નરેશ પ્ર. માંકડ
સીનેમાગૃહનો પડદો જીવંત અને પ્રકાશિત થતાં જ તમે જુઓ છો અંધકાર. ગોરંભાયેલા આકાશ નીચે આર્કાન્સાસના પાણી અને કીચડથી ભરેલાં મેદાન પર, મરી ગયેલા ઘોડા અને બળદો સાથે જોડેલ, કીચડમાં ખૂંચી ગયેલ ગાડીઓ અને તોપો અને ખૂનખાર લડાઈ. અમેરિકન હબસીઓનું લશ્કર અને દક્ષિણનાં ગોરા રાજ્યોના સંઘ (Confederate)ના સૈનિકો એકબીજાને ગોઠણસમાણા પાણીમાં હાથોહાથ, બેયોનેટ, રાયફલ, ચાકુ,અને મુઠ્ઠીઓ વડે મારી રહ્યા છે; દુશ્મન જીવતો ન જવો જોઈએ એવી તીવ્ર સભાનતાને કારણે તેઓ કોઈને કેદ પકડવા માગતા જ નથી. એવામાં બે હબસી સૈનિકોનું ધ્યાન એક તરફ ઉભેલ વ્યક્તિ તરફ જતાં જ તેઓને ખ્યાલ આવી જાય છે કે એ દેશના પ્રમુખ અબ્રાહમ લિંકન છે. કંઇક અચરજ અને કંઇક સન્માનની મિશ્ર લાગણીથી તેઓ લિંકનની સાથે વાત કરવા લાગે છે. લિંકન અને એ સૈનિકોની તદ્દન સ્વાભાવિક અને સરળ વાત અને લિંકનની રમૂજ એકદમ સાહજિકતાથી ચાલે છે. દેશની સહુથી શક્તિશાળી વ્યક્તિ આટલી હળવાશથી વાત કરે છે એ બાબત કાળા સૈનિકોને ખુલીને બોલવા પ્રેરે છે. બંનેમાંનો એક વધુ બોલકો સૈનિક પ્રમુખના વાળ પર ટિપ્પણી કરી નાખે છે: એક ગોરા માણસના આવા ઊભા, વાંકડિયા વાળ ! લિંકન સહજ રીતે વાતચીતની હળવાશથી કહે છે, ખરી વાત. મારા વાળથી કંટાળીને છેલ્લા એક વાળંદે આત્મહત્યા કરી નાખી. ..એના પહેલાનાએ પણ કરી હતી. એ વિલમાં મારા માટે એક કાતર છોડતો ગયો!
૨૦૧૨માં રજૂ થયેલી ફિલ્મ “લિંકન”[1]ના આવા અનેક જીવંત અને રમૂજી સંવાદો એ ટોની કુશનર ની સ્ક્રિપ્ટની કમાલ છે, અહીં એ લિંકનના વ્યક્તિત્વના પ્રારંભિક પરિચયનું કાર્ય બજાવે છે. અમેરિકન ઇતિહાસના અતિ સંઘર્ષમય કાળખંડને આ ફિલ્મમાં બહુ કુશળતા સાથે રજૂ કરવામાં આવ્યો છે અને એ સમયના પ્રતીક જેવા ઘેરા અંધકારમય આ ઉદઘાટક દૃશ્ય સાથે આપણને ફિલ્મના પ્રવેશદ્વારમાંથી દોરી જાય છે.

દિગ્દર્શક ના નામ પરથી લોકોને ફિલ્મ જોવાનું આકર્ષણ થાય એવું એક નામ છે સ્ટીવન સ્પીલબર્ગ. એમની યશસ્વી કારકિર્દીમાં વધુ એક છોગું ઉમેરાયું ફિલ્મ લિંકનથી. ચિત્રીકરણ, પટકથા, સંવાદ, નિર્દેશન અને અભિનય, આ બધાં જ પાસાં સબળ છે એ ફિલ્મ જોવાનું ખાસ આકર્ષણ છે.
આશરે પોણી સદી પૂર્વે આવી ગયેલી ક્લાસિક ફિલ્મ ‘ગોન વિથ ધ વિન્ડ ‘ની જેમ આ ફિલ્મની પાર્શ્વભૂમિ પણ અમેરિકાના ગૃહ યુદ્ધની જ છે, પરંતુ આ નવી ફિલ્મ મુખ્યત્વે લિંકનની જીવનકથાના એક સમયગાળાને આલેખે છે.
