ફરી કુદરતને ખોળે

જગત કીનખાબવાલા

રંગ રાતો ને મધમાતો, કેટલા સુંદર અને ગુણકારી કેસુડાના ફૂલ ! ભાગ્યેજ એવી વ્યક્તિ મળે કે જે કેસૂડાંનું નામ જાણતું હોય! હા, નવી પેઢીના બહુ લોકોએ કેસુડો જોયો નહીં હોય તેવું બને! કમનસીબે, સુંદર વૃક્ષ હવે બહુ ઓછી જગ્યાએ ઉગેલા જોવા મળે છેજે વિસ્તારમાં ઉગે છે ત્યાં પોતાની જાતે ઉગેલા જંગલના વૃક્ષ વધુ હોય છે અને હવે લોકો તેને પણ લાકડા તેમજ દવાઓ માટે કાપી લે છે 

          ફાગણ મહિનામાં સામાન્ય રીતે લોકો મુખ્યત્વે હોળીના તહેવારમાં અને કૃષ્ણ ભગવાનના મંદિરમાં હોળીના સમયે યાદ કરે છે અને કેસુડાના ફૂલ જુવે ત્યારે તેની વાત કરે અને ત્યાર બાદ ભૂલી જાય. બાકી તેનાં તરફ લોકોને ખાસ રુચિ કે લગાવ જોવા નથી મળતો. ખુબજ શોખીન અને જાણકાર લોકો બાગ બગીચામાં પણ  વાવે! બહુ ઓછા લોકોને જાણકારી હશે કે કેસૂડાંની ત્રણ જાત છે જેમાં કેસરી, સફેદ અને પીળા ફૂલ બેસતાં હોય છે 

      કેસૂડાની ત્રણમાં જાતમાંથી સફેદ અને પીળા કેસૂડાંના વૃક્ષ નામશેષ થવાના આરે છે. ભાગ્યેજ તેના વૃક્ષ બચ્યા છે. તેને બચાવવા માટે મહેનત કરવી પડે તેવી છે. મહેનત કરીએ તો ચોક્કસ તેની સંખ્યા વધારી શકાય. સુંદર અને ગુણકારી કેસૂડાનાં ફૂલને ઝારખંડ રાજ્યમાં તેમજ ચંદીગઢના રાજફૂલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. વૃક્ષ આખા ભારતવર્ષમાં જોવા મળે છે 

          ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે. સંસ્કૃત નામ તેનાં વિવિધ આયુર્વેદિક ગુણધર્મના લીધે પડેલા નામ છે. આયુર્વેદ, હોમીઓપેથી તેમજ યુનાની દવાઓ બનાવવામાં વપરાય છે. 

           ડાળીઓ ઉપર ત્રણ ત્રણનાં ઝૂમખામાં પાંદડા ઉગે છે. ફૂલને પાંચ પાંખડી હોય છે. સામાન્ય પાંખડી એક ઇંચ પહોળી હોય છે. પાંખડીઓનો ચકચક્તિ કેસરિયો રંગ અને નીચે ડીંટનો કાળો રંગ શોભામાં વધારો કરે છે. તેના ફૂલમાં પાંચ પાંખડી  હોય છે જેમાંથી બે પાંદડી નાની હોય છે જયારે  એકનો આગળનો ભાગ થોડો અણીદાર હોય જે આકાશ તરફ ઊંચો દેખાય ત્યારે જાણે દીવાની વાટની જ્યોત પ્રગટી હોય તેવો ભાષ થાય અને માટે કેસુડાનાં વૃક્ષનું નામ ઇંગલિશ ભાષામાંફ્લેઈમ ઓફ ફાયરએટલેકે સળગતી જંગલની જ્વાળાની જ્યોત તેવું પડ્યું છે. તે પોપટની ચાંચનો સંભ્રમ પેદા કરતા હોય તેમ થોડું વળેલું હોય છે અને તે કારણે તેનેપોપટ/ પેરટ ટ્રીતરીકે પણ નામ મળેલું છે 

       એમ કહેવાય છે કે જયારે દેવોને દાનવ ઉપર અગ્ન્યાસ (અગ્નિ શસ્ત્ર) ના પ્રહાર કર્યા  ત્યારે તેમાંથી ઝરેલા કેટલાક તણખાં પૃથ્વી ઉપર પડ્યા ત્યારે તે વિખરાઈને કેસૂડાં બની ગયા. કોઈક સંસ્કૃત કવિને તે પોપટની ચાંચ જેવું લાગતા અને તેના શરીરનો અંજામ પેદા થયો તો તેમને તેનું નામ કિંચુ એમ વિચારી મનોમન તેનું નામ કિચુક પડી દીધું.   

