સંવાદિતા

આ વાર્તા એમને અર્પણ જેમણે પોતાનું ગામ છોડી મજબૂરન અન્યત્ર વસવું પડ્યું છે પણ જેઓ પોતાના ગામ, ઘર અને ગલીઓને આજે પણ સ્વપ્નોમાં શ્વસે છે.

ભગવાન થાવરાણી

 
 
‘ કથા મેં ગાંવ ‘ નામના હિંદી વાર્તા – સંગ્રહમાં ભારતના ગામડાઓમાં જીવાતા જીવનની કથાઓ છે. ત્યાંના જીવનના સુખદુખ, વિજય-પરાજય, દ્વિધાઓ, ભ્રમો અને વિશ્વાસ સાથે વાચકનો સાક્ષાત્કાર થાય છે એ વાર્તાઓ થકી. આજે વાત કરવી છે આ સંગ્રહની એક વાર્તા ‘ બુડાન ‘ ની. બુડાન એટલે ડૂબ. વાર્તાના લેખક છે છતીસગઢના સ્વ. પૂરન હાર્ડી. એ રેલ્વેમાં એંજીન ડ્રાઈવર તરીકે નોકરી કરતા. નાટકના કલાકાર હતા. એમણે લખેલી માત્ર બેમાંની આ પહેલી વાર્તા.
નદીને નાથવા બાંધેલા બંધને કારણે અનેક ગામો ડૂબી ગયા છે. એમાંના એક ગામના લોકોને અસલ ગામથી દૂર વૈકલ્પિક જગ્યાએ વસાવવામાં આવ્યા છે. મૂળ ગામ વિરાટ જળરાશિ હેઠળ ક્યાંક છે. એ ગામના ગરીબ અને પછાત જ્ઞાતિના બે જિગરી મિત્રો ચોંઈ અને ગન્નુ નિરંતર પોતાના ડૂબી ગયેલા ગામ, ઘર અને ગલીઓને યાદ કરતા રહે છે. એમને તાલાવેલી છે કે હવે પાણીની નીચે એમના જૂના ઘર કેવી હાલતમાં હશે.
એક દિવસ બન્ને ચુપચાપ એક ‘ ગુપ્ત યોજના ‘ બનાવે છે. ઝાડની સૂકી ડાળખીઓ, ઝાંખરાં, સીંદરી, પરાળ અને ગામલોકોએ ઘરમાંથી અમંગળ કાઢવા ગામ બહાર મૂકેલી માટલીઓને બાંધી બન્ને એક કામચલાઉ તરાપો બનાવે છે અને પોતાના ઈષ્ટદેવ ‘ જોગીપાટ બધરણપાટ ચેંદરી ‘ દેવતાની જે બોલી એ તરાપા ( ડોંગા ) ને અફાટ પાણીમાં ધક્કો મારી વહેતો મૂકે છે.
હલેસા મારી થોડેક આગળ જતાં એમને દૂરથી કોઈક થાંભલાની ટોચ પર બગલો બેઠેલો દેખાય છે. ઓળખી જતાં ચોંઈ બોલી ઊઠે છે ‘ અરે ! આ તો આપણે બેય ભણતા એ નિશાળનો ઝંડો છે. એટલે અહીં જ પાણી નીચે એ નિશાળ છે.  ‘ ડોંગો ધીમો પાડી બન્ને શીશ ઝુકાવી સ્કૂલમાં ગાતા એ પ્રાર્થના ગાય છે. ત્યાં કરેલા તોફાન અને એકવાર માસ્તરે ગન્નુને કેવો ઢીબેલો એ પ્રસંગ ભાવપૂર્વક યાદ કરે છે.
નિશાળથી થોડેક આગળ એક પીપળાના ઝાડની ટોચ દેખાતાં ગન્નુ પોકારી ઊઠે છે ‘ આ તો ગામના બદમાશ સરપંચના ફળિયાનો પીપળો ! ‘ એ સરપંચે જમીનના કાગળોમાં ઘાલમેલ કરી ચોંઈની વારસાગત જમીન પચાવી પાડેલી. ચોંઈ ખુન્નસમાં આવી ડોંગો ત્યાં લઈ જઈ એના ઘર પર જ પેશાબ કરવાનું કહે છે. ગન્નુ એને એમ કહી વારે છે કે જળદેવતા ઉપર એવું ન કરાય !
બન્નેને મૂળ વાત યાદ આવે છે ‘ આપણા ઘર ક્યાં ? ‘ બન્ને સરપંચના ઘરથી એમનું ઘર કેટલેક હતું તે યાદ કરે છે. ‘ જો, એ રહ્યો આંબો બઠવા કલારની વાડીનો. કેવો બદમાશ હતો ! ઝાડમાંથી એની મેળે પડી ગયેલ કેરીઓ લઈએ તોય ભૂરાયો થતો ! ‘ અણસારે અણસારે બન્નેને ચોંઈના ઘરની જગ્યા મળે છે. ‘ જો, અહીં છાપરી હતી. પેલા ખૂણે દાદીમા પડ્યા રહેતા. ત્યાં અનાજની કોઠીની બાજુમાં હું સૂતો. હું દાદીને જ્યારે કહેતો કે હવે વિકાસ થશે અને અહીં બંધ બનશે . આપણને બીજે ખસેડશે ત્યારે દાદી કહેતા કે હવે મરણની વેળાએ હું ક્યાંય નહીં જઉં. એ ઊંઘમાં બબડતાં ક્યારેક સરપંચને તો ક્યારેક સરકારને સરાપ આપતા. ‘
ઘરથી થોડેક આગળ. ‘ જો, અહીં હતું શાંતિનું ઘર. ‘ ચોંઈ ઊંડા પાણીમાં કશુંક વિચારતો જોઈ રહે છે. જાણે સાક્ષાત શાંતા ત્યાં ઊંડે ઊભી એને ઈશારાથી બોલાવતી હોય ! બન્ને એ ચુલબુલી છોકરીના ‘ અપલખણ ‘ વિષે વાતો કરે છે. ચોંઈ પોતે શાંતિ સાથે એકવાર કેવો કઢંગી હાલતમાં ઝડપાઈ ગયો હતો એ વાત યાદ કરે છે. ‘ અને હા, શાંતિના ઘર પછી જયદેવ લુહારનું ઘર હતું . આ જગ્યાએ. એની માને ગામ લોકોએ ડાકણ ઠેરવેલી. ગામનો પેલો શાહુકારનો દીકરો ભૂવાની ઝાડ – ફૂંકના કારણે મરી ગયો ત્યારે ભૂવાએ પોતાને બચાવવા આળ આ કહેવાતી ડાકણ પર નાંખેલું. ગામ લોકોએ એનો ટકો મૂંડો કરી ગામ બહાર કાઢી મૂકવાનો ફેંસલો કરેલો. પછી ડાહ્યા લોકોએ વિચાર્યું કે મા ભેગો લુહાર પણ ગામ છોડી જશે તો આપણા માટે ખેતીના ઓજાર કોણ બનાવશે ? અંતે સજા હળવી કરવામાં આવેલી. ‘ બન્ને યાદોની કૂંજગલીઓમાં સ્મરણો વાગોળ્યા કરે છે જૂના ગામના. ‘ આપણા નવા ગામમાં તો ન કોઈ ગલી, ન મહોલ્લા. નકરા પથ્થરો જ. ‘
ડોંગામા બહુ આગળ નીકળી ગયા ત્યાં ગન્નુને યાદ આવે છે કે એનું ઘર તો પાછળ ક્યાંક રહી ગયું ! ડોંગો પાછો લઈ એ અડસટ્ટે પોતાના ઘર આગળ રોકે છે અને પોતાનો નિર્ણય જાહેર કરે છે. ‘ હું એક ડૂબકી લગાવી મારા ઘરને પગે લાગી આવું. મને તો સારું તરતાં આવડે છે. ‘  ‘ પણ તું નીચે ઊતરીશ અને તરાપો નમશે તો માટલીઓમાં પાણી ભરાશે અને આપણે ક્યાંયના નહીં રહીએ એનું શું ? ‘ ગન્નુ વિચાર પડતો મેલે છે.  ‘ કેવી અજબ વાત છે, નહીં ? ગઈ કાલ સુધી જે ઘરોમાં આપણે રહેતા ત્યાં હવે માછલાં, કરચલા અને અન્ય જળચરો રહેતા હશે ! મને એવું થાય કે નીચે જઈ એ બધાંને પૂછું કે ભાઈઓ, તમને અમારા ઘરમાં ફાવે છે ને ? રહો, રહો, સુખેથી રહો. ‘ 
 
