મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

મહાન હાસ્યલેખક જ્યોતિ‌ન્દ્ર દવેએ, દર્શક સર્વનામ, જીભ, છત્રી, ટાલ, યાદશક્તિ, અશક્તિ એમ વિવિધ અને કાંઈક જરાક હટકે લાગે એવા વિષયો પર નિબંધો લખ્યા છે. પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરના લેખમાં  તો તેમણે શીર્ષક ‘?’ આ રીતે માત્ર ચિહ્ન મૂકીને આપ્યું છે. કોઈ પણ વિષય બાકી ન રાખવાનો નિર્ધાર કરેલો હોવાછતાં આ મહાન હાસ્ય લેખકે ‘મફત” પર તો લખ્યું પરંતુ આ મફતની જ નાતનાં એવા ‘સસ્તું’ પર લખવાનું તેમણે પોતાના કોઈ ઉત્તરાધિકારી માટે બાકી રાખ્યું હશે. મારા પોતીકા અભિપ્રાય મુજબ મારા સિવાય જ્યોતિ‌ન્દ્ર દવેનો ઉત્તરાધિકારી બીજો કયો હાસ્યલેખક હોઈ શકે? આમ વારસામાં આવી પડેલી જવાબદારી નિભાવવાના હેતુથી મેં ‘સસ્તું” પર લેખ લખવાનો નિર્ણય કર્યો.

‘સસ્તું” કોને કહેવાય તે ચોક્કસ કહી શકાય તેમ નથી. પરંતુ સામાન્ય રીતે બજારભાવ કરતા ઓછી કિંમતે મળતી ચીજવસ્તુને આપણે સસ્તી કહીએ છીએ. મફત અને સસ્તું એ બન્ને વચ્ચે ભલે આપણને તફવત દેખાતો હોય, પરંતુ વિજ્ઞાન અને ખાસ કરીને રસાયણ વિજ્ઞાનની દૃષ્ટિએ બન્ને એક જ છે. આ સત્ય ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરું છુ. પાણી અને બરફનો બાહ્ય દેખાવ ભલે અલગ લાગતો હોય, પરંતુ બન્ને હાઇડ્રોજનના બે અને ઓક્સિજનના એક પરમાણુ વડે જોડાયેલા એવા એક જ સંયોજનનાં પણ દેખાવે જુદા જુદા સ્વરૂપો છે. પાણીનું ઉષ્ણતામાન ઘટાડીને શૂન્ય અંશ સે‌ન્ટીગ્રેડ કરવામાં આવે તો તે પ્રવાહી મટીને ઘન એવા બરફનું સ્વરૂપ ધારણ કરે છે. તે જ રીતે કોઈપણ  વસ્તુનું મૂલ્ય બજાર કરતા સતત ઘટાડતા જવાથી  જ્યારે તે શૂન્ય બની જાય ત્યારે તે ‘મફત’ એવું નામ ધારણ કરે છે.

આમછતાં મફત અને સસ્તામાં તફાવત તો છે જ. મફત લેવામાં એક પ્રકારે દૈન્યનો ભાવ અનુભવાય છે. કોઈ આપણને ચીજવસ્તુ મફત આપે ત્યારે જાણે ભીખ લેતા હોઈએ તેવી લાગણી થાય છે. જ્યારે સસ્તું લેવામાં પુરુષાર્થની જરૂર પડે છે. વેપારી સાથે ભાવતાલ કરીને સસ્તું લેવામાં ખાસ્સી લમણાઝીંક કરવી પડે છે. વેપારી અને ગ્રાહક બન્નેની દલીલ કરવાની ક્ષમતા અને ધીરજની કસોટી થાય છે.આ ઉપરાંત બેઉએ પોતાનાં અભિનયકૌશલ્યને પણ કામે લગાડવાં પડે છે. વેચનાર જાણે પોતાને વેચવામાં રસ ન હોય તેવો અભિનય કરે છે. અને ખરીદનાર તો દસવીસ ડગલા આગળ ચાલી જઈને પોતાને ખરીદવામાં રસ નથી તેવું દર્શાવવાનો  અભિનય કરી જાણે છે. થોડી સેકન્ડો માટે લાગે છે કે વાટાઘાટો પડી ભાંગી છે. છેવટે વેપારી ગ્રાહકને પરત બોલાવે છે અને “ છેલ્લે કેટલા આપવા છે?” એમ પૂછીને ભવતાલ કરવાનો દરવાજો ફરીથી ખોલી આપે છે. આ રીતે વાટાઘાટનો દોર પુન: ચાલું થાય છે અને કોઇ ચોક્કસ કિંમતે સોદો પતે છે. પછી કોઈ મોટો જંગ જીત્યા હોય તેમ માનીને વસ્તુ ખરીદનાર વિજયી મુદ્રામાં  પોતાના રસ્તે આગળ વધતા હોય છે.

