દેવિકા ધ્રુવ

એક નવી દિવાળી લાવો..

કોઈ નવી નવરાત્રી લાવો, એક નવી દિવાળી લાવો,
શેરીએ થાતી ગરબાઓની ત્રણ રૂપાળી તાળી લાવો.
આદર કેરા દાંડિયા ઝાલી અમૃત-રાસ રચાવો.સ્નેહનું ઘૂંઘર, સ્મિતનું ઝુમ્મર, ઘમ્મર ઘૂમ મચાવો..
દિલડે દીવડા પ્રગ્ટે એવી રાત અજવાળી લાવો… એક નવી દિવાળી લાવો..
પ્રાંત પ્રાંત કે ભાષા-ભેદની વાડો તોડી,વછોડી
માનવતાનો ધર્મ છે સાચો, ધનની પૂજા છોડી
મન-મંદિર સજાવો, કોઈ રીત મતવાલી મનાવો….એક નવી દિવાળી લાવો.
ઉરને આંગણ સમજણ કેરા સાથિયાઓ પૂરાવો.
એકાંત કુંજે, પ્રસન્ન ચિત્તે, આતમ-રાજ બોલાવો.
ચૌદશ કાળી હોય જો અંતર, વળીને વાળી આવો.. એક નવી દિવાળી લાવો..
નૂતન વર્ષે આશાઓના અભિગમ સંગે ઝુલો,
હો વિચાર-વાણી-વર્તન સાચા આચરણના ફૂલો,
ભીતર કંકુ પૂજાપાની આરત-થાળી લાવો … એક નવી દિવાળી લાવો..
+                 +                +

:નવા વર્ષને આવકાર:

આવો, આવો આંગણે આજે,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અમાસના અંધકારને ઓગાળતા,
આરોગ્ય ને આશાઓને અજવાસતા,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અર્પી અમી આંખમાં એકમેકને,
અદ્વિતીય આનંદ અંતરથી,
આરાધીએ આદિત્યના આગમનને આજે…..
અખૂટ ઐશ્વર્ય આપ્તજનોને,
આસપાસ આદરનો અને
આરોગ્યનો ઓચ્છવ
અભ્યર્થીએ આદિત્યના આગમનને આજે

સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
ઇ-મેલ ddhruva1948@yahoo.com