તવારીખની તેજછાયા

હાડના સમાજવાદી મધુ દંડવતે રેલવે પ્રધાન હશે પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા કદાપિ નહોતા. નાણાંપ્રધાન હશે પણ નાણાં સારુ જાણીતા નહોતા

પ્રકાશ ન. શાહ

રાજકારણના રણમાં વીરડી શી એક સાંભરણમાં ચિત્ત ઠરવા કરે છે. ૧૯૭૪ના નવેમ્બરમાં ભરજેપી આંદોલને મધુ દંડવતેને પહેલ પ્રથમ મળવાનું થયું હતું. આંદોલનના એ વાસંતી મહિનાઓમાં, જયપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હીના વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં મળેલા પક્ષ-અપક્ષ સંમેલન (પાર્ટી-નોન પાર્ટી કન્વેશન)માં ભાગ લઈ વળતે દહાડે અમદાવાદ પાછા ફરવાનું હતું. કન્ફર્મ્ડ ટિકિટનો જોગ નહોતો. પણ લોકસભાની કેન્ટીનમાં પ્ર. ગ. માવળંકરને શોધું તે પહેલાં અનાયાસ જ એક વડીલ સજ્જન મળી ગયા. એય ‘અણ્ણા’ (માવળંકર)ની શોધમાં હતા. છાપાકૃપાએ હું એમને ઓળખી ગયો, આ તો દંડવતે. જરી વાત નીકળી ન નીકળી ત્યાં તો એમણે જ મને સાસંદ ક્વોટામાંથી ટિકિટ માટેની ભલામણ લખી આપી.

એમના શતાબ્દી વર્ષ (૨૧-૧-૧૯૨૪ : ૧૨-૧૧-૨૦૦૫)માં જોગાનુજોગવશ આ સંભારણું એટલા વાસ્તે કે તે મિનિટે મને ખબર નહોતી કે હું ભાવિ રેલવે પ્રધાન મારફતે ટિકિટ મેળવી રહ્યો છું! જનતા રાજ્યારોહણ સાથે મોરારજી દેસાઈ મંત્રીમંડળ (૧૯૭૭-૧૯૭૯)માં રેલવે પ્રધાન અને તે પછી બે’ક દાયકે વિશ્વનાથ પ્રતાપ સિંહ મંત્રીમંડળમાં નાણાંપ્રધાન રહેલા. હાડના સમાજવાદી મધુ દંડવતે રેલવે પ્રધાન હશે પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા કદાપિ નહોતા. નાણાંપ્રધાન હશે પણ નાણાં સારુ જાણીતા નહોતા.

મોરારજી મંત્રીમંડળમાં જોડાવાનું કહેવા સરકારી અધિકારી આવ્યા, આ જ વીપી હાઉસના એક કમરામાં એમને શોધતા, ત્યારે આપણો વીરનાયક લાંબા ચૂંટણી પ્રવાસ દરમ્યાન ભેગાં થઈ ગયેલાં મેલાં કપડાં ધોવામાં દત્તચિત્ત હતો… અને હા, વિશ્વનાથ પ્રતાપ સિંહનું પ્રધાનમંડળ ઘરે બેઠું ત્યારે દેશના હજુ હમણેના નાણાંપ્રધાન બેંકની બારીએ કાર લોન સારુ ઊભેલા તે પણ ઈતિહાસદર્જ છે.

એક સંઘર્ષશીલ ને સ્વાધ્યાયપ્રત સમાજવાદી વિશે એના ટૂંકજીવી સત્તાકાળને છેડેથી વાત કરી તે એ વાનું ઉપસાવવા માટે કે આવી વ્યક્તિનું સત્તા પર હોવું એના કેવા તો સાંસ્કૃતિક-સામાજિક આયામ હોઈ શકે છે. એમણે શપથ લીધા ત્યારે આગલી (ઈન્દિરા) સરકારી અને રેલવે યુનિયન વચ્ચે આકરા અવિશ્વાસનો અને ઉગ્રકટુ નાતો હતો. દંડવતેના ન્યાયી અભિગમે વિશ્વાસ અને સહયોગનો સંબંધ ઊભો કરી ખાતું એવું તો ચલાવ્યું કે મોરારજીભાઈ કહેતા કે મેં સંભાળ્યું હોત તો આ હદે જામ્યું ન પણ હોત. બીજા/ત્રીજા વર્ગની લાંબી મુસાફરી લાકડાનાં પાટિયાંને કારણે અંતે કષ્ટદાયક અનુભવાતી. દંડવતે હસ્તક એ પાટિયાં ફોમવંતાં બન્યાં. એ કહેતા કે મારે ફર્સ્ટ ક્લાસને ડિગ્રેડ નથી કરવો પણ સેકન્ડ/થર્ડ અપગ્રેડ તો થઈ શકે ને. લાંબા અંતરની સુપરફાસ્ટો પણ એમને નામે જમા બોલે છે. મુંબઈ-કોલકાતા કે બીજી. રેલબાબુઓ પશ્ચિમ (મુંબઈ)થી પૂર્વ (કોલકાતા) દોડતી ટ્રેઈન વાસ્તે સીધુંસટ ‘ઈસ્ટર્ન રેલવે’ નામ લઈ આવ્યા હતા. દંડવતે હસ્તક એ ‘ગીતાંજલિ’ થઈ ગયું- અને આગળ ચાલતાં એ જ ધાટીએ ‘નવજીવન’ અને ‘સર્વોદય’ પણ આવ્યાં… કામદાર ને ગ્રાહક બેઉ સાથે સૌહાર્દ, નીચલા વર્ગને ફોમ-પથારી અને રેલગાડીને ટાગોર-ગાંધી પરંપરાનાં નામો! સમાજવાદી વહીવટની સાંસ્કૃતિક-સામાજિક પહેચાન તે આનું નામ.

