જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪. ૪
રોકાણ
દિવ્યભાષ સી. અંજારીઆ
૪. ૪ અંશ ૧ થી આગળ
બચતમાંથી રોકાણમાં રૂપાંતર – શી રીતે અને ક્યાં ક્યાં
એક વ્યક્તિએ બચત કરેલ નાણાં બીજી વ્યક્તિને ઉધાર લેવા માટે કે અન્ય કોઈ રીતે વપરાશ કરવા માટે કામમાં આવે છે.
નાણાં ઉધાર એ શરતે આપવામાં આવે છે કે ઉધાર લેનાર તે નાણાંને એ જ સ્વરૂપે પરત કરવા વચનબદ્ધ થયેલ હોય. આપણી બચત ઉધાર લેનારને, નક્કી થયેલ શરતોના કરાર મુજબ, સીધી જ ઉધાર અપાઈ હોય એ પ્રકારના રોકાણને ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે. તે સિવાય શેર બજાર જેવાં વિનિમય માધ્યમની મદદથી આપણે આડકતરી રીતે બોંડ જેવી ઋણ જામીનગીરીમાં પણ આ રોકાણ કરી શકીએ છીએ. ઉધાર લેનારને સીધી જ ઋણ તરીકે આપેલી રકમ કરારની જોગવાઇ અનુસાર, કે આપસી સહમતિ સિવાય, નિયત સમય પહેલાં પાછી નથી લઈ શકાતી. બજારમાંથી ખરીદેલ ઋણ જામૈનગીરીઓને લેવેચ કરી શકાય છે. આમ બજારમાં વેંચીને આપણે આપણે રોકેલી રકમ ધિરાણના નિયત સમય પહેલાં પાછી મેળવી શકીએ છીએ. સામાન્ય રીતે ઋણ જામીનગીરીઓને પાકવાની નિયત અવધિ હોય છે. એ દિવસે ઉધાર લેનારે, જો કંઈ બાકી રહેતું હોય તો તેટલાં, વ્યાજ સાથે ઉધાર લીધેલી રકમ ધિરાણ કરનારને પરત કરવાની હોય છે. બજાર મારફત રોકાણ કરેલ ઋણ જામીનગીરીને આપણે ક્યાં તો નિયત સમયથી રાખી મુકી શકીએ છીએ અથવા તો સમય પહેલાં પાછી માગી શકીએ છીએ કે પછી બજારમાં વેંચી દઈ શકીએ છીએ.
રોકાણકારની રકમને નિયત સમય સુધી વાપરવા માટે દેવું લેનાર જે વળતર આપે છે તેને ‘વ્યાજ’ કહેવામાં આવે છે. વ્યાજનો દર નિશ્ચિત અથવા તો બદલતો રહેતો હોઈ શકે છે. વ્યાજની ચુકવણી સાદાં વ્યાજ તરીકે દર મહિને, દર ત્રણ મહિને કે દર વર્ષે, કે પછી ચક્રવૃધ્ધિ વ્યાજની ગણતરી પ્રમાણે પાકતી મુદ્દતે કરવામાં આવતી હોય છે.
