ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ગર્વ લેવો અને ગૌરવ હોવું બન્ને અલગ બાબતો છે, છતાં બે વચ્ચેની ભેદરેખા પાતળી છે. એમાં પણ પોતે કશું ન કર્યું હોય, કેવળ આકસ્મિક રીતે પોતાને જે મળ્યું હોય કે પોતાની પાસે જે હોય એના માટે કોઈ ગર્વ અનુભવે અને એ પણ જાહેરમાં, ત્યારે વાત બહુ હાસ્યાસ્પદ લાગે છે. અલબત્ત, આવો સમૂહ મોટો હોય તો હાસ્યાસ્પદ વાત ગંભીર બિમારીનું રૂપ લઈ શકે એવી શક્યતા હોય છે. પોતે કોઈ ચોક્કસ ખાનદાન, જાતિ, પ્રદેશ કે દેશના હોવાનું વાજબી ગૌરવ હોઈ શકે, પણ ગર્વ?
વધુ નહીં, એકાદ વરસ અગાઉ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ નામના દસ્તાવેજી ચિત્રને લઘુ દસ્તાવેજી ચિત્રની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો ત્યારે સૌ દેશવાસીઓને આનંદ થયો હતો. તેમાં દર્શાવાયેલા મહાવત દંપતિ બોમ્મન અને બેલી જે રીતે તમિલનાડુનાં જંગલોમાં એકલવાયા હાથીઓની દરકાર લેતા બતાવાયા હતા એ વિશે જાણીને ગૌરવ થાય એમ હતું. સતત ઘટતો જતો વનવિસ્તાર, તેની વન્ય પશુઓ તેમજ પર જૈવવિવિધતા થતી વિપરીત અસર, તેને કારણે અસરગ્રસ્ત પર્યાવરણ વગેરે બાબતોની સામે આવા સમર્પિત લોકોનું હોવું આશાના એક તેજસ્વી કિરણ સમાન કહી શકાય.
એ ફિલ્મ અને તેમાં ચમકેલા દંપતિ પર ગૌરવ લેવાઈ ગયું, પણ એ પછી? હાથીઓ અને વનવિસ્તારની જાળવણી માટે કોઈ વિશેષ પગલાં લેવાયાં? એવી કોઈ નીતિ ઘડાઈ કે જેને કારણે આ ગૌરવની જાળવણી થઈ શકે?
આપણા દેશનું ગોવા રાજ્ય દેશમાં જ નહીં, વિશ્વભરમાં સૌથી વધુ પર્યાવરણ સંવેદનશીલ વિસ્તારમાંનો એક ગણાય છે. તેમાં પથરાયેલા પશ્ચિમ ઘાટને કારણે તે અનેક જૈવવિવિધતાઓનો ભંડાર છે. જોતાં આંખ ધરાય નહીં એટલું નૈસર્ગિક સૌંદર્ય અહીં નજરે પડે છે.
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ૨૦૨૧માં પર્યાવરણ દિન નિમિત્તે ઘોષણા કરી હતી કે વન વિભાગ નવાં સો જળાશયો વિકસાવશે, જે મુખ્યત્વે પ્રાણીઓના ઉપયોગ માટે હશે અને માનવ-પ્રાણીનો સંઘર્ષ તેના થકી ઘટી શકશે. ઉલ્લેખનીય છે કે ગોવામાં તેમજ અન્યત્ર આ પ્રકારના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હાથી, વાઘ જેવાં પશુઓ માનવવસતિમાં પ્રવેશી જતા હોવાના બનાવોનો સમાવેશ થાય છે. આ કટારમાં એનો ઉલ્લેખ ઘણી વાર કરવામાં આવતો રહ્યો છે. મુખ્ય પ્રધાનની આવી ઘોષણાથી સ્વાભાવિકપણે જ એવી છાપ પડે કે વનસંપદાની જાળવણી બાબતે સરકાર ગંભીર છે.
૨૦૨૩ના જુલાઈમાં ગોવાની સરકારે કેન્દ્ર સરકારની એક દરખાસ્ત નકારી. શેની હતી એ દરખાસ્ત? મ્હાદેઈ- કોટીગાવ ટાઈગર કોરીડોર અને તેની આસપાસના આરક્ષિત વિસ્તારો ફરતે વાઘનું અભયારણ્ય બનાવવાનું કેન્દ્ર સરકારે સૂચવ્યું હતું. ગોવા રાજ્ય વાઈલ્ડલાઈફ બૉર્ડના મતાનુસાર ગોવા જેવા નાનકડા રાજ્યમાં વાઘનું અભયારણ્ય હોઈ ન શકે. ગોવાના મ્હાદેઈ વિસ્તારમાં વાઘની અધિકૃત હાજરી છેક ૨૦૦૨માં, રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પશુઓની વસતિ ગણતરી દરમિયાન નોંધાઈ હતી. એ પછી ૨૦૦૬ અને ૨૦૧૦માં પણ આ વિસ્તારમાં વાઘની હાજરી નોંધાઈ હતી. ઑક્ટોબર, ૨૦૨૩માં વડી અદાલતના ઓર્ડર પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી હતી અને ગોવા સરકારને મ્હાદેઈ વન્યજીવ અભયારણ્ય તેમજ તેની આસપાસના વિસ્તારોને વાઘના અભયારણ્ય તરીકે ઘોષિત કરવાનો આદેશ ફરમાવ્યો હતો.