સન બયાલીસનો સ્વાતંત્ર્યપૂર્વ સંઘર્ષ કે સ્વાતંત્ર્યોત્તર ગોવા મુક્તિ ને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન, આ બધા કારા-સંઘર્ષો વચ્ચે મધ દંડવતેનું આજીવિકાનું સાધન મુંબઈની આંબેડકર સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)ની પ્રાધ્યાપકીનું હતું. સમાજવાદી કર્મશીલ ને કટારલેખક હિમ્મત ઝવેરી પાસે સાંભળ્યું છે કે અમે મોટે ઉપાડે સંઘજીવન (કોમ્યુન લાઈફ)નો પ્રયોગ કર્યો પણ અમારામાં એકમાત્ર નિયમિત આવકઠેકાણું મધુની પ્રોફેસરીનું હતું. અને પ્રમિલાબહેનનું ને એમનું દામ્પત્ય! રાષ્ટ્ર સેવિકા દળની શિક્ષાદીક્ષા પામેલાં- ને એમાં પણ એના કલાપથક સાથે વિશેષ લગાવ ધરાવતાં પત્ની પ્રમિલા (૧૯૮૦માં જનતા પક્ષનાં વળતાં પાણી છતાં) મુંબઈથી લોકસભામાં ચૂંટાયેલાં. પતિ-પત્ની બંનેએ કટોકટીકાળમાં બધો વખત, એકે બેંગ્લોર તો બીજાએ યરોડા જેલમાં, અલગ અલગ રહેવાનું નિરમાયેલું હતું. એમની વચ્ચે ત્યારે બસો જેટલા પત્રોની જે આપલે થઈ હતી એમાંથી પસાર થવું તે એક સમર્પિત દામ્પત્યની શીલસુવાસમંડિત જુગલબંદી શો સાક્ષાત્કારક અનુભવ છે. વાંચનલેખનની વાતો, રાત વરત રાગ જય જયંવતીની સંનિધિ, દૂર પડેલાં પતિ-પત્ની જેલ ઓથોરિટીની રજા સાથે કવચિત મળી શકાય એવી હોંશ સેવે છે, પણ સ્વમાનભોગે મળતી રજા નહીં- એવું વલણ, જયપ્રકાશની કિડની ફેઈલ થઈ રહ્યાના સમાચાર વચ્ચે પતિ દાક્તરી સંમતિને ધોરણે પોતાની કિડની ઓફર કરવાનું વિચારે છે ને પત્ની એનાં દૂખણાં લે છે. આપણે બેઉ જેલમાં છીએ ને હજુ ભણતો એકનો એક પુત્ર ઉદય કેમ જાણે પોતાને અનાથવત્ અનુભવતો હશે એ ખયાલે બહુ ચિંતિત છે તો ક્યાંક ચિત્તને ખૂણે એમ પણ છે કે ઉદય પણ ઠીક સંઘર્ષદીક્ષા મેળવી રહ્યો હશે. ૧૯૭૫-૧૯૭૭ના ગાળાની બેંગ્લોર-યરોડા જેલ ફ્રિકવન્સી પરની આ એક ન્યારી સુરાવલિ છે.

વિજ્ઞાનને સરળ રીતે મૂકી આપતાં ધારાપ્રવાહ મરાઠી વ્યાખ્યાનોથી માંડી રાજકીય પ્રતિભાવો, પ્રશ્નો, પ્રવાહો ને પરિબળો વિશેનું લેખન વળી એક જુદો જ ઈણકો છે, એટલી એક અધૂરીમધુરી નોંધ, આ શતાબ્દી વંદના સમેટતાં.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૪– ૧ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.