હરેશ ધોળકિયા

ટી.વી.ની એક ચેનલ પર એક સીરિયલ આવે છે-” વાગલે કી દુનિયા.” મધ્યમ વર્ગની તકલીફો અને આનંદો વ્યકત કરતી નિર્દોષ સીરિયલ છે. જોવી ગમે એટલા માટે છે કે તે સામાન્ય વર્ગની તકલીફોને સરસ રીતે રજૂ કરે છે. તેના એક હપ્તામાં એવી વાત રજૂ કરી કે કોલેજમાં પરદેશમાં ભણવા કેમ અને શા માટે જવું તે કહેવા એક નિષ્ણાત આવે છે. તેની કસોટીમાં વાગલેની પુત્રી સખી પાસ થાય છે અને તેને પરદેશ જવાનું સૂચવવામાં આવે છે. તે ખુશ થઈ જાય છે અને પિતાને વાત કરે છે. પિતા તેનો ઉત્સાહ જોઈ કહી શકતા નથી કે તેના પાસે પૈસા નથી. ઉલટું પ્રોત્સાહન આપે છે. ત્યારે પત્ની કહે છે કે પૈસાનું શું ! ત્યારે પિતા કહે છે કે તેના પાસે એક ” સીક્રેટ ફંડ” છે જેની મદદથી પુત્રી ભણી શકશે. હકીકતે કોઈ સીક્રેટ ફંડ તેના પાસે નથી હોતું. તે પુત્રીના ખર્ચ કાઢવા લોન માટે બેન્કોના ધકકા ખાવા શરુ કરે છે, પણ બેન્કોનાં વ્યાજ જોઈ હચમચી જાય છે.

સીરિયલમાં તો આ “સીક્રેટ ફંડ”ની જુઠ્ઠી વાત કરે છે. મધ્યમ વર્ગ પાસે તો જાહેરમાં પણ ફંડ હોતું નથી, ત્યાં સીક્રેટ ફંડ કયાં હોવાનું ! મોટા ભાગના લોકો ચૂસ્ત મર્યાદિત આવકમાં જીવતા હોય છે. તેના દૈનિક ખર્ચા એવા હોય છે કે વધારાનો કોઈ પણ ખર્ચ ઊભો કરવા તેણે ઉધારી જ કરવી પડે છે.

પણ આ વાતને એક બીજી રીતે પણ તપાસી શકાય. વ્યકિત ભલે મધ્યમ કે નીચલા મઘ્યમ વર્ગની હોય, ભલે તેની આવક મર્યાદિત હોય, પણ તે તપાસ કરે તો ખરેખર તેના પાસે એક “સીક્રેટ ફંડ” હોય જ છે.

પણ ઉધારીમાં જીવનાર પાસે આવું ફંડ કયાંથી હોઈ શકે? તે શકય છે?

શકય છે. આ ફંડને નાણાકીય બાબત સાથે સંબંધ નથી. આ ફંડ બીજું જ છે.

ક્યું?

માણસ પાસે એક પ્રબળ, તાકાતવર માધ્યમ છે. તેનું નામ છે ‘ મન.” આ મન એટલું તો શકિતશાળી છે કે તેની ભાગ્યે જ કોઈને કલ્પના હોય છે. કુદરતે માણસને મનરુપી એક અદભુત બાબત આપી છે. આ મન અનંતગણી શકિત ધરાવે છે. તે ધાર્યું કરી શકે છે. નાનામાં નાનાં કામથી માંડી મંગળના ગ્રહ સુધી જવા સુધીનું કામ તે કરી શકે છે. અને કરતું દેખાય પણ છે. માનવજાતનો ઈંતેહાસ જુઓ. લાખો વર્ષ પહેલાં માણસ ઝાડ પર કે ગુફામાં રહેતો હતો. કોઈ જ સગવડ ન હતી. સતત ભયમાં રહેતો હતો. કઈ પળે તેનો નાશ થશે તેનો તેને પણ ખ્યાલ ન હતો. અને છતાં આજે લાખો વર્ષ પછી પણ તે છે. બધા જ ભયો દૂર કર્યા છે તેણે. ગુફામાંથી સ્કાયસ્ક્રેપરમાં રહે છે. અદ્યતન સગવડો ભોગવે છે. બીજા ગ્રહોમાં વસવાટ કરવાની તૈયારી કરે છે. ગુફાવાસી માનવ કે ભૂતકાળના અશોક કે અકબર જેવા રાજા આજે આવે અને આજના માણસને જુએ તો કલ્પના પણ ન કરી શકે. આજના ગરીબ પણ તેમના કરતાં વધારે સગવડ ભોગવે છે.

એમ કેમ બન્યું?

માત્ર માનવના ” મનના કારણે.

