેદોમાં લગભગ વીસથી વધારે છંદોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ ૧) ગાયત્રી, ૨) અનુષ્ટુપ ૩) ત્રિષ્ટુપ ૪) બૃહતી ૫) જગતી ૬) ઉષ્ણિક અને ૭) ત્રિક્ત એમ તેના સાત મુખ્ય છંદો છે.
આપણને એ જાણીને આશ્ચર્ય થાય કે વેદોમાં એમ જણાવાયું છે કે સૃષ્ટિની રચના આ છંદો અને ૬૪ સ્વરો વડે થઈ છે. હવે આ વિજ્ઞાન લુપ્ત થયું છે. આધુનિક વિજ્ઞાન તેને જાણવા અસમર્થ છે. છંદશાસ્ત્રના રચયિતા શોનક અને સંખ્યાયન હતા. આજે આપણને છંદશાસ્ત્ર પર ફક્ત પિંગળની જ કૃતિ મળે છે.
(૪) વ્યાકરણ
પરમ પુરુષનાં મુખને વ્યાકરણ તરીકે માનવામાં આવે છે. આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે શ્રુતિ અને સ્મૃતિગ્રંથોનું વ્યાકરણ અતિ કઠણ જણાય છે. વ્યાકરણમાં મુખ્યત્ત્વે શબ્દ, ધાતુ, રૂપ, વાક્ય અને સંધિ પર ચર્ચા હોય છે. વ્યાકરણ પર ગાર્ગ્ય, ભારદ્વાજ અને સ્ફોશવતના ગ્રંથો આજે અલભ્ય છે. આપણા સદનસીબે આ ગ્રંથોનો આધાર લઈને પાણિનીએ અષ્ટાધ્યયી લખ્યું છે, જે પ્રાપ્ય છે.
(૫) નિરુક્ત
પરમ પુરુષના કાન રૂપ વેદાંગને નિરુક્ત નામ આપવામાં આવ્યું છે. તેમાં શબ્દોની વ્યુત્પતિ અને સ્વરશાસ્ત્ર પરની ટીકાઓ છે. તેનો ફક્ત એક જ ગ્રંથ મળે છે જે ચાસ્ક દ્વારા રચયિત નિઘંટુ છે.
(૬) જ્યોતિષ
યજ્ઞવિધિ કરવા માટે વેદિક ઋષિઓએ નક્ષત્રો અને ખગોળ વિજ્ઞાનનો આધાર લેવો પડ્યો હતો. તેના પરનો લગ્ધબનો ૪૪ શ્લોકોનો એક ગ્રંથ મળે છે. આ પછી ગંગોચાર્ય, વરાહમિહિર, આર્યભટ્ટ અને ભાસ્કારાચાર્યે ખગોળ અને જ્યોતિષ પર ગ્રંથો લખીને આપણા પર ઉપકાર કર્યો છે.
વેદીક પરંપરાના અન્ય ગ્રંથો પર હવે પછીના મણકામાં………….
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
