ગિરિમા ઘારેખાન
‘એન્ટોવ’, એન્ટોવ’- અકસાનાની બૂમો કેમ્પમાં ચારે બાજુ ગૂંજતી હતી. ‘આ છોકરો ક્યાં જતો રહ્યો? એક તો ખાવાનું આવ્યું ત્યારે કંઈ ખાધું નહીં અને હવે કહ્યા વિના ક્યાંક જતો રહ્યો છે. મારે આ નવી જગ્યાએ એને શોધવો પણ ક્યાં?’ બોલતી અકસાના ચારે બાજુ બ્હાવરી નજર નાખીને પાછી એમની જગ્યાએ આવી. એની સાસુ સોફિયા પોતાના બ્લાઉઝને સિલાઈ કરી રહી હતી.
‘મા, તમે એન્ટોવને જોયો? રિસાઈને જતો રહ્યો છે.’
સોફિયાએ નકારમાં ડોકું ધૂણાવ્યું. અકસાના ‘આ છોકરાને કેવી રીતે સમજાવું કે હમણાં તો અહીં રહેવું જ પડશે’ બબડતી બબડતી પાછી એના દીકરાને શોધવા ગઈ. સોફિયા એના બ્લાઉઝની સાથે સાથે એમના ઘરથી આ કેમ્પ સુધી પહોંચવા સુધીના સમયના ટુકડાને જીવતર સાથે સાંધતી રહી.
*********** ************ ***********
આમ તો છેલ્લા ઘણા દિવસથી એ લોકો આવા ભયાનક કાનના પડદા ફાડી નાખે એવા વિસ્ફોટોના અવાજથી ટેવાઈ ગયા હતા. પણ એ દિવસનો વિસ્ફોટ તો આકાશને પણ ચીરી નાખે એવો હતો. એમનું ઘર ધરતીકંપ થયો હોય એવી રીતે હાલ્યું અને ટેબલ ઉપર મૂકેલા વાસણો આપઘાત કરતાં હોય એવી રીતે નીચે પડ્યાં. એન્ટોવ દોડીને એની દાદી સોફિયાની અડોઅડ લપાઈને બેસી ગયો. એના ચહેરા ઉપરનો ભય અને શરીરનું કંપન હૃદયના વધી ગયેલા ધબકારાની ચાડી ખાતાં હતાં. દાદીએ પોતાનો કરચલીવાળો ધ્રૂજતો હાથ એની ફરતે વીંટાળીને એને નજીક ખેંચી લીધો. એન્ટોવે દાદીની છાતી ઉપર માથું મૂક્યું અને તરત જ ઊંચું કરી લીધું. ‘બાબુશાકા, તારી છાતીમાં તો ટ્રેઈન ચાલે છે.’
‘બેટા, તારી મા બહાર ગઈ છે એની ફિકર તો થાય ને?’
એની સ્થિર થઇ ગયેલી આંખો દરવાજા ઉપર જ ચોંટી ગઈ હતી.
થોડી વાર પછી મિજાગરામાંથી લટકી રહેલો એ અર્ધખુલ્લો દરવાજો પૂરો ખુલ્યો અને હાથમાં ખાલી થેલી લઈને અકસાના ઘરમાં દાખલ થઇ. એનો ગુલાબી ચહેરો પહાડ ઉપરથી લટકી રહેલી બરફની નાની શીલા થઇ ગયો હતો અને શબ્દો પણ છાતીમાં વાવાઝોડું પેઠું હોય એવા નીકળતા હતા.
‘મા, હવે નહીં ચાલે. આપણે અહીંથી ભાગી જ જવું પડશે. રશિયન સૈનિકો નજીક આવતાં જાય છે.’
