પ્રવાસી યુ. ધોળકિયા
‘આ ધર્મ સનાતન છે’ એ લેખમાળાના આજના મણકામાં આપણે એ પ્રશ્નનું નિરાકરણ કરવા પ્રયત્ન કરીશું કે સતત વહેતી ધારાઓમાં કઈ ધારા પ્રાચીન છે.
આપણા પુરાણો કાળગણત્રીને કલ્પો અને મન્વંતરોમાં મૂકે છે. અત્યારે ચોથાં ‘શ્વેતવરાહ’ કલ્પનો સાતમો વૈવસ્ત મન્વંતર ચાલે છે. દરેક કલ્પ[1]માં આવાં ૧૪ મન્વંતરો હોય છે. કેટલાંક પુરાણો કલ્પની સંખ્યા ૪ ને બદલે ૨૬ કે પછી ૩૬ આપે છે. સદભાગ્યે પુરાણોએ કલ્પો અને મન્વંતરોની કાળગણત્રી પડતી મુકીને કૃત, ત્રેતા, દ્વાપર અને કળી એમ ચાર યુગોને સ્થાન આપ્યું છે.
આજે આપણી પૃથ્વી એ શ્વેતવરાહ કલ્પનાં ૧.૯૭ અબજ વર્ષ પુરાં કર્યાં છે. પ્રથમ છ મન્વંતરોનાં પણ લાખો વર્ષો વીતી ગયાં છે. જોકે આજનો આધુનિક ભારતીય આ કાળગણત્રીમાં રસ નથી ધરાવતો. વિશ્વની માન્ય ગણત્રી પ્રમાણે પર્યાવરણને ધ્યાનમાં લેવામાં આવે તો માનવ સભ્યતાઓ પ્રારંભ આજથી લગભગ એક લાખ વર્ષ પહેલાં થયો ગણાય. આપણે પણ આ ગણત્રીને માન્ય રાખીએ તો ભારત તેમજ વિશ્વની સભ્યતાને એક લાખ વર્ષ પુરાં થયાં ગણાય. આ ઘટનાને નીચે મુજબ દર્શાવી શકાયઃ
(૧) સ્વાયંભૂથી ચાક્ષુસ સુધીનાં પ્રથમ છ મન્વંતર = ૩૦,૦૦૦ વર્ષ
(૨) ચાર યુગોનો આજ સુધી પૂર્ણ થયેલો સમય = ૭૦,૦૦૦ વર્ષ
(સમયની આ ગણત્રી મધ્યકાળના મહાપુરુષ = ૧,૦૦,૦૦૦ વર્ષ
મામૈદેવના આગમો પર આધારિત છે).
શ્રમણ પરંપરાના સ્થાપક શ્રી ઋષભદેવનો જન્મ ચોથી પેઢીએ પ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં જ થયો હતો. એ પ્રમાણે બૌદ્ધ ધર્મની પરંપરા પણ ગૌતમ બુદ્ધને ૨૫મા કે ૨૮મા ક્રમે મુકે છે. એ રીતે પ્રથમ બુદ્ધનો જન્મ પણ રૂષભદેવની સાથે જ થયેલો માનવામાં આવે છે. તેની સરખામણીએ વેદનો ઉદય છેક છઠ્ઠા ચાક્ષુસ મન્વંતરમાં થયો હતો તેવું આચાર્ય ચતુરસેનનું મંતવ્ય છે. જોકે આપણાં બધાં પુરાણો એમ જણાવે છે કે દરેક સૃષ્ટિના પ્રાંરભ સમયે વેદોનો પ્રાદુર્ભાવ થાય છે. આમ આપણે સનાતન ધર્મની પરંપરાઓમાં વેદને પ્રથમ સ્થાન આપીને આપણી ચર્ચામાં આગળ વધીશું.
