સંવાદિતા
ભગવાન થાવરાણી
એક મિત્રએ ફેસબુક ઉપર પ્રશ્ન મૂકેલો, ‘ જો તમારે એક વર્ષ સળંગ એકાંતવાસમાં રહેવાનું હોય અને સાથે માત્ર એક પુસ્તક લઈ જવાનું હોય તો કયું પુસ્તક લઈ જાઓ? ‘ આ પ્રશ્નનો તમારો જવાબ જે હોય તે પણ આજે એક એવા પુસ્તકની વાત કરવી છે જે છે તો માત્ર સવાસો પાનાનું પણ એ એક અનોખું, વિલક્ષણ અને ઝકઝોરી નાખનારું પુસ્તક છે. પુસ્તકનું નામ છે ‘ THE BOOK OF QUESTIONS ‘ યાને ‘ સવાલોની કિતાબ ‘ અને એના લેખક છે ગ્રેગરી સ્ટોક . મૂળ પુસ્તક ૧૯૮૭ માં પ્રકાશિત થયેલું અને એ પછી એની સંશોધિત, સંવર્ધિત અને અર્વાચીન સમયોચિત આવૃત્તિઓ પ્રકશિત થઈ છે અને ધૂમ ચાલી છે.

શરુઆતમાં મૂકેલા સવાલના સંદર્ભે જોઈએ તો આ પુસ્તક કોઈ વાચન-સામગ્રી તો કહેવાય જ નહીં. પરંપરાગત અર્થોમાં એ એવી ચીજ છે પણ નહીં. માત્ર વાંચવાનું જ હોય તો થોડીક કલાક લાગે પરંતુ એમાંના સવાલો ઉપર મનન કરો તો બસ, કરતા જ રહો !
પુસ્તકમાં માત્ર પ્રશ્નો છે. લગભગ ૩૦૦ જેટલા. પ્રસ્તાવનામાં જ લેખક ચોખવટ કરે છે કે અહીં આપેલા સવાલોના કોઈ સાચા કે ખોટા જવાબ છે નહીં, છે તો કેવળ ઈમાનદાર અને બેઈમાન જવાબો ! અને હા, એ સવાલોના નિતાંત અને નઘરોળ પ્રામાણિક જવાબો તમારે માત્ર અને માત્ર તમારી જાતને આપવાના છે, માત્ર સ્વયંને, કોઈ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર ! ( સિવાય કે તમારી જિંદગીમાં એવું કોઈક હોય જેની આગળ તમે મનથી નિર્વસ્ત્ર થઈ શકો ! )
સામાન્યત: બને છે એવું કે અનેક સવાલોના આપણે ઈમાનદાર નહીં પરંતુ આદર્શ – લોકો અને પરિજનો આગળ સારા લાગીએ એવા – ઠાવકા જવાબો આપવા ટેવાયેલા છીએ. ભલેને જાત આગળ, પણ ક્રૂરતાપુર્વકની ઈમાનદારી બહુ અઘરી છે. સ્વયંને પણ ખુલ્લા દિલે ક્યાં મળાય છે ? આ કારણે, આ સવાલો જાહેર ચર્ચાની તો ચીજ જ નથી. અનેક સવાલો એવા છે જેને બરાબર મમળાવી, ચકાસી, ફેરવી-તોળી, વલોવી, આપણા અંગત પરિબળો મૂલવી અને છેલ્લે હૃદય ઉપર હાથ મૂકી, હૃદયને જ અંતિમ ઉત્તર આપવો પડે !
પણ એક વાત ચોક્કસ. આ બધા સવાલોના જવાબો માંહ્યલાને આપ્યા પછી આપણી પોતાની જે છબી આપણી આગળ ઊપસશે એ આપણે ધારી રાખી હતી એ કરતાં કંઈક ભિન્ન હશે. શરત માત્ર અગાઉ કહ્યું એટલી જ – જાત સાથે તો ઈમાનદાર રહેવાય !
પુસ્તકમાંના થોડાક સવાલો જોઈએ , પણ ઊભા રહો. કોઈ પણ સવાલ ઉપરથી દેખાય છે એવો સહેલો નથી. ઉતાવળ નહીં. સવાલ એકાધિક વાર વાંચો, સમજો, પચાવો, જાતને ફંફોસો, જગત-રીતિમાં ન સરો, આદર્શવાદને કોરાણે મૂકો. કોઈથી બીવાનું નથી, કોઈની શરમ નથી. અહીં માત્ર તમે છો અને તમારો અંતરાત્મા! એની આગળ નિર્વસ્ત્ર થવામાં શરમ શી ?
– તમને રસ્તા પરથી એક પાકીટ મળે છે. તમને પાકીટ ઉપાડતાં કોઈએ જોયા નથી. પાકીટમાં એના કરોડપતિ માલિકનો ફોટો, સરનામું, સંપર્ક નંબર અને એક લાખ રુપિયા રોકડા છે. તમે શું કરશો ?
