તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ. પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.
આપણી દરરોજની દિનચર્યામાં નાની મોટી ઈજાઓ થતી રહે છે. તેની ઘરગથ્થુ તાત્કાલિક ઉપચારની જાણકારી હોય અને સાવચેતીનાં પગલાં યોગ્ય રીતે લેવાય એ જરૂરી છે.
(૧) ધારદાર ચપ્પુ કે બ્લેડ જેવી વસ્તુઓથી થયેલ ઈજાઓ (Incised Wounds)
આવી ઈજાઓ થાય ત્યારે વાગેલા ભાગને સ્વચ્છ પાણીથી ધોઈ સ્વચ્છ કપડા કે રૂમાલથી ઈજાગ્રસ્ત ભાગને દબાવી પાટો બાંધી દેવો, પછી ડૉક્ટરને બતાવવું. લોહી લૂછ્યા કરવાથી કુદરતી રીતે લોહી ગંઠાવાની ક્રિયા (Clotting) થતી નથી અને વધારે ને વધારે લોહી વહે. થોડા પ્રમાણમાં લોહી વહી જાય તો કંઈ ગભરાવાની જરૂર નથી. મોટા ભાગે તો ઘા ઉપર જ થોડો વખત કપડું કે રૂમાલ દબાવી રાખીએ તો લોહી બંધ થઈ જાય છે.
સોજો, દુખાવો, અને રસી થઈ શકે એથી તે માટેની દવા/ગોળી અને એન્ટિબાયોટિક લેવી પડે. (૩-૭ દિવસ માટે). જો આ ચૂકી જવાય તો લાંબા સમય સુધી રિબાવું પડે, ઘા જલદી રુઝાય નહીં. ટાંકા મારવા કે નહીં તે બાબત ડૉક્ટર ઉપર છોડવી. વળી ઘામાં બની શકે તો કોઈ જાતની મલમ (Ointment), હળદર, બાળેલું રૂ કે કશું પણ લગાડવું નહી, આ ડૉક્ટરી તપાસમાં વિઘ્નરૂપ બને છે.
(યાદ રાખો કે લોહીનું દાન કરે ત્યારે પણ કશું થતું નથી. છેલ્લા એકાદ વર્ષમાં ન લેવાયું હોય તો ધનુરનું ઇંજેક્શન લઈ લેવું.)
(૨) છૂંદાયેલો ઘા (Contusions, Blunt Injuries)
પડવા-આખડવાથી કે વાહન અકસ્માતે બહાર વાગેલું ના દેખાય પણ સોજો આવે, દુખાવો થાય કે ચક્કર આવે તો ડૉક્ટરને અચૂક મળવું. ચામડી નીચે લોહી જામી જાય (Haematoma) અને સોજો આવે, જે ૧ થી ૩ અઠવાડિયાંમાં ધીરે-ધીરે ચુસાઈ મટી જાય અથવા એમાં રસી/પાક થાય. વાગેલા ભાગે માલીશ કે શેક કરવાથી વધારે નુકશાન થાય છે એવો મારો અનુભવ છે.
એક્સ રેની જરૂર હશે તો ડૉક્ટર કહે તેમ કરવું.
નાનાં બાળકોનાં હાડકાં પોચાં અને વળી શકે એમ હોવાથી જલદી તૂટતાં (Fracture) નથી, પણ વૃદ્ધોનાં હાડકાં બરડ હોવાથી સામાન્ય પડી જવાથી, કે ગોદામાર લાગવાથી તૂટી જાય છે.
હાથ-પગ હલે ત્યારે ખૂબ દુઃખે, કંઈ ઘસાતું હોય એવું અનુભવાય, ચાલી શકાય નહીં, તો ફ્રેક્ચર હોવાની શક્યતા છે, તાત્કાલિક દવાખાને જવું.
ઘણી વાર પેટમાં કે છાતીમાં દબાણ ને ગોદો વાગે ત્યારે બહાર કોઈ નિશાની ના હોય તો પણ, અંદરના અવયવોને નુકસાન થઈ શકે છે, અને ગંભીર પરિણામ આવી શકે. આની શરૂઆતમાં ખબર ના પડે અને થોડા કલાકો/દિવસો પછી ખબર પડે છે. એટલે આ પ્રકારે વાગ્યું હોય તો ડૉક્ટરને અચૂક બતાવી જોવું.
(૩) અણીદાર-લાંબી વસ્તુઓથી થતી ઈજાઓ (Injury by Pointed Sharp Objects)
ધારદાર લાંબું ચપ્પુ, પેન્સિલ, ખીલી, લાકડું, સોય, કાંટા, તૂટેલા કાચની લાંબી કરચો, વગેરે શરીરમાં ઊંડે સુધી ઘૂસી જાય તે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરે છે. બહારથી જોતાં ખૂબ જ મામૂલી લાગે છે, પણ ઊંડેના અવયવો, જેવા કે લોહીની નળીઓ (Blood Vessels), જ્ઞાનતંતુઓ (Nerves), સ્નાયુબંધ (Tendons and Ligaments), આંતરડાં (Bowels/Intestines), ફેફસાં (Lungs), હૃદય (Heart), બરોળ (Spleen), કલેજું (Liver), વગેરેને નુકસાન કરે અને લોહીનો અંતઃસ્રાવ (Internal Haemorrhage), ગંભીર રસી થવી (Sepsis), લકવો (Paralysis) અને જાનનું જોખમ થઈ શકે. ડૉક્ટર માટે પણ આ ખૂબ જ પડકારરૂપ ઘા હોય છે, અને ઑપરેશન (Surgery, Exploration) પણ કરવું પડે છે. આ ઘામાં વાગેલી વસ્તુનો ટુકડો પણ રહી જતો હોય છે. આથી તુરંત દવાખાને જવું અને સર્જનને બતાવવું જરૂરી છે. એક્સ રે અને બીજી ઘણી આધુનિક તપાસની જરૂર પડે છે. પણ યાદ રાખો કે કાંટા/લાકડું સાદા એક્સ રેમાં ન દેખાય.
