સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
“સાહેબ એક કામ કરો, મારું રેકોર્ડિંગ લઈ લો”
આકાશવાણી અમદાવાદ પર એક ભાઈના ગીતનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. પણ જામતું નથી. વારેવારે રીટેક કરવા પડે છે. એ દરમિયાન પોતાના રેકોર્ડિંગની રાહ જોઈ રહેલા એક કલાકારે ઉપરનું વાક્ય ઉચાર્યું. પ્રોગ્રામ એક્ઝિક્યુટિવે તેમની વાત સ્વીકારીને તેમનાં ભજનનું રેકોર્ડિંગ કર્યું. પહેલા જ પ્રયાસે સરસ રીતે રેકોર્ડિંગ થઈ ગયું. પછી ખુશ થઈને બોલ્યા કે આને કહેવાય ગાયું. પરંતુ આ પ્રશંસાથી ખુશ થયા વિના એ કલાકારે જણાવ્યું,
“ સાહેબ, આકાશવાણી પર આ મારું છેલ્લું ભજન છે”
“કેમ?” સાહેબે પૂછ્યું તો જવાબમાં કલાકારે ખિસ્સામાંથી એક પોષ્ટકાર્ડ કાઢીને વંચાવ્યું.
પોષ્ટકાર્ડ વાંચીને અધિકારીને નવાઈ લાગી. આકાશવાણીના જ કોઇ કર્મચારીએ પત્ર લખ્યો હતો કે તમને ગાતા આવડતુ નથી. માટે હવે આકાશવાણી પર ન ગાઓ તો સારું. પરંતુ અધિકારીએ તો આ પત્રને અવગણવા કહ્યું.
આ સ્વમાની કલાકાર હતા અલારખ મીર. તેમનો જન્મ તારીખ ૧-૦૩-૧૯૪૧ના દિવસે ધંધુકા તાલુકાના રોજકા ગામે થયો હતો. મીરને ઘેર જનમ્યા હોવાથી સંગીતક્લા તો વારસામાં જ મળી હતી. સાથે સાથે ગરીબી પણ વારસામાં મળેલી. ગરીબીના દુ:ખમાં વારેવારે થતી બીમારી ઉમેરો કરતી રહેતી. આ ઉપરાંત જીવનમાં બીજી અનેક મુશ્કેલીઓ આવતી રહી. પરંતુ આ બધાની વચ્ચે તેમની સંગીતસાધના તો ચાલું જ રહેલી.

જિલ્લા પંચાયતની શાળામાં શિક્ષક તરીકે નોકરી તો મળી, પરંતુ તે જ અરસામાં સખત બીમાર પડ્યા. નિદાન થયું ક્ષયનું. ઝીથરીની હોસ્પિટલમાં સારવાર માટે ગયા, પરંતુ નોકરી ગુમાવવી ના પડે તે માટે સારવાર અધૂરી મૂકીને નોકરી પર હાજર થયા. આ અધૂરી સારવારની માઠી અસર જીવનભર રહી. એક જ ફેફસું કામ કરતું. પરંતુ સંગીતના કાર્યક્રમો ચાલુ જ રહ્યા. જ્યાંથી પણ આમંત્રણ મળે ત્યાં જાય. ગામમાં કોઈ દેવીપુત્ર બોલાવે તો પણ તેમના ઘરે જઈને ભજનો ગાય. એ સમયમાં ગામડાના કલાકારોને ખાસ કાંઈ મળતું નહિ. કોઇ કદરદાન પેટીવાજા પર પાંચપચ્ચીસ મૂકે તો ઠીક છે નહિ તો હરિહરિ. રાત આખી ઉજાગરો વેઠીને ભજન ગાય અને સવારમાં બીમાર પડે. પછી પહોંચે ધંધુકા દવાખાને. તબિયત થોડી સારી થાય ત્યારે નોકરીએ જાય.
