નિસબત
ચંદુ મહેરિયા
લગભગ એક જ સમયગાળાના આ ત્રણ સમાચારોમાં રહેલું સામ્ય અને વિરોધ નોંધપાત્ર છે. દુનિયાના વિકસિત દેશોમાં શ્રમિકોની મોટી તંગી હોઈ તે દેશોમાં ભારતના શ્રમિકોને મોકલવા ભારત સરકાર દ્વિપક્ષીય સમજૂતી કરવાની છે. ભારતીય જનતા પક્ષના લોકસભા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ વિદેશ મંત્રીને પત્ર લખી સાઉદી અરબમાં ફસાયેલા ૪૫ ઝારખંડી મજૂરોની મુક્તિ માટે વિનંતી કરી છે. આ કામદારો કામની તલાશમાં એજન્ટો મારફત ગયા હતા અને હવે ફસાઈ ગયા છે. તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમને પાંચ માસનું વેતન મળ્યું નથી અને તેઓ દિવસમાં એક વાર માંડ ખાવાનું પામે છે. ૩૦૩ ભારતીયોને લઈને નિકારાગુઆ જઈ રહેલું વિમાન ઈંધણ માટે ફ્રાન્સમાં રોકાયું ત્યારે ફ્રાન્સને માનવ તસ્કરીની શંકા લાગતા તપાસ કરતાં દલાલો આ ભારતીય પ્રવાસીઓને નિકારાગુઆના માર્ગે ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના હતા.. આ વિમાનમાં ઘણાં ગુજરાતીઓ હતા, ઓછું ભણેલા અને અર્ધ કુશળ હતા. તે સૌ મોટા વેતનના કામની ખોજમાં ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા.
દુનિયાના અમીર અને વિકસિત દેશોમાં કામદારોની તીવ્ર તંગી છે. ઈઝરાયલ-ગાઝા યુધ્ધને કારણે જે એકાદ લાખ પેલેસ્ટિની કામદારો ઈઝરાયલમાં હતા તેમની જગ્યાઓ ખાલી પડી છે. યુધ્ધ પહેલાં ૨૦,૦૦૦ ભારતીય શ્રમિકો ઈઝરાયલમાં હતા. હવે તેને બીજા ૪૦,૦૦૦ કામદારોની જરૂર છે. ગ્રીસને ૧૦,૦૦૦ , તાઈવાનને ૧,૦૦,૦૦૦ , જર્મનીને ૨૪,૦૦,૦૦૦ કામદારોની જરૂર છે. ઈટલીને પણ ભારતીય કુશળ, અકુશળ મજૂરોની આવશ્યકતા છે. વિકસિત દેશોમાં કામદારોની અછતનું કારણ આ દેશોમાં કામને લાયક ન રહી હોય તેવી વૃધ્ધ વસ્તીનું મોટું પ્રમાણ છે.
ટ્રક, કેબ ડ્રાઈવર, હોટલ, રેસ્ટોરન્ટ, રિટેલ સ્ટોરમાં કામદારો, ફુડ સર્વિસ, કૃષિ કામદારો, રસોઈયા, સુથાર, પ્લમ્બર, નર્સિંગ સર્વિસ, આરોગ્ય કર્મી, બાંધકામ અને મેન્યુફેકચરિંગ , વૃધ્ધો, વિકલાંગો અને દર્દીઓની દેખભાળ તથા તે પ્રકારના બીજા કામો માટે ભારતના કામદારોની વિદેશોમાં આવશ્યકતા છે. ભારતે દુનિયાના આશરે ચાળીસ દેશો સાથે કામદારોની સેવા માટે સમજૂતીઓ કરી છે. ૨૦૧૫ થી ૨૦૨૩માં ભારતીય શ્રમજીવીઓની સેવા માટે વિકસિત અને જરૂરિયાતમંદ દેશો સાથે ૧૭ સમજૂતી કરી હતી. એમ્પલોયમેન્ટ મોબિલિટી એગ્રીમેન્ટ અને Flurry of mobility and migrantion agreement ને કારણે ભારતીય કામદારોને રક્ષણ મળે છે. ભારત સરકાર તેના વ્યાપાર ભાગીદાર દેશો સાથેની અન્ય સમજૂતીઓ વખતે કામદારોની આવજા અંગે પણ સ્પષ્ટતા કરે છે. હાલમાં ગ્રીસ, ડેન્માર્ક, સાઉથ કોરિયા, તાઈવાન અને નેધરલેન્ડ સાથે કામદારોની આવજા અંગેના એગ્રીમેન્ટ ચર્ચામાં છે.