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદો માત્ર આપણી જ નહીં પણ સમગ્ર માનવ જાતની પ્રાચીનમાં પ્રાચીન લેખિત રચના છે. અહીં કોઈ રાજામહારાજાની પ્રશસ્તિ નહીં પણ માનવ જાતિના શીરમોર સરખા ઋષિઓએ કરેલા આત્મસાક્ષાત્કારની કાવ્યાત્મક અનુભૂતિઓનું સંગ્રહસ્થાન છે.
ભારતીય પરંપરા વેદોને અપૌરૂપેય – માનવજાત દ્વારા ન રચાયેલ – માને છે. વેદો નિત્ય છે. ઐતરેય, શતપથ, તાંડ્ય અને ગોપથ બ્રાહ્મણો આ નિત્યતાનું સમર્થન કરે છે. અગ્નિમાંથી ઋગ્વેદ, વાયુમાંથી યજુર્વેદ, આદિત્યમાંથી સામવેદ પ્રગટ થયા. એટલે આ ઋષિ પરંપરાઓએ વેદત્રયીને જાળવી રાખી. એ જ રીતે, અંગીરા ઋષિ અથર્વવેદના પાલક બન્યા. ઉપનિષદો પરમરૂષના પ્રાણમાંથી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ ઉદ્ભવ્યા એમ પ્રતિપાદિત કરે છે. મનુસ્મૃતિ પણ વેદને સનાતન માને છે. રામાયણે વેદને અક્ષયવેદ કહ્યો છે. મહાભારતના કથન પ્રમાણે વેદ એક જ હતા. વેદ વ્યાસે મૂળ એક વેદના ચાર ભાગ કર્યા. તેની ઉત્પત્તિના સંદર્ભમાં આ મહાકૃતિ કહે છે કે બ્રહ્માએ પહેલાં વેદગાન કર્યું, અને સવિતાદેવે બ્રહ્મવાદીઓને સાવિત્રી મંત્રનો ઉપદેશ આપ્યો, જે ઋગ્વેદ બન્યા, જ્યારે સૂર્યમાંથી યજુર્વેદ પ્રસવ્યો. મહાભારત અને સ્મૃતિગ્રંથો વેદો અવિનાશી છે અને પ્રલય પછી દરેક સૃષ્ટિના ઉદ્ભવ વખતે પુનઃપ્રાગટ્ય થાય છે એમ ભારપૂર્વક કહે છે.
વેદોની સંરચના નીચે પ્રમાણે છેઃ
વેદ મંડળ / કાંડ અધ્યાયસૂક્તો /શ્લોકો / મંત્રો
ઋગ્વેદ ૧૦ ૧૦૨૮
યજુર્વેદ ૩૮ ૧૮૭૫
સામવેદ ૬ ૧૮૭૫
અથર્વવેદ ૨૦ ૭૩૦
વેદો ત્રષિઓની આધ્યાત્મિક વાણી છે. એકલા ઋગ્વેદમાં આવા ૩૦૦ ત્રષિઓના નામ મંત્રદ્રષ્ટા તરીકે આવે છે. વેદોમાં અનેક દેવોની સ્તુતિ છે. જેમાં અગ્નિ, ઈન્દ્ર, અશ્રિનીકુમાર, વિશ્વદેવ, મરૂત, સોમ, બ્રહ્મણાસ્પતિ, સામવેદ આ જં સત્યના સાક્ષાત્કારને ગાઇને વર્ણવે છે. જ્યારે અથર્વવેદ આપણા જેવા સામાન્ય લોકોનો વેદ છે.
