દીપક ધોળકિયા
૧૮૭૨થી ૧૮૯૯ સુધીનો સમયગાળો અંગ્રેજો માટે પ્રમાણમાં શાંતિનો ગાળો રહ્યો. આ ગાળામાં માત્ર ત્રણ જ વિદ્રોહ થયા, તેમાં ૧૮૯૯નો બિરસા મુંડાનો વિદ્રોહ – ઉલગુલાન – મોટો હતો. બિરસા મુંડા વિશે પહેલાં જ લખી ચુક્યો છું, જે અહીં મારી બારી અથવા વેબગુર્જરી પર ક્લિક કરીને વાંચી શકાશે. આથી આપણે હવે વીસમી સદીમાં જ પ્રવેશ કરીએ.
લૉર્ડ કર્ઝન
૧૮૯૯માં કર્ઝન વાઇસરૉય બનીને આવ્યો. એ ઘમંડી હતો અને જતાં પહેલાં કોંગ્રેસને કબરમાં પોઢેલી જોવા માગતો હતો. ૧૯૦૩માં એણે વહીવટના નામે બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરી. આજનું આપણું પશ્ચિમ બંગાળ એક તરફ અને આસામ સહિત આજનું બાંગ્લાદેશ બીજી તરફ. મુસલમાનો તો રાજી થયા પણ હિંદુઓમાં ભારે વિરોધ ઊઠ્યો. ૧૯૦૫ના ઑક્ટોબરમાં બંગાળના ભાગલા અમલમાં આવ્યા. કોંગ્રેસે એનો વિરોધ તો ૧૯૦૩માં જ કર્યો હતો પણ હવે લોકલાગણી ભડકી.
જો કે, બંગાળના ભાગલા પડ્યા તે તો લોકલાગણીને ભડકાવવાનું નિમિત્ત બન્યું, લોકોમાં અસંતોષ વધતો જતો હતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ૧૮૯3-૯૪માં જ વિદેશી સત્તાનાં દૂષણો દેખાડી દેતાં શાસકો અને શાસિતો વચ્ચેના કથળતા સંબંધો તરફ ધ્યાન દોર્યું હતું. એમણે ભીખ માગવાની કોંગ્રેસની નરમ નીતિઓને સ્થાને નવું વિચારવાની જરૂર તો ૧૮૯૩-૯૪માં જ દેખાડી હતી.
૧૯૦૨માં એક વિદ્યાર્થી સતીશચંદ્ર બસુએ અનુશીલન પાર્ટીની સ્થાપના કરી હતી. બધા ક્રાંતિકારીઓ એમાં જોડાયા. મહર્ષિ અરવિંદ ઘોષ એમના જીવનના શરૂઆતના કાળમાં ‘ક્રાન્તિકારી આતંકવાદ’ના હિમાયતી હતા. (આજે આતંકવાદ શબ્દના અર્થનું પતન થઈ ગયું છે, પણ વીસમી સદીની શરૂઆતમાં એ શબ્દ સન્માનને પાત્ર હતો). એ અને એમના ભાઈ બારીન્દ્ર ઘોષ પણ અનુશીલનમાં જોડાયા. જો કે પછી બારીન્દ્રે અનુશીલન પાર્ટી છોડી દીધી અને ‘યુગાંતર’ નામનું અખબાર શરૂ કર્યું.

યુગાંતર અને અનુશીલનની પ્રેરણાનો સ્રોત ભગવદ્ ગીતાના ‘સંભવામિ યુગે યુગે’ વચનમાં હતો. એના ઘણા નેતા પ્રખર વક્તા અને લેખક હતા. ભૂપેન્દ્રનાથ દત્તા (સ્વામી વિવેકાનંદના નાના ભાઈ) એવા જ પ્રભાવશાળી લેખક હતા. એમની કલમ લોકોમાં જોશ ભરી દેતી.

કોંગ્રેસની ભૂમિકા
બંગાળના ભાગલાના વિરોધમાં સુરેન્દ્રનાથ બેનરજીએ વિદેશી માલસામાનના બહિષ્કારનો કાર્યક્રમ જાહેર કર્યો. વિદ્યાર્થીઓએ જોશભેર ગામડે ગામડે ફરીને સ્વદેશીનો સંદેશ પહોંચાડ્યો. સ્વદેશી આંદોલનમાં સ્ત્રીઓ પણ મોટા પાયે સામેલ થઈ. કવિવર ટાગોરની રચનાઓ, ‘વંદે માતરમ’ અને સ્વદેશીનાં ગીતો ઘેરેઘેર ગૂંજતાં થયાં. લોકોએ સ્વદેશીનું હથિયાર અપનાવ્યું તેની અસર વિદેશી કાપડ અને બીજા માલસામાનના વેચાણ પર પડી, એટલું જ નહીં, સ્થાનિકના લોકોને કામ મળવા માંડ્યું, વણકરો અને નાના કારીગરો ફરી બેઠા થવા લાગ્યા.