          કેસુડો મધ્યમ કદનું આશરે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું, પાનખરનું વૃક્ષ છે. પર્ણો ત્રણ પર્ણિકાઓ ધરાવતા પીંછાકાર છે અને ૧૬ સે.મી. લાંબો પર્ણદંડ ધરાવે છેડાળીઓ ઉપર ત્રણ ત્રણનાં ઝૂમખામાં પુષ્કળ સુંદર ફૂલ થાય છે. પુષ્પો . સે.મી. લાંબા, ઘાટ્ટા કેસરી કે પીળા રંગનાં હોય છે અને ૧૫૨૦ સે.મી. લાંબા ખીલે છે. તેનાં ફળ, શીંગ રૂપે આવે છે, જે ૧૫૨૦ સે.મી. લાંબી અને સે.મી. જાડી હોય છે. તેની શિંગ કુમળી હોય ત્યારે ઝાંખી લીલી અને પાકે ત્યારે ઝાંખી પીળી અથવા બદામી થાય છે. તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે 

        વૃક્ષની  ઉપરના ભાગની ડાળીઓ જ્યાં ફૂલ બેસે છે તે જાન્યુઅરીમાં ઉગવા માંડે અને ધીમેધીમે ખીલીને ચકચકિત કેસરિયો રંગ ધારણ કરે. હોળીનો સમય આવે તેટલે કેસૂડાનાં આખા વૃક્ષ નયનરમ્ય ફૂલોથી લચી પડેલા હોય. વસંતઋતુના આગમનની છડી પોકારતા હોય તેમ આખા વૃક્ષ ઉપર સોહામણા ફૂલ બેસે જે લગભગ ૧૫ થી ૨૦ દિવસનું આયુષ્ય ભોગવે અને તે સમયે આખાએ વૃક્ષની નીચે ખરી પડયા હોય ત્યારે ફૂલોની કેસરી અને નયનરમ્ય ચાદર પથરાયેલી દેખાય. આખુંયે વૃક્ષ એટલું તો સોહામણું લાગે કે જોનારની આંખોમાંથી ફૂલોનું સૌંદર્ય ઉભરાઈને બહાર છલકે 

        જંગલ જેવા વિસ્તારમાં જયારે એક જગ્યાએ ખુબજ મોટી સંખ્યામાં કેસુડાનાં ફૂલ ઉગેલા જોવા મળે ત્યારે આખો વિસ્તાર સોને મઢેલાં કેસરી રંગથી છલકાઈ જાય.આખા વિસ્તારમાં ખીલેલા અસંખ્ય ફૂલ  જોવા મળે તો લાગે કે આખો વિસ્તાર સોહામણો શૃંગાર બની શોભી ઉઠે છે અને ફૂલકેસરી મોસમ છલકે છે 

         ફૂલની બહાર પુરી થાય ત્યાર બાદ એપ્રિલ અથવા મે માસમાં વૃક્ષ ઉપર નવાં પાન ઉગી આવે અને તે સમયે આખુંયે વૃક્ષ ફરીથી હર્યું ભર્યું લીલું દેખાય છે. 

       વૃક્ષ ઉપરનો અભ્યાસ બતાવે છે કે તે એક આખું નિવસન તંત્ર (ઇકોસિસ્ટમ) એટલે કુદરતમાં જૈવિક ઘટકો તેમજ તેની ઉપર આસપાસના અનેક પ્રકારના જીવ સતત આકર્ષાય છે. ચાર જાતની મધમાખી જેવી કે, રોક બી, ઇન્ડિયન બી, લિટલ  બી, યુરોપિયન બી વગેરે તેમજ પ્લેઇન ટાઇગર, મોનાર્ક પતંગિયા,કીડીની વિવિધ જાત, મંકોડા  અને અનેક જાતના જીવજંતુ. કેસુડો હંમેશા અનેરો આનંદ આપે છે અને મોજ કરાવે છે, ક્યારેક અપેક્ષા કરતા અને ઘણું વધારે આપે છે. તેનો રંગ, તેની ઉપર કલકલતા વિવિધ પક્ષીઓ, પતંગિયા, જીવડાં જેવું ઘણું બધું એકજ વૃક્ષ ઉપર માણવા મળે છે.   