ગંદી જગ્યાએ (Highly Contaminated with Germs) દા.ત. રોડ ઉપર કે ફૅક્ટરીમાં વાગ્યું હોય તો ઘામાં ધૂળ-માટી, કે અન્ય કચરો ભરાયેલો હોય જ, માટે તાત્કાલિક સ્વચ્છ પાણીથી ધોઈ નાખવું. ત્યાર પછી ટાંકા કે અન્ય સારવારનું વિચારી શકાય. ઘામાં સમજ્યા વગર ચાની ભૂકી, ધૂળ, છાણ, પેશાબ, બાળેલું રૂ, કદી મૂકવાં નહીં. નહીં તો પાકવાની શક્યતા વધી જાય છે.
(૪) પ્રાણી કે બીજાં જીવજંતુ કરડવાનો ઘા (Animal Bites, other stings)
કૂતરાં, બિલાડી, વાંદરો, ઊંદર, વગેરે કરડે તે ગંભીર કહેવાય, કારણ કે આમાં રસી, ધનુર (Tetanus), હડકવા (Rabies) કે અન્ય રોગો થવાની વધારે શક્યતા છે. જેથી ડૉક્ટરને અચૂક બતાવીને જરૂર હોય તો રસીકરણ કરાવી લેવું. ફક્ત દાંતની નિશાની કે ઉઝરડો હોય તો પણ ધનુર કે હડકવાનાં, કે અન્ય જંતુ લાગી શકે છે. આવા ઘામાં ટાંકા ન લઈ શકાય એવું નથી. કયા ભાગે વાગ્યું છે અને કયા અવયવોને સાચવવાની જરૂર છે એ પ્રમાણે નિર્ણય લેવાય છે.
સાપ, વીંછી કે મધમાખી કરડે તો જીવલેણ બની શકે. ડૉક્ટરને બતાવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. જો કે બધા સાપ ઝેરી હોતા નથી એટલે ડરી જઈએ તો વધારે નુકસાન થાય. આ બાબતમાં ઘણું લખી શકાય, જે અત્યારે અસ્થાને છે.
કેટલું નુકસાન કરે એવું વાગ્યું છે તે જાણવા ડૉક્ટરને સાચી માહિતી આપવી જરૂરી છે. ચાલતાં પડી જવું, સાઈકલ, મોટર-બાઇક પરથી પડવું, કાર સાથે અથડાવું, વગેરે વાગવાની પદ્ધતિથી (Mode of Injury) કયા પ્રકારનું નુકસાન થઈ શકે તેનું જ્ઞાન ડૉક્ટરને હોય છે.
ખાસ નોંધ.
(૧) આંગળીમાં વાગે તો મોઢામાં ચૂસવી નહીં.
(૨) ડૉક્ટરને બતાવતાં પહેલાં બને તો કંઈ પણ દવા કે વસ્તુ લગાડવી કે ચોપડવી નહીં
(૩) બધા સાપ ઝેરી નથી હોતા.
(૪) લોખંડ વાગવાથી ધનુર થતું નથી પણ જંતુ લાગવાથી કોઈ પણ ઘાથી થાય છે. અને ઘા રુઝાઈ ગયા પછી ૯ થી ૯૦ દિવસમાં પણ થાય.
(૫) કોઈ પણ ઘાને રિપેર કરતાં અંદરના નુકસાન પામેલા બધા જ અવયવોને સાંધવા ટાંકા મારવા પડે છે. એટલે બહાર દેખાતા કેટલા ટાંકા ઉપરથી ઘાની ગંભીરતા નક્કી થતી નથી. એ ગણવાનો કોઈ મતલબ નથી.
(૬) ઘા પાકવાનાં કારણોમાં જંતુ (Bacteria etc.) જવાબદાર છે, નહીં કે ખાવા પીવાની ચીજો, આધુનિક વિજ્ઞાન (Allopathy)માં આની સાથે કોઈ સંબંધ નથી.
(૭) પાણીથી પણ પાક/રસી ના થાય, ઘા સ્વચ્છ પાણીથી સાફ કરવો એ એક અગત્યની સારવારનો ભાગ જ છે. પણ પલળેલો પાટો બદલવો જ જોઈએ.
Traumatology એ ખૂબ જ વિકસેલું આધુનિક વિજ્ઞાન છે, અત્રે જે માહિતી આપેલી છે તે ફક્ત સામાન્ય રીતે વાગવાના સ્થળે, દા.ત. ઘર જેવા સ્થળે ઉપયોગમાં લેવાય એ હેતુથી આપેલી છે. સારી સુવિધાઓ હવે લગભગ બધે ઠેકાણે, (અંતરિયાળ ગામડાં સિવાય), મળી શકે છે, એટલે જો તાત્કાલિક ડૉક્ટરની કે પેરામેડિકલની સુવિધા મળતી હોય તો ખૂબ જ સારી વાત કહેવાય.
ક્રમશ:
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