માનવ મન પાસે અનંત શકિત છે. એક વાર જો તેનો ઉપયોગ કરતાં આવડી જાય, તો માણસ ધાર્યું કરી શકે છે. એક સમયે ગુફામાં રહેતો માણસ આજે મહેલો જેવા બંગલામાં રહે છે. એક વાર માઈલો સુધી પગે ચાલતો માણસ આજ રોકેટમાં ઊડે છે અને કલાકોમાં હજારો માઈલ કાપી નાખે છે. હાથમાં રહેલ એક રીમોટથી હજારો કામ સરળતાથી કરી શકે છે. એક જમાનામાં સંદેશ પહોંચાડવામાં દિવસો નીકળી જતા હતા, તે આજે મોબાઈલની મદદથી સેકન્ડોમાં કરી શકાય છે. અને હવે તો આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની મદદથી તો બધાં કામ તેના પાસે કરાવી શકે છે.

મનની શકિતની, મનની તાકાતની, મોટા ભાગના લોકોને કશી જ ખબર નથી. આજની શોધોથી બધા જ પ્રભાવિત થાય છે. આ શોધો તેમને ચકિત કરે છે. કમ્પ્યુટરની ઝડપ કલ્પનાતીત છે. મોબાઈલ પર નંબર નોંધાય છે પછી સેકન્ડના લાખમા ભાગમાં સામો નંબર લાગી જાય છે. હવે સરનામું પૂછવાની જરુર નથી રહી. દુનિયાનો કોઈ પણ જગ્યાનો ફોટો જી.પી.એસ. પર પળમાં આવી જાય છે. પત્ર લખવાની જરુર નથી. મેઈલ પળમાં થઈ જાય છે. પુસ્તકાલયમાં જવાની જરુર નથી. બધાં પુસ્તકો નેટ પર મળે છે. ટૂંકમાં ઘરબેઠે બધી જ સગવડો મળે છે. આ બધું આપણને નવાઈ પમાડે છે. થાય છે કે અહો ! ટેકનોલોજી કેટલી અદભુત છે!

પણ ત્યારે એ વિચાર નથી આવતો, મોટા ભાગનાને, કે આ ટેકનોલોજી સર્જી કોણે ? બનાવી કોણે ? શોધી કોણે ?

એનો શોધક માણસ છે. અને માણસ એટલે તેનું મન ! આ બધો મનનો ખેલ છે. દુનિયાની અદભુતમાં અદભુત શોધ મનમાંથી જ ઉત્પન્ન થાય છે. હજારો “મન” પ્રયોગશાળાઓમાં આ કામ કરે છે. સમગ્ર વિકાસ, સમગ્ર પ્રગતિનાં મૂળિયાંમાણસના મનમાં છે.

આ “મન ”જ “સીક્રેટ ફંડ” છે.

જયારે પણ તકલીફ પડે, જરુરત ઊભી થાય, ત્યારે જો આ મનનો ઉપયોગ કરતાં આવડે, તો તેનામાં રહેલ આ સીકેટ ફંડમાંથી શકિત પ્રગટ થાય છે અને સમસ્યાનો ઉકેલ કરી શકે છે. મત એક એવી બેન્ક છે જેમાં અનંત ધન છે. ધારીએ ત્યારે તેમાંથી ગમે તેટલું ધન – કોઈ પણ વ્યાજ આપ્યા વિના- ઉપાડી શકાય છે. અને મજાની વાત એ છે કે આટલું ધન ઉપાડયા છતાં તેમાંથી એક રૂપિયો પણ ઓછો થતો નથી. ઉલટું તેનો નિયમ એવો છે કે જેમ મનનો ઉપયોગ વધારે થાય છે તેમ તેમ તેના ધનમાં, ફંડમાં, સતત વધારો થતો રહે છે. ઉલટું, જો આ ફંડનો ઉપયોગ ન થાય, તો, સમય જતાં, ફંડ ઓછું થઈ જાય છે !

મનનું સૂત્ર છે ‘ ઉપયોગ કરો અથવા ગુમાવો.” અંગ્રેજીમાં કહે છે : ” યુઝ ઈટ ઓર લૂઝ ઈટ.”

એટલે ફંડ નથી એમ માનવા બદલે મનમાં રહેલ આ ફંડનો ઉપયોગ કેમ કરવો તે શીખવાનું છે. તેની તાલીમ લેવાની છે.

શું છે તેની તાલીમ ?