ઈસુ ખ્રિસ્ત ને બાદ કરતા આ પૃથ્વી પર અવતરેલી અન્ય કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ લિંકન વિશે લખાયું છે. એવું એક જીવનચરિત્ર ડોરિસ કર્ન્સ ગુડવિને લખ્યું છે: Team of Rivals: The Political Genius of Abraham Lincoln. આ પુસ્તકના એક સમયગાળાને ફિલ્મ “લિંકન” આવરી લે છે જેમાં લિંકનના જીવનના અંતિમ ત્રણ – ચાર માસની – ખાસ કરીને ગુલામી નાબૂદી સંબંધિત – નાટકીય ઘટનાઓનો સમાવેશ થયો છે.
નવેમ્બર ૧૮૬૦માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર અબ્રાહમ લિંકન પ્રમુખપદની ચૂંટણી જીત્યા એ કારણે ગોરા લોકોની સર્વોચ્ચતા અને કાળાઓની ગુલામીની પ્રથા જોખમમાં છે એવી ભયની લાગણીથી અમેરિકન સમવાયતંત્રથી અલગ પડેલાં અગિયાર દક્ષિણનાં રાજ્યો Confederate રાજ્યો કહેવાયાં અને તેઓ સંઘ સરકાર સામે યુદ્ધે ચડ્યાં. દરમ્યાનમાં, એપ્રિલ ૧૮૬૧થી ચાર વર્ષ ચાલેલાં ગૃહયુદ્ધનો ક્રમશઃ અંત ૧૮૬૫માં આવ્યો. એ પહેલાં નવેમ્બર ૧૮૬૪માં યોજાયેલી ચુંટણીમાં લિંકન બીજી મુદ્દત માટે ચુંટાયા.
જાન્યુઆરી ૧૮૬૫ થી લિંકનના જીવનના આખરી ચાર માસના ગાળાની આ ફિલ્મને ઐતિહાસિક કે જીવનકથાત્મક કહી શકાય પણ એ શબ્દોના સંપૂર્ણ અર્થમાં નહીં. ઉદાહરણ તરીકે, આરંભમાં ફિલ્મની રસપ્રદ, કલ્પનાશીલ, જીવંત અને અસરકારક પટકથા ટોની કુશનરની કુશળતાનો સચોટ પુરાવો પૂરો પાડે છે. વર્ષો સુધી લિંકનની પટકથા પાછળ એમણે ભારે પરિશ્રમ કર્યો.
ફિલ્મમાં ૧૯મી સદીની ભાષા યોજવા બાબતની ફિકર પણ ટોની કુશનરને હતી તેથી શબ્દકોશમાં પોતે લખેલા લાખો પાનાંમાં આવતા એક એક શબ્દનો ઇતિહાસ પણ જોયો. સદભાગ્યે એમને જણાયું કે એ સમયના અમેરિકન લેખકોની ભાષા વધારે આલંકારિક હતી તો પણ વાક્યરચના (syntax) ની દૃષ્ટિએ વાક્યોની બાંધણી આપણા જેવી જ હતી.
લિંકનનાં બહુવિધ પાસાંઓ અને લાક્ષણિકતાઓથી સંકુલ જણાતાં, કેટલાક અંશે વિરોધાભાસી અને કેટલીક ખાસિયતોને કારણે એકદમ સરળ લાગતાં વ્યક્તિત્વને પટકથામાં ઉપસાવવું એ મોટા પડકારરૂપ હતું. કુશનરે કુશળતાપૂર્વક એ કાર્ય કરી બતાવ્યું છે.