અલારખભાઈ ભજન તો ગાતા જ સાથે સાથે ગઝલો પણ સારી ગાતા. આથી કોઈએ સલાહ આપી કે આકાશવાણી પર ઈન્ટરવ્યુ આપો. એ સમયે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર ભજનિકોનું પિયર હતું. અહીં ઈન્ટરવ્યુમાં અલારખભાઈ નિષ્ફળ ગયા, પરંતુ વડોદરામાં સફળ થયા. તેમનું રહેણાક અમદાવાદ જિલ્લામાં હોઈ આકાશવાણી તરફથી તેમને અમદાવાદ રેડિયો સ્ટેશન પર ભજનો અને ગઝલો ગાવાનું કહેવામાં આવ્યું. અહીં તેમનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું. સંતવાણી અને ગઝલો ખાસ કરીને નાઝિર દેખૈયાની ગઝલો ખૂબ સરસ ગાતા. આકાશવાણી પર ભજન અને ગઝલના સારા ગાયક તરીકે પ્રશંસા પામ્યા અને પછીથી તો તેઓ ‘બી હાઇગ્રેડ’ના ગાયક તરીકે માન્ય થયા. તેમની ખૂબી હતી કે તેમને બધુ જ મુખપાઠ રહેતું. આથી જ્યારે પણ ગાવાનું થતું ત્યારે સામે કાગળ રાખ્યા વિના જ ગાતા.
એક વખત અલારખભાઈની મુલાકાત લીમડીના રાજકવિ શંકરદાન સાથે થઈ. રાજકવિએ તેમના વખાણ તો કર્યા પણ સાથે સાથે એમ પણ કહ્યું કે તમે મીર લોકો બધુ જ ગઈ શકો, હાલરડા, મરશિયા, ભજન, ગઝલ વગેરે. પરંતુ મેં કોઇ મીરને ‘ગીત’ ગાતા સાંભળ્યા નથી. અલારખભઈએ તરત જ એક ગીત ગાઈને સંભળાવ્યું. શંકરદાનભાઈ ગીત સાંભળીને ખુશ થયા અને પોતે જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો એ ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’ પુસ્તક ભેટ આપ્યું. સાથે સાથે પુસ્તક પર ‘ભાઈ અલારખ મીરને ગીત ગાવા બદલ ભેટ’ એવી નોંધ પણ લખી.

ખૂબ સારા ગાયક હતા પરંતુ તબિયતે કદી સાથ ન આપ્યો. તન કે ધન બેમાંથી એકની પણ સહાયતા વિના માત્ર મનના સહારે તેમની સંગીતની સાધના આજીવન ચાલુ રહેલી. એ દિવસોમાં કલાકારને વળતર તો નજીવું મળતું. વળી શિક્ષકોના પગાર પણ ટૂંકા. બીજા શિક્ષકો ટ્યુશનો કરીને વધારાની આવાક ઊભી કરે, પરંતુ અલારખભાઈને તો ટ્યુશન માટે સમય ક્યાંથી મળે? એમની પ્રાથમિકતા સંગીતની જ હતી. આકાશવાણી પરથી પુરસ્કાર મળે પરંતુ બીજે બધે તો રાગ ભોપાલી[1] જેમાં મનિ વર્જ્ય હોય. ટૂંકી આવક અને બહોળો પરિવાર. તેમાં પોતાની કાયમી બીમારી અને પરિવારમાં પણ કોઈ ને કોઈ બીમાર પડે. બે છેડા ભેગા ન થાય. માથે દેવું વધી ગયું. પૈતૃક મકાન ગીરવે મૂકવું પડ્યું અને વ્યાજ વધતું ચાલ્યું. જેમની પાસેથી ઉછીના લીધા હતા તેમણે તાકીદ કરી અને મકાન ખાલી કરવાની નોબત આવી. આ એ સમય હતો કે જ્યારે ગામડાના લોકો હિંદુ બ્રાહ્મણની જેમ મુસ્લિમ મીરને પણ પવિત્ર ગણતા. મીરનું મકાન ડૂલી જાય છે એ વાતની ગામના કેટલાક આગેવાનોને ખબર પડી. તેમને થયું કે ગામનો મીર રસ્તા ઉપર આવી જશે તો આપણને પાપ લાગશે અને આખા ગામની બદનામી પણ થશે. આથી કેટલાક આગેવાનોએ આર્થિક સહાય કરી ઉપરાંત જેમની પાસે મકાન ગીરવી મૂકેલું તેમણે પણ વ્યાજ છોડી દીધું. આમ મીરનો આશરો ટકી રહ્યો.