જેમાં મૂળ રકમ અને વ્યાજની ચુકવણીની જવાબદારી દેવું લેનાર દ્વારા સ્વીકારાઈ હોય છે એવી ઋણ જામીનગીરીઓ સિવાય ‘ઈક્વિટી શેર’ તરીકે ઓળખાતી જામીનગીરીઓમાં પણ રોકાણ કરવામાં આવતું હોય છે. આ કિસ્સામાં રોકાણની રકમ વપરાશકારને ઋણ તરીકે નહીં પણ કંપનીની માલિકીના અંશ તરીકે આપવામાં આવે છે. નાણા લેનાર દ્વારા રોકાણકારને મૂળ રકમ કે વળતરની કોઈ બાહેંધરી નથી અપાતી, પણ એ રોકાણમાંથી જે કંઈ નફો થાય તેમાં (રોકાણના પ્રમાણમાં) ‘સમાન હક્ક’ના ધોરણે, ‘ડિવિડંડ’ તરીકે ઓળખાતાં સ્વરૂપે, વળતર ચૂકવવામાંઆવે છે. અમુક ચોક્કસ પ્રકારની ઈક્વિટી જામીનગીરીઓ સિવાય રોકાણ પરત કરવાની કોઈ નિશ્ચિત અવધિ નથી હોતી. ઈક્વિટી શેરમાં રોકાણ તેની મૂળ કિંમત (ફેસ વેલ્યુ)ના આધારે કે વપરાશ કરનાર દ્વારા નક્કી કરાયેલ ‘ઇસ્યુ પ્રાઈસ’ના દરે કરવામાં આવે છે. ઈક્વિટી શેર જો માન્યતા પ્રાપ્ત બજારમાં ‘લિસ્ટેડ’ હોય તો જે તે સમયે બજારમાં નક્કી થતી કિંમતે (માર્કેટ પ્રાઈસ)ના આધારે લેવેચ કરી શકાય છે. પરંતુ જો આવા શેર અંગત ધોરણે રોકાણ કરાયેલ હોય તો એ જામીનગીરી ‘અનલિસ્ટેડ’ ઈક્વિટી શેર તરીકે ઓળખાય છે અને તેથી તેની લેવેચ વેચનાર અને ખરીદનાર વચ્ચે નિયત થયેલી કિંમતે થતી હોય છે. શેરની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત એ મૂડી નફા (કે નુકસાન)ના સ્વરૂપે રોકાણકારને મળતું વળતર છે. આમ આ પ્રકારની જામીનગીરીની નોંધપાત્ર વિશેષતા પરત ચુકવણી કે વળતરની બાહેંધરી ન હોવી તે છે. વળતર પણ કંપનીના મૂલ્યની બજારના અન્ય રોકાણકારોની માન્યતાના આધારે નક્કી થતા ભાવે કે પછી લેનાર અને વેચનારની વચ્ચે આપસી સમજૂતિથી નિશ્ચિત થતા ભાવે નક્કી થાય છે. આ કારણે ઈક્વિટી જામીનગીરીઓ જોખમી રોકાણ ગણાય છે.
નાણાનું રોકાણ આમ ઋણ જામીનગીરીના કે ઈક્વિટી જામીનગીરી જેવાં દેવું કરનાર સાથે સીધાં સ્વરૂપે કરી શકાય છે. આ રોકાણો ખાનગી રાહે કે માન્યતા પ્રાપ્ત બજારનાં માધ્યમ દ્વારા કરાતાં હોય છે. જે રોકાણકારોને આ પ્રકારના વ્યવહારો બહુ કડાકુટીયા લાગતા હોય તે લોકો બેંકો જેવી નાણાકીય મધ્યસ્થી સંસ્થાઓમાં ‘થાપણ’ તરીકે કે પછી મ્યુચ્યુઅલ ફંડ જેવી આગવી નાણાકીય મધસ્થી સંસ્થામાં ‘યુનિટ’ સ્વરૂપે રોકાણ કરી શકે છે. બેંકો વગેરેમાં મુકાતી થાપણોને તેઓ દ્વારા આપણા ‘ટ્ર્સ્ટી’ તરીકે અન્ય સંસ્થાઓ કે વ્યક્તિઓને, જે તે સમયે અમલી નિયમોને આધીન રહીને, ધિરાણ તરીકે આપે છે અને થાપણધારકને પરત ચુકવણી અને વળતરમાટે, અમુક શરતો અનુસાર, એ સંસ્થા બાહેંધરી આપે છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરાયેલ રોકાણ બજાર આધારિત જોખમો પર નિર્ભર રહે છે. મ્યુચ્યુઅલ ફંડ સંસ્થા દ્વારા આપણે તેઓ દ્વારા બહાર પડાયેલ અલગ અલગ પ્રકારના વિકલ્પો મુજબનાં ‘યુનિટ’માં રોકાણોનું તેઓ આપણા વતી પુનઃરોકાણ કરે છે. આમ મૂળ રોકાણનાં જોખમની અંતિમ જવાબદારી આપણી રહે છે. જ્યારે બેંકો જેવી મ્ધ્યસ્થી સંસ્થાઓ દ્વારા આપણી રોકાણોમાંથી કરાતાં ધિરાણોનું સીધું જોખમ જે તે બેંકે લેવાનું હોય છે.