એ સાંભળીને એન્ટોવના ચહેરા ઉપર અંકાઈ ગયેલી ભયની રેખાઓમાં વધુ ઘેરો રંગ પૂરાઈ ગયો હતો. એ ઊભા થઈને મમ્મીને વળગી પડતાં બોલ્યો હતો, ‘હા, મોમ. ચાલો જતા રહીએ. મને બહુ ડર લાગે છે. મારા બધા ભાઈબંધો તો ક્યારના જતા રહ્યાં છે.’ પણ ત્યાં જ એની નજર સામે ફોટો ફ્રેમમાં મૂકેલા એના મમ્મી પપ્પાના ફોટા તરફ ગઈ અને પહેલા ઘણી વાર થયું હતું એમ જ એના નિર્ધારે પડખું બદલ્યું હતું, ‘હું અહીંથી ક્યાંય નથી જવાનો. મારા ટાટો [પપ્પા] અહીંથી લડાઈ લડવા ગયા છે અને લડાઈ જીતીને એ આ ઘરમાં જ પાછા આવશે. એમણે મને પ્રોમિસ કર્યું હતું. હું તો અહીં જ એમની રાહ જોઇશ.’
સોફિયાથી અકસાનાની સામે જોઇને એક નિસાસો નંખાઈ ગયો હતો. બંને સ્ત્રીઓ સમજતી હતી કે આવા ભીષણ યુધ્ધમાં ગયેલા સૈનિકના પાછા આવવાનો શું ભરોસો? એન્ટોવનો ટાટો તો તાલીમ પામેલો સૈનિક પણ ન હતો. એ તો લડાઈ બહુ લાંબી ચાલી અને દરેક યુવાને ફરજીયાત યુધ્ધમાં જોડાવું પડ્યું ત્યારે એ ગયો હતો. ક્યાં અને કેવી હાલતમાં હશે એના કોઈ ખબર મળતા ન હતા. થોડી મિનિટો પહેલા ઘરથી એકદમ નજીક થયેલા વિસ્ફોટનો અવાજ આ સ્ત્રીઓના ધબકારામાં ગૂંથાઈને ધમનીઓમાં વહેવા માંડ્યો હતો. સિંહની ગંધથી ભડકેલા હરણોનાં ઝુંડ ભાગે એવી રીતે એમના ઘણા ખરા પડોસીઓ તો ક્યારના ભાગી ગયા હતાં. ખાલીપાના ભારને છાતી ઉપર ઉપાડતાં વાતાવરણનું રૂદન દિવસ રાત આ સાસુ-વહુના હૈયાં સાથે અથડાયા કરતું. ઘરના પુરુષની પાછા આવવાની આશાના પરપોટા વીણતા એ બંનેને પણ એ દિવસે લાગ્યું કે હવે ઘર છોડ્યા વિના નહીં ચાલે.
અકસાનાએ સોફિયાને ઈશારો કર્યો અને એણે મોં ચડાવીને દૂર જઈને બેસી ગયેલા પુત્રની નજીક જઈને એના વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘બેટા આપણે ક્યાં હમેશ માટે જવાનું છે? લડાઈ પૂરી થઇ જાય પછી આ ઘરમાં પાછા. ત્યારે તો તારા ટાટો પણ આવી ગયા હશે.’
‘ના, હું મારું ઘર છોડીને ક્યાંય જવાનો નથી.’ એન્ટોવ એની જીદ ઉપર અડગ હતો.
એ દરમ્યાન અકસાનાએ તો એક બેગમાં એમની રોજિંદી જરુરિયાતની વસ્તુઓ ભરવા માંડી હતી. એન્ટોવ ગભરાઈ ના જાય એટલે એ વખતે એણે જણાવ્યું જ ન હતું કે બહાર એણે એની આંખોની સામે કેટલાંય સળગતાં મકાનોને તૂટેલી ઇંટો અને માટીના ઢગલામાં બદલાતાં જોયાં હતાં. એ ઢગલામાં કેટલા આખા કે અડધા બળેલા શરીરો હતાં એ વિચારવાની એનામાં હિંમત જ ન હતી. અત્યાર સુધી ટી.વી.માં જોયેલાં દ્રશ્યો એણે નરી આંખે જોયાં હતાં અને એ બળતાં મકાનોના ચિત્કાર હજી એના કાનમાં ગૂંજી રહ્યાં હતાં. એ બધું જોઇને જ એણે હવે બીજા લોકોની જેમ જલ્દીમાં જલ્દી નજીકના દેશ પોલેન્ડના કેમ્પમાં પહોંચી જવાનું નક્કી કરી લીધું હતું. ત્યાં હાલત જેવી હોય એવી, પણ સલામતી તો હતી. પોતાના કરતાં પણ વધારે ફિકર એને પોતાના દીકરાની હતી.
