મંજૂષા

વીનેશ અંતાણી

ખુલ્લા આકાશ નીચે ઊભા રહીને પતંગ ચગાવવાનો દિવસ ફરી આવી ગયો. ઉત્તરાયણ આપણો પ્રિય તહેવાર, આકાશ ભણી નજર રાખીને નાચવાકૂદવાનો ઉત્સવ. આખું આકાશ સર કરવાની ઉત્તેજનાનો અવસર. અતિ આનંદ અને ઉલ્લાસના આ સમયે થોડાં વર્ષો પહેલાંના કોરોના કાળ અને લોકડાઉનની કેદનો સમય મનમાં ચીરો પાડી જાય છે. થોડી વાર મન પાછું પડે પરંતુ તરત બધું ખંખરી નાખીને બૂમ પાડી ઊઠીએ છીએ – ચાલો, બધાં પતંગ ચડાવવા ધાબે!

પતંગ અને જીવનની ફિલસૂફી વચ્ચે ગાઢ સંબંધ છે. માંજો ઘસવાથી માંડી, યોગ્ય ફીરકી અને સમતોલ પતંગની પસંદગીનો આનંદ અને તે વખતેની આપણી એકાગ્રતાનું મહત્ત્વ ઓછું નથી. આપણે કશું પણ ચૂકવા માગતા નથી. પછી શરૂ થાય છે આકાશ સાથે સીધો મુકાબલો. માર્ગમાં આડે આવતા બીજા પતંગોની વચ્ચેથી માર્ગ કાઢી, જરૂર પડે તો એ પતંગોને કાપતા જઈ, બધાથી ઊંચે પહોંચવાના સપનાંનો થડકાર અનેરો આનંદ આપે છે. એમાં હતાશાની ક્ષણો આવે છે, પતંગ કપાય તો નવો બાંધવાની જરૂર પડે છે અને આ બધું સાથે મળીને રચે છે પતંગોત્સવ. આપણે એને જીવનોત્સવનું નામ પણ આપી શકીએ.

આપણે માનીએ છીએ કે પતંગ આપણે ઉડાડીએ છીએ, વાસ્તવમાં પતંગ આપણને ઊડતાં શીખવે છે. પતંગ શીખવે છે કે જીવન ઘણા પડકારો આપે છે પરંતુ સાથેસાથે એ પડકારોનો સામનો કરવાની અનેક તક પણ આપે છે. આપણે પતંગ જ ચગાવવા માટે ધાબે ચઢ્યા નથી, આપણા સપનાંને પણ મુક્ત આકાશમાં ખુલ્લાં મૂકી દેવા ધાબે ચઢ્યા છીએ. પતંગ શીખવે છે – તમારાં સપનાંને એકવાર મુક્ત મને ઊડવા દો પછી એ પોતે જ એનો માર્ગ શોધી લેશે.

જાણીતા બિઝનેસ એડવાઈઝર, લેખક અને પ્રેરણાદાયી વિચારોના ઉત્તમ વક્તા પ્રકાશ ઐયરે એકવાર એમના વક્તવ્યમાં પતંગનું દૃષ્ટાંત લઈ સફળ થવા માટેની ચાવીઓની વાતો કરી હતી. એમણે કહ્યું હતું કે પતંગ આપણો ગુરુ, મેન્ટર અને માર્ગદર્શક છે. પતંગ ચગાવવાની પ્રક્રિયામાંથી ઘણું શીખવા મળે છે. એમણે પહેલીવાર પતંગ ઉડાડવાનો અનુભવ વર્ણવ્યો હતો. એ છ વર્ષના હતા ત્યારે પહેલીવાર જાતે પતંગ ઉડાડવા માટે ધાબે ચઢ્યા. બહુ મુશ્કેલી પડી હતી. પતંગ થોડો ઊંચો ઊઠે અને પાછો નીચે પટકાય, એમની પાસે બધું હતું – સારો પતંગ, વ્યવસ્થિત માંજો કરેલા મજબૂત દોરાની ફીરકી, સાનુકૂળ પવન છતાં પતંગ ઊડતો નહોતો. પતંગ પાસેથી શીખવા મળેલો પહેલો પાઠ – આરંભમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. આરંભિક નિષ્ફળતાથી એ હતાશ થયા નહીં. એમને સમજાયું કે એ જાતે એકલા હાથે પતંગ ઉડાડવાનો પ્રયત્ન કરતા હતા. ખરેખર તો એમને કોઈની મદદ લેવાની જરૂર હતી. એમણે નવ વર્ષની બહેનને મદદ માટે બોલાવી. પતંગ એને આપ્યો અને પોતે ફીરકી લઈને ઊભા રહ્યા. બહેનને હવાની દિશા જોઈને યોગ્ય સમયે પતંગ છોડવા કહ્યું અને ચમત્કાર થયો હોય એમ પતંગ ઊડવા લાગ્યો.

