દીપક ધોળકિયા
૧૮૪૯થી પંજાબ પર અંગ્રેજોનો સંપૂર્ણ કબજો થઈ ગયો હતો. કૂકા વિદ્રોહમાં આપણે જોયું કે આ દરમિયાન ધર્મ પર ઘણા હુમલા થયા. પરંતુ આર્થિક અસંતોષ પણ એટલો જ પ્રબળ હતો. પહેલાં જમીનની માલિકી સહિયારી હતી, પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ નવી મહેસૂલ પદ્ધતિ દાખલ કરી એટલે હવે જમીન વ્યક્તિગત માલિકીની બની ગઈ. મહેસૂલ રોકડેથી ચુકવવાનું રહેતું એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા અને કામધંધા વગર રઝળતા થઈ ગયા. એના એક ઉપાય તરીકે અંગ્રેજોએ ખેડૂતોના જુવાન દીકરાઓને લશ્કરમાં ભરતી કરવાનું શરૂ કર્યું.
લશ્કરમાં આવ્યા પછી એમને બ્રિટનની જુદી જુદી વસાહતોમાં મોકલી દેવાતા. પંજાબના ખેડૂતો હવે માસિક નવ રૂપિયાના પગારે અમેરિકા, ચીન, ઈરાન, બર્મા. ઈજિપ્ત, પૂર્વ આફ્રિકામાં અંગ્રેજોની લડાઈઓ લડતા થઈ ગયા અથવા મલાયા (હવે મલયેશિયા), સિંગાપુર, હોંગકોંગમાં અંગ્રેજ ઑફિસરો્ની ઑફિસો અને બંગલાઓમાં ચોકીદાર કે નોકર તરીકે કામ કરવા લાગ્યા. ત્યાં એમને પોલીસની નોકરીમાં પણ લીધા. ઘણા પંજાબીઓ કેનેડા ગયા. પહેલાં તો એમનું સ્વાગત થયું કારણ કે આ લોકો મહેનત કરી જાણતા અને જે મળે તેમાં જીવી લેતા. તેમ છતાં પંજાબ કરતાં તો એમના જીવનમાં સુધારો થયો હતો.
પણ તે પછી, કૅનેડાને ડોમિનિયન સ્ટેટસ મળતાં કાયદા બનાવવાની સત્તા એને મળી. ડોમિનિયન સરકારે હવે હિન્દુસ્તાનીઓના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદી દીધાં. ભારતથી જહાજ આવે તે સીધું જ આવે, વચ્ચે ક્યાંય રોકાય નહીં અને બીજા મુસાફરો લીધા વિના આવે તેને જ પ્રવેશ મળતો. આ અઘરું હતું કારણ કે જહાજને બળતણ લેવા માટે તો ક્યાંક લાંગરવું પડતું. બીજા એવા નિયમ હતા કે ઘરડાઓને પ્રવેશ ન મળતો. સ્ત્રીઓ અને બાળકોને પણ લાવી ન શકાતાં. કૅનેડામાં કામ માટે ગયેલા લોકો તો એમ માનતા કે એ માત્ર ભારતના નહીં, આખા બ્રિટિશ સામ્રાજ્યના નાગરિક હતા અને બ્રિટનની કોઈ પણ વસાહતમાં રહેવાનો એમને અધિકાર હતો.
કૅનેડા કે અમેરિકા ગયા એમને નાગરિકોની સમાનતાનું ભાન થયું. એમના પ્રત્યે ભેદભાવ થતો હતો તે પણ એમને સમજાયું. આમ રાજકીય સમજનો વિકાસ થયો. એમાંથી કેટલાકને ખબર પડી કે અમેરિકામાં વધારે સારી દહાડી મળે છે. એવા લોકો અમેરિકા પહોંચ્યા. અમેરિકામાં ભારતની અંગ્રેજ હકુમત વિરુદ્ધ બહુ ટેકો મળવા લાગ્યો. ત્યાં એક ઇંડો-અમેરિકન સોસાઇટી બનાવવામાં આવી. સોસાઇટીએ લંડન જેવું જ ‘ઇંડિયા હાઉસ’ શરૂ કર્યું, તે પછી ઇંડો-અમેરિકન નેશનલ ઍસોસિએશન બન્યું એનું મૂળ કામ જ ભારતીયોને ઉદ્યોગની તાલીમ આપવાનું અને વિદ્યાર્થીઓને આકર્ષવાનું હતું. ૧૯૦૬ના બંગાળના ભાગલા પછી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અખૂટ હતો. એને વ્યક્ત કરવાની સ્વતંત્રતા અને કુશળતા અમેરિકામાં મળી.