સોફિયાએ એન્ટોવને બીજી રીતે સમજાવ્યો, ‘હવે જો રશિયાનો બોમ્બ આપણા ઘર ઉપર પડશે તો આપણે ત્રણે ય –. તો પછી તારા ટાટો આવીને કોને મળવાના?’
એન્ટોવને ગળે કંઇક ઊતર્યું હોય એવું લાગ્યું. જો કે એણે તોબરો તો ચડાવેલો જ રાખ્યો. સોફિયા એમના જે હજી ત્યાં રહેતા હતા એ પાડોસીઓ સાથે વાત કરવા ગઈ.
**************** **************** *********************
એમના ગામથી પોલેન્ડ સુધી પહોંચવાનું બિલકુલ સરળ ન હતું. પડોસીની એક જ મોટી કારમાં એ સાત આઠ જણ મહામુશ્કેલીએ ગોઠવાયાં. એન્ટોવને એની મમ્મીના ખોળામાં બેસવું બિલકુલ ન ગમ્યું. આખા રસ્તે એનો ધીમો ધીમો બડબડાટ ચાલુ રહ્યો. અધૂરામાં પૂરું ગાડીમાં પેટ્રોલ ભરાવવાની સમસ્યા ઊભી થઇ. કારણકે થોડેક આગળ ગયા પછી એમણે જોયું કે પેટ્રોલપંપ કાં તો બંધ થઇ ગયેલાં હતાં કાં તો સળગી ગયેલાં હતાં. કેટલાય ગામ આખા ખંડેરમાં પરિવર્તિત થઇ ગયેલા હતાં. ક્યાંક રડ્યા ખડ્યા પ્રાણીઓ સિવાય ગામના ભેંકાર રસ્તાઓ ઉપર ચેતનનો કોઈ અણસાર મળતો ન હતો. ગમે ત્યારે વિમાનોની ઘરઘરાટી સંભળાતી અને એ લોકોના જીવ તાળવે ચોંટી જતા. બે ત્રણ વાર તો એમણે કાર મૂકીને આજુબાજુ છૂપાઈ જવું પડ્યું. પોલેન્ડની સરહદ થોડેક દૂર હતી ત્યારે તો પેટ્રોલ ખાલી થઇ જવાથી કાર રસ્તામાં મૂકી જ દેવી પડી. બાળકોને થોડું તેડતાં, થોડું ચલાવતા, થોડું ઢસડતા એ લોકો પોલેન્ડ પહોંચ્યા ત્યાં સુધીમાં સાથે લીધેલું બધું જ ખાવાનું ખલાસ થઇ ગયું હતું. ફાટેલાં કપડાંવાળા, તૂટેલા બૂટવાળા, ગંદા શરીરવાળા એ લોકો ખાલી પેટ લઈને એક કેમ્પમાં પહોંચ્યા અને પોતાના અસ્તિત્વને ભૂલીને ત્યાં રહેતા અનેક આશ્રિતોની ભીડમાં ખોવાઈ ગયાં.
**************** ******** *********************
‘મોમ, મારે ઘેર જઉં છે.’
‘આ તો કેટલી ગંદી જગ્યા છે!’
‘અહીં આપે છે એ ખાવાનું મને જરા ય નથી ભાવતું.’
‘મોમ, અહીં તો સૂવા માટે મારો પોતાનો બેડ પણ નથી. જમીન ઉપર સૂવામાં કેટલી બધી ઠંડી લાગે છે!’
‘મને નવા જૂતાં ક્યારે મળશે?’