પતંગ પાસેથી મળેલી બીજી શીખ – કોઈ પણ કામ માટે બીજાની મદદની જરૂર હોય તો અચકાયા વિના લેવી જોઈએ, લોકો સહાય કરવા તૈયાર હોય છે. માત્ર આપણે એમની સહાય માગવી જોઈએ. સફળ થવા માટે યોગ્ય વ્યક્તિની મદદ લેતાં નાનપ અનુભવવી જોઈએ નહીં. પતંગ ચગાવતાં પહેલાં બધી તૈયારી કરી લીધી હોય છતાં કોઈક નાની બાબત ચૂકી જવાય તો નિષ્ફળ થવાની શક્યતા વધી જાય છે. દોરો કાચો હોય, પતંગ બેલેન્સ ન હોય, કાનો બરાબર બાંધ્યો ન હોય તો પણ પતંગ ઝૂલ ખાઈ જાય છે અને ઝાડની ડાળીએ કે તારમાં લપેટાઈ જાય છે.

પ્રકાશ ઐયરે કહ્યું હતું: ‘સફળ થવા માગતા લોકો નાનકડી ચૂક પણ ચલાવી શકે નહીં. કશુંક પણ ખોટું થઈ શકે.’ ત્યાર પછી એમણે બહુ સરસ વાત કરી કે આપણે આકાશમાં લહેરાતા પતંગને જોઈએ છીએ પણ નીચેથી પતંગ ચગાવતી વ્યક્તિને ભૂલી જઈએ છીએ. વાસ્તવમાં ઊંચે ઊડતા પતંગની દોર નીચે ઊભેલી વ્યક્તિના હાથમાં હોય છે. કોઈ પણ સફળતામાં પાયાના લોકોનો બહુ મોટો ફાળો હોય છે તે આપણે ભૂલવું જોઈએ નહીં. ‘તમે કોઈ સારું કામ કરવા માગતા હો ત્યારે પાયાના લોકોને ધક્કો મારીને દૂર ન કરો, બલ્કે એમને તમારા તરફ ખેંચી નજીક રાખો.’

અમેરિકામાં પતંગપ્રેમીઓનું એક એસોશિયેશન છે. નિકોલ ઓ’નિલ નામનાં મહિલા એનાં પ્રમુખ છે. એમનો પતંગપ્રેમ અનન્ય છે. એમણે કહ્યું છે: ‘પતંગ ઉડાડવાના સમયે લોકો એમની હતાશાઓ અને ટેન્શન ભૂલી જાય છે. એમને શુદ્ધ અને નિર્મળ આનંદની અનુભૂતિ થાય છે. પતંગ ચગાવતી વખતે આપણે જાતિ, ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, ભાષા, શારીરિક ઊણપો, સુખ, દુ:ખ વગેરેનાં બંધનોમાંથી મુક્ત થઈ માત્ર માનવ બની જઈએ છીએ. પતંગ ધીરજ રાખતાં શીખવે છે. પતંગને ઊડવા માટે જરૂરી સમય આપીએ પછી એ યોગ્ય દિશા પકડશે.’

આકાશ અનંત છે તો ધરતી અનેક શક્યતાઓનો ભંડાર છે. પતંગ આકાશ અને ધરતીને જોડે છે. ખૂબ ઊંચે ઊડતો પતંગ નીચે ધરતી પર ચાલતું બધું જુએ છે. સારું, ખરાબ, સાચું, ખોટું. કશુંય એની નજર બહાર રહેતું નથી. ચાલો, આપણે ‘બાદલોં કે પાર’ પહોંચેલા પતંગની આંખે જાતને અને દુનિયાને નવી નજરે જોવાનું શરૂ કરીએ.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.