જો કે દરેકની ચિત્તવૃત્તિને આ પ્રકારે પુરુષાર્થ કરવાનું માફક આવતું નથી. જેમ કવિઓ જન્મે છે તેમ હંમેશા સસ્તું જ ખરીદવું’ તેવી મનોસ્થિતિ લઈને કેટલાક લોકો જન્મતા હોય છે. કવિ જેમ ધનની આશાએ કવિતા કરતા નથી તેમ ‘સસ્તા’ ના ચાહકોનો હેતું પૈસા બચાવવા જ હોય એ જરૂરી નથી. સસ્તું ખરીદવું એ તેમને મન કલા ખાતર કલા જેવી વાત હોય છે. આથી જ તેઓ અન્ય લોકોને પણ સસ્તું અપાવવા માટે આતુર હોય છે.

એક વખત હું એક લારી પાસેથી કેળા ખરીદતો હતો. વેચનારે 20 રૂપિયે ડઝન કહ્યા એટલે મેં અડધો ડઝન કેળાના પૈસા માટે ખિસ્સામાં હાથ નાખ્યો કે તરત જ પાછળ ઊભેલા મારા એક મિત્રે મારો હાથ જોરથી ખેંચ્યો. પહેલા તો મને લાગ્યું કે મિત્ર મને કોઈ વાહનની અડફેટે આવતા બચાવી રહ્યા છે. પરંતુ પછીથી તો તેમણે જાણે આદેશ આપતા હોય તેમ કહ્યું “આગળ ચાલો આગળ, આટલા મોંઘા કેળા ન લેવાય.” તેઓ મને લગભગ એક કિલોમીટર દૂર આવેલી બીજી એક લારી સુધી દોરી ગયા. ત્યાં કેળાનો ભાવ તો એ જ હતો પરંતુ મિત્રે લારીવાળા સાથે પંદર મિનિટ સુધી રકઝક કરીને મને નવ રૂપિયે અર્ધો ડઝન કેળા અપાવ્યા.અર્થશાસ્ત્રીઓ ભલે માને કે આ કેળા મને નવ રૂપિયા, એક કિલોમીટર અને પંદર મિનિટમાં પડ્યા, પરંતુ મિત્રે તો મને સસ્તું અપાવ્યાનો હરખ જ અનુભવ્યો.

બીજા એક સ્નેહી જ્યારે પણ હું કોઈ વસ્તુ ખરીદીને આવું છું ત્યારે “કેટલામાં લાવ્યા?” એવું પૂછવાનું કદી ચૂકતા નથી. તેમના સવાલનો હું જવાબ આપું પછી “ખૂબ વધારે આપી આવ્યા” એમ જણાવીને હું પોતે ચીજવસ્તુ ખરીદવાની બાબતે ભોટ છું એમ પણ આડકતરી રીતે કહી દે છે. આ રીતે વારેવારે મને ભોટપણાની લાગણી ન થાય તે માટે જ્યારે પણ હું કશીક ખરીદીને લાવું છું ત્યારે એ મિત્ર મને સામા ન મળે તેવી ઇચ્છું છું. કદાચ મળી જાય તો “ખરીદીને નથી લાવ્યો પણ સાથેની વસ્તુ બીજાને પહોંચાડવાની છે” એમ ખોટું બોલું છું.