વેદોની રચના થયે હજારો વર્ષ વીતી ગયાં છતાં તે આજે પણ વિદ્યમાન રહી શક્યા તે વિશે ઋગ્વેદના ચુનંદા સુક્તોનું ભાષાંતર કરનાર શ્રી જીન લે મીનું વિધાન નોંધવા જેવું છે. પુરાતન માનવોએ પોતાની સિદ્ધિઓને અમરત્વ આપવા માટે કિંમતી અને ટકાઉ પદાર્થો જેવા કે સુવર્ણ, ચાંદી, કાંસુ, આરસ અને અન્ય પથ્થરોનો ઉપયોગ કર્યો છે. પરંતુ આર્ય પ્રજાને એ લાગુ નથી પડતું. તેઓએ એવી વસ્તુઓનો ઉપયોગ કયો છે કે જે તદન તરલ અને અભૌતિક પદાર્થ -બોલી શકાય એવા શબ્દો- છે અને હવામય પરપોટામાંથી એવું સ્મારક ઘડી કાઢ્યું છે કે જે હજારો વર્ષની કાળ થપાટોથી બચી શક્યું છે. પિરામીડોને પવનના સુસવાટા અને રણ ખાઇ રહ્યાં છે. આરસપહાણ ધરતીકંપથી ધ્વસ્ત થાય છે અને સુવર્ણ લૂંટાય છે. જ્યારે વેદોને માનવે પોતાના મનોવિશ્વના જીવંત તત્વો દ્વારા હજારો વર્ષોની વણતૂટી વેદપઠનની પરિપાટીથી આજે પણ જીવંત રાખ્યા છે. પરંપરા કહે છે કે વેદનું રહસ્ય વેદમાં જ છે. જેમાં વિશ્વવ્યાપી નિયમો-રહસ્યોને સ્થાન આપવામાં આવ્યું. ઋષિઓ કવિ અને પયગંબર બંને હતા. તેઓએ આંતરમન વડે વેદને જોયા હતા. વેદોમાં ઋષિઓએ પછી આવનારી પેઢીઓ માટે સનાતન સત્યોની આનંદપૂર્વક ઘોષણા કરી છે. વેદોનું પઠન એવી રીતે કરવામાં આવ્યું છે કે આજથી હજારો વર્ષ પૂર્વે તે રચાયા તેવા જ સ્વરૂપમાં કોઈ પણ ફેરફાર થયા અક્ષુણ્ણ રહી શક્યા છે. તેથી ગ્રંથ રૂપે ન મળ્યા હોત તો પણ વેદો સચવાઈ રહ્યા હોત. કોઈ પણ ઐતિહાસિક સ્મારક, ચર્ચ, કોઈ ધાર્મિક જડ સિદ્ધાંત, કોઈ સ્થાપક કે કોઈ ઇતિહાસ વિના વેદો એક ભવ્ય સ્મારક બન્યા છે.
ઉપરોક્ત. મૌખિક પરંપરા દ્વારા આપણા મહાન વારસાને સાચવી રાખનારા સંસ્કૃતિ પંડિતોનું આપણે ઋણ સ્વીકારીએ. સાથે સાથે એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ કે કલકત્તાના વિલિયમ જોન્સે ૧૮મી સદીમાં જ્યારથી ભારતીય-વિદ્યા Indology નો સુત્રપાત કર્યો ત્યારથી આજ સુધીમાં યુરોપ અને અમેરિકાના અનેક વિદ્વાનોએ વેદોના ભાષાંતર અને અર્થઘટનમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે ભલે તૈમાંના કેટલાકે વૈદોને અસંસ્કૃત જાતિની રચના અને બાળકોનો પ્રલાપ સમો ગણાવ્યો હોય! આ વિદ્વાનોમાં વિલ્સન, રાલ્ફ ટી એચ ગ્રિફિથ, મેક્સ મુલર, મેડકોનેલ, મોરિસ વિન્ટરનિઝ, કેડવેલ ફ્રીથ, ડબલ્યુ. નોર્મન બ્રાઉન, ડેવિડ ફ્રાઉલી અને રોબર્ટો કેલાસોના નામો ગણાવી શકાય.
