પુસ્તક પરિચય
રીટા જાની
પ્રેમ છે એક એહસાસ અને અનુભવ…ઝંખના સાથે ઝૂરવાની ક્ષણો…એમાં કારણ અને તર્ક કરતાં સમર્પણની પૃષ્ઠભૂમિ હોય…પ્રેમમાં ક્યારેય સ્વની ચિંતા ન હોય. પ્રેમમાં ન હોય તોલમાપ કે ન હોય લેખાજોખા. એ તો હવા જેવો હોય. દેખાય નહિ તોપણ આજુબાજુ અનુભવાય. પ્રેમ છે એક સ્વપ્ન સૃષ્ટિ, જે બે કીનારા વચ્ચે વહેતી નાવ સમાન છે. એક કિનારાને છોડ્યા પછી મંઝિલની આશા અને અપેક્ષા વચ્ચે નાવ સરતી રહે છે. ઉત્કંઠા અને આકાંક્ષાના સહારે નાવ સરતી રહે છે…આપણે પણ સરતા રહ્યા…સ્વપ્ન સૃષ્ટિની શોધમાં…યુરોપના પ્રવાસનું સ્વપ્ન સંપન્ન કરી મુંબઈ પહોંચેલા મુનશી, લક્ષ્મી અને લીલાની સંગે…
ત્યાં સર્જાયો છે એક પ્રણય ત્રિકોણ – વેદનાસભર. મુનશી માનતા હતા કે પ્રણયને સાહિત્યસહધર્મચાર અને કલ્પનામાં રાખશે અને દામ્પત્ય જીવનને પણ અણીશુદ્ધ રાખશે. પણ એ સહેલું ન હતું. મુનશીએ નિખાલસતાથી લક્ષ્મી પાસે હૃદય ખોલી દીધું. ત્યારે લક્ષ્મીનો આવેશ હતો: “કેટલી ઉર્વશી ખુશ થશે? મહામહેનતે તપ કરી હું મારા ઘનશ્યામને શોધી લાવી હતી.” ત્યારે મુનશી તેને સમજાવે છે કે ઉર્વશીથી ગભરાવાનું કારણ નથી. તેના સુખ ને સંતોષ બધાથી ઉપર છે. લક્ષ્મીએ માનેલું કે વિલાયતમાં મનમોજીલી લીલાની મૈત્રીથી મુનશી કંટાળીને તેની મૈત્રી છોડી દેશે પણ મૈત્રી ગાઢ બની. ને પ્રવાસથી છૂટા પડતાં લીલાએ પત્રમાં લખ્યું: “તારાં ભવ્ય સ્વપ્નોમાં ભાગીદાર થવાનું નિમંત્રણ હું સહર્ષ સ્વીકારું છું. તારી પાંખે ચડી વ્યોમ માપવાનો કોડ છે. દિશા અને કાળની પાર જોવા મથતી તારી દૃષ્ટિમાં મને શા શા દિવ્યદર્શનો થશે?”
મુનશીના જીવનમાં અજબ અશાંતિ પ્રસરી. સ્વપ્નનાં રંગ જીવનમાંથી ફટકી જવા લાગ્યા. મુનશીએ તેમની પ્રણયગાથા એવું “અવિભક્ત આત્મા” લખ્યું. મુનશી લીલા સાથે સમાનતા અનુભવતાં. બંનેના અંતરમાં આદર્શમયતાના વહેણ વહે છે. તેઓ વૈદિક ઋષિની માફક પ્રકૃતિપૂજક છે. સમુદ્રના દેવને નથી માનતા પણ સમુદ્રને જ દેવ માને છે. સરોવર સાથે અંગત સંબંધ બાંધે છે. નદી ને વરસાદ તેમના મિત્રો છે. મનુષ્યદેહને ગૌરવ અને વિશુદ્ધિમત્તા અર્પે છે. ને પોતાને વસિષ્ટ અને અરુંધતિરૂપે જુએ છે. જુદા વસીને માનસિક નિકટતા સાધી છે પણ અંતર ખમાતું નથી. હૃદય ક્યારેક નિરાશાના સૂર કાઢે છે. બંને ભાવિના સ્વપ્ન સેવે છે, એકબીજાનો ઉત્સાહ ટકાવી રાખવા નિયમિત પત્ર લખે છે. સાથે માતા પ્રત્યે, પત્ની પ્રત્યે, સંતાનો પ્રત્યેનો કર્તવ્યબોધ નિરાશાના સૂર જગાવે છે.