લિંકન એકલવાયા અને વિચિત્ર હતા એવી કેટલાક લોકો વાત કરે છે એ વિશે કુશનર કહે છે, “…અને હું કલ્પના કરું છું કે શેક્સપિયર અને મોઝાર્ટ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ બહુ વિચિત્ર હતા. બીજા લોકો જોઈ ન શકતા હોય એવી વસ્તુઓ જોઈ શકવાની ક્ષમતા એક રીતે આશીર્વાદરૂપ છે પણ એ એક પ્રકારનો શાપ પણ હશે કારણ કે એ તમને એવી દુનિયામાં બંધ કરી દે છે જેને કેવળ તમે જ જોઈ શકો છો.” શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક તરીકે પંકાયેલા શિકાગો સન – ટાઈમ્સના રોજર એબર્ટ લિંકનને “saintly wheeler-dealer” કહે છે. ઉચ્ચ આદર્શો માટે કોઈ પણ હદે બલિદાન આપવાની તૈયારી ધરાવતા લિંકન ઊંચાં ધ્યેય સિદ્ધ કરવા માટે કાવાદાવા કરતાં અચકાય નહીં અને અંતિમ ઉદ્દાત્ત લક્ષ્ય સિદ્ધ કરવા માટે સોદાબાજી પણ કરી શકે એવા વાસ્તવલક્ષી રાજકારણના અઠંગ ખેલાડી પણ હતા. લિંકન ગુલામીને અનૈતિક માનતા હતા, પણ મહત્વની વાત એ પણ છે કે એમની દૃષ્ટિએ બંધારણનો ૧૩મો સુધારો દક્ષિણના અલગ પડેલા રાજ્યોના સંઘના નાણાકીય પાયાનો વિચ્છેદ કરવાનો માસ્ટર સ્ટ્રોક હતો. ગુલામીનાબૂદીથી એ રાજ્યોનો સસ્તી શ્રમશકિતનો આધાર ધ્વસ્ત થઈ જશે એવી એમની કુશાગ્ર બુદ્ધિની ગણતરી હતી.
ગુલામી નાબૂદીનું કારણ જ યુદ્ધ માટે જવાબદાર હતું એમ ઇતિહાસકારો ભારપૂર્વક કહે છે પણ એક સબળ મત એવો છે કે લિંકને યુદ્ધનો પ્રારંભ મૂળ તો સમસ્ત અમેરિકન સંવાયતંત્રને બચાવવા માટે કર્યો હતો પણ એમને સમજાયું કે સ્વતંત્રતા અને યુનિયન ની સાચી સમજણ વગર આગળ વધી નહીં શકાય. એટલે જ એમની વર્ષ ૧૮૬૪ની પુનઃ ચુંટણીનું સૂત્ર હતું, “Liberty and Union”. રોજર એબર્ટનું નિરીક્ષણ યોગ્ય છે કે ભાગ્યે જ કોઈ ફિલ્મે આનાથી વધારે કાળજીપૂર્વક રાજકારણની વિગતો પર ધ્યાન આપ્યું હશે.
યાદગાર પ્રવચનો આપનાર લિંકનની પ્રતિમા એક સમર્થ વક્તા તરીકેની છે અને સ્વાભાવિક રીતે જ એમનો અવાજ ઘેઘૂર, રણકતો (બેરિટોન) હશે એવું સહુ કોઈ કલ્પી લ્યે છે, પણ એમનો અવાજ પાતળો, ઊંચા ટેનરવાળો હતો.
આવાં વ્યક્તિત્વને પરદા પર અદ્દલ સ્વરૂપમાં રજૂ કરવા માટે સ્પીલબર્ગ સમા સમર્થ દિગ્દર્શકને એક એટલો જ સબળ અભિનેતા જોઈએ. આ ફિલ્મમાં દિગ્દર્શક અને અભિનેતા એ બન્નેની કુશળતાનો સમન્વય થયો છે. મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતા ડેનિયલ ડે – લ્યુવિસનો આ પાઠ સ્વીકારવા બાબતનો ખચકાટ દૂર કરવા પણ કુશનરે પ્રયાસ કર્યા, એનું કારણ, એમના શબ્દોમાં કહીએ તો, ડેનિયલ મહાન અભિનેતા છે એ હકીકત ઉપરાંત એ અબ્રાહમ લિંકન જેવો દેખાય પણ છે. એ ઘરેલુ, દેશી લિંકન અને બીજી મુદ્દત માટે યાદગાર વક્તવ્ય આપનાર લિંકન વચ્ચે સરસ રીતે સંતુલન જાળવી શકે છે. એ બોલે છે લિંકનની જેમ અને એક સમયે એક પગ નીચે મૂકતાં ચાલે છે પણ લિંકનની જેમ. ડેનિયલ ડે – લ્યુવિસે લિંકનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો એના પરિણામ રૂપે એમના અભિનયમાં લિંકનના સ્પીરીટ નું હૂબહૂ સ્વરૂપ બહાર આવે છે. આ અભિનેતાને પાત્ર સાથે અત્યંત ઉત્કટતાથી એકાકાર થઈ જવાની ખાસિયત એટલી ભારે પડતી હતી કે ત્રણ વર્ષ સુધી અભિનય છોડીને એમણે જૂતા બનાવવાનું શીખવાનું શરૂ કર્યું. ત્યાર બાદ ૨૦૦૦ ના વર્ષમાં એ પાછો ફર્યો પણ ફરી ૨૦૧૭માં નિવૃત્તિ લઈ લીધી. ડે – લ્યુવિસના એકદમ સ્વાભાવિક, હૃદયસ્પર્શી અભિનયે એમને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ અપાવ્યો. ઓસ્કાર ત્રણ વાર જીતનારો એ પહેલો અભિનેતા હતો.