શ્રીમદ ભગવદગીતાનું પઠન તથા અર્થઘટન સુલભ છે. શ્રી શંકરાચાર્ય, સ્વામી શિવાનંદ, શ્રી ચિન્મયાનંદ કે રજનીશ ઉપનિષદો સમજાવી શકે છે. જ્યારે વેદોનું ગાયન તથા તેની સમજ ફક્ત આપણા જેવા સામાન્ય માનવી માટે કઠિન છે, એટલું જ નહીં પણ આધુનિક આધ્યાત્મિક પુરુષો અને પંડિતો માટે પણ કોયડાસમાં છે. આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીએ સામાન્ય માનવીને સરળતાથી સમજાય એ રીતે વેદોનો પુનરૂચ્ચાર કર્યો એ માટે આપણે તેમના ઋણી છીએ. આજે વેદોને સમજવા માટે કોઈ પ્રમાણભૂત ગ્રંથ હોય તો શ્રી અરવિંદ રચિત ‘વેદ રહસ્ય’ છે.
ડેવિડ ફ્રાઉલીએ પણ આ દિશામાં મોટું પ્રદાન કયું છે. પહેલાં ફ્રાઉલીના વિચારો પર મનન કરીએ. વેદની ભાષા એવી સર્વોચ્ચ કક્ષાની છે કે સત્ય તેના સમગ્ર પાસાં સાથે પ્રગટ થાય છે. તેમાં એકી સાથે બહુઆયામી રીતે મંત્ર, તત્વજ્ઞાન, કર્મકાંડ, કાવ્ય, પૌરાણિકગાથાઓ, આલ્કેમી, યોગ, ભક્તિ સંગીત અને ગણિતનો સમાવેશ થાય છે. વળી વેદની ભાષા એટલી મુક્ત અને સર્વગ્રાહી છે કે તે માનવ જાતિની મહાન આધ્યાત્મિક સંસ્કૃતિનું સમગ્ર જ્ઞાન આપે છે. વેદોમાં બહારથી જણાતો બહુદેવવાદ ખરી રીતે તો एकम् सत् विप्रा बहुधा वदन्ति ને છતું કરે છે. એટલે કે અહીં અનંતને વિવિધ રૂપોથી ઓળખાવાયો છે. ઋગ્વેદમાં જુની અને નવી પેઢીઓના ઋષિઓનો ઉલ્લેખ મળે છે. કોઇપણ કાળમાં સત્યને ટકાવવું હોય તો જુની અને નવી પેઢી વચ્ચે સમતુલા જળવાઇ રહેવી જોઇએ. વેદના ઋષિઓ આવું સામંજસ્ય સ્થાપી શક્યા હતા.
શ્રી અરવિંદ ‘વેદ રહસ્ય’માં કહે છે છે કે વેદો માત્ર સૌથી સંપન્ન અને પ્રકાંડ એવા ભારતીય ધર્મનું ઉદ્ગમ સ્થાન છે એવું નથી પરંતુ તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વજ્ઞાનનું પણ મૂળ છે. તેથી જ બ્રાહ્મણો, ઉપનિષદો તંત્ર, પુરાણો, મીમાંસા, વેદાંગ અને સંતોના ઉપદેશોમાં જે કંઈ આધારભૂત છે તેનું સ્ત્રોત વેદ છે. તેનું તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર પર આધારિત નથી. પરંતુ જ્ઞાની પુરૂષોએ અહીં પોતાની આંતરિક અનુભૂતિ અને મનોસ્ફૂરણાને જ્ઞાનનો આધાર માન્યો છે. આ જ્ઞાન ઇન્દ્રિયોથી પર છે. ઋષિઓનું ધ્યેય આત્મ પ્રકાશનું છે, તાર્કિક ખાતરીઓ મેળવવાનું નહીં. ઋષિ વેદનો કર્તા નથી, પણ સત્યને અનુભવનારો દ્રષ્ટા છે. તેની ભાષા એટલે શ્રુતિ. શ્રુતિનો અર્થ એવી લયબદ્ધ રચના કે અંતરમાંથી તરંગિત થતાં દૈવી જ્ઞાનને શબ્દમાં ઉદ્ધાટિત કરવું. આવાં અવૈયક્તિક (Impersonal) જ્ઞાન માટે ઋષિએ પહેલાં પોતાની જાતને તૈયાર કરવી પડે. અહીં કોઈ ચમત્કારો કે અંધશ્રદ્ધાને સ્યાન નથી.