છેલ્લા સરકારી શ્રમબળ(વર્કફોર્સ) સર્વેક્ષણ પ્રમાણે દેશમાં કોઈ અન્ય કામના વિકલ્પના અભાવે ટોટલ વર્કફોર્સના ૫૭ ટકા સ્વરોજગારમાં છે. ૨૧ ટકા હંગામી મજૂરો છે અને ૧૮ ટકા નાના ગૃહ ઉધ્યોગોના સહયોગી છે. દેશમાં ૧૮ થી ૨૫ વરસની યુવા વસ્તી ૪૪ ટકા છે. આ વિશ્વનું સૌથી મોટું યુથ વર્ક ફોર્સ છે. વરસે સવા કરોડ યુવાનો રોજગારીને લાયક હોય છે.પરંતુ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયનું જોબ પોર્ટલ સરકારી અને ખાનગી ક્ષેત્રની ખાલી નોકરીઓની સંખ્યા ૨.૨૦ લાખ દર્શાવે છે. જે રાજ્યોના સૌથી વધુ લોકો વિદેશોમાં કામની તલાશ કરે છે તે પૈકીના પંજાબમાં ૨૦ થી ૩૦ વરસના ૨૮ ટકા યુવાનો બેરોજગાર છે.તેમાં ૬૧ ટકા શિક્ષિત બેકાર છે. આ સૌની નજર દેશમાં નહીં તો વિદેશમાં કામની ખોજ પર છે. એટલે જ્યારે વિકસિત દેશો સરકાર પાસે બાકાયદા શ્રમિકોની માંગ કરે તો તે રૂડો અવસર છે. કેમકે ભારતમાં મોટાપાયે શિક્ષિતો બેરોજગાર છે તો અર્ધશિક્ષિત અને અકુશળ કે અર્ધકુશળ માટે રોજી મેળવવી ઓર કઠિન છે.
ઈન્ટર નેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ પ્રમાણે ૯૦ લાખ ભારતીય કામદારો ખાડી દેશોમાં કામ કરે છે. કામની શોધમાં લેભાગુ દલાલો મારફત વિદેશોમાં જનારાની સંખ્યા ઘણી મોટી છે અને તેમને ઘણા ખરાબ અનુભવો થાય છે. ડોલરિયો દેશ અમેરિકા ઘણાંને આકર્ષે છે પરંતુ પ્રવેશ સરળ નથી એટલે ઘૂસણખોરીનો માર્ગ અપનાવે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે નવેમ્બર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ના અગિયાર મહિનામાં અમેરિકામાં ગેરકાનૂની પ્રવેશ બદલ ૯૬,૯૧૭ ભારતીયો પકડાયા હતા. ખુદ વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લા બે દાયકામાં રોજગારની શોધ બીજા દેશોમાં કરનારા ભારતીય નાગરિકોની સંખ્યામાં અનેક ગણી વૃધ્ધિ થઈ છે.
વિદેશોમાં કામની તલાશમાં જતાં લોકોને ઘી કેળાં છે એવું નથી. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી પ્રમાણે માર્ચ ૨૧ થી ડિસેમ્બ ૨૩ સુધીમાં વેતન ન મળવું, વેતનની ચુકવણીમાં વિલંબ, પાસપોર્ટ રાખી લેવો, કામની અને રહેઠાણની ખરાબ સ્થિતિ, માલિકનો દુર્વ્યવહાર અને અત્યાચાર, કામના અમર્યાદિત કલાકો જેવી ૩૩,૨૫૨ ફરિયાદો સરકારને મળી હતી. હાલમાં જેની ચર્ચા છે તે સમજૂતી હેઠળ જે કામદારો વિદેશમાં જાય તેમની મુશ્કેલીઓનો હલ સરકાર માટે સરળ છે પરંતુ પોતાની મેળે કે દલાલો મારફત જતા કામદારોને મદદ કરવી અઘરી છે. દેશમાં મજૂરી નથી કે જે છે તે મજૂરીના દર ઓછા છે એટલે શ્રમિકોને વિદેશ જવું પડે છે. વિશ્વગુરુ બનવા મથતા કે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જવાના બણાગાં ફૂંકતા શાસકો માટે ભારતીય શ્રમિકોની નિકાસ કલંક રૂપ છે.
ઘરઆંગણે રોજીના અભાવે લાચારીવશ બીજા દેશોમાં કામ માટે જતાં લોકોને ગિરમીટિયા કહેવાતા હતા. ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે,” ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલા મજૂરો.” (પૃષ્ઠ ૩૯૦) આ ગિરમીટ પ્રથાને ગાંધીજી ‘અર્ધ ગુલામગીરી’ ગણાવતા હતા.દેશની આઝાદી પછી ગિરમીટિયાઓને દેશમાં પરત ફરવા સરકારે યોજના ઘડી ત્યારે પણ મોટાભાગના પરત આવ્યા ન હોય એ બાબત ચિંતાજનક છે. આજે પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ભારત તેના નાગરિકોને રોજી અને પૂરતું વેતન આપતું નથી તેને કારણે વિદેશ વસવાટ્નો ક્રેઝ અને લાચારી છે તે સમજવાની જરૂર છે.
વિદેશોમાં આઈટી પ્રોફેશનલ્સની બોલબાલા છે. બીજા પણ કેટલાક વ્યવસાયીઓને વિદેશોમાં ઉંચા પગારની સારી નોકરીઓ મળે છે. તેમને સહેલાઈથી વર્કિંગ વિસા અને થોડા વરસે વિદેશી નાગરિકતા મળી જાય છે. ભારતીય ધનપતિઓ નાણા ખર્ચીને ગોલ્ડન વિસા મેળવી લે છે. ૨૦૧૪ થી ૨૦૧૮માં ૨૩,૦૦૦ ભારતીય કરોડપતિઓએ વિદેશમાં વસી જવું મુનાસિબ માન્યું હતું. આઝાદીના અમૃતકાળના વરસમાં (૨૦૨૨માં) ૭૫૦૦ અમીરોએ ભારતની નાગરિકતા ત્યાગી હતી. એટલે ગિરમીટ પ્રથા થી ગોલ્ડન વિસા સુધીની આપણી વિદેશ વસવાટની કહાણી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
