અવલોકન
– સુરેશ જાની
નવું વર્ષ બારણે ટકોરા મારી રહ્યું છે, એ ટાણે એક વિશિષ્ઠ અવલોકન શ્રેણી લખવા વિચાર છે. આ વર્ષ પુરું થશે અને નવું શરૂ થશે. દર સાલ આમ જ બને છે. આ લખનાર જણ ૧૯૪૩માં જન્મ્યો; ત્યારથી આવાં ૮૦ પરિવર્તનો થઈ ચૂક્યાં છે. તાલવાળા અને દાંત વગરના, નવજાત શિશુમાંથી, એ જણ સાવ ઓછા વાળવાળો અને જેના અડધાથી વધારે દાંત પડી ગયા છે, અને બનાવટી દાંત વડે ગાડું ગબડે છે તેવો બુઢિયો બની ગયો છે!
એક આખે આખું વરસ પતી જશે – ૩૬૫ x ૨૪ x ૩૬૦૦ = ૩,૧૫,૩૬,૦૦૦ (ત્રણ કરોડ પંદર લાખ અને છત્રીસ હજાર) સેકન્ડ! પ્રત્યેક સેકન્ડે અગણિત ઘટનાઓ વિશ્વમાં આકાર લે છે અને વિલય પામે છે. માત્ર નવા જન્મ જ ધ્યાનમાં લઈએ તો – કાંઈક કેટલાંય મારા, તમારા જેવા માનવ જીવો, તેનાથી અનેક ગણા વધારે જીવજંતુઓ અને તેનાથી ખર્વાતિખર્વ ગણા ઘાસ, પાન અને બેક્ટેરીયા આ જ ક્ષણમાં જન્મ લઈ ચૂક્યાં છે. આ દરેકનું કાંઈ ને કાંઈ, નાનું સરખું પણ પ્રદાન તો ખરું જ ને? એક અદનામાં અદનો બેક્ટેરિયા પણ કોઈકનો ખોરાક બની, આવું પ્રદાન કરી જાય છે, અથવા પારાવાર તારાજી સર્જી જાય છે. કોરોના યાદ આવી ગયો ને?!
આપણે માટે આ બધું એટલું સ્વાભાવિક બની ગયું છે કે, આવડું મોટું એક વરસ પસાર થઈ જાય; તો પણ આપણે ખાસ કોઈ પરિવર્તન નિહાળી કે ખમી શકતા નથી. આટલું બધું શક્તિશાળી માનવમન આપણને મળ્યું છે છતાં પણ, આપણી એ નબળાઈ છે! આથી આ શ્રેણીનો મત્લો છે –
પરિવર્તન
વિશ્વનો એક માત્ર, સતત, બદલાયા વગરનો નિયમ છે –
‘બધું સતત, સદૈવ, સઘળી જગાએ બદલાતું રહે છે.’
પરિવર્તનની આ સતત ચાલતી, વિવિધ પ્રકારની પ્રક્રિયાઓની શરૂઆત થઈ હતી – બીગ બેન્ગ થી.
પ્રચંડ ધડાકો – બીગ બેન્ગ
આશરે ૧,૩૭૦ કરોડ વર્ષ પહેલાં …..
એ કોઈ ગૂઢ, ન સમજી શકાય તેવી સ્થિતી હતી. સમગ્ર બ્રહ્માંડ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હતું. તેમાં દ્રવ્ય ખીચોખીચ ભરેલું હતું. આંકડા વડે દર્શાવી ન શકાય એટલું પ્રચંડ તેનું વજન હતું. કોઈ પણ પદાર્થ ખમી ન શકે એટલું તેનું ઉષ્ણતામાન હતું. અને એ બિંદુની બહાર કેવળ શૂન્યાવકાશ હતું – એટલે કે ત્યાં કશું જ ન હતું.( Anti matter) તેનું ઉષ્ણતામાન શૂન્ય અંશ કેલ્વિન હતું – જેનાથી વધારે ઓછું તાપમાન શક્ય જ ન હોય તેટલું. અને આ બન્ને, સાવ વિભિન્ન હોવાપણાંને અલગ રાખતું એક અદ્રશ્ય, અને જડ આવરણ પણ હતું જ.
અથવા આનાથી સાવ વિપરિત કાંઈક હતું. એટલે કે સમસ્ત જગત પ્રચંડ વજનના, ઠંડાગાર દ્રવ્યથી ભરેલું હતું અને તેના કેન્દ્રમાં કેવળ ધગધગતું શૂન્ય હતું – કોઈ કદ વિનાનું, ઉષ્ણાતિઉષ્ણ, બળબળતું અને ધગધગતું, અનસ્તિત્વ. એ આમ હતું કે તેમ હતું; હોવાપણું હતું કે ન હોવાપણું; તેની ચકાસણી કરી શકે તેવું કોઈ પણ હાજર ન હતું.
પણ આવું કશુંક, અનાદિ કાળથી, બ્રહ્માંડના ગર્ભમાં લપાઈને સૂતેલું, પડેલું હતું. ત્યાં કે ક્યાંય, તે સમયે કે તે પહેલાંના સમયે કશું જ બનતું ન હતું. ત્યાં હોવાપણું કે બનવાપણું પણ ન હતું. કોઈ પરિવર્તન વિનાની એ કેવળ જડતા હતી.
અને ત્યાં કશુંક થયું.
શું થયું? શા માટે થયું? કોણે કર્યું? ક્યારે કર્યું? કઈ રીતે કર્યું? આવા કોઈ પ્રશ્નોના કોઈ ઉત્તર આપી શકે તેવું પણ કોઈ ન હતું. પણ કશુંક થયું તો ખરું જ. ક્ષણાર્ધમાં એ સમગ્ર હોવાપણું, કે ન હોવાપણું પરિવર્તનના ન થંભી શકે તેવા ચકરાવે ચઢી ગયું. કોઈ અજ્ઞાત તત્વની પ્રચ્છન્ન અભિપ્સાના બળે આમ થયું. અને જ્યાં કશું જ ન હતું એમાંથી સતત, પ્રચંડ માત્રામાં, બળબળતા દ્રવ્યરાશિઓ ફેંકાવા માંડી. હવે એ જડ હોવાપણું પોતાની આદિમ અપરિવર્તનશીલ સ્થિતિને ક્ષણાર્ધ માટે પણ ટકાવી શકે તેમ ન હતું.
પ્રત્યેક ક્ષણે, પ્રચંડકાય, બળબળતા વાયુની બનેલી, નિહારિકાઓ, ચકરાવા ખાતી ખાતી, તીવ્ર વેગે, એ બિંદુમાંથી બહાર ફેંકાઈ રહી હતી અને દૂર ને દૂર સરતી જતી હતી. હવે તેમને એકમેક સાથે આકર્ષાતી રાખનાર, ગુરુત્વાકર્ષણ બળ પણ જન્મ લઈ ચૂક્યું હતું. આ ભેગા રાખનાર બળને અતિક્રમીને એમની પ્રચંડ ગતિને કાયમી કરતું, એ બહિર્મુખ ગતિને વધારતું કોઈ અજ્ઞાત બળ પણ સર્જાઈ ચૂક્યું હતું.

હવે આવા અનેક અસ્તિત્વ ધરાવતા બ્રહ્માંડનો જન્મ થઈ ચૂક્યો હતો. પરિવર્તનની ન રોકી શકાય તેવી ઘટના આકાર લઈ ચૂકી હતી.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