સ્પીલબર્ગે પોતાની સાથે કામ કર્યું હોય એવા અભિનેતાઓમાં ડેનિયલ શ્રેષ્ઠ છે એવું કહેવાની બદલે એટલું કબૂલ કર્યું કે બે અભિનેતાઓએ પોતાને જીવન પરિવર્તન કરી નાંખે એવો અનુભવ કરાવ્યો છે. એમાંનો એક છે ડેનિયલ ડે – લ્યુવિસ અને બીજો અભિનેતા છે ટોમ હેન્કસ. એમણે સ્વીકાર્યું કે પોતાના રોલમાં ડેનિયલ એટલો સારો છે કે એના વિના મેં ફિલ્મ બનાવી ન હોત. તેના સહ – અભિનેતાઓ ટોમી લી જોન્સ, સેલી ફીલ્ડ અને જેમ્સ સ્પેડર તેની પ્રતિબદ્ધતાથી અભિભૂત થઈ ગયા. પ્રચંડ જવાબદારીઓના બોજા સાથે અનેક મોરચે મથી રહેલા લિંકનની સ્થિતિ અને એમની એકલતાને સચોટ રીતે પ્રગટ કરવાની ડેનિયલની અદભુત ક્ષમતાથી પટકથા લેખક ટોની કુશનર પણ પ્રભાવિત થઈ ગયા.
લિંકનની પત્ની મેરી ટોડ લિંકનનો રોલ પણ ધ્યાન ખેંચે તેવો છે. સેલી ફિલ્ડે એ પાઠ મેળવવા ભારે પ્રયાસ કર્યા અને એના વિશે જાણવા ઘણું સંશોધન કર્યું. મેરીને સંભવતઃ બાયપોલર ડિસઓર્ડર હતો. લિંકનને ચાર પુત્રો હતા એમાંથી એક માત્ર રોબર્ટ ૧૮ વર્ષની ઉંમર પાર કરી શક્યો. પતિનું જીવન જોખમો વચ્ચે જ વ્યતીત થયું અને આખરે નાટયગૃહમાં પતિનો હાથ પોતાના હાથમાં હતો એ સમયે એમની હત્યા થઈ. આવા અસામાન્ય સંજોગોએ મેરીને હચમચાવી દીધી હતી. તે એક સુશિક્ષિત, બુદ્ધિમાન અને વાકપટુ સ્ત્રી હતી, રાજકીય રીતે મહત્વાકાંક્ષી હતી. એ પ્રમુખને પરણવા માગતી હતી; લિંકન યુવાન વકીલ હતા ત્યારે જ મેરીએ તેને શોધી કાઢ્યા, તેમની બુદ્ધિમત્તાને પિછાણી. લિંકન કેવળ પ્રમુખ ન બની રહેતાં ઇતિહાસમાં સહુથી મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરે એ દૃષ્ટિએ મેરી માર્ગદર્શન પણ આપતી હતી. લિંકનની તે સહુથી નિકટની સાથીદાર હતી. એ બેફામ ખરીદી કરવાની શોખીન હતી. તેના ઉગ્ર સ્વભાવને કારણે પ્રમુખની અંગત સચિવે તેને હેલ કેટ નું નામ આપ્યું હતું. મેરીના એક માત્ર બચેલા પુત્રે પછીના વર્ષોમાં તેના પરાણે માનસિક હોસ્પિટલમાં દાખલ કરાવી એ વાતનું મેરીને બહુ દુઃખ રહ્યું હતું .
