શૈલા મુન્શા

મારા જીવનના તેવીસ વર્ષ જેને હું સહુથી સુંદર અને લાગણીસભર વર્ષ ગણું છું એ મારા દિવ્યાંગ બાળકો સાથે વિતાવેલા વર્ષો છે. મબલખ પ્રેમ એ બાળકો પાસે હું પામી છું. ફક્ત મારા દિવ્યાંગ બાળકો જ નહિ મારા મિત્રગણમાં પણ દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં મિત્રો પોતાના અનુભવો મને જણાવતા અને આજે હું એક એવી જ બાળકીની યાદ તાજી કરી રહી છું.

હું જે મારિઆ ની વાત કરવા માંગુ છું એ મારા ક્લાસમાં નહોતી એના નિર્દોષપણાની વાત મને મારી સખી દીના એ કરી. દીના પણ મારી જેમ ખાસ જરૂરિયાતવાળા બાળકો સાથે કામ કરતી હતી. આવા દિવ્યાંગ બાળકોની  જરૂરિયાત, લાગણી,  મિજાજ હમેશા અલગ જ હોય છે  અને અમારે એમની ખાસિયતને ધ્યાનમાં રાખી, એમના સ્વભાવને અનુરૂપ કુનેહથી કામ કરવાનુ રહેતું.

મારિઆ અને એના જેવા બાળકોની ખાસિયત એવી હોય કે એમનું દરેક કામ એક નિયમ અનુસાર ચાલે. એમાં બદલાવ આવે તો એ બાળકો વિચલીત થઈ જાય ચિઢાય જાય, ચીસાચીસ કરી મુકે. જે સમયે રમવાનુ હોય તે સમયે રમવાનુ. જો રમવાને બદલે ભણવા બેસાડીએ તો આવી બન્યું. આ બાળકોને Autistic children કહેવાય છે. આ બાળકોની દૈનિક દિનચર્યામાં જરાપણ ફેરફાર થાય ત્યારે એમને સંભાળવા મુશ્કેલ થઈ જાય છે. મારિયા પણ એવી જ એક બાળકી હતી.

દીના બાળકોને રોજ સવારના અગિયાર વાગ્યાની આસપાસ સ્કુલના પાર્કમા રમવા લઈ જતી. એ પહેલા ક્લાસના ટીવી પર બાળકોને એજ્યુકેશનલ વીડિયો બતાડવાનો ક્રમ હતો. જ્યારે ટીવી બંધ કરવાનો સમય થાય ત્યારે દીના રીમોટ કંટ્રોલથી ટીવી બંધ કરતી. મારિઆ એ રોજ જોતી હતી. મારિઆ “A child with autism” જેને કહે તે પ્રકારની બાળકી. આ બાળકો મંદ બુધ્ધિના ના હોય પણ એક પ્રકારના નિયમમાં  જકડાયેલા હોય.

એવું બન્યું કે ત્યારે હ્યુસ્ટનમાં લગાતાર ત્રણ ચાર દિવસ વરસાદ પડ્યો. પહેલે દિવસે તો દીનાએ મારિઆને જેમતેમ સમજાવી ક્લાસમાં જ રમવાનું કહ્યું. બારી બહાર વરસાદ પડતો દેખાડ્યો. બીજે દિવસે પણ વરસાદને વીજળીનાં કડાકા ચાલુ જ હતા. બહાર રમવા જઈ શકાય એ શક્ય જ નહોતું. દીના એ બાળકોને જેવું કહ્યું કે આજે પણ વરસાદને કારણે બહાર રમવા નહિ જઈ શકાય કે તરત જ મારિઆ દોડતી જઈને રીમોટ લઈ આવી અને દીનાને આપતાં બોલી “stop the rain, stop the rain” (વરસાદ બંધ કરી દો, વરસાદ બંધ કરી દો)

એ નાનકડી બાળકીની સમજ પ્રમાણે બધું જ રીમોટથી ચાલુ અને બંધ થઈ શકે. દીના બે ઘડી એની હોશિયારી અને ચપળતા જોઈ જ રહી, અને શું જવાબ આપવો એ વિચારી રહી.

કોણ કહી શકે કે આ બાળકો બીજા બાળકોથી કોઈ પણ વાતમાં ઉણા ઉતરે એમ છે? મારિઆ ભલે મારા ક્લાસમાં નહોતી પણ મને પણ આવા બાળકો સાથે કામ કરવાનો ઘણો અનુભવ હતો. એમની ચપળતા અમારી પણ બોલતી બંધ કરી દેતી.

આવા અનેક નાનકડાં પ્રસંગોથી અમારો  થાક વિસરાઈ જતો અને  મન આનંદથી સભર બની જતું

(દીના એ કહેલો આ પ્રસંગ એની અનુમતિથી મારા “રોજીંદા પ્રસંગો”ની ડાયરીની કલગીમાં એક વધુ મોરપિચ્છ ઉમેરવાનું કામ કર્યું છે.)


સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com