મંજૂષા
વીનેશ અંતાણી
જીવનમાં કશુંક નજર સામે બનવાની પ્રક્રિયામાંથી આપણે સાવ બાકાત કેમ થઈ ગયા છીએ? જીવનમાં બધું હાથવગું અને સહેલું થયું છે, છતાં બધું ગૂંચવાયેલું કાં લાગે છે?
ખાખી ચડ્ડી અને ધોળો ખમીસ પહેરી છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગષ્ટની સવારે ગામમાં નીકળેલી પ્રભાતફેરીમાં ગળું ફાડીને ‘ભારત માતા કી જય’, ‘મા’ત્મા ગાંધી કી જય’ પોકારતા આખા ગામમાં ફરતા અને સાવધાન મુદ્રામાં ઊભા રહી ‘જન ગણ મન અધિનાયક જય હે’ ગાતા તે દિવસોની વાત છે. તે દિવસો ભરપૂર શ્રદ્ધાના હતા. ત્યારે ‘ભારત ભાગ્ય વિધાતા’ના સંદર્ભમાં પ્રશ્ર્નો જન્મતા નહોતા. ટેલિફોન કે રેડિયો ઘરમાં ઉપલબ્ધ નહોતા. દર બે-ચાર મહિને ઘરમાં લીંપણ થતું. મારા ઘરમાં વીજળી આવી ન હતી. સાંજે બા ત્રણ-ચાર ફાનસ લઈ આંગણામાં બેસતી, કાતરથી વાટ કાતરતી, કાચનો ગોળો ચુલાની રાખથી સાફ કરતી. ઘાસતેલ ભરતી. દીવાટાણું થાય ત્યારે ફાનસ સળગાવી રસોડા અને જમવાના ઓરડા વચ્ચેના બારણાની બારસાખ પર લટકાવતી. તે દિવસો સ્વિચ દાબતાં જ ફટ દઈને બધું ઝળાંહળાં થઈ જવાના ન હતા. ગરમીથી બચવા સ્કૂલની જૂની નોટના પૂંઠાથી કે બજારમાંથી લાવેલા વીંજણાથી હવા નાખવી પડતી. નળ ખોલતાં જ પાણી આવે તેવો સમય ન હતો. સ્ત્રીઓએ પાણી ભરવા ખારા-મીઠા પાણીના કૂવે જવું પડતું, કપડાં ધોવા ગામના કાચા તળાવે જવું પડતું. તેમ છતાં એ સમય તકલીફોનો ન હતો. બધી બાબતોમાં બહુ મજા આવતી.
એવી મજા હવે કાં નથી આવતી? બધું કેટલું હાથવગું થઈ ગયું છે. બેન્કમાં ડી.ડી. કઢાવવી હોય તોય બે ધક્કા ખાવા પડતા. બેન્કવાળા મોટાં મોટાં લેજર ઊથલાવી સાંજ સુધીમાં તો થાકીને લોથ થઈ જતા. જોડા સિવડાવવા પસંદગીના મોચીની દુકાને જવું પડતું. એના નાના બાંકડા પર બેઠા હોઈએ. દુકાનમાંથી ચામડાની ગંધ આવતી હોય. મોચીકાકા કાગળ પર પગ મુકાવી પેન્સિલથી માપ લેતા. પૂછતા: વાદળીવાળા કે સાદા? બાપુજી કહેતા: વાદળીવાળા નહીં, સાદા. વાદળીબાદળી બાંધે નહીં તો ક્યાંક ઊથલી પડે. બદામી કે કાળા? બદામી. નવરાત્રિ પહેલાં અમે ઘરનાં બધાં ભેગાં થઈ કાપડની દુકાને જતાં. વર્ષભર ચાલે એટલાં સાગમટે કપડાં લેવાતાં. તાકા ખૂલતા જાય, કપડું વેતરાતું જાય. થપ્પી બાજુમાં મુકાતી જાય. તાકામાંથી જુદી જ જાતની સુગંધ ઊઠતી. કપડાં સીવવા દરજી અમારા ઘરમાં જ બેસતો. હવે તો તૈયાર કપડાં લેવા દુકાને જાઓ નહીં તો પણ ચાલે, ઓન લાઈન બધું મળી રહે છે. તો ય પહેલાં જેવી મજા નથી આવતી. એવું કેમ લાગે છે કે જીવનમાં કશુંક નજર સામે બનવાની પ્રક્રિયામાંથી આપણે સાવ બાકાત થઈ ગયા છીએ?
