નીલેશ રાણા
પૂરી સોસાયટીમાં વાત વંટોળની જેમ ફેલાઈ ગઈ. જાણે કે આભ તૂટી પડ્યું! ન માનવામાં આવે એવી ઘટના ઘટી ગઈ. કલ્પનામાં પણ ન આવે એવું બન્યું. સાચે જ! લક્ષ્મીબેને જાતને ચૂંટી ખણી. જે સાંભળ્યું તે સાચે જ અફવા નથી. પહેલાં માનવામાં તકલીફ થઈ, પણ બીજા ચાર મોઢે પણ એ જ વાત સાંભળતાં આખરે માનવું જ પડ્યું. દસ – બાર જણ ભેગા થઈને તરત જ વીણાબેન અને ધનસુખભાઈના ઘરમાં પહોંચી ગયા. જે ધીરજને ગઈકાલે જ ધરતી પર ચાલતા જોયો હતો, એ આજે પંખાની પાંખે લટકી ગયો છે. આત્મહત્યા! કારણ?
બે અઠવાડિયા પહેલાં રાત્રે ડાઇનિંગ ટેબલ પર બાપ બેટાને ખીચડી, કઢી અને બટેટાનું શાક પીરસતાં વીણાબેને પૂછ્યું હતું, “બેટા, ત્રણ મહિના થઈ ગયા. હવે શું વિચાર છે?”
“મમ્મી, શેનો વિચાર?”
ધનસુખલાલે વાત આગળ વધારી. “તારી મમ્મીનું કહેવું છે કે તું હવે ઠેકાણે પડે, તો અમને શાંતિ થાય.”
ઇશારો સમજી ગયા છતાંય, ધીરજે કોળિયા ભરવાના ચાલુ રાખ્યા. એ જોતાં, “ધીરજ, તારી જૉબ હવે કાયમી થઈ ગઈ છે. તું સારું કમાય છે.”
“હું ઘરના ખર્ચામાં મદદ કરીશ ને.”
“બેટા, તારા પપ્પાને કે મને તારા પૈસાની જરૂર નથી. તું સેટલ થઈ જા, તો અમને આરામ. તારા લગન…”
“શું મમ્મી, તમે પણ!”
“તું તરત જ લગન કરી લે એમ તને નથી કહેતાં. જો, સમાજમાં આપણું નામ છે. તું કુંવારો છે, એટલે પૂછપરછ થાય એ સ્વાભાવિક છે.”
“ત્રણ-ચાર છોકરીઓ ધ્યાનમાં છે. તું જોઈને નક્કી કરી લે.”
“મમ્મી, આટલી ઉતાવળ…”
“એકાદને પસંદ કર. પછી ઍન્ગેજમૅન્ટ કરી લે. લગન વર્ષ પછી કરજે. અમને ઉતાવળ નથી.”
બંનેએ જોયું કે ધીરજની જમવાની ઝડપ ઓછી થઈ ગઈ છે. જ્યારે વીણાબેને બીજીવાર ખીચડી લેવાનું કહ્યું, તો ના પાડીને ઊભો થઈને, હાથ ધોઈને ધીરજને પોતાના બેડરૂમમાં જતો જોઈ બંને આશ્ચર્ય પામી ગયાં.
રસોડું સાફ કરી વીણાબેન ધીરજના બેડરૂમમાં દાખલ થતાં પૂછી બેઠાં, “બેટા, અમારી વાતનું તને ખોટું લાગ્યું?” જવાબ ન મળતાં, “દરેક મા બાપ એમ જ ઇચ્છે કે દીકરો યુવાન થતાં પગભર થાય, પરણે, સંસાર વસાવે.”
“મમ્મી, પરણવું જરૂરી છે? મને એમ નથી લાગતું.”
“દુનિયામાં બધા પરણે છે.”
“એ સાચું નથી. મારે એ બાબતમાં હમણાં વાત નથી કરવી.” ધીરજ સહેજ ચીડાતા બોલ્યો.