બંગાળના ભાગલાના વિરોધમાં બારીસાલમાં એક પરિષદ મળી. તે પહેલાં લોકો સરઘસ બનાવીને ‘વંદે માતરમ’ના નારા સાથે રસ્તા પર નીકળી પડ્યા. ‘વંદે માતરમ’ના સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ હતો, પરંતુ લોકોએ પરવા ન કરી. પોલિસ એમને લાઠીઓથી ઝૂડવા માંડી. સરઘસનું નેતૃત્વ કલકતાના વકીલ અબ્દુલ રસૂલની વિદેશી પત્ની કરતી હતી. સુરેન્દ્રનાથ બેનરજી એને બચાવવા વચ્ચે કૂદી પડતાં પોલીસે એમને પકડીને જેલમાં નાખી દીધા. એમને ચારસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને પરિષદ પર પ્રતિબંધ મૂકી દેવાયો.
૧૯૦૫ની ૧૬મી ઑક્ટોબરે બંગાળના સત્તાવાર રીતે ભાગલા પડ્યા ત્યારે આખા બંગાળમાં જબ્બરદસ્ત હડતાળ પડી. લોકોએ શોક-દિન મનાવ્યો અને પ્રાર્થના સભાઓ ગોઠવી.
અલીપુર જેલમાં વિદ્રોહનો તણખો
આ બાજુ, ક્રાંતિકારીઓ પોતાની રીતે લડતા જ હતા. એવામાં, અલીપુર જેલમાં કન્હાઈ લાલ દત્તાએ પોલીસના જાસૂસ બની ગયેલા એક ક્રાન્તિકારી નરેન ગોસાંઈને ગોળીએ દઈ દીધો. આ ગુના માટે કન્હાઈ લાલ દતાને ૧૯૦૮માં ફાંસી આપવામાં આવી. તે પછી એમની અંતિમ યાત્રામાં હજારોની ભીડ ઊમટી અને ચિતા ઠરી ત્યારે લોકો એમની ભસ્મ અને અસ્થિ લેવા માટે તૂટી પડ્યા.
અનુશીલન અને યુગાંતરે ક્રાન્તિની જે મશાલ પ્રગટાવી તે ૧૯૩૦ સુધી ટકી રહી. તે પછી એ સંગઠનો દેશના મુખ્ય ક્રાન્તિકારી પ્રવાહમાં ભળી ગયાં. એમાંથી ઘણા સામ્યવાદી પક્ષમાં જોડાયા, કોઈ કોંગ્રેસમાં ગયા અને કોઈ સશસ્ત્ર સંઘર્ષના માર્ગે જ ચાલતા રહ્યા.
આ બધું થયા પછી કોંગ્રેસની નેતાગીરીની અરજીઓ કરવાની અને બ્રિટિશ હકુમતને લાભકારક માનવાની નીતિ સામે અવાજ વધારે બુલંદ થવા લાગ્યો. ૧૯૦૬માં કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં આ નવો અવાજ જોરથી વ્યક્ત થયો અને પંજાબના લાલા લાજપત રાય, મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક અને બંગાળના બિપિનચંદ્ર પાલ એક સૂરે બોલ્યા. દેશની આઝાદીના સંઘર્ષમાં ૧૮૫૭ પછી મધ્યમ વર્ગના શિક્ષિત લોકોએ સમાધાનવાદી માર્ગ લીધો હતો તેની સામે એક નવી ત્રિપુટિનો ઉદ્ભવ થયો – એ ત્રિપુટી એટલે લાલ-બાલ-પાલ.
(બંગભંગ વિશે વધારે આવતા અંકમાં)
સંદર્ભઃ
(1) A Centenary History of Indian National Congress Vol. 1 Edited by B. N. Pandey (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
(2) Towards India’s Freedom and Partition S. R. Mehrotra, 1979 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
(3) What India Wants, G. A. Natesan, 1917 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
(4) https://www.britannica.com/place/Kolkata/Capital-of-British-India#ref313437
(5) Shukla Sen: https://thewire.in/history/revolutionary-nationalist-movement-bengal
(6) Our Bengal, by Suparna Home, 1950 (ઇંટરનેટ પર ઉપલબ્ધ).
(7) આ લેખકની અગાઉની શ્રેણીના ભાગ – 3/પ્રકરણ -૩માંથી
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
