હરેશ ધોળકિયા

અચાનક એક એમ.એડ. કરતી યુવતી આવી અને સવાલો કરવા માંડી. આ સવાલો તે જે વિષય પર નિબંધ લખતી હતી તેના સંદર્ભમાં હતા. સવાલો રસપ્રદ હતા. ઘણા હતા, પણ તેમાં એક સવાલે ધ્યાન ખેંચ્યું. તેણે આ સવાલ પૂછયો, ” અત્યારે જે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે તેમાં ભારતીય જ્ઞાન ધારાનો દૈનિક શિક્ષણના સંદર્ભમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય ? બાળકોને આ જ્ઞાન ધારાનો પરિચય કેમ કરાવી શકાય ?”

આ સવાલ અને મુદો બન્ને રસપ્રદ છે. આમ તો હવે, નિવૃતિ પછી, શિક્ષણની નવી નીતિ બાબતે ખાસ કોઈ માહિતી નથી. મેળવવાની જરુર પણ નથી લાગતી. હા, ઉપરછલ્લી વાંચી છે, પણ હવે તેનો કોઈ અંગત ઉપયોગ ન હોવાના કારણે તેમાં રસ લીધો નથી. વળી, એ પણ ખબર છે કે આજ સુધી અનેક નીતિઓ આવતી રહી છે અને તેનો અમલ થતો રહ્યો છે, પણ કોઈ જ નીતિ વ્યવસ્થિત રીતે અમલમાં મૂકાઈ નથી. જયાં ખુદ શિક્ષણ જ વ્યવસ્થિત નથી અપાતું, ત્યાં નીતિનો અમલ વ્યવસ્થિત કેમ આપી શકાય ? સરકાર, શિક્ષકો અને વાલીઓ-કોઈને ઉતમ શિક્ષણ મળે તેમાં ખાસ રસ નથી. રૂટીનલ શિક્ષણ અપાય છે.

હા, ટેકનોલોજીનો ઉપયોગ વધે છે, પણ મૂળ વાત કે વલણમાં આધુનિકતા કેમ લાવવી અને તટસ્થ અને વૈશ્વિક વિચાર કરતાં કેમ શીખવવું તે જ નથી શીખવાતું. આજે પણ જ્ઞાતિ-જાતિ-ધર્મમાં ગુંચવાયેલો સમાજ આધુનિકતાને પૂરો સ્વીકારી નથી શકતો. એટલે નીતિ ગમે તેવી ઉતમ નકકી થાય, પણ તેનો અમલ તો નબળો જ રહે છે. એટલે કેવળ વિચાર કર્યા કરવાથી કે સૂચનો આપવાથી કશું ન વળે. ઉતમ અમલીકરણ થતું હોય તો જ તેના પર વિચારવું સાર્થક બને.

પણ ભારતીય જ્ઞાનધારા-એટલે કે ભારતીય તત્વજ્ઞાન- ખરેખર રસદાયક મુદો છે. અને, મોટી વાત કે, આજે જયારે સર્વત્ર મૂડીવાદનો અને બજારનો ભરડો સમાજો પર ફરી વળ્યો છે, અને તેને ખલાસ કરી રહ્યો છે, ત્યારે માત્રને માત્ર આ ભારતીય જ્ઞાનધારા અથવા તો ભારતીય તત્વજ્ઞાનનું ચિંતન જ તેનાથી બચાવી શકે તેમ છે. એટલે તેના પર વિચાર થાય અને બાળકોના મનમાં તેને સ્વસ્થ રીતે સુકાય તે જરુરી તો છે જ. પણ તે કેવળને કેવળ ” ભારતીય ચિંતન” તરીકે મુકાય તો જ. કોઈ સાંપ્રદાયિક સંદર્ભમાં નહીં. તેમાં ભારતમાં રહેલી બધી જ વિચારધારાઓનો સમન્વય હોય તે જરુરી છે, કોઈ એક સંપ્રદાયની નહીં.

ભારતીય ચિંતનને બાળકો સામે કઈ રીતે મૂકી શકાય ?

ભારતીય ચિંતનનો પાયો શું છે ?

હજારો વર્ષોનું સુગ્રથિત ભારતીય ચિંતન કહે છે કે ” આ સમગ્ર જગત એક ચેતનાથી વ્યાપ્ત છે. જગતમાં જે કંઈ પણ છે, તે બધું આ ચેતના જ છે. આ ચેતનાને વિવિધ સમુદાયો દ્વારા ઈશ્વર કે ગોડ કે અલ્લાહના નામે ઓળખાય છે. ચેતનાનું પોતાનું કોઈ નામ નથી, એટલે બધાં નામો સાચાં કહી શકાય. માત્ર નામ લેતી વખતે ચેતનાનું કોઈ અંગત નામ નથી એ યાદ રાખવું. તો ઝનૂન નહીં રહે.”