“મેં તને મોટો કર્યો છે. જ્યારે અમારી વાત ન માનવી હોય, ત્યારે તું કારણ આપે છે. આજે તું વાત ટાળી રહ્યો છે આજે જરૂર તું કશુંક છુપાવી રહ્યો છે.”
“મમ્મી, એવું કશું નથી.” બોલતાં ધીરજની નીચી થતી નજરને જોતાં એમને લાગ્યું, એ જરૂર કશુંક છુપાવી રહ્યો છે.
“ઠીક, તારી મમ્મીને અંધારામાં રાખી દુઃખી કરજે.” બોલતાં વીણાબેન ત્યાંથી બહાર નીકળી ગયાં. જો ધીરજે એમ કહ્યું હોત કે, મમ્મી થોડા મહિના પછી વિચારીશ, તો પોતે માની ગયાં હોત.
મા આખરે મા છે એ મને જાણે છે. માથી કોઈ વાત છુપાવવી અશક્ય છે. મારા મૅરેજની ઇચ્છા બંનેના મનમાં છે. તો એ ચર્ચા આજથી ઘરમાં ચાલુ જ રહેવાની. આજે નહીં તો કાલે… પણ પોતે છુપાવેલા સત્ય પર પ્રકાશ પાડશે તો ભૂકંપ મચી જશે. બે હાથે માથું દબાવી, ઊભા થઈ દરવાજા પાસે આવતાં…
“મને લાગે છે કે ધીરજ આપણાથી કશુંક છુપાવે છે.”
“વીણા, એમાં છુપાવવા જેવું શું છે? એના લગ્નની પહેલીવાર વાત કરી છે, તો શરમ આવતી હશે. કદાચ એણે કોઈ છોકરી પસંદ કરી લીધી હશે. આપણને જણાવતા ઝિઝક અનુભવતો હશે.”
“એવી વાત હોત, તો મને તમારા પહેલાં જણાવી બેઠો હોત. મને ગળા સુધીની ખાતરી છે. એ વાત સંતાડીને બેઠો છે. નહીં તો ગમતું ભોજન છોડીને ઊભો ન થઈ જાય.”
“શા માટે ખોટી ચિંતા કરે છે”
“મારું મન નથી માનતું.”
“હમણાં તું ખેંચતાણ ન કરતી.”
“સારું. પણ સરખો જવાબ ન આપે, તો ચિંતા તો થાય ને. હું એની મા છું.”
“હા. પણ હું એનો બાપ છું. જરા શાંતિ રાખ.”
એ રાતે પ્રથમવાર, પોતે માનું દિલ દુભાવ્યું છે- નો ગમ ધીરજને રાતભર સતાવી ગયો.
ત્યારબાદ ધીરજ ઘરે મોડો આવવા લાગ્યો છે. ખાપ પૂરતી જ વાત કરે છે. ચર્ચા કરવાનું ટાળે છે. ચહેરો ગંભીર બની ગયો છે. ખાવામાં કે વાત કરવામાં પૂરતું ધ્યાન નથી આપતો. આ બધું એમનાથી અજાણ્યું ન રહ્યું.
————————————————————
દુઃખનું ઓસડ દા’ડા. પણ કેટલા દિવસ? ક્યાં લગી એનો પડછાયો અમને ગ્રસી રાખશે? સમાજમાં ભળવું તો પડશે. ધીરજ કશુંય કહ્યા વગર, દિલની વાત જણાવ્યા વગર, ફોડ પાડ્યા વગર ચાલ્યો ગયો. તો લોકોને જવાબ શું આપવો? આજે એનું તેરમું છે. તો લોકો સીધી રીતે નહીં, પણ આડકતરી રીતે પણ એની આત્મહત્યાનું કારણ જાણવા માગશે. પણ કોઈ ખુલાસો મળ્યો હોય તો જવાબ આપે ને? લોકોની જાણવાની ઇચ્છા પ્રત્યે આંખમીંચામણાં કરતાં બંને મુખ પર સ્વસ્થતાનો ભાવ ધારણ કરવામાં થોડે અંશે સફળ રહ્યાં. શું કહે, શું જણાવે? જ્યારે એમનાં મનમાં એ જ પ્રશ્નો હતા. જાણતાં હતાં કે ધીરજને માથે ન હતું કોઈ દેવું, ન તો બે નંબરનો ધંધો, ન કોઈ વ્યસનનો બંધાણી. તો પછી…
શબ્દોનો સધિયારો આપીને જતાં આડોશી પાડોશીઓ અને સગાંઓનો આભાર માની રૂમમાં નજર ફેરવતાં જોયું. એક ખૂણામાં ચૂપચાપ બેઠેલા યુવાન પર એમની નજર પડી. રૂમ ખાલી થતાં એ યુવાન ઊભો થઈને ધીમા પગલે ચાલીને એમની પાસે આવીને ઊભો રહ્યો. ઉદાસ આંખો, શોકસભર ચહેરો. એમને નમન કરી પાછા વળતાં એ યુવાનને સંભળાતો ધનસુખભાઈનો સવાલ…
“ભાઈ, તારું નામ?”