‘અહીં મારે કોઈ દોસ્ત નથી. કશું કરવાનું નથી. હું શું કરું?’
કેમ્પમાં ચારે બાજુથી બાળકોના આવા ફરિયાદી અવાજો સંભળાયા કરતાં. બીજી બધી મમ્મીઓની જેમ અકસાના ક્યારેક એન્ટોવને સમજાવતી, ક્યારેક ગુસ્સો કરતી, અને ક્યારેક રડી પડતી. પછી સાથે એન્ટોવ પણ રડતો. સોફિયા એને કહેતી, ‘અહીં કાયમ માટે થોડું રહેવાનું છે? હવે થોડાક દિવસ. લડાઈ બંધ થઇ જશે પછી આપણે પાછા આપણે ઘેર પહોંચી જઈશું.’
‘તું તો લડાઈ ચાલુ થઇ ત્યારથી “થોડાક દિવસ, થોડાક દિવસ” કરે છે. લડાઈ તો પૂરી થતી જ નથી.’
‘બે દેશ વચ્ચે એવું કંઇક થાય કે લડાઈ નિયતિ બની જાય ત્યારે એ જલદી પૂરી થઇ જાય. પણ લડાઈ જો કોઈ ખાસ નિયતથી શરૂ કરવામાં આવી હોય ત્યારે એ બહુ લાંબી ચાલે બેટા.’
દાદીનું તત્વજ્ઞાન સમજી ન શકેલો એન્ટોવ ગુસ્સામાં પગ પછાડતો કેમ્પની બહાર નીકળી ગયો. મમ્મી અને દાદીને ખબર હતી કે એ થોડો વખત આમ તેમ ફરીને પાછો આવી જશે એટલે એ લોકો એમના નાના નાના મોરચા સંભાળવામાં પરોવાયા. અત્યારે વધુ એક મોરચે લડવાનું એમને મંજૂર ન હતું. પણ ઘણી વાર સુધી દીકરો પાછો ન આવ્યો એટલે અકસાના એને શોધવા નીકળી.
*********** ************* ***************
એન્ટોવ આજે બહુ જ ગુસ્સામાં હતો. કેમ્પની બહાર નીકળીને એ થોડે દૂર આવેલા એક ટેકરા ઉપર જઈને બેસી ગયો. ત્યાં એના જેવડો જ એક છોકરો અને એનાથી થોડી નાની એક છોકરી બ્રેડ ખાતાં હતાં. ભૂખ્યો થયેલો એન્ટોવ એમની સામે જોઈ રહ્યો. એની આંખની ભાષા વાંચી લીધી હોય એમ પેલી છોકરી એની પાસે આવી અને બ્રેડનો એક ટુકડો એના તરફ લંબાવ્યો. ‘જાખુયો’[આભાર] બોલીને એણે એ ટુકડો લગભગ ઝૂંટવી જ લીધો. છોકરી થોડી વાર એની સામે જોતી ઊભી રહી.
થોડી પળો એમ જ ‘હવે શું?’ના ચક્રવાતમાં આમતેમ ઉડતી રહી. પછી છોકરીએ એની સાથેના છોકરાને બૂમ પાડી, ‘અકીમ!’ પેલો નજીક આવ્યો એટલે એણે એન્ટોવને કહ્યું, ‘બ્રાટ’[ભાઈ]. એમની વચ્ચે ગોકળગાયની ઝડપે આગળ વધતા શબ્દો પગને તો ‘પકડ દાવ’ રમવા સુધી ખેંચી ગયા. ખાસો સમય રમીને એન્ટોવ એની મમ્મી પાસે પાછો આવ્યો ત્યારે કેમ્પમાં આવ્યા પછી પહેલીવાર એના ચહેરા ઉપર ખુશીનું મેઘધનુષ અંકાયેલું હતું.