શ્રી અરવિંદ વધુમાં કહે છે કે વેદોમાં માનવજાતિની સત્ય તરફની સતત ચાલતી યાત્રાનો અહેસાસ મળે છે. ૠચાઓ ઋષિઓ માટે આધ્યાત્મિક અનુભૂતિઓને વ્યક્ત કરવાનું સાધન છે. આ સાક્ષાત્કાર ઋષિના આંતરિક જીવનકાળની એક અનુઠી ઘડી છે. તે દ્રારા ઋષિ અવ્યક્ત તત્વને વ્યક્ત કરે છે જેથી તે અજ્ઞાનનો નાશ કરનાર ઇન્દ્રના હાથનું વજ્ર બની જાય છે. વેદોમાં ઘણું સાંકેતિક છે. અધ્યાત્મસૂત્રોના રૂપમાં મળે છે. બહારથી ભલે તેમાં કર્મકાંડની ભરમાર લાગે પરંતુ તેનો સાચો અર્થ મનોવૈજ્ઞાનિક, સાર્વત્રિક અને અવૈયકિતક છે.
ઉપસંહાર કરતાં કહી શકાય કે એક સમય એવો હતો કે વેદોની ૧૧૦૦થી વધારે શાખા-પ્રશાખા હતી. આજે તેની ફક્ત ૧૧ શાખાઓ જ બચી છે. આજે ભારતની બહાર વિદેશોમાં વેદ પર હવે ગંભીરતાયી કાર્ય થઇ રહ્યું છે. વેઈન હોવાર્ડ નામના વિદ્વાન ૧૯૭૦માં કાશીમાં રહીને વેદ પઠનને ટૅપમાં ઉતારે છે અને વેદની સરગમ પર પુસ્તક પ્રકાશિત કરે છે. એન્ટોનીઓ – દ- નિકોલસ પણ “ફોર ડાઈમેન્સનલ મેન’ નામનો વેદના હાર્દને સમજાવતો ગ્રંથ રચી એક ઇતિહાસ સર્જે છે. જ્યારે અર્નેસ્ટ મેકલીન ‘મિથ ઓફ ઈનવેરાયન્સ’ પુસ્તક લખીને વેદોને પશ્રિમનાં ગણિત અને સંગીત સાથે સાંકળવાનો સુંદર પ્રયાસ કરે છે. ડેવિડ ફ્રાઉલીએ તો અમેરિકામાં વેદના પુનરૂદ્ધાર માટે સંસ્થા સ્થાપીને તે માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
આથી વિપરીત પરિસ્થિતિ ભારતમાં છે. વૈદભૂમિ ભારતમાં વેદો ઉપેક્ષિત છે અને કોઇ સંશોધન સંસ્થા અને લાયબ્રેરીના કબાટોમાં ધૂળ ખાતા પડ્યા છે. મધ્યકાળના કચ્છી સંત માર્મેદેવે આગાહી કરી છે કે વેદો પુનઃ ઝળકી ઉઠશે.
ચાલો આપણે આ આગાહીને સત્ય ઠરાવવાના પ્રયત્નમાં દિલોજાનથી લાગી જઇએ.
હવે પછીના મણકામાં ચાર વેદ, તેનાં અન્ય શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
[1] (કલ્પ = બ્રહ્માનો એક દિવસ = એક સહસ્ર – ચાર યુગની ચોકડી- ચતુયુંગી = ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ વર્ષ)