આવા સંકુલ વ્યક્તિત્વને ફિલ્મમાં ભજવવાનું મુશ્કેલ કાર્ય સેલી ફિલ્ડે બખૂબી પાર પાડ્યું . પાત્રના બાહ્ય દેખાવને અનુરૂપ થવા માટે પોતાનું વજન ૨૫ પાઉન્ડ વધાર્યું, અભિનયમાં પૂરી અધિકૃતતા આવે એ માટે મેરીના ઘરની મુલાકાત લીધી અને લિંકનની યાદગીરીરૂપ વસ્તુઓનો સંગ્રહ પણ નિહાળ્યો; તો પણ પ્રશ્ન એ હતો કે સેલી લિંકનનું પાત્ર ભજવતા ડેનિયલ કરતાં ૧૦ વર્ષ અને મેરીના પાત્ર કરતાં ૨૦ વર્ષ મોટી હતી. ( લિંકને લગ્ન કર્યાં ત્યારે તેમની ઉંમર ૩૩ અને મેરીની ઉંમર ૨૪ વર્ષની હતી.) પણ લિંકન અને મેરી બહુ જીર્ણ દેખાતાં હતાં એટલે સેલીને બહુ ફિકર નહોતી. ટૂંકાં બજેટમાં અને બહુ ઓછા દિવસોમાં ફિલ્મ શૂટ કરવામાં આવી, તેથી રિહર્સલનો સમય ન હતો. ડેનિયલ આયર્લેન્ડમાં રહેતો અને સેલી લોસ એન્જલસ માં. બંને ટેક્સ્ટ મેસેજથી સંપર્કમાં રહેતાં અને વિચારોની આપ – લે કરતાં.
ફિલ્મમાં લિંકન અને મેરી ઉપરાંત મહત્વના પાત્રો છે વિદેશમંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) વિલિયમ સ્યુઅર્ડ અને જ્વાળામુખી જેવો જલદ સાંસદ (હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ નો સભ્ય) થડ્ડીઅસ સ્ટીવન્સ.
રિપબ્લિકન પક્ષના સ્થાપકોમાનો એક, વિદેશમંત્રી વિલિયમ સ્યુઅર્ડ પ્રમુખપદના પક્ષના ઉમેદવાર તરીકે પક્ષમાં પસંદગી પામવા માટે લિંકનનો પ્રતિસ્પર્ધી હતો. લિંકને ચુંટણીમાં વિજય મેળવ્યા પછી પોતાના વહીવટીતંત્રમાં તેને સેક્રેટરી ઓફ સ્ટેટનો વજનદાર હોદ્દો આપ્યો. લિંકન તરફ સ્યુઅર્ડને થોડો અણગમો હતો પણ ગુલામીના ચુસ્ત વિરોધી હોવાને કારણે પડકારોની સામે લડતાં લડતાં બંને વચ્ચે સારી મિત્રાચારી બંધાઈ. લિંકન સાથે ખભે ખભો મેળવીને તેણે બંધારણીય સુધારાની લડાઈ અને કોનફેડેરેટ સામેની લડાઇમાં અમૂલ્ય ફાળો આપ્યો. બ્રિટન અને ફ્રાન્સ દક્ષિણના કન્ફેડરેટ રાજ્યોને માન્યતા આપવા માગતાં હતાં તે પ્રયાસ પણ સ્યુઅર્ડે અટકાવી દીધો. લિંકનની હત્યા પછી જ્હોનસનની સરકારમાં પણ એ જ હોદ્દા પર રહીને રશિયા પાસેથી અલાસ્કા ખરીદવાનું શ્રેય પણ એના હિસ્સામાં જાય છે.
સંસદની ચર્ચાનું ચિત્રણ આજના સમયમાં વધુ રસપ્રદ બની જાય છે. લોકશાહી દેશોની ધારાસભાઓની આજની સ્થિતિનું ધ્યાનથી નિરીક્ષણ કરો. સંસદીય પ્રથાની માતા સમાન બ્રિટિશ પાર્લામેન્ટ તેની ચર્ચાઓની ગુણવત્તા, વિટ અને વકતૃત્વકલાની ભૂતકાળની આગવી પરંપરાથી અલગ ફંટાઈ ગઈ છે. એ જ બાબત ભારતની સંસદને પણ લાગુ પડે છે. સંસદના ફલક પર ચમકતા તારા જેવા સમર્થ સાંસદોની વિદાય પછી સંસદ નિસ્તેજ અને નિષ્પ્રાણ બની ગઈ છે.