પછી તો આવી ચડેલા ઉનાળાના દિવસોની જેમ એમનો રમવાનો સમય રોજ રોજ લંબાતો ગયો. કેમ્પની બહાર એન્ટોવ, વોવા અને અકીમના નામની આનંદમાં ઝબકોળાયેલી બૂમો ગુંજતી રહી. ધીરે ધીરે એમાં આઈવાના, બોયકા, વાલ્દીમીર, બોહસ્લવા અને બીજા ઘણા નામ ઉમેરાતાં રહ્યાં.
હવે એમને ખાવાપીવાના સ્વાદની, સૂવાની પથારીની, દૂધ કે રમકડાં ન મળવાની કોઈ ફરિયાદ રહી ન હતી. દિવસના અંતે એમને શોધતી આવતી એમની મમ્મીઓ પણ થોડી વાર ટોળે વળીને ઊભી રહેતી અને લડાઈમાં લડવા ગયેલા પોતપોતાના ચોલોવિક[પતિ]ની વાતો કરતાં થોડું હસતી અને થોડું રડી લેતી. બાળકોના ગીડો [દાદાજી] અને બાબુશાકા [દાદી] પણ એકબીજાને ટેકે ટેકે બહાર આવીને બેસતાં, દિવસે બાળકોને રમતાં જોતાં અને રાત્રે આકાશના તારા ગણતા. ઘડિયાળના કલાક કાંટાની જેમ ચાલતા દિવસો સેકંડ કાંટાની જેમ દોડવા માંડ્યા. બધાંને મોરચે ગયેલા પોતાના પરિવારજનની ફિકર તો હતી પણ સમયની તણાવભરી તિજોરીમાંથી જિંદગીએ પોતાના આનંદના અવસર ચોરી લેવાનું શોધી લીધું હતું.
જો કે એ આનંદનું આયુષ્ય પણ ટૂંકું નીવડ્યું. એક દિવસ બધાં બાળકોને રોજ રાત્રે વાર્તાઓ કહેતો, સહુનો માનીતો બની ગયેલો, એક વૃદ્ધ મૃત્યુ પામ્યો. ત્યાં રહેતા એક નિવૃત્ત ડોક્ટરનું કહેવું હતું કે એનું શરીર નબળું હતું અને કેમ્પની હાડમારી એ સહન ન કરી શક્યો. કેમ્પની પાછળના ભાગમાં વૃદ્ધની દફનવિધિ બધાએ સાથે મળીને કરી. પહેલા ચર્ચમાં કામ કરી ચૂકેલા એક વૃદ્ધ પાદરીએ અંતિમ વિધિ કરાવી અને જયારે બાઈબલ વાંચીને ‘come to me—’ વાળો ભાગ વાંચ્યો ત્યારે ભીની આંખોવાળી ત્યાં હાજર દરેક વ્યક્તિ એક જ પરિવારની બની ગઈ હતી.
‘મને લાગે છે કે આપણે બધાં પણ એક દિવસ અહીં જ દફન થવાના.’ એક સ્ત્રી મોટેથી બોલી અને હવાએ ડૂસકું ભર્યું.
બે ત્રણ દિવસ સુધી કેમ્પનું વાતાવરણ શોકમગ્ન રહ્યું. પણ ત્રણ જ દિવસ પછી એક ગર્ભવતી યુવતીએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો અને પાછી ઉલ્લાસની છોળો ઊડી. કેમ્પનું જીવન ક્યારેક ઊંડા પાણીમાં ગોતા ખાતું, ક્યારેક સપાટી ઉપર આવી જતું. પણ મૃત સમુદ્ર જેવા ખારા પાણીથી વીંટળાયેલા એ કેમ્પમાં જિંદગી ઈચ્છે તો પણ ડૂબી શકે એમ ન હતી. એ તરતી રહી, શ્વાસ લેતી રહી.
