દીપક ધોળકિયા
બંગભંગનો નિર્ણય અંગ્રેજ સરકારે પાછો ખેંચી લીધો તે પછી પણ બંગાળમાં રાજકીય વાતાવરણમાંથી ઊગ્રતા ઓગળી નહોતી. બ્રિટનની સરકારને લાગવા માંડ્યું હતું કે કલકત્તામાં પાટનગર રાખવાથી અશાંતિનો સતત સામનો કરતા રહેવું પડશે. આથી પાટનગર દિલ્હી લઈ જવાનો નિર્ણય લેવાયો. ૧૯૧૨ની ૨૩મી ડિસેમ્બરે હાર્ડિંગે ભવ્ય શોભાયાત્રામાં દિલ્હીમાં પ્રવેશ કર્યો. હાર્ડિંગ અને એની પત્ની હાથી પર બેઠાં હતાં. ફૂલેકું વાજતેગાજતે ચાંદની ચોક પહોંચ્યું ત્યારે પંજાબ નેશનલ બૅંકની બિલ્ડિંગમાંથી એના પર બૉમ્બ ફેંકાયો. પહેલાં તો અંબાડી પર કંઈક અફળાયું એવું લાગ્યું, પણ લૅડી હાર્ડિંગનું ધ્યાન ગયું કે એની પાછળ બેસીને ચામર ઢોળનારો ખાસદાર હાથી પર ઊંધો લટકી ગયો હતો અને હાર્ડિંગના ખભામાંથી લોહી નીકળતું હતું. હાર્ડિંગને પોતાને એનો ખ્યાલ નહોતો આવ્યો. પણ તે પછી શોભાયાત્રા રોકી દેવાઈ અને હાર્ડિંગને સારવાર માટે લઈ જવાયો.
પછી બૉમ્બ ફેંકનાર કોણ, તેની ખોજમાં આખું પોલીસ તંત્ર લાગી ગયું. પોલીસને લાગ્યું કે આની પાછળ બંગાળના ક્રાંતિકારીઓનો હાથ હોવો જોઈએ કારણ કે બૉમ્બ ફેંકવાની યોજના બંગાળી ક્રાન્તિકારીઓની યાદ આપતી હતી. રાસ બિહારી બોઝ બંગાળ અને પંજાબના ક્રાન્તિકારીઓ વચ્ચે કડીરૂપ હતા. રાસ બિહારી બોઝ અરવિંદ ઘોષે સ્થાપેલી યુગાંતર સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. પોલીસ એમને પકડી શકે તે પહેલાં એ દિલ્હીથી ભાગી છૂટ્યા અને પછી જાપાન પહોંચી ગયા. ત્યાં એમણે આઝાદ હિન્દ ફોજ બનાવી.(સુભાષબાબુએ આ જ આઝાદ હિન્દ ફોજને પુનઃ સજીવન કરી. એ રાસ બિહારી બોઝના આમંત્રણથી જ જાપાન ગયા હતા). ૧૯૧૪ના ફેબ્રુઆરીમાં હાર્ડિંગ પર હુમલો કરનારા ક્રાન્તિકારીઓ પકડાઈ ગયા.
આ ઘટના ‘પહેલા લાહોર કાવતરા કેસ’ અથવા ‘દિલ્હી-લાહોર કાવતરા કેસ’તરીકે ઇતિહાસમાં નોંધાયેલી છે. એમાં દિલ્હીની એક શાળાના શિક્ષક માસ્ટર અમીર ચંદ, ભાઈ બાલમુકુંદ, અવધબિહારી, બસંત કુમાર બિશ્વાસ, ગણેશીલાલ ખસ્તા, વિષ્ણુ ગણેશ પિંગલે, ચરન દાસ, લક્ષ્મી નારાયણ શર્મા અને લાલા હનવંત સાહીને સજા થઈ. કેસ પૂરો થયા પછી લક્ષ્મી નારાયણ શર્મા અને ગણેશીલાલને વારાણસી લઈ જવાયા. એમને આજીવન કારાવાસની સજા મળી હતી.