એક સમીક્ષકે ફિલ્મમાં જે રીતે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝમાં ઉગ્ર અને જીવંત ચર્ચા બતાવી છે એની પ્રશંસા કરતાં લખ્યું છે કે અત્યારે આ રીતે ચર્ચા થતી નથી. આજકાલ થતી ચર્ચાઓમાં તો કેબલ નેટવર્ક સી – સ્પેન પર પ્રદર્શિત કરવા પર જ ધ્યાન હોય છે.
હાઉસમાં થતી ઉગ્ર ચર્ચાઓમાં ઝમકદાર હાજરી નોંધાવતું એક ખૂબ જ નાટકીય અને રસપ્રદ પાત્ર છે થડ્ડિઅસ સ્ટીવન્સનું. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝ માં ગરજતા સિંહ જેવા, ગુલામીની નાબૂદીના ઉગ્ર લડાયક પ્રવક્તા અને આક્રમક વકતૃત્વથી છવાઈ જતા સ્ટીવન્સની દૃષ્ટિએ લિંકન વધુ પડતા ધીમા અને ઉદાર હતા. લિંકન ડેમોક્રેટિક પક્ષ અને પોતાના પક્ષના ઉગ્રમતવાદીઓ તેમ જ મવાળમતવાદીઓના ઘર્ષણ વચ્ચે બધાને સામ સામે મૂકી દેતા અને પોતાની જરૂરિયાત મુજબ જે જૂથ ઉપયોગી હોય તેનો ટેકો લેતા. પ્રમુખ સાથે થડ્ડિઅસ ભાગ્યે જ સંપર્કમાં રહેતા પરંતુ ગુલામી સામેની લડાઇમાં પૂરા જુસ્સા અને આક્રમકતા સાથે લિંકનની વ્યૂહરચનાને સફળ બનાવવામાં મહત્ત્વનું બળ બની રહ્યા. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝમાં આ ફિલ્મમાં તેઓ હીરોનો પાઠ ભજવે છે પણ નાગરિક અધિકારોની ચળવળ પહેલાંના જમાનામાં, Gone With The Wind માં ગુલામી નાબૂદીના સમર્થકો વિલન હતા.
પ્લેકાર્ડ લઈને ગાતાં ગાતાં બંધારણના સુધારાનું બિલ પાસ થવાની ઉજવણી કરતાં જઈ રહેલાં ટોળાઓની સામેથી પસાર થતો થડ્ડિયસ ઘરે પહોંચીને તેની હાઉસ કીપરને બિલ આપતાં કહે છે: “તારા માટે ભેટ. અમેરિકાના સહુથી પ્રમાણિક માણસની સહાય અને સંમતિથી રૂશ્વત વડે પાસ થયેલો ૧૯મી સદીનો સહુથી મહાન ખરડો.”
લિંકને કરેલા અથાગ પ્રયાસો સાથે અનેક રાજકીય કાવાદાવાઓ અને દાવપેચના ઉલ્લેખ સાથે એમની નિષ્ઠાને પણ આ એક વાક્યમાં અંજલિ આપી દીધી છે.