*********** *************** **************
એ દિવસે કેમ્પના કેપ્ટન ઉપર કોઈનો ફોન આવ્યો. એણે એકદમ ઉત્તેજિત અવાજમાં કેમ્પના માણસોને ભેગા કર્યાં. એની ઉત્તેજના, એના અવાજ અને વર્તનમાં છલકાતી ખુશી, કંઈ જાણ્યા વિના પણ ત્યાં હાજર લોકોના ચહેરા ઉપર પ્રસરવા માંડી હતી. સતત તણાવમાં રહેતા કેપ્ટનને આજે એમણે પહેલીવાર આટલો ખુશ જોયો હતો. કેપ્ટને હાથ ઊંચો કરીને મોટા અવાજમાં કહ્યું, ‘બુડમો’[ચીઅર્સ]. ટોળાએ પણ એવી જ રીતે પ્રતિસાદ આપ્યો, ‘બુડમો.’ પોતાની ઉભરાતી ઉત્તેજનામાં કેપ્ટન બરાબર બોલી પણ શકતો ન હતો. એણે ધ્રુજતા અવાજમાં જાહેર કર્યું, ‘રશિયા અને યુક્રેન વચ્ચે સંધિ થઇ ગઈ છે. આજથી લડાઈનો અંત આવ્યો છે. હવે તમે બધા પોતપોતાના ઘેર જઈ શકશો.’
હૃદયને શાતા આપતા આ શબ્દો સાંભળીને માણસો કૂદયા, નાચ્યા, એકબીજાને ભેટ્યાં અને ચોધાર આંસુએ રડ્યાં પણ. આખરે એ દિવસ આવી ગયો જેની એ લોકો આટલા સમયથી રાહ જોતા હતાં. એમના ઘરનું અસ્તિત્વ રહ્યું હશે કે ભૂંસાઈ ગયું હશે, કંઈ ઘરવખરી બચી હશે કે નહીં, પાછું બધું કેવી ભેગું થઇ શકશે, એવા કશા જ વિચાર કર્યા વિના બધાએ ભેગા મળીને આનંદ કર્યો, ઘેર જવાના પર્વની ઉજવણી કરી અને પછી સ્ત્રીઓ મંડી પડી પોતપોતાની વસ્તુઓ એકઠી કરવા. એ દિવસે મેઘધનુષની દોરીઓ વીંટીને સૂરજ ઊગ્યો હતો એટલે સમય કલબલી ઉઠ્યો.
ખુશીના આ ઉછળતા મહાસાગરમાં જો કોઈ તરબોળ ના હતાં થઇ શકતાં તો એ હતાં બાળકો. એમના જૂના દોસ્તો તો ક્યારના સ્મૃતિના પાછળના પડળમાં જતા રહ્યાં હતાં અને આ નવા નવા દોસ્તોથી છૂટા પડવાની વાત એમને ગમતી ન હતી. શરૂઆતમાં થોડીક નડતર રૂપ બનેલી બધાની અલગ અલગ ભાષા અત્યારે તો સ્નેહના મિક્સરમાં ગોળ ગોળ ફરતી હવે એકરસ થઇ ગઈ હતી. અહીં કેટલી મજા હતી! મમ્મી ક્યારેક થોડું લખવા બેસાડે, બાકી નિશાળ નહીં, શિક્ષક નહીં, પરીક્ષા નહીં, બસ રમવાનું, રમવાનું અને મસ્તી કરવાની. ભણવાને લગતી બધી તકલીફો ઘેર જઈને પાછી ચાલુ થઇ જવાની! અને આ મજેદાર દોસ્તો ફરી ક્યારેય નહીં મળે? એટલે જ ખરેખર છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે બાળકો એકબીજાને ભેટીને રડ્યાં અને પોતાની કિમતી મિલકત જેવી લખોટીઓ, બિસ્કીટના પેકેટ અને એવી બીજી વસ્તુઓની આપ લે કરી. બસમાં બેસતી વખતે હથેળીના પાછળના ભાગથી આંસુ લૂછતાં એન્ટોવને સોફિયા એક જ વાતે છાનો રાખી શકી, ‘ઘેર જઈશું ત્યાં સુધીમાં તારો ટાટો પાછો આવી ગયો હશે.’