આપણને અનાયાસ યાદ આવે સત્યજીત રાયની ‘ પથેર પાંચાલી ‘ નું એ અંતિમ દ્રષ્ય જ્યારે બહેન દુર્ગા અકાળે અવસાન પામતાં અપ્પુ અને એના માબાપ જર્જરિત ઘર અને ગામ છોડી ગાડામાં વિદાય થાય છે અને બીજી બાજુ તરત એક સાપ સરકીને ઘરમાં પેસી જાય છે. હવે એ એનું નિવાસસ્થાન બનશે !
સાંજ પડી ગઈ છે. ઘરે તો ન જઈ શક્યો પણ જતાં-જતાં ગન્નુ ઘરની ઉપર ફરી વળેલા પાણીમાંથી ખોબો ભરી પીએ છે, ઘરનું પાણી પીધાના સંતોષ સાથે !
બન્ને ડોંગો વાળે છે, નવા ગામે, નવા ઘરે પરત જવા માટે.
જેમણે પોતાનું ગામ અને ઘર છોડ્યું છે, છોડવું પડ્યું છે એમના અંતસ્તલને ઝકઝોરે એવી વાર્તા છે આ. વાર્તામાં આવતા તળ છતીસગઢી છુતહા, ચુરોના, નહાવન, પૈરા, ડોંગા, ટંગિયા, ડંગાલી, છેપકા, મરખંડા, જોલ્ટૂ, દેખમરા, રંઘની, તૂતારી અને કોચ્ચડ જેવા શબ્દો અસલ માટીની સોડમ પ્રસરાવે છે.
વાર્તાનું નાટય મંચન યુટ્યૂબ પર અહીં ઉપલબ્ધ છે :

સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.