૨૦૨૪ના વર્ષારંભે બોરીમ રોડ પર એક ભૂખ્યું, થાકેલું દીપડાનું બચ્ચું રખડતું આવી ચડ્યું હતું,[1] જે માનવોથી ભયભીત જણાયું હતું. અલબત્ત, પછી ગામવાસીઓએ તેને પીવાનું પાણી ધર્યું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયેલા થોડા પકડદાવ પછી આખરે એ બચ્ચાને વનવિભાગ દ્વારા પકડીને બચાવી લેવામાં આવ્યું હતું. હકીકત એ છે કે આ વિસ્તારોમાં દીપડાનું દેખાવું તેમજ શેરીનાં કૂતરાં, પાલતૂ પ્રાણીઓ અને મરઘાંનું અદૃશ્ય થઈ જવાની ઘટના સમાચાર નહીં, રોજિંદી વાસ્તવિકતા બની ચૂકી છે. માનવોની પરિભાષામાં ‘શિકારી પશુઓનો આતંક’ કહેવાય એવી ઘટના ચિંતાજનક છે, પણ એ વિચારવાની જરૂર છે કે આમ શાથી બની રહ્યું છે! બીજી તરફ ગોવાના ‘રાજ્ય પશુ’ તરીકે ઘોષિત કરાયેલા ગૌડ અથવા તો ભારતીય બાઈસનના આવાસ પર ખતરો તોળાઈ રહ્યો છે અને તે પણ ખોરાક માટે માનવીય વસાહતો કે ખેતરોમાં પ્રવેશી રહ્યાં છે. અત્યાર સુધી અહીંના ખેડૂતો પોતાની રોપણીને ગૌર ખેદાનમેદાન કરતું હોવાની ફરિયાદો કરતા હતા, પણ હવે ખોરાકની શોધમાં આ પશુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રખડતું જોવા મળે છે.
હવે માનવોના લાભાર્થે તમામ જમીનને ‘કોન્ક્રીટ’ બનાવવાનો ‘નવિન’ વિચાર ગોવામાં આવ્યો છે, જેમાં લાખો ચોરસ મીટર જમીની વિસ્તાર પર બહુમાળી ઈમારતો અને અન્ય વ્યાપારી પ્રકલ્પો ઊભાં થશે. આ પગલું કેવળ માનવો માટે જ નહીં, પશુઓ માટે પણ નુકસાનકર્તા નીવડશે એવી રજૂઆત પર્યાવરણવાદી તેમજ કર્મશીલોએ કરી છે. તેના જવાબમાં સંસ્કૃતિની તમામ જરૂરિયાતોમાં માનવની જરૂરિયાત સૌથી ટોચે હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે.
શાળામાં સૌ કોઈ પોષણકડી અને માનવજાત તેમજ સજીવો માટેની તેની ઉપયોગિતા વિશે ભણતા હોય છે. શું આ ભણતર કેવળ પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત રાખવાનું છે? વયસ્ક થયા પછી ખાસ કરીને રાજકારણીઓ અને અમલદારો શાળામાં ભણેલા પાઠ ભૂલી જતા હોય એમ લાગે છે. માનવજાતની જરૂરિયાતના નામે ચાલ્યા કરતા વિકાસપ્રકલ્પો દ્વારા કોનો વિકાસ થાય છે એ સંશોધનનો વિષય છે. પહેલાં આત્મઘાતી પગલાં ભરીને પર્યાવરણનું નિકંદન કાઢો અને પછી શાણપણની વાતો કરીને પર્યાવરણની જાળવણીની નિસ્બત જતાવો એ ઉપક્રમ હવે સામાન્ય બની રહ્યો છે. નાગરિકો બિચારા પાકા રસ્તા, લાંબા પુલ અને બહુમાળી ઈમારતો જોઈને હરખાતા રહે છે અને પર્યાવરણ બાબતે પ્રસાર-પ્રચાર માધ્યમો થકી જાણીને પોતાની નિસ્બત વ્યક્ત કરતા રહે છે. ટૂંકમાં કહીએ તો, સૌ પોતપોતાનું કામ કરે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૦૧ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