આ પ્રણય ત્રિકોણ અજગરની માફક ત્રણેને નાગચૂડમાં પકડી રહ્યો હતો. ત્રણમાંથી કોઈ બીજાની પાસે આવી શકતું ન હતું કે નહોતું એકબીજાથી દૂર ખસી શકતું. બે પરમભક્ત એવી સ્ત્રીઓ સાથે મુનશી ગૂંગળામણ અનુભવતા. મુનશી ને લીલા તો પત્રો દ્વારા એ ગૂંગળામણ વહાવી દેતાં પણ લક્ષ્મી તો ભવ્ય કારુણ્યમૂર્તિ હતી. મુનશીએ માનેલું કે મહાદેવજી બની પાર્વતી અને ગંગા સાથે મહાલશે પણ એ તો પળેપળ વિષના ઝેરી ઘૂંટડા ગળવા સમાન હતું. છેવટે લક્ષ્મી ને છોકરાઓ માટે ટ્રસ્ટના દસ્તાવેજનો ખરડો તૈયાર કર્યો. માલસર પાસે નદીકિનારે ધંધો, પ્રતિષ્ઠા ને સંસાર છોડી જવું એવો નિશ્ચય કર્યો. લક્ષ્મી સુવાવડમાં ઉઠે પછી તેને છૂટાછેડા આપવા એવો વિચાર કર્યો. પણ મનુષ્ય સ્વભાવ અને કાળની ગતિ ક્યાં કોઈ પારખી શકયું છે? મુનશી કોર્ટમાં જાય ને નવા નવા વિજય મેળવવા ધારે. ત્યાં તેમને એક બહુ મોટો કેસ મળ્યો. એક તરફ કેસે ગંભીર સ્વરૂપ પકડ્યું ને બીજી તરફ લક્ષ્મીની તબિયત બગડતી ચાલી. ચાર દિવસ – વીસ કલાક કોર્ટમાં દલીલો કરીને કોર્ટ છોડીને રાત દિવસ લક્ષ્મી પાસે બેઠા. ત્રણેક દિવસે લક્ષ્મીએ દેહ છોડ્યો. મુનશીને લક્ષ્મીના કબાટમાંથી બે પત્રો મળ્યા. એક તેમની મોટી દીકરી સરલાને માટે ને બીજો મુનશી માટે. જેમાં લક્ષ્મી તેના “સાગરરાજ”ને કહે છે કે એક વાર તો તારું ઊછળતું મોજું પ્રેમથી દોડી મારા તરફ મોકલ્યું હોત….. “દેવી” ને ઝંખનારા મુનશી જેમાં “દેવી” જોઈ ન શક્યા એ સતી શિરોમણિ પોતાના આત્મવિસર્જનથી ખરેખર દેવી બની, મુનશીને જીવનનું દાન દઈ અલોપ થઈ ગઈ.
મુનશી લક્ષ્મી પ્રત્યેના પૂજ્યભાવથી વિહવળ બન્યા. લક્ષ્મીએ તેમને સર્વસ્વ આપ્યું. પણ મુનશી તેને પ્રણય ન આપી શક્યા જેના માટે તલસતી એ ચાલી ગઈ. રાત્રિના કાજળ વિના ઉષાની લાલિમાનું સ્વપ્ન સિદ્ધ થતું નથી, તોફાનોનો સામનો કર્યા વિના નાવને મંઝિલના કિનારા મળતા નથી, ઝંઝાવાતો સહ્યા વિના જીવનમાં પણ સ્વપ્નસિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
સ્વપ્નસૃષ્ટિનો પ્રદેશ રળિયામણો ભલે હોય પ્રશ્નહીન હોતો નથી, કારણ કે સ્વપ્ન એ સમુદ્રમાં સરતી નાવ જેવું છે અને નાવનું નસીબ કયારેય ઝંઝાવાતો વિનાનું હોતું નથી. જીવનનાવ પણ ક્યારેક ઝંઝાવાતોમાં ફસાય છે પરંતુ સુકાની જો બાહોશ હોય તો મંઝિલ મળી જ રહે છે, જરૂર હોય છે સ્વપ્નસિદ્ધિ માટે શ્રદ્ધા, ધૈર્ય અને સ્પષ્ટ દૃષ્ટિની.
ખેર, જિંદગી તો ચાલતી જ રહે છે, નાવ મધદરિયે સરતી જ રહે છે, તોફાનો આવે તોપણ વિચલિત ન થાય તે જ સ્વપ્નસિદ્ધિનો સારથી બની રહે છે. એ માટે મળીશું આવતા અંકે….
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com

વાહ! ખૂબ સરસ લખાણ, જાણે નવલકથાનું એક રોમાંચક પ્રકરણ વાંચી રહ્યાં હોઈએ. સરયૂ પરીખ
LikeLike