દિવાળી

ખલિલ ધનતેજવી

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

તમને જોઈને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જત ના સમજાવ મને,
માથે આખો સૂરજ લઈને સાંજ બપોરે ગાળી છે.

કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.

 

લ્યો આવી ગઈ દિવાળી

અનિલ ચાવડા

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.