સસ્તું અને સારું બન્ને ગુણવાચક વિશેષણ હોવા છતાં બન્નેના અર્થો તો જુદા જ છે. પરંતુ બહુ મોટો સમૂહ એવો છે કે જે સસ્તું અને સારું એ બેઉમાં ભેદ નથી કરતો. એક ગામમાં એક વ્યક્તિએ બહોળી આવક થઈ શકે એવાં મંદિરને બદલે નિશાળનું મકાન બનાવવા વિચાર્યું. જરૂરી ફંડ ઊભુ કર્યા પછી તેમણે બાંધકામ માટે સારી વસ્તુઓ જ વાપરવી એવો નિર્ણય કર્યો. આ માટે તેમણે સામાન ક્યાંથી ખરીદવો એ જાણવા ગામના કેટલાક લોકોનો અભિપ્રાય માગ્યો. જવાબમાં મોટાભાગના લોકોએ ઈંટ, રેતી ,કપચી કે લોખંડ ક્યાંથી સારાં મળશે એમ જણાવવાને બદલે  સસ્તાં ક્યાંથી મળશે તેવી માહિતી જ આપી. પેલા ભાઇએ સ્પષ્ટતા પણ કરી, “ભાઈઓ હું સસ્તો નહિ પણ સારો માલસામાન વાપરવા ઇચ્છું છું” પરંતુ પેલા નિષ્ણાતોને તેનાથી કાંઈ ફરક ન પડ્યો.

માત્ર ખરીદીની બાબતે જ નહિ, મજૂર કે કારીગરો પાસે પણ સસ્તામાં કામ કરાવવા લોકો ઇચ્છે છે. આ બાબતે પેલા નિષ્ણાતોની આગવી પદ્ધતિ હોય છે. સૌ પ્રથમ તો તેઓ મજૂર, સુથાર, કડિયા કે ઘર રંગનારા સાથે બને તેટલા ઓછા ભાવે કામ કરાવવાનું નક્કી કરે છે. પરંતુ કામ પુરું થયા પછી કશીક ને કશીક તેમાં ખામી કાઢીને પેલા માણસને અપરાધભાવ કરાવે છે. તેના આ અપરાધભાવનું શમન નક્કી કર્યા કરતાં પણ ઓછા દામ ચૂકવીને કરે છે.

સસ્તું મળવાથી ભલે આપણે ખુશ થતા હોઈએ પરંતુ વેપારી તો સસ્તા દામ લઈને તોલ કે ગુણવતા ઓછા કરીને વળતર મેળવી લેતા હોય છે. એક નિખાલસ વેપારીએ કહ્યાનું યાદ આવે છે. તેમના કહ્યા મુજબ વેપારીઓ છરી છે અને ગ્રાહકો તરબૂચ છે. છરી પર તરબૂચ પડે કે તરબૂચ પર છરી પડે, કપાવાનું તો તરબૂચને જ છે!

બજારમાં મળતી ચીજવસ્તુઓના સસ્તા હોવાને તેની કિંમત સાથે સબંધ છે. શક્ય છે કે આ ચીજવસ્તુઓ સસ્તી હોવાછતાં તેને ગુણવતા ઉંચી હોય.પરંતુ સાહિત્ય કે કલા જેવી મનોરંજનની  બાબતો  તેની હલકી ગુણવતાને કારણે જ સસ્તા (અંગ્રેjજીમાં જેને cheap કહેવાય છે)ગણાય છે. આપણે જરૂરી વસ્તુઓ સસ્તી ખરીદવાનો આગ્રહ રાખીએ તેમાં ખાસ નુકશાન નથી, પરંતુ સસ્તા મનોરંજનો તો આપણા અનરવા માનસ અને રૂચિના જ નિદાન છે.  છેવટે સસ્તુ લેવાની વૃતિ એ માનવ જાતે ઊભા કરેલા બજારની જ નીપજ છે અને જ્યાં સુધી બજાર છે ત્યાં સુધી તે રહેવાના જ છે, ઇતિ મે મતિ.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.