પણ જેવો આ વિચારનો સ્વીકાર થશે કે ખ્યાલ આવશે કે સમગ્ર જગતમાંનું બધું જ ચેતના છે, બધુ જ ! તો ચારે બાજુ દેખાતા ભેદભાવો સામે સવાલો ઊભા થશે કે આ ભેદભાવો સાચા છે ? માત્ર માનવજાતનો વિચાર કરીએ તો પણ વિચાર આવશે કે બધા જો ચેતના જ છે, તો તેનો અર્થ થયો કે બધા સમાન જ છે. તો પછી જ્ઞાતિ-જાતિ-રંગ, પ્રદેશવાદ-ધર્મનાં વિભાજનો- રાષ્ટ્રવાદ…બધું જ ખોટું છે. ચેતના જો એક, તો બધું જ એક. કેવળ ચેતના. એટલે કે બધા મનુષ્યો, સમજવા પૂરતા, ભાઈઓ અને બહેનો છે. એક જ પિતાનાં સંતાન છે. આ જો સમજાય તો ઝગડા ટકી શકવાના?

એટલે જ ભારતીય જ્ઞાનધારા કહે છે કે ” વસુધૈવ કુટુંબકમ”-એટલે કે સમગ્ર જગત એક કુટુંબ છે. હા, તેમાં વૈવિઘ્ય હોઈ શકે, પણ ભેદભાવ ન હોઈ શકે. વિચારો, રહેણીકરણી, ભાષાઓ, પ્રદેશો અલગ હોઈ શકે, પણ તે ભેદભાવનું કારણ ન બની શકે. બહારથી દેખાતાં અનેક વૈવિધ્યો વચ્ચે પણ બધા એક કુટુંબના જ સભ્યો છે. આ ભાવના બાળકોમાં દઢ કરવાની છે. અને તેમને કહેવાનું છે કે જે પણ વિચારધારા અલગતાની વાત કરે, કોઈને પારકો માનવાની વાત કરે, તેને પળમાં નકારી દેવાની છે.

જગતના બધા જ લોકો એક જ ચેતનાનાં સંતાન છે માટે કુટુંબીઓ છે. મતભેદ હોય તે સ્વીકાર્ય, પણ પારકાપણું અસ્વીકાર્ય !

સમગ્ર વસુધા એક કુટુંબ જ છે.

પણ આ વૈવિધ્ય દેખાય છે તે ? તેનો જવાબ આપતાં ભારતીય જ્ઞાનધારા કહે છે કે ‘ એકો સત વિપ્રાઃ બહુધા વદન્તિ”- એટલે કે સત્ય તો એક જ છે. માત્ર લોકો તેને વિવિધ રીતે વ્યકત કરે છે. અને કયું એક સત્ય ? તો કહે છે કે ” બધું જ ચેતના છે.”

તેની અભિવ્યકિત કદાચ વિવિધ હોઈ શકે, પણ તેનાથી સત્યમાં કશો ફર્ક નથી પડતો.

સમાંતરે બાળકોમાં આ વિચાર માત્ર સમજાય તેવું જ નથી કરવાનું, પણ સાથે તેનો અમલ કરાય તે પણ જોવાનું છે. અને અમલ કરવો એટલે શું? તો કહી શકાય કે તેનામાં આ જગત પ્રત્યે આદરભાવ ઊભો થવો જોઈએ. અને આ આદરભાવ કેમ ઉત્પન્ન થાય ? તો તેમને કહેવાનું છે કે સમગ્ર જગતમાં એક જ ચેતના છે અને આ ચેતના આદરણીય છે. આજે પણ બાળકો પરંપરાગત વિચારોથી પરિચિત છે. એટલે ચેતનાને એ પરંપરાગત શબ્દોથી સમજાવવી. દાખલા તરીકે તેને ઈશ્વર, અલ્લાહ કે ગોડ જેવાં નામોથી સંબોધી શકાય. તો તેમને આ રીતે સમજાવાય કે સમગ્ર જગત ઈશ્વર કે અલ્લાહ કે ગોડથી જ વ્યાપ્ત છે.

