ચિરાગ પટેલ
१.२.८ (१७) ऋतेन मित्रावरुणावृतावृधावृतस्पृशा । क्रतुं बृहन्तमाशाथे ॥
ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – मित्रावरुण छन्द – गायत्री
અર્થ – સત્યને ફલિતાર્થ કરનાર સત્ય યજ્ઞના પુષ્ટિકારક હે મિત્રાવરુણ! આપ અમારા કાર્યોને સત્યથી પરિપૂર્ણ કરો.
મિત્ર અને વરુણ એકબીજા સાથે અભિન્નપણે જોડાયેલાં દેવો છે. ઋષિ આ મંત્રમાં તેમને સત્ય યજ્ઞના પુષ્ટિકારક કહે છે. સત્ય યજ્ઞનો અર્થ વિશ્વને ચલાવતાં નિયમો એવો અભિપ્રેત છે. પૃથ્વી માટે સૂર્ય અને જળ જીવન અને જૈવિક પ્રક્રિયાઓનું મૂળ છે. ઋષિ મધુચ્છંદા વૈશ્વામિત્ર આ સત્ય જોઈ શક્યા છે એમ સ્પષ્ટ જણાય છે. વળી, ઋષિ પોતાના સર્વે કાર્યોમાં આ સત્ય કે વૈશ્વિક નિયમો હોય એમ ઈચ્છે છે. એટલે કે, ઋષિ પોતે જે કાર્ય કરે એ વિશ્વના સંતુલન કે વિશ્વના નિયમોને હાનિ પહોંચે એવું ના હોય એમ ઈચ્છે છે. આધુનિક યુગમાં આ મંત્રને ચરિતાર્થ કરવાની ઘણી જ આવશ્યકતા છે.
१.३.८ (२६) विश्वे देवासो अप्तुरः सुतमा गन्त तूर्णयः । उस्रा इव स्वसराणि ॥
ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – विश्वेदेवा छंद – गायत्री
અર્થ – સમયાનુસાર વર્ષા કરનાર હે વિશ્વેદેવો! આપ કુશળ અને શીઘ્ર કાર્ય કરનાર છો. આપ સૂર્યકિરણો સમાન ગતિશીલ બની અમને પ્રાપ્ત થાઓ.
સમય પ્રમાણે થતી વર્ષાઋતુ કૃષિ માટે આવશ્યક છે. આ મંત્રમાં આડકતરી રીતે વૈદિક યુગમાં ખેતી થતી હોય એવો ઉલ્લેખ છે. વર્ષાઋતુનું નિયમન વૈશ્વિક દેવો અર્થાત્ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, અશ્વિનીકુમારો ઇત્યાદિ કરે છે એમ ઋષિ જણાવે છે. આ સર્વે દેવો સૂર્ય કિરણોની ગતિથી પ્રાપ્ત થાય એમ ઋષિ ઈચ્છે છે. વૈદિક કાળમાં કિરણોની ગતિને સહુથી ઝડપી ગણવી એ પ્રશંસાપાત્ર છે.
१.३.१० (२८) पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥
ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – सरस्वती छंद – गायत्री
१.३.११ (२९) चोदयित्री सूनृतानां चेतन्ती सुमतीनाम् । यज्ञं दधे सरस्वती ॥
ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – सरस्वती छंद – गायत्री
१.३.१२ (३०) महो अर्णः सरस्वती प्र चेतयति केतुना । धियो विश्वा वि राजति ॥
ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – सरस्वती छंद – गायत्री
અર્થ – પવિત્ર કરનારી, પોષણ દેનારી, બુદ્ધિપૂર્વક ઐશ્વર્ય પ્રદાન કરનારી સરસ્વતી જ્ઞાન અને કર્મથી અમારા યજ્ઞને સફળ કરો.
સત્ય બોલવાની પ્રેરણા આપનારી, મેધાવી લોકોને યજ્ઞની પ્રેરણા કરનારી સરસ્વતી અમારા આ યજ્ઞનો સ્વીકાર કરી અમને ઉત્તમ વૈભવ પ્રદાન કરો.
જે પ્રચુર જળ પ્રવાહિત કરે છે તે સુમતિ જગાવનારી સરસ્વતી યાજકોની પ્રજ્ઞાને પ્રખર બનાવે છે.
ઋગ્વેદમાં આ ત્રણ એવાં પ્રથમ મંત્રો છે જેમાં દેવીનું આહવાહન હોય. અહિ દેવી રૂપે સરસ્વતી છે જે વિશાળ જળ પ્રવાહની સ્વામિની નદી છે. પૌરાણિક સરસ્વતી દેવી જે વિદ્યા અને જ્ઞાનદાત્રી છે એનું મૂળ આ ત્રણ ઋચાઓમાં જોઈ શકાય છે. વળી, ઋષિ સરસ્વતી દેવી પાસેથી ઐશ્વર્ય અને વૈભવની પણ માંગણી કરે છે.
સરસ્વતી નદી અંગે પુરાતત્વવિદો અનેક અનુમાન કરે છે. વર્તમાનમાં ઘગ્ઘર-હાક્રા નદી પ્રવાહને વૈદિક સરસ્વતી માનવામાં આવે છે. સરસ્વતીનો વિશાળ જળ પ્રવાહ હિમાલયથી નીકળી કચ્છના અખાતમાં ભળી જતો હતો. આ નદીના તટ પર સિંધુ સરસ્વતી સભ્યતાના અનેક નગરોનાં અવશેષો મળી આવે છે. વૈદિક કાળ અને આ સભ્યતા વચ્ચે સામ્યતા હોવાના અનેક પુરાવાઓ મળી આવ્યાં છે.
અન્ય એક અર્થમાં વિદ્વાનો માને છે કે, આપણી મંદાકિની આકાશ ગંગાનો આકાશમાં દેખાતો દૂધમલ પટ જોઈને ઋષિએ આ મંત્રોની રચના કરી હોય.