ધીરેથી પાછળ વળતાં, “મ… મ… મારું? હું વિજય…”
“તું… તું ધીરજ…”
“ધીરજનો ફ્રૅન્ડ…”
“એની સાથે કામ કરે છે?”
“ના. કૉલેજ ફ્રૅન્ડ…”
“બેસો… બેસો.” વીણાબેનનો આગ્રહ.
સોફામાં બેસવામાં થતો સંકોચ.
“તું ધીરજને કેટલા સમયથી જાણે છે?”
“લગભગ દોઢ વર્ષથી…” અવાજમાં થોડી ગભરાહટ.
“પણ… પણ અમે તને એની સાથે કદી જોયો નથી. અમે તો એના બધા ફ્રૅન્ડ્સને જાણીએ છીએ.”
“આ… આપણે પહેલાં મળ્યા નથી. સોરી…”
“એમાં સોરી શાને? એક વાત પૂછું?”
યુવાનની દિલની ધડકન તેજ બની. એની નજર ચારે તરફ ફરી વળી. જાણે કશું શોધી રહી હોય!
“તને… તને કશી ખબર છે? ધીરજે આમ…” ધનસુખભાઈ પૂછતાં ખચકાયા.
“બહારનાને આમ પૂછાતું હશે?” વીણાબેનનો ઠપકો.
અચાનક વિજયના હોઠ ખૂલ્યા. “ત… તમને સાચે જ ખબર નથી કે એણે આમ કેમ કર્યું? એના મનની મૂંઝવણ… હું તમને શું કહું?” અવાજ ધ્રૂજતાં અટકી જતો વિજય.
“બેટા, કંઈક તો જણાવ. તું જાણતો હોય તો.” વીણાબેનની આંખોમાંથી સરતાં આંસુ. વિજયને વીંધતી ચાર આંખોમાંથી છટકેલી જાણવાની જિજ્ઞાસા. તૂટી જતો બંધ.
“મારે તમને પૂછવું જોઈએ? શું તમારી સાથે મોટો ઝઘડો થયો હતો?”
“શા માટે એમ થાય? અમે માત્ર એના લગ્ન વિશે વાત છેડી હતી અને અચાનક એનું વર્તન બદલાઈ ગયું. જાણે દિલ પર એક બોજ ધરી રહ્યો હોય!”
“શું એણે મૅરેજ માટે ના પાડી હતી?”
“ન ના પાડી, ન હા.” વીણાબેન તરફ જોતાં ધનસુખભાઈ બોલ્યા.
“હું સમજી શકું છું.”
“એટલે? એના મનમાં શું હતું તે તું જાણે છે? એને કોઈ છોકરી ગમતી હતી? હા… હા… એમ જ હશે. અરે! અમને જણાવ્યું હોત તો અમે ક્યાં ના પાડવાના હતા.”
“એવું નથી.” શબ્દો માંડ માંડ બહાર આવ્યા.
“સમજાયું નહીં.” બંને સાથે બોલ્યાં.