પેટા સવાલ : ધારો કે પાકીટમાં એ ધનપતિની જગ્યાએ કોઈ ગરીબ વિધવાની વિગતો હોય, તો તમે શું કરો ?
બન્ને જવાબ જો અલગ છે તો શા માટે ?
– તમે એક હોટલમાં સપરિવાર જમવા ગયા છો. ભોજન પીરસતી વખતે વેઈટરની સ્હેજ બેદરકારીને કારણે જરીક શાક તમારા કપડા પર ઢોળાય છે. તમને ઓફર છે કે રુપિયા પચ્ચીસ હજારના બદલામાં તમારે એ વેઈટરને જાહેરમાં બૂમો પાડી, તતડાવી નાંખવાનો છે. તમે એ કરશો ?
પેટા સવાલ : એવી પૂર્વ-સમજૂતી છે કે પછીથી એ પૈસા તમારે વેઈટર સાથે અડધા-અડધા વહેંચી લેવાના છે. હવે કરશો ?
– હવે પછીની જિંદગી તમારે એક નિર્જન ટાપૂ ઉપર વિતાવવાની છે. એ ટાપૂ ઉપર આખી જિંદગી ચાલે એટલી જીવન જરુરિયાત અને એશો-આરામની વસ્તુઓ છે, પણ માણસો નથી. તમારે સાથે કેવળ એક વ્યક્તિને લઈ જવાની છે. કોને લઈ જશો ?
– તમને એક બંધ કવર આપવામાં આવે છે. એમાં વિધાતાએ તમારા મૃત્યુની ચોક્કસ તારીખ અને સમય લખ્યા છે. ગમે ત્યારે તમને એ કવર ખોલવાની છૂટ છે. ખોલશો ? ક્યારે ? ( એ કવર ખોલવા અને ન ખોલવાના બધા સંભવિત પરિણામો વિષે વિચારીને જવાબ આપજો. )
– જો તમારે આજે જ મરી જવાનું હોય અને હવે તમારી પાસે કોઈની સાથે વાત કરવાનો સમય જ ન હોય તો તમને કઈ વાત ન કરી શક્યાનો અફસોસ રહી જશે ? એ વાત હજૂ કેમ નથી કરી ?
– જો સંધિવાની કોઈક એવી દવા શોધાય જે દર્દીને પૂરેપૂરા સાજા કરી દે પરંતુ એ દવા લેનારામાંથી એક ટકો લોકો મૃત્યુ પામે એ નક્કી હોય તો એ દવા બજારમાં મૂકાય એને તમે મંજૂરી આપશો ?
– વિશ્વ ચેમ્પીયન ટીમના સદસ્ય હોવું અથવા કોઈ રમતમાં વ્યક્તિગત ચેમ્પીયન હોવું, એ બેમાંથી પસંદ કરવાનું હોય તો તમે શું પસંદ કરો ?
– તમને એવી શક્તિ આપવામાં આવે છે કે મનોમન કોઈ જીવિત વ્યક્તિનું નામ લઈ પછી ‘ આવજો ‘ બોલો તો એ વ્યક્તિ તત્કાળ અને કુદરતી મૃત્યુ પામે. એ મોત પાછળ તમે છો એ કોઈને ક્યારેય ખબર ન પડે. તમે એવું કોઈના માટે – કોના માટે – કોના / કોના માટે કરો ?
– મિત્રને ત્યાં જમણવારમાં ગયા છો. તમારી થાળીમાં મરેલો વંદો મળે છે. તમારા સિવાય કોઈએ એ જોયું નથી. શું કરશો ?
સમગ્ર પુસ્તક ( અસલ આવૃત્તિ )ના આશરે ત્રણ સો સવાલોમાંથી ભારતીય પરિપ્રેક્ષ્ય અને રુચિને સુસંગત એવા થોડાક સવાલો અહીં પસંદ કર્યા છે.
ઉપરોક્ત અને અહીં ન ઉલ્લેખેલા સવાલો છેક અંગત છે. એ આપણને આપણી ઊંડી જાતતપાસની તક આપે છે. એમાના અનેક સવાલો આપણને અકળાવે છે, ગભરાવે છે, વિચલિત અને વિહ્વળ કરે છે. એ એક જાતની ઉઘરાણી છે. જવાબ તો આપવો જ પડે. ઉડાઉ નહીં, હૃદય કહે તે ! તમે જ પ્રશ્નકર્તા, તમે જ ઉત્તરદાતા ! હા, પુનશ્ચ પુનરાવર્તન કે જવાબો, બુદ્ધિનું આવરણ હટાવીને આપવાના છે !
કહે છે, હા અને ના બન્ને સરળ શબ્દો છે પણ એ દુનિયાના સૌથી અઘરા ઉત્તરો છે. સરળ પ્રશ્નનો ઉત્તર સૌથી કઠિન હોય. જેમ કે ‘ તમે કોણ ? ‘
દુનિયાના અંતિમ સત્યો પણ કેવળ બે છે. હા અને ના. બાકી સબ હેરાફેરી !
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