૧૯૧૫ના મે મહિનાની આઠમી તારીખે દિલ્હીમાં માસ્ટર અમીરચંદ, ભાઈ બાલમુકુંદ અને અવધબિહારીને દિલ્હીમાં ફાંસી આપી દેવાઈ. . એમને ફાંસી આપવામાં આવી તે ફાંસીઘર હવે દિલ્હીની મૌલાના મૅડિકલ કૉલેજના પ્રાંગણમાં સમાઈ ગયું છે. દર વર્ષે શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાતો હોય છે.
બીજા દિવસે અંબાલા જેલમાં બસંત કુમાર બિશ્વાસને પણ ફાંસી આપી દેવાઈ. પોલીસે સાબીત કર્યું હતું કે બોમ્બ ફેંકવાનું કૃત્ય બસંત કુમારે કર્યું હતું.

અમીર ચંદનો જન્મ ૧૮૬૯માં થયો હતો. પિતાની જેમ એ પણ શિક્ષક હતા અને સ્વદેશી આંદોલન તેમ જ બીજાં સામાજિક સુધારા કાર્યોમાં પણ સક્રિય હતા. લાલા હરદયાલને મળ્યા પછી ગદર આંદોલનમાં પણ સક્રિય બન્યા અને ઉત્તર ભારતમાં ક્રાન્તિકારી કાર્યોના માર્ગદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવતા હતા. ભાઈ બાલમુકુંદનો જન્મ ૧૮૮૯માં ઝેલમ (હવે પાકિસ્તાન)માં ઔરંગઝેબ સામેના વિદ્રોહમાં શીખ ગુરુ તેગબહાદુરજીના એક અનન્ય સાથી અને શહીદ વીર ભાઈ મતીદાસના કુળમાં થયો હતો. અવધ બિહારી અમીર ચંદના વિદ્યાર્થી હતા. બસંત કુમાર બિશ્વાસ બંગાળના હતા.અને એમને ફાંસી અપાઈ ત્યારે એમણે ૨૦ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં. ચારેય શહીદોને પ્રણામ કરીએ.
000
સંદર્ભઃ
https://mygoldenbengal.wordpress.com/2015/08/06/partition-of-bengal-1905-and-its-annulment-in-1911/
(૨) https://wallsofignorance.wordpress.com/2015/05/30/this-month-of-may-dedicated-to-freedom-fighters/
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી

બહુ જ સરસ જાણવાનું લખ્યું છે. ભાઈ તમે કોઈ પુસ્તક બહાર પાડો તે જ અભિલાષા. આપના પાસેથી ઘણું ઘણું જાણવાનું મળે છે. આ રીતે જ લખવાનું ચાલુ રાખશો. કલકત્તા થી દિલ્હી રાજધાની ખસેડી તે બાબત માં આજે ખાસ કઈ લોકો ને ખબર પણ ન હોય તેમ સમજુ છું. આવા ક્રાંતિકારીઓ જેમને અંગ્રેજ સલ્તનત દિલ્હી આવે અને સેટલ થાય તે પહેલા જ અંધાધૂંધી ફેલાવી. અને વિચાર કરો કે ૧૯૧૨ પછી માત્ર ૧૯૪૭ માં જ આપણે સ્વતંત્ર થયા. ૧૮૦૦ ની સદી માં પણ ૧૮૫૭નો બળવો સૌ ને ખબર છે. ટૂંક માં અંગ્રેજ હિંદુસ્થાનમાં આવ્યા,રાજ કર્યું તે બરાબર, પણ ખરી ફાવટ તો તેમને નહિ જ આવી હોય તેમ મનાય. તેમણે કાળો કેર કરેલો તે પણ ખુબ જાણીતું છે.
LikeLike