દેશના ટુકડા કરીને અમેરિકન સંઘનું વિઘટન કરી નાંખે – જેવું સોવિયેત સંઘનું થવાનું હતું – એવા અસામાન્ય, અત્યંત જોખમી સંજોગો તોળાઈ રહ્યા હતા ત્યારે કાનૂની, નૈતિક, વગેરે સિદ્ધાંતો પર વિચારવાની બદલે સંઘની સલામતી માટે જે કંઈ પગલાં જરૂરી હોય એ વિશાળ હિત માટે લિંકનની દૃષ્ટિએ વ્યાજબી જ હતાં. આવા વ્યવહારુ અભિગમના અત્યંત રસપ્રદ ઉદાહરણો ફિલ્મમાં મળી રહે છે, એ બધાની વિગતમાં તો ન જઈ શકાય પણ લિંકનની સ્વભાવગત લાક્ષણિકતા અને એમની રાજનૈતિક લાક્ષણિકતા – બંનેનું નિદર્શન ફિલ્મમાં કેબિનેટની મિટિંગમાં લિંકનના મુખે મુકાયેલા શબ્દો દ્વારા મળે છે. કેટલાક લોકોના મતે લિંકને કેટલાંક બિન – બંધારણીય પગલાં લીધાં હતાં, જેમ કે યુદ્ધની વિશેષ સત્તાઓ અને મુક્તિ ઉદ્ઘોષણા (Emancipation Proclamation). યુદ્ધ પૂરું થયા પછી અદાલત એ મુક્તિ ઘોષણાને ઉડાવી દેશે એવી એટર્ની જનરલે ટકોર કરી એના જવાબમાં લિંકનના મુખે મુકાયેલા શબ્દો ધ્યાન આપવા જેવા છે. એમણે કહ્યું કે પૂર્વ એટર્ની જનરલ મારા પ્રોકલેમેશન ની બાબતમાં બહુ ચોક્કસ ન હતા, ફક્ત એ તદ્દન ગુનાહિત પગલું નહોતું, બંને વચ્ચેનું હતું.
લિંકન પોતાના વકીલાતના અનુભવની વાત ટાંકે છે, એ રમૂજી પણ છે અને નીતિવિષયક બાબતમાં લિંકનના વલણને પણ સ્પષ્ટ કરે છે.
લિંકન પાસે એક ૭૭ વર્ષની ઉંમરની સ્ત્રીએ તેના ૮૩ વર્ષના પતિના ખૂન કર્યાનો આરોપ હતો એનો કેસ આવ્યો. પતિ તેનું ગળું દબાવતો હતો અને સ્ત્રીએ તાપણા નું લાકડું ઉઠાવીને તેની ખોપરી તોડી નાખી, અને તે મરણ પામ્યો. પોતાના વીલમાં તેણે લખ્યું હતું, ” તેણે મને મારી નાખ્યો છે એમ હું ધારું છું. જો હું એમાંથી બચી ગયો તો હું બદલો લઈશ.”.
લિંકને આગળ વાત ચલાવી: પતિ એવો હતો તેથી એ મહિલાને કસૂરવાર ઠરાવવા કોઈ ઉત્સુક નહોતું. મારા અસીલ સાથે બીજા રૂમમાં જઈને વાત કરવાની પરવાનગી માગીને હું એ સ્ત્રી સાથે એક રૂમમાં ગયો. હું બહાર એકલો જ આવ્યો. અંદર બારી ખુલ્લી હતી, મહિલા બારીમાંથી બહાર નીકળી ગઈ હશે. મને તેણે પૂછ્યું હતું કે પીવાનું સારું પાણી ક્યાં મળશે? મેં કહ્યું, ટેનેસીમાં. એ સ્ત્રી પછી મેટામોરામાં ક્યાંય જોવા ન મળી. કોઈએ એની પરવા ન કરી, ઉલટું જામીન પડનારને પણ માફ કરી દીધો. આવી બાબતમાં લિંકનનું વલણ વાસ્તવિકતા સાથે ન્યાયનું હતું.
લિંકનના શ્રોતાઓ ને સમજાયું નહીં એટલે લિંકને જે ખુલાસો કર્યો એ રસપ્રદ હતો: મેં નક્કી કર્યું કે બંધારણ મને યુદ્ધની સત્તાઓ આપે છે, પણ એ કઈ સત્તાઓ છે તે કોઈ જાણતું નથી. કેટલાક કહે છે કે આવી કોઈ સત્તા છે જ નહીં. મને ખબર નથી. મેં ઠરાવ્યું કે બંધારણનું રક્ષણ કરવાના મારા શપથને કારણે એ સત્તાઓના અસ્તિત્વની મને જરૂર છે. બળવાખોરોની મિલકત જપ્ત કરવાની મને સત્તા છે અને તેઓ ગુલામને પોતાની મિલકત માને છે, માટે એ મિલકત જપ્ત કરવાની મને સત્તા છે.