એક અન્ય રોકાણનો પ્રકાર છે – જીવન વીમો કે સામાન્ય વીમો. જીવન વીમો વ્યક્તિની, જે તે વીમા કંપની દ્વારા નક્કી કરાયેલ વીમા પોલિસીની યોજનાની શરતો અનુસાર, વ્યક્તિનાં જીવનનાં જોખમ સામે સુરક્ષા આપે છે. વીમા ધારકને વીમા કંપની નિશ્ચિત થયેલી શરતો અનુસાર પોલિસીની અવધિ દરમ્યાન થતાં મૃત્યુ સમયે વીમાની રકમ જેટલી રકમ ચુકવી આપવાની બાહેંધરી આપે છે. અમુક પ્રકારની યોજનાઓમાં વીમાની પાકતી મુદ્દતે વીમાધારકને વીમાની રકમ અને અમુક પૂર્વ નિશ્ચિત વળતર પણ મળી શકે છે. સામાન્ય વીમો એ વ્યાપારઉદ્યોગમાં આગ કે કુદરતી આફતોથી થતાં નુકસાનો સામે સુરક્ષા આપે છે. ‘મેડીક્લેમ’ તરીકે ઓળખાતા વીમાના પ્રકારમાં વીમાધારકને, કે તેનાં કુટુંબીજનોને, થતી અમુક પ્રકારની માંદગીની સારવારનાં ખર્ચ કે અકસ્માતથી થતાં નુકસાન સામે પણ સુરક્ષા મળે છે. વીમાખતધારક દ્વારા વીમા કંપનીને ચુકવાતાં પ્રિમિયમોને એ વીમા કંપની અન્ય ધિરાણોમાં રોકીને તેમાંથી મળતાં વળતરમાંથી પોતાની આવક મેળવે છે.
પોતાની બચતોને જાતે, સીધાં જ, રોકાણ કરવાના કે પછી વચ્ચે રહીને, જે તે સમયે લાગુ પડતાં નિયમનોને આધીન રહીને, પરોક્ષ રીતે રોકાણ કરવાના સંસ્થાકીય અનેક વિક્લ્પો હવે ઉપલબ્ધ છે. આપણે ત્યાં હજુ એક વર્ગ એવો પણ છે કે જૂના સમયની શરાફી વ્યવસ્થા દ્વારા પણ રોકાણ કરે છે. તો એક વર્ગ એવો પણ છે કે જે સોનાચાંદી જેવી કિંમતી ધાતુઓમાં સીધું રોકાણ પણ કરે છે. નાણાકીય રોકાણના દરેક પ્રકારને પોતપોતાનાં, વધતે ઓછે અંશે, જોખમો તો છે જ. અને એમ જુઓ તો બચતને રોકડ સ્વરૂપમાં, કબાટો કે તિજોરીઓમાં, રાખી મુકવાના વિકલ્પમાં પણ જોખમ ક્યાં નથી? રોકાણો કરવા માટે કયો વિકલ્પ પસંદ કરવો એ દરેક વ્યક્તિની પોતાની જોખમ લેવાનાં અને સહન કરી શકવાનાં સામર્થ્ય પર આધાર રાખે છે. દરેક વ્યક્તિએ રોકાણના જુદા જુદા જુદા વિકલ્પોનાં જોખમો તેમ જ પોતાનાં જોખમ સામર્થ્યને સમજવાં એ રોકાણ પ્રક્રિયાની બહુ મહત્ત્વની જરૂરિયાત છે.
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં ઘટક ‘રોકાણ’નાં લગતાં મહત્ત્વનાં પાસાં, રોકાણ પ્રક્રિયાનાં જોખમો,ની ચર્ચા હવે પછીના મણકામાં કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