મારા ગામની નાની નાની દુકાનોનો જુદો જ ઠસ્સો હતો. એની ગંધ અલગ હતી. દાળિયાવાળાકાકા એમની ખોબા જેવડી દુકાનમાં તાવડામાં ચણા શેકતા. ખારી સિંગ શેકાવાની સુગંધ ઊઠતી. સોનીઓની દુકાનોમાં લટકતા એમના પૂર્વજોના ફોટા જોઈને પણ મજા આવતી. ફોટા નીચે લખ્યું હોય: સોની ફલાણા-ફલાણા. ઠસ્સાદાર વસ્ત્રો પરિધાન કરી, ખુરસી પર બેસી. એમણે પડાવેલા ફોટામાંથી ‘જાજરમાન’ શબ્દનો અર્થ વર્ગમાં ભણ્યા વિના સમજાઈ જતો. એ સોનીઓને કોઈ બ્રાન્ડ એમ્બેસેડરની આવશ્યકતા ન હતી. દરેક વેપારી ઓળખીતા ગ્રાહકને ચાનો આગ્રહ કરતો. ચાવાળો છોરો હાથની આંગળીઓમાં કપ લટકાવીને આવતો અને ધાતુની કીટલીમાંથી ઊંચેથી ધાર પાડી કપ ભરતો. એકેય ટીપું જમીન પર પડતું નહીં. એવી ધાર હવે કાં રહી નથી?
કોઈ પણ ઉત્સવ ડખો બનતો નહીં. સંગીતની મજા આવતી. નવરાત્રિ આવે કે સાતમ-આઠમમાં રાસ રમાય ત્યારે ઢોલના સથવારે સ્ત્રી-પુરુષોના કંઠે હલકભેર ગવાતા રાસ-ગરબાના શબ્દો અને સૂરમાં પોતીકાપણું લાગતું. ક્યાંય કૃતકતા ન હતી. સમૂહનું એક થઈ જવું દિલથી અનુભવી શકાતું. તે સમયે ખીચોખીચ ભરેલો માનવસમૂહ ભીડ જેવો લાગતો નહીં, લોકોની આરપાર સડસડાટ નીકળી જઈ શકાતું. હવે તો વ્યક્તિ એકલી હોય તો ય ભીડમાં ભીંસાતી હોય તેવો ભય દરેકની આંખમાંથી દેખાય છે. ગામનો દરેક જણ પોતીકો લાગતો, ‘રામ રામ’ બોલતા તો સામે ઉમળકાભેર ‘રામ રામ’ જવાબ મળતો. શેરીમાં ધોણ ફેંકવા આવેલી સ્ત્રીઓ નિરાંતે કૂથલી કરી શકતી. હવે સામે મળેલો જણ આગંતુક કાં લાગે છે? પોતાની સૂટકેસ ખેંચીને એરપોર્ટમાંથી બહાર નીકળતા મહેમાનને જોઈ ભરતભરેલી થેલી ઉપાડી બસમાંથી ઊતરતા મહેમાનને જોઈને થતો તે ‘ભલે પધાર્યા’નો ભાવ કેમ જાગતો નથી?
વરસાદ પડતો તે સાથે છોકરાં શેરીમાં દોડી જતાં. મદારીની આસપાસ ટોળું વળી જતું. રામલીલાવાળાના ખેલ રાતભર ચાલતા. તેમ છતાં હવે ઘરમાં જ નિરાંતે સોફા પર બેસી ટી.વી. જોતાં જે થાક લાગે છે તેવો થાક અગાઉ લાગતો નહીં. ગામના ચોકમાં ભજવાતાં નાટકોના અભિનેતા અને પ્રેક્ષકો જુદા રહેતા નહીં, એક થઈ જતા. એરકન્ડિશન્ડ પ્રેક્ષાગાર નહોતાં, ખુલ્લા આકાશની મજા હતી. હવે તો આકાશ પણ ક્યાં રહ્યું છે? પરસેવો શરીરમાં જ ચુસાઈ જાય છે, પરસેવાને પણ છૂટથી પ્રસરવાની મોકળાશ રહી નથી.
એકબીજાની ડોકમાં હાથ ભેરવી ભાઈબંધી માણવાનું ભરપૂર સુખ હતું. સ્પર્શ દ્વારા ઘણું કહેવાઈ શકાતું. રિસાવાની મજા હતી, બિલ્લા કરવાની પણ મજા હતી. હવે ફેસબુકમાં ફ્રેન્ડ્સની સંખ્યા મબલખ થઈ છે, પણ ભાઈબંધને અડકવાનું સુખ કાં મળતું નથી?
જીવનમાં બધું હાથવગું અને સહેલું બહુ થયું છે, છતાં બધું ગૂંચવાયેલું કાં લાગે છે?
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