“એના મનની વાતો તમને ન કરી શક્યો. મેં એને કેટલો સમજાવ્યો હતો. પણ…” ખામોશ થતાં વિજયની આંખો આંસુથી તગતગી ઊઠી. “એના મનમાં ડર હતો કે સાચી વાત જણાવતાં ઘરમાં પ્રલય મચી જશે. બસ, એટલે જ…”
“પ્રલય… કંઈ સમજાય એવું બોલ.”
“અંકલ, જવા દો. ન થવાનું થઈ ગયું. હવે જાણીને શું કરશો? દુઃખ બમણું થશે. જવા દો. આપણે ધીરજને ગુમાવી બેઠા છીએ.”
“ભલે અમે દુઃખી થઈએ. એનું કારણ જણાવી, અમારાં પર ઉપકાર કરતો જા.” વીણાબેન ગળગળા સ્વરે બોલ્યાં.
“તમે સત્યને પચાવી નહીં શકો. પ્લીઝ, મને જવા દો.”
ઊઠવાનો પ્રયત્ન કરતા વિજયને ફરી બેસાડતાં, “અમને અંધારામાં રાખશે તો તનેય ચેન નહીં પડે.”
“આંટી, પ્લીઝ…”
“તારાય મા-બાપ હશે.”
“હું ધીરજ જેટલો ભાગ્યશાળી નથી.”
“એટલે…?”
“અનાથ છું.”
“સોરી. વીણા, જવા દે એને. સંતાન ગુમાવવાનું દુઃખ એ નહીં સમજે. જવા દે.”
“હું હાથ જોડું છું. જણાવ્યા વગર જતો નહીં.”
“કારણ જાણવા માંગો છો? એ કારણ હું છું. હું અને ધીરજ… અમે બંને…”
“અમે બંને એટલે…”
“આંટી, જમાનો બદલાઈ ચૂક્યો છે. તમે જાણો છો, હું શું કહેવા માગું છું…”
ધનસુખભાઈના મગજમાં પ્રકાશ પડતાં તેઓ વિજયને તમાચો મારી બેઠા. “નાલાયક! બોલતાં શરમ નથી આવતી? ગેટ…આઉટ.”
“આ…આ તમે શું કરી બેઠા?”
“તું નહીં સમજે. એ… એ… ખોટું બોલે છે, ખોટું.”
“એ ખોટું શા માટે બોલે? એમ કરવાથી એને શું મળશે?”
“વીણા, ચૂપ!”
ગાલને પંપાળતા, ઊભા થતા વિજય બોલ્યો, “સોરી, તમને દુઃખી કરવાનો મારો ઇરાદો નથી. અંકલ, ગુસ્સો થૂંકી નાખો. આજ પછી હું તમને મારું મોં નહીં બતાવું. મને માફ કરી દો.” બોલવાનું પૂરું કરતા વિજય ઘરના દરવાજા તરફ ચાલવા લાગ્યો.
“જરા ગુસ્સો છોડી મારી વાત સાંભળશો?”
“વીણા, આ જે કહી ગયો, પછી તારે કશું કહેવાનું બાકી છે?” ચહેરા પર પ્રગટતો આક્રોશ.
“હે ભગવાન! ઘોર કળિયુગ… કળિયુગ!”
“શાંત પડો. તમારું બી.પી. વધી જશે. સમય સાથે ચાલવું પડશે.”
“વીણા, તને ભાન છે, તું શું બોલી રહી છે?”
“જરા શાંત મને એક વાર સાંભળો. એક ભૂલ ધીરજે કરી. આપણી સામે પોતાનું મન ખોલ્યું નહીં, એટલે આપણે એક દીકરો ગુમાવી બેઠાં. આપણને ગમે કે ન ગમે, વિજયે આપણને સાચી હકીકત જણાવી દીધી. એમાં એનો દોષ નથી. ધીરજ પરનો ગુસ્સો એ બિચારા પર ઉતારી બેઠા.”
“વીણા…” ઊંચા અવાજે ધનસુખભાઈ બોલ્યા. “તું… તું એનો પક્ષ લે છે? ઓહ ભગવાન..!”
“સહેજ વિચારો. એક દીકરો તો આપણે ગુમાવી બેઠાં છીએ. જો બીજાને ગુમાવીશું, તો ખુશ રહી શકીશું?”