માટે તે આદરણીય છે. સમગ્ર જગત તરફ પૂજયભાવથી જોવાનું છે અને તેના પ્રત્યે પૂજયભાવથી વર્તવાનું છે. એટલે આપોઆપસમગ્ર પર્યાવરણ પ્રત્યે આદરભાવ આવશે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરાશે. તો તે સંબંધી અનેક પ્રશ્નો ટળવા લાગશે. સમગ્ર પૃથ્વી સ્વસ્થ થવી શરુ થશે. બાળકો આપોઆપ પર્યાવરણ જાળવણી કરશે. એક બાજુ માનવીય એકતા આવશે અને બીજી બાજુ પર્યાવરણીય સ્વસ્થતા આવશે.

આ સાથે ભારતીય જ્ઞાનધારાની એક વધારે બાબત બાળકોના મનમાં ઠસાવવાની છે.

આ જ્ઞાનધારા કહે છે કે જગતની દરેક બાબત ચેતના છે. ચેતના પૂર્ણ છે, માટે બધું જ પૂર્ણ છે. ચેતના સર્વશકિતમાન છે, માટે બધું જ સર્વશકિતમાન છે. અને આ જાણી બાળકે વિચારવાનું છે કે ‘ જો બધું જ ચેતના છે, પૂર્ણ છે અને સર્વશકિતમાન છે, અને હું પણ આ ‘ બધા”માં જ આવું છું. તો તેનો અર્થ એ થયો કે હું પણ પૂર્ણ અને સર્વશકિતમાન છું.” આ વિચાર જેવો બાળકના મનમાં ઠસાવાનો, પચવાનો, શરુ થશે કે તેનામાં એક અદભુત પરિવર્તન આવવવું શરુ થશે.

મોટા ભાગનાં બાળકો લઘુતાગ્રંથિથી પીડાતાં હોય છે. પોતાને જે નથી આવડતું તે બાબતે હીનતાનો અનુભવ કરતાં હોય છે. પરિણામે ” પોતાને નહીં આવડે” એ વિચારે અનેક બાબતો શીખવાથી વંચિત રહી જતા હોય છે. પણ ભારતીય જ્ઞાનધારાનો આ વિચાર તેનામાં આત્મવિશ્વાસ જન્માવશે. આત્મશ્રધ્ધા જન્માવશે. પોતે પણ સર્વશકિતમાન હોવાથી ધારે તે શીખી શકે છે. તેને હવે ખબર પડશે કે પોતાને જે નથી આવડતું તેનું કારણ પોતાની નબળાઈ નથી, પણ પોતે પોતાના સર્વશકિતમાનપણાનો ઉપયોગ નથી કરતું તે કારણ છે. જો પોતાની પૂર્ણતાનો ઉપયોગ કરવાનું શરુ કરશે તો તેને પણ તે ઈચ્છશે તે આવડી જશે. તે ધાર્યું કરી શકશે. આ મુદો તેના માટે જબરદસ્ત પ્રેરણાનો બની જશે અને તેના વ્યકિતત્વમાં સૂક્ષ્મ રીતે પરિવર્તન આવવાની શરુ થશે. તેને પોતાની વિરાટતાનો અનુભવ થવો શરુ થશે. તેનો વ્યકિતત્વ વિકાસ આપોઆપ વધવા લાગશે. શિક્ષણની અનેક સમસ્યાઓ આપોઆપ ખરી પડશે. આ બાબત શિક્ષકોને પણ લાગુ પડે છે. તેઓ પણ અનેક અંગત વ્યર્થ અને ઝનૂની માન્યતાઓથી મુકત થઈ જશે અને તેમની ચેતના પણ પૂર્ણ પ્રગટવી શરુ થઈ જશે. આને અંગ્રેજીમાં ” પેરેડીમ શીફટ” કહે છે. સમગ્ર ચિંતનમાં બદલાવ.

ભારતીય જ્ઞાનધારામાં તો આવા અનેક વિચારો છે જે શીખવવામાં આવે તો શિક્ષણમાં અને તેના દ્વારા બાળકોમાં અને સમય જતાં સમાજમાં અનેક પરિવર્તનો આવી શકે તેમ છે. સમગ્ર સમાજ કમશઃ સ્વસ્થ થવા તરફ આગળ વધશે.

આ ખ્યાલ તો ઉતમ છે. અપનાવવા જેવો છે. તેને માત્ર શુધ્ધ વિચાર તરીકે અપનાવવામાં આવશે તો ઘણો જ ફાયદો કરી શકે તેમ છે. ચિંતા એટલી જ છે કે અત્યારે જે વિભાજિત માનસ કામ કરે છે, તે સફળ ન થાય અને આ વિચારને વિકૃત ન કરી નાખે.

આશા અમર છે.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com