પછી આવ્યો દૂરદર્શનનો જમાનો. અલારખભાઈને ત્યાં પણ તક મળી. એ જ જૂનો ઝબ્ભો અને ટૂંકો લેંઘો પહેરીને દૂર્દરશન પર પહોંચ્યા. તેમને જોઇને ત્યાંના અધિકારીએ કહ્યું, “અલારખભાઈ, હવે તમને લોકો માત્ર સાંભળવાના જ નથી ટેલિવિઝન પર પ્રેક્ષકોને તમે દેખાવાના પણ છો. આ વેશ નહિ ચાલે.” અલારખભાઈ કહેતા કે પછી તેમને દૂરદર્શન પરથી એક નવો ઝભ્ભો પહેરાવામાં આવ્યો.
ભાલ વિસ્તારના એક ગામમાં રાત્રે સંગીતનો કાર્યક્રમ હતો. અલારખભાઈ પણ ત્યાં ગાયક તરીકે હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ ખાતાના એક મોટા અધિકારી પણ હાજર હતા. અલારખભાઈને સંભળીને તેઓ ખૂબ રાજી થયા. પરંતુ તેમને જાણવા મળ્યું કે આ કલાકારની આર્થિક હાલત સારી નથી. પોતે શિક્ષણ ખાતાના અધિકારી અને અલારખભઈ શિક્ષક. આથી તેમણે અલારખભાઈને મદદ કરવા માટે અમદાવાદના જયશંકરસુંદરી હોલમાં મીર સાહેબના પ્રોગ્રામની ગોઠવણ કરી. તેમની વગને કારણે બધી જ ટિકિટો વેચાઈ ગઈ. પરંતુ જે દિવસે કાર્યક્રમ હતો તેના આગલા દિવસથી જ અમદાવાદમાં કોમી તોફાનો શરૂ થયા અને શહેરમાં કરફ્યુ લાદવામાં આવ્યો. પ્રોગ્રામ બંધ રહ્યો. ટિકિટો પરત કરવામાં આવી. આમ નસીબ આગળ ને આગળ ડગલા ભરતું.
તેમને નોકરીમાંથી નિવૃત થવામાં બે વર્ષ બાકી હતા. તબિયત ઉત્તરોત્તર બગડતી જતી હતી. રોજકાથી અમદાવાદ આકાશવાણી કે દૂરદર્શન સુધી બસમાં બેસીને જવામાં પણ અતિશય શ્રમ પડવા લાગ્યો. આથી પુરસ્કાર પણ બંધ થયો અને બચત તો હતી જ નહિ. નિવૃતિ પછી ગાડું કેવી રીતે ગબડશે તેની ચિંતા હતી. પરંતુ તે સમયે મોટા દીકરાને ગુજરાત એસ. ટી. માં ડ્રાઈવર તરીકે નોકરી મળી. અલારખભાઈને થયું કે અલ્લાએ મહેર કરી. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે અલ્લાની મહેર તેમના પર ફક્ત સંગીતકલા પૂરતી જ હતી. નોકરી મળ્યાના બીજા જ વર્ષે દીકરાને જીવલેણ અકસ્માત થયો. આઘાત બહુ વસમો હતો. પરંતુ મીર સાહેબે તો અલ્લાની મરજી સ્વીકારી લીધી.
અલારખભાઈને ધંધુકાની પીપલ્સ કો. ઓ. બેન્કમાં નોકરી કરતા જીતુભાઈ વ્યાસનો પરિચય થયો. મૂળ ઓળખાણ તો બેન્કના ગ્રાહક તરીકેની. પરંતુ બન્નેના સંગીતપ્રેમે જ્ઞાતિ કે ધર્મના ભેદ તોડીને તેમને દોસ્તીના બંધને બાંધી દીધા. સંગીતના કાર્યક્રમોમાં તો અચૂક મળતા ઉપરાંત પારિવારિક સબંધ પણ થયો.
