વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
હિબકે ચડ્યા છે ઠાકોર !
પાંચસોની નોટ લઈ દર્શનને વેચવાની કળા કરે છે કયો મોર?
હિબકે ચડ્યા છે ઠાકોર !
હેતે હંકારીને ગાડે બેસાડી મને લાવ્યા’તા ભગત બોડાણા.
નિરાંતે ગામને હું દર્શન દેતો’તો એમાં તમને કાં નાણાં દેખાણાં ?
મનમાં બેઠો છે ચોર એટલે તો શ્રાવણના દિવસો પણ કોરા ધાકોર!
હિબકે ચડ્યા છે ઠાકોર !
દર્શન હું દઉં એ તો ખેલ છે તમારો ને ઊભો ઊભો હું બધું જોઉં છું.
મારી ગરજે હું દીનદુખીયા નારાયણના દર્શન કરવાને ઊભો હોઉં છું.
મનમાં તો થાય છે કે અત્યારે, અબઘડીએ તજી દઉં આવું ડાકોર!
હિબકે ચડ્યા છે ઠાકોર !