એક સરસ પુસ્તક છે : ” રહસ્ય.” ( મૂળે અંગ્રેજીમાં “સીક્રેટ.’) ખૂબ સરસ પુસ્તક છે. મોટું છે, પણ તેની પહેલી લીટીમાં તેનું રહસ્ય છૂપાયેલ છે. તેમાં લખે છે, ” વ્યકિત જેવો વિચાર કરશે તેને તે આકર્ષશે.” તે કહે છે કે સમગ્ર જગત આકર્ષણના નિયમ પર ચાલે છે. વિચારનું જગત પણ આ નિયમ પર જ ચાલે છે. વ્યકિત જેવા વિચારો સતત કરશે, તેવા વિચારોને તે આકર્ષશે. એટલે કે જેવા તે વિચાર કરશે, તેવા જ વિચારો કરતા લોકોના વિચારો તેના તરફ આકર્ષાશે. માની લો કે તે જે વિચાર કરે છે, તેવા જ વિચાર જગતમાં એક કરોડ લોકો કરે છે. તો આ કરોડ વિચારો આ વ્યકિત તરફ આકર્ષાશે અને ‘ હુમલો” કરશે. એટલે તે વ્યકિતનો વિચાર કરોડગણો પ્રબળ થઈ જશે. પરિણામે તે વ્યકિતને તે વિચારનો અમલ કરવો જ પડશે. તે તેને અટકાવી નહીં શકે.

હવે જો આ વિચાર નકારાત્મક હશે તો ? તો વ્યકિત નકારાત્મક રીતે વર્તશે અને, સ્વાભાવિક રીતે, નકારાત્મક પરિણામો ભોગવશે. અને હકારાત્મક, સરસ, વિચારો કરશે, તો હકારાત્મક પરિણામો ભોગવશે. સંશોધનો કહે છે કે જગતના નેવુ ટકા લોકો સતત નકારાત્મક વિચારો જ કરે છે. માટે જ જગતમાં અશાંતિ અને પછાતપણું છે. અને તેનું કારણ એ છે કે લોકોને યોગ્ય રીતે વિચારવાની તાલીમ જ નથી આપવામાં આવતી. તેમને વિચાર કરવા બદલે આવેશથી વર્તવાની તાલીમ આપવામાં આવે છે. અને આવેશ ખોટાં જ પરિણામો લાવે. માટે જગત આજે અદભુત શોધો અને સગવડો વચ્ચે રહેવા છતાં માણસજાત દુઃખી અને અસ્વસ્થ છે. કારણ ? વિચારનો અભાવ અથવા ખોટા અને નકારાત્મક વિચારો. પોતામાં રહેલ માનસિક “સીક્રેટ ફંડ”નો યોગ્ય ઉપયોગ કરવાની આવડતનો અભાવ.

આજે જે અદભુત સંશોધનો થાય છે, પ્રગતિ થાય છે, સુખો વધે છે, એ બધાનું કારણ એ છે કે તે કરનારા પાસે મનની તાલીમ છે. સીક્રેટ ફંડનો ઉપયોગ કેમ કરવો તેની જાણ અને આવડત છે. અને આ બધા વચ્ચે પણ જેઓ દુઃખી કે પછાત છે, તેનું પણ કારણ છે આ ફંડનો ઉપયોગ કરવાની અનાવડત. સાચા વિચાર કરવાની આવડતનો અભાવ. એટલે જયારે પણ તકલીફ ઊભી થાય, સમસ્યા ઊભી થાય, કશાક અભાવની લાગણી થાય, ત્યારે નિરાશ થવા બદલે મનમાં રહેલ આ “સીક્રેટ ફંડ”નો ઉપયોગ કરવાની આવડત કેળવવાની છે. જેમ જેમ આ આવડત વધતી જશે, તેમ તેમ ઉપાયો મળતા જશે.

દુનિયામાં બધી જ સમસ્યાઓના ઉપાય છે-બહાર નહીં, માણસના મનમાં ! આજે હજારો ગરીબો તેની મદદથી આગળ વધી રહ્યા છે અને હજારો સુખીઓ તેનો ઉપયોગ કરવાની આવડતના અભાવે પાછળ રહે છે. પ્રગતિનાં માધ્યમો ભલે બહાર હશે, પણ મૂળિયાં તો મનમાં જ છે. બહાર કદાચે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ શકે, પણ જો આ સીકેટ ફંડનો યોગ્ય ઉપયોગ કરતાં આવડતું હશે તો બધી જ મુશ્કેલીઓના ઉપાય આપોઆપ મળતા જશે.

જગતના ભૂતકાળના અને આજના બધા જ સફળ લોકોનું એક જ રહસ્ય છે- આ ” માનસિક સીક્રેટ ફંડ”નો ઉપયોગ કરવાની આવડત.

શિક્ષણ પણ એક જ આપવાનું છે-માનસિક રીતે હકારાત્મક, શુભ, પ્રોત્સાહક, પ્રગતિશીલ વિચારો કરવાની આવડત કેળવવાનું.

સીક્રેટ ફંડ હાજર છે. દરેક પળે. તાકાત હોય તો ઉપયોગ કરો અને સમૃધ્ધ થાવ.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com