બન્યું એવું કે અલારખભાઈની બીમારી ખૂબ વધી ગઈ. શરીરમાં અશક્તિ એટલી કે દવા અને ઈંજેક્શન લેવા માટે પંદર મિનિટ બસમાં બેસીને ધંધુકા જવું પણ મુશ્કેલ થયું. આથી જીતુભાઈએ મીરને કહ્યું, “હવે આપ મારા મહેમાન. જ્યાં સુધી તબિયત સારી ના થાય ત્યાં સુધી અહીં ધંધુકામાં મારે ઘરે જ રહો.“ જીતુભાઈ અને તેમના પત્નીએ અલારખભાઈને પોતાના ઘરે રાખીને ખૂબ સારી સારવાર કરી. દરમિયાન એક વખત તબિયત વધારે કથળી. તેમના એક મજાકિયા મિત્રે તો જીતુભાઈના પત્નીને કહ્યું પણ ખરું, “ભાભી, જો જો બામણના ઘરેથી જનાજો ના નીકળે” પરંતુ વ્યાસ દંપતિએ કરેલી સારવાર લેખે લાગી. થોડા દિવસમાં તબિયતમાં સુધારો થયો અને અલારખભાઈ રોજકા જઇ શક્યા.
બધી જ મુશ્કેલીની વચ્ચે પણ તેમણે કાર્યક્રમોમાં જઈને ગાવાનું છોડ્યું નહિ. શરીરે હવે રીતસર બળવો પોકારવાનું શરૂં કર્યું. તો પણ અવસાનના થોડા દિવસો પહેલા પણ તેમણે ભજનો ગાયા. બીમારીએ અવાજ તો નબળો કરી દીધો, પણ લય અને તાલ છેક સુધી જેમના તેમ રહ્યા. છેવટે તારીખ ૩૧-૦૫-૨૦૧૧ના દિવસે મીર સાહેબે અંતિમ શ્વાસ લીધા.
(નોંધ:
મેં પોતે અલારખભાઈને ફક્ત એક જ વખત જોયા છે. સાંભળ્યા તો કદી નથી. પરંતુ તેમના અનેક ચાહકો પાસેથી વારંવાર તેમની પ્રશંસા અને જીવનભર તેમને પડેલી પારાવાર મુશ્કેલીઓ વિશે સાંભળ્યું છે. આ ચાહકોમાં મુખ્ય છે પ્રફુલભાઈ ઠાકર, નટુભા ઝાલા અને જીતુભાઈ વ્યાસ તો ખરા જ. આ વિગતો સંભળીને મેં અલારખભઈના દીકરા નૌશાધભાઈ અને અલ્તાફ્ભાઈનો સંપર્ક કર્યો. તે બન્ને ભાઈઓએ પણ કેટલીક પૂરક માહિતિ આપી. નૌશાધભાઈના મિત્ર અને મારા પણ પરિચિત એવા હિતેશ ખંભાતીએ પ્રયત્ન કરીને અલારખભાઈની દૂરદર્શન પરની વિડિયો ક્લિપ શોધીને આપી. આ સૌનો હાર્દિક આભાર માનું છું)
https://drive.google.com/file/d/1eRUPXmMeGgCm_XP3zdKHFancUFIbUl4D/view?usp=drive_link
https://drive.google.com/file/d/1EXxlXZAqCRVamIbBnoqEidbJeDVAR5-3/view?usp=drive_link
[1] *સંગીતમાં સાત સ્વરો- સા રે ગ મ પ ધ નિ- પૈકી રાગ ભોપાલીમાં મ અને નિ(મનિ) વર્જ્ય હોય છે, આથી કેટલાક કલાકારો જ્યારે નિ:શુલ્ક કાર્યક્રમ આપવાનો હોય ત્યારે નિશુ:લ્ક એમ કહેવાને બદલે રાગ ભોપાલી એમ કહેતા હોય છે!
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