જો કે બસ પોલેન્ડની સરહદ છોડીને યુક્રેનમાં દાખલ થઇ પછી લોકોના મનમાં ઉડતાં પતંગિયાંઓએ અચાનક પાંખો સંકેલી લીધી. એમના સુંદર દેશની હાલત કેવી થઇ ગઈ હતી! કોઈ જ મકાનો આખા બચ્યાં ન હતાં. ક્યાંક રડ્યાં ખડ્યાં આમતેમ અથડાતા બોર્ડ ઉપરથી ખબર પડતી હતી કે અહીં ક્યારેક સ્કૂલ, હોસ્પિટલ કે મોલ હશે. કોઈ કોઈ જગ્યાએથી હજી ધુમાડાની રાખોડી સેરો નીકળીને વાતાવરણને ધૂંધળું કરી નાખતી હતી. એક સમયે વૃક્ષોથી લીલાછમ લાગતા એમના દેશમાં અત્યારે બે જ રંગ દેખાતા હતા-રાખોડી અને કાળો. નારંગી રંગના ભડકાઓએ ભેગા થઈને આ ખંડેરોની અંદર કેટલો લાલ રંગ વહાવીને સૂકવી દીધો હશે? સહુના ગળે ડૂમાનું જાળું બાઝતું હતું અને શબ્દો રૂંધાઇ ગયાં હતાં. આખી બસમાં મૃત્યુ જેવી ભારેખમ શાંતિ બરફના સફેદ રંગની જેમ પથરાઈ ગઈ હતી. ક્યારેક દૂરથી આવતો કોઈ શ્વાનનો રુદન મિશ્રિત ભસવાનો અવાજ એ સફેદ શાંતિમાં કાળા છાંટણા નાખી જતો હતો. બસમાં બેઠેલી બધી સ્ત્રીઓને હવે ખાતરી થઇ ગઈ હતી કે એમનાં ઘર તો બચ્યાં નહીં જ હોય. પણ એ ઘરને ઘર બનાવનાર એમના પતિ—?
સમજણા, અણસમજણા બાળકો ઉપર પણ એમના વડીલોની ઉદાસીનો ઘેરો રંગ ચડી ગયો હતો. વૃધ્ધો તો જાણે ‘આ બધું જોવા અમે કેમ જીવતાં રહ્યાં?’ એવું વિચારતા હોય એમ શ્વાસે શ્વાસે ગરમ નિસાસા છોડતાં જતાં હતાં.
‘આપણી હરીભરી માતૃભૂમિ વિધવા થઇ ગઈ હોય એવું લાગે છે ને? બધું જ ખાલી છે.’ સોફિયા નિસાસો નાખતાં બોલી.
‘મા, આપણે બધા જ ખાલી થઇ ગયા હોઈએ એવું નથી લાગતું? મારી અંદરથી તો બધું જ નિચોવાઈ ગયું છે.’ અકસાનાનો જવાબ આવ્યો.
મમ્મીની આંખમાંથી સતત નીકળી રહેલાં આંસુ જોઇને એન્ટોવથી પૂછ્યા વિના ન રહેવાયું, ‘હજી કેમ રડે છે, મોમ? લડાઈ તો પૂરી થઇ ગઈ ને?’
‘લડાઈ તો પૂરી થઇ ગઈ બેટા, પણ આપણું યુદ્ધ તો હવે ચાલુ થશે.’
મમ્મીની વાત ન સમજી શકેલા એન્ટોવે એના દોસ્ત અકીમે ભેટ આપેલા એના દેશના સફેદ, ભૂરા અને લાલ પટ્ટાવાળા ધ્વજ ઉપર હાથ ફેરવવા માંડ્યો. અકીમ અને એના પરિવારનું રહસ્ય એણે પોતાના ખીસામાં અકબંધ રાખ્યું હતું.
ગિરિમા ઘારેખાન
૧૦, ઇશાન બંગલોઝ સુરધારા-સતાધાર રોડ
થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન-૮૯૮૦૨૦૫૯૦૯

વાચક સર્જન અને સર્જકને જોડતી ઉમદા સાહિત્યસેવા. અભિનંદન.
LikeLike