       જે જગ્યાએ થાય તે વિસ્તારના કેટકેટલાયે પક્ષીઓ જેવાકે પક્ષીઓમાં બુલબુલ,કાબર/ મૈના, વૈયા/ રોસી સ્ટાર્લિંગ, દેવ ચકલી/ સન બર્ડ ,શક્કરખોરો/ પર્પલ સન બર્ડ, કાળો કોશી, વિવિધ જાતની ચકલી/ સ્પેરો, પોપટ, કલકલિયો/ કિંગ ફિશર, ખેરખટ્ટો/ રફસ ટ્રી પાઇ, પીળક/ વ્હાઇટ આઈ, સમડી/ કાઇટ, પહેલવાન ચકલી/યલો થ્રોટેડ, દરજીડો/ ટેલર બર્ડ વગેરે તેમજ ખિસકોલી, કાચિંડા, ગરોળી જેવા સરીસૃપ, વાંદરા, સસ્તન પ્રાણીઓ વગેરે ફૂલનો પુષ્પરાગ તેમજ મધુરસઅમૃતરસ પીવા આવે છે, ફૂલ ખાય છે અને તેમનું જીવન વૃક્ષ ઉપર નભે છે 

            નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાદડાં ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધાં ખરી પડે છે. મહાફાગણ (ફેબ્રુઆરીમાર્ચ)માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. ફૂલ ઊપલા ભાગની ડાળીઓ ઉપર જાન્યુઅરીમાં ચોંટવા લાગે અને ધીમે ધીમે ખીલીને ચકચકિત કેસરિયો રંગ ધારણ કરે. ત્યારબાદ એપ્રિલ અથવા મે માસમાં નવાં પાન આવે છે અને તે પાંદડાં ત્રણ ત્રણના ઝૂમખામાં હોય છે અને નવા પણ સાથે વૃક્ષ પાછું લીલુંછમ થઇ જાય છે. 

            ફૂલનો ઉપયોગ હોળીમાં રંગ તરીકે થાય અને કૃષ્ણ ભગવાનના મંદિરમાં હોળીમાં ખુબ વપરાય. કાપડ ઉપર ઓર્ગેનિક કલર કરવા કેસુડાના ફૂલમાંથી કેસરી રંગ બનાવવામાં આવે છે તેવી રીતે તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખી વધારે પાણી નાખો તો પીળો રંગ થાય છે. રંગનો ઉપયોગ શ્રી કૃષ્ણ ભગવાનની બનાવવામાં આવતી વિવિધ પિછવાઈમાં કાપડ, કાગળ અને કેનવાસ ઉપર ઓર્ગેનિક રંગ તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે અને તે વરસો વરસ સુધી જળવાઈ રહે છે. 

          કાળી માટીમાં કેસુડો વધારે સારી રીતે ઉગે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેમાંથી દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઔષધીય ગુણને કારણે ઘણાં સારા છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. જુના જમાનામાં બંદૂકનો દારૂ અને કોલસા બનાવવામાં તે કામમાં લેવામાં આવતો. બે વર્ષના કુમળાં વૃક્ષનાં મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે. તેના માટે એવું કહી શકાય કે કેસુડાનાં વૃક્ષનો દરેકેદરેક ભાગ ઉપયોગી છે. 

 સાહિત્યમાં કવિતા, હાઈકુ અને વાર્તામાં વણાયેલ રહે છે. સુગમ સંગીત, ફિલ્મી સંગીત,લોક સંગીત, ગરબા જેવા માધ્યમમાં અને દરેક ભાષામાં વિષય તરીકે પ્રચલિત છે અને અને કલાના વિવિધ ક્ષેત્રમાં ખુબજ ઉપયોગમાં લેવાય છે.

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn  – Conserve*


લેખક:

જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214