એ જ રીતે, કૅનેડામાં ઍસ્ટોરિયામાં‘હિન્દુસ્તાની સોસાઇટી ઑફ પૅસિફિક કોસ્ટ’ની સ્થાપના થઈ. વેનકુવરમાં શેઠ હસન રહીમ અને આત્મારામે મળીને ‘યુનાઇટેડ ઇંડિયા લીગ’ની સ્થાપના કરી અને ‘હિંદુસ્તાન’ નામનું અખબાર શરૂ કર્યું. શેઠ હસન રહીમ કાઠિયાવાડના હતા. એમણે ગુજરાતીઓને સંગઠિત કરવાની જવાબદારી સંભાળી લીધી. એ અને એમના સાથી વઝે ખાં ગુજરાતના લોકોમાં જાગૃતિ ફેલાવતા હતા અને ‘ઇંડસ્ટ્રિયલ વર્કર્સ ઑફ ધી વર્લ્ડ’ની પ્રવૃત્તિઓમાં પણ આગળપડતો ભાગ ભજવતા હતા. આમ વિદેશોમાં વસતા ભારતીય મજૂરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અધ્યાપકોમાં સામ્રાજ્યવાદ વિરુદ્ધ માર્ક્સવાદી વિચારધારા જોર પકડતી જતી હતી. કૅનેડામાં સરકારે ભારતીયોને દેશમાં આવતાં રોકવાની કોશિશ કરી તેની સામે ત્યાં રહેતા ભારતીયોએ આંદોલન ચલાવ્યું અને મિલોના ભારતીય મજૂરો પણ એમાં જોડાયા. આખા અમેરિકા ખંડના ભારતીયો એક સૂત્રે બંધાયા. ફરી એક ડગલું આગળ વધવા મિલમજૂરોએ બીડું ઝડપ્યું. એમણે બધાને સંગઠિત કરીને એક પાર્ટીની સ્થાપના કરી. આ પાર્ટી એટલે ગદર પાર્ટી (ગદર એટલે બળવો). સરદાર સોહન સિંઘ ભકના કૅનેડાના શીખોમાં જાગૃતિ ફેલાવતા હતા. ગદર પાર્ટીના એ પ્રથમ પ્રમુખ બન્યા
રાજા મહેન્દ્ર પ્રતાપ, મૌલવી બરકતુલ્લાહ, લાલા હરદયાલ જેવા ભારતમાં રહેતા ક્રાન્તિકારી નેતાઓએ પણ ગદર પાર્ટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. રાજા મહેન્દ્ર પ્રતાપ અને મૌલવી બરકતુલ્લાહ તો અફઘાનિસ્તાન પણ ગયા અને ત્યાંના અમીરને મળીને આરઝી હકુમત (કામચલાઉ સરકાર) પણ સ્થાપી. એમની યોજના અમીરની મદદથી ભારત પર આક્રમણ કરવાની હતી. અમીર મોઢેથી તો સહમતી દેખાડતો રહ્યો પણ ખરેખર એ અંગ્રેજોથી ડરતો હતો એટલે એમની યોજના પાર ન પડી શકી.

બીજી બાજુ, દેશદ્રોહીઓ પણ ઊભા થતા જતા હતા. એક સભામાં હસન રહીમ હિન્દુસ્તાની દગાખોરને હાથે ઘવાયા. બીજા પણ દેશભક્તો પોતાના જ ભાઈઓને હાથે જખમી થવાની ઘટનાઓ પણ બની. હિન્દુસ્તાનીઓ જાણતા હતા કે પોલીસ ખાતાનો ઊપરી વિલિયમ હૉપકિન્સન હિન્દુસ્તાનીઓને જાસૂસ અને હત્યારા તરીકે વાપરતો હતો. હૉપકિન્સન મૂળ તો કૅનેડાનો જ હતો પણ ભારતમાં અંગ્રેજી હકુમતની નોકરી કરતો હતો. એ રજામાં કૅનેડા ગયો ત્યારે એને ત્યાંની સરકારે નોકરીએ રાખી લીધો. એને હિન્દુસ્તાની આવડતી હતી એટલે શરૂઆતમાં તો એ હિન્દુસ્તાનીઓના કેસ ચાલે ત્યારે દુભાષિયા તરીકે કામ કરતો. આમ એણે ઘણા હિન્દુસ્તાનીઓ સાથે મિત્રતા કરી લીધી હતી. આથી વિદ્રોહીઓએ મૂળમાં ઘા કરવાનું નક્કી કર્યું.
૨૧મી ઑક્ટોબર ૧૯૧૪ના દિવસે કોર્ટના કંપાઉંડમાં ભાઈ મેવા સિંઘ લોપોકેએ એને કોર્ટના વરંડામાં જ ગોળી મારી દીધી. આ કેસમાં મેવા સિંઘને ફાંસીની સજા આપવામાં આવી. સજા સાંભળીને એમણે ગરજતા સ્વરમાં કહ્યું કે મારા દેશના દુશ્મનના આવા જ હાલ થવા જોઈએ.
૧૯૧૫ની ૧૧મી જાન્યુઆરીએ મેવાસિંઘ લોપોકેએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.
(ગદર ગાથા ચાલુ રહેશે).
000
સંદર્ભઃ
- गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.
ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)
સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