પોતાનો આગવો તર્ક આગળ ચલાવતાં લિંકન કહે છે કે મેં મુક્તિની જાહેરાત ચૂંટણી પહેલાં કરી, મને લાગ્યું કે એ મારી સત્તામાં છે પણ મને એવું પણ લાગ્યું કે કદાચ એ મારી ભૂલ હોય. હું જાણતો હતો કે લોકો જે કંઈ હશે તે કહેશે. મેં તેઓને દોઢ વર્ષ વિચારવા માટે આપ્યું અને પછી તેઓએ મને ફરી ચૂંટી કાઢ્યો! અને પહેલી ફેબ્રુઆરીના રોજ હું તેરમા સુધારા પર હસ્તાક્ષર કરવાનો છું.
આ લાંબો પ્રસંગ લિંકનના વિચાર અને વ્યુહનો ખ્યાલ આપે છે. લિંકને એ વાતની યાદ આપી કે ત્યાર પછી યોજાયેલી ચૂંટણીમાં એમને ચુંટીને લોકોએ અનુમોદન આપ્યું હતું; સમવાયતંત્રની રક્ષા કરવાની પોતાની ફરજ છે અને એ માટે જે કંઈ કરવું પડશે એ બધું જ એ કરશે જ.
લિંકન ઉત્તમ અને અસરકારક વક્તા હતા એ ફિલ્મમાં ઉપરછલ્લું બતાવ્યું છે, પરંતુ ફિલ્મમાં બતાવેલ બધાં જ વક્તવ્યો પૂરેપૂરાં અધિકૃત નથી. એમના ત્રણ ભાષણો મહત્વનાં છે: પ્રથમ, લાઇસિયમ વક્તવ્ય[2], બીજું ગૃહયુદ્ધ સમયે આપેલું ગેટીસબર્ગ વ્યાખ્યાન[3], અને ત્રીજું, બીજી મુદ્દત માટે ચુંટાયા પછીનું ઉદઘાટન પ્રવચન[4]. આ પ્રવચનોના કેટલાક ભાગો તો લોકોની સ્મૃતિમાં શિલાલેખની જેમ કોતરાયેલા છે.

લિંકને ૨૮ વર્ષની ઉંમરે આપેલાં લાઈસિયમ વ્યાખ્યાન પર વિસ્તારપૂર્વક શોધખોળ અને ચર્ચા થઈ છે. ગેટિસબર્ગ વકતૃત્વનું પ્રથમ વાક્ય તેની કાવ્યાત્મકતાને કારણે પ્રખ્યાત છે અને તેનું અંતિમ વાક્ય લોકશાહીને અસરકારક રીતે વ્યાખ્યાયિત કરે છે: લોકોની સરકાર, લોકો દ્વારા ચાલતી સરકાર અને લોકો માટેની સરકાર. એ પ્રસંગે બીજા વિદ્વાન વકતના બે કલાક સુધી ચાલેલાં ભાષણની તુલનામાં “અલ્પ શિક્ષિત” અને જાતે અભ્યાસ કરીને સજ્જ બનેલા લિંકનના બે મિનિટથી પણ ઓછા સમયના, ૨૬૭ શબ્દોનાં વ્યાખ્યાનમાં કવિતા અને પ્રેરણા પ્રગટે છે. એમના લાઘવ અંગે પ્રો. ડાએના શોલ કહે છે કે એમણે જાતે લખેલું લિંકનની વક્તા તરીકેની મૂલવણી કરતું લખાણ ગેટિસબર્ગ વ્યાખ્યાન કરતાં ત્રણ ગણું લાંબું છે એ ખ્યાલ પણ લઘુતાગ્રંથિ પ્રેરે છે. ” અત્યધિક લાઘવના સ્વામી લિંકન સોશિયલ મીડિયા પર ઉત્કૃષ્ટ સિદ્ધ થયા હોત.”
[1] https://www.amazon.com/Lincoln-Daniel-Day-Lewis/dp/B00BOLE7X0
[2] https://www.abrahamlincolnonline.org/lincoln/speeches/lyceum.htm
[3] https://www.abrahamlincolnonline.org/lincoln/speeches/gettysburg.htm
[4] https://www.nps.gov/articles/000/-with-malice-toward-none-lincoln-s-second-inaugural.htm#:~:text=(Library%20of%20Congress)%20%E2%80%9CWith,all%20which%20may%20achieve%20and
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે
