રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

રામાયણનાં અનેક પાત્રો વચ્ચે જેની મહત્ત્વતા મુખ્ય એવં ગૌણ મનાઈ છે તે છે બે પક્ષી ભાઈઓની. આ પક્ષીભાઈઓ એટ્લે કે, જટાયુ અને સંપાતી. જેમના પિતા અરૂણ હતા, જેઓ સૂર્યદેવના રથનાં સારથી હતા. ચિત્રકૂટથી પંચવટી જતી વખતે માર્ગમાં પહેલી વાર શ્રી રામે જટાયુ ને જોયેલા. પહેલાં તો તેમની વિશાળતા જોઈ એવું જ લાગ્યું કે, તેઓ અસુર જાતિમાંથી કોઈ છે, આથી તેમણે તેમનો પરિચય પૂછ્યો. ત્યારે જટાયુએ કહ્યું કે, હે વત્સ તું મને તારા પિતાનો મિત્ર માન ( અરણ્ય કાંડ ૧૪/૩ ) ત્યારે રામચંદ્રજીએ તેમને પ્રણામ કરી તેમનાં નામ અને કુલ વગેરેની પૃચ્છા કરી. ( અરણ્યકાંડ ૪/૫ ) શ્રી રામના પૂછયા પછી તેમણે પોતાનાં નામ અને કુળ વિષે બતાવ્યું. જટાયુ અને શ્રીરામનો આ પ્રથમ પરિચય બતાવે છે કે, આ બંને વચ્ચે કોઈ કોમન ભાષા હોવી જોઈએ અથવા તો શ્રીરામ પક્ષીઓની ભાષા જાણતા હોવા જોઈએ. જોવાની વાત એ છે કે, રામાયણમાં વાલ્મિકી ક્યાંય રામ પક્ષીવિદ્ કે પક્ષીભાષા જાણતાં હોવાનો ઉલ્લેખ કર્યો નથી તેમ છતાં યે જે રીતે રામ પરિચય પૂછે છે અને જટાયુ જે રીતે બતાવે છે તે જોઈને એક શંકા તો ચોક્કસ ઉદ્ભવે છે કે, શું જટાયુ ખરેખર જ પક્ષી હતાં કે?
આ પ્રથમ ઉલ્લેખ પછી રામાયણમાં જટાયુનો ફરી પ્રવેશ સીતાહરણ વખતે થાય છે. પંચવટીમાં રામ લક્ષ્મણ સાથે ભેંટ થયા પછી જટાયુએ રામ-લક્ષ્મણની અનુપસ્થિતિમાં ભગવતી સીતાને પુત્રવધૂ માની તેનું ધ્યાન રાખવાની જવાબદારી પોતાની પર લીધી હતી. રાવણ જ્યારે સીતાજીને લઈ જતો હતો તે સમયે જટાયુને જોઈ સીતાજીએ પુકારનો અવાજ લગાવ્યો અને કહ્યું, હે આર્ય, હે દ્વિજ જટાયુ ! આ પાપી રાક્ષસ રાવણ મને અનાથની ભાંતિ ઉઠાવી ને જઇ રહ્યો છે. ( અરણ્ય કાંડ ૪૯/૩૮ ) સીતાની પુકાર સાંભળી પોતાની ચાંચ ઉપાડી જટાયુ ત્યાં ધસી આવ્યો અને ત્યારે એક વડીલની જેમ રાવણનો વિરોધ કર્યો, પણ જ્યારે રાવણ ન માન્યો ત્યારે તેણે તેની સાથે યુધ્ધ કરવાનું શરૂ કર્યું. આ સમયે જટાયુની વીરતા જોઈ રાવણે તેને તેનો પરિચય પૂછ્યો તે વખતે જટાયુએ કહ્યું કે, “जटायुर्नाम नाम्नाहं गृध्रराज महाबलः” ( अरण्यकांड ५०/४, २१,२२ ) હું ગૃધ્રકૂટનો ભૂતપૂર્વ રાજા છું અને મારું નામ જટાયુ છે. આગળ વધતાં જટાયુ કહે છે કે, હે રાવણ ! અત્યારે હું ૧૬૦ વર્ષનો છું, ત્યારે તું યુવાન છે તેથી તારી પાસે અપાર શક્તિ હોવાની તેમ છતાં યે હું મારી પુત્રવધૂ સીતાને નહીં લઈ જવા દઉં. આમ કહી તેણે રાવણ સાથે યુધ્ધ કર્યું પરંતુ અંતે રાવણે તેની પાંખો કાપી નાખી જેથી તે રક્તરંજિત થઈ ધરતી પર ઢળી પડ્યો. આ બાબતથી સિધ્ધ થાય છે કે; જટાયુ એ પક્ષી જ હશે, અને રાવણ તો મનુષ્ય. પણ જે રીતે રાવણ અને જટાયુનો સંવાદ બતાવ્યો છે તે જોતાં એમ કહી શકાય કે, રાવણ પણ પક્ષીઓની ભાષા જાણતો હશે.
રાવણે પાંખો કાપી અને જટાયુ પૃથ્વી પર પડ્યો કે પટકાયો. આ દ્રશ્ય સાથે અહીં રામાયણનું એક બીજો વિરોધાભાસી પ્રસંગ જોવા મળે છે. તે એ છે કે, રાવણ અને જટાયુનું યુધ્ધ તો આકાશમાં ચાલી રહ્યું હતું, તેથી જટાયુના પડતાંની સાથે રાવણનો માર્ગ ચોખ્ખો થયો અને તે સીતાને લઈને આગળ વધી ગયો, એમ હોવાને બદલે રામાયણમાં કહે છે કે, જટાયુને પડતો જોઈ દુઃખી થયેલી સીતા સગા સંબંધીની માફક જટાયુ તરફ દોડી. “अभ्यधावत वैदही स्वबन्धुमिव दुःखिता” ( ५१/४ ) હવે જો આકાશમાં યુધ્ધ ચાલી રહ્યું હોય તો સીતા જટાયુ તરફ દોડે શી રીતે? હા….વિમાનમાંથી હાથ બહાર કાઢી, મો નીચું કરીને જોઈ શકે આમ મહર્ષિ વાલ્મીકિજીની પોતાની જ વાણીમાં વિરોધાભાસ દેખાય છે. જોવાની વાત એ કે, યુગોથી ગવાતાં આ મહાકાવ્યને જેમનું તેમ સંતો અને સમાજ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું જેને કારણે મહર્ષિ વાલ્મીકિની ગૂઢાર્થ વાણીને સમજાવનાર કોઈ રહ્યું નહીં.
બીજી વાત એ છે કે, જટાયુને આવેલો જોઈને અહીં ભગવતી સીતાજીએ તેમને માટે આર્ય અને દ્વિજ એ બંને શબ્દો પ્રયોગ કરેલો છે. આ; આર્ય અને દ્વિજ શબ્દો એ પ્રાચીન અને મદ્યકાલીન યુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો માટે સંજ્ઞારૂપ શબ્દો હતાં. હવે જટાયુ તો પક્ષી છે તો સીતાજીએ આ શબ્દનો પ્રયોગ શી રીતે કર્યો હશે તે એક વિચારવાની બાબત છે. ભગવતી સીતાના આ બંને શબ્દો બતાવે છે કે, જટાયુ શાસક એટ્લે કે ક્ષત્રિય છે અને ક્ષત્રિય હોવાને કારણે હોવાને કારણે તેમનો સંબંધ બ્રાહ્મણો સાથે ય હતો. આ પ્રમાણે જોઈએ તો આપનો સંબંધ આર્ય ક્ષત્રિય કે દ્વિજ તરીકેનો હોય આપનો સંબંધ કે મિત્રતા મહારાજ દશરથ સાથે હોઈ શકે છે. આમ આ ત્રણેય બાબત બતાવે છે જટાયુ એ કોઈ પક્ષીવર્ગથી નથી પણ મનુષ્ય છે જેણે આર્ય પરંપરા અનુસાર યોગ્ય સમયે રાજપાટનો ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમને સ્વીકારેલો હશે. જો’કે અન્ય એક મત એય છે કે પક્ષીઓને દ્વિજ કહેવાની પરંપરા તે સમયે નીકળી હતી, પણ જો તે પક્ષી દ્વિજ હોત તો ન તો તેઓ ક્યાંયના રાજા હોત, કે ન રાજા દશરથના મિત્ર. અરણ્ય કાંડ ૫૦/૨ માં જટાયુ માટે “ખગેશ અને ખગોત્તમ” શબ્દનો પ્રયોગ થયો છે. ખગોત્તમનો અર્થ સંસ્કૃતમાં આકાશમાં ગમન કરનારમાં જે સૌથી ઉત્તમ છે તે કહી કર્યો છે. ( “ખ” નો અર્થ “આકાશ” તરીકે કર્યો છે અને “ગ” નો અર્થ “ગમન કરનાર” તરીકે કર્યો છે. ) જ્યારે ખગેશનો અર્થ – ખ એટ્લે આકાશ, ગ -ગમન કરનાર અને ઇશ એટ્લે ઇશ્વર જે આકાશમાં ઈશ્વર બની ગમન કરે છે તે.
હવે જોઈએ કે જટાયુ અને સંપાતીનાં માતા પિતા કોણ હતાં.
પ્રજાપતિ કશ્યપની એક પત્નીનું નામ વિનતા હતું. વિનતાથી પ્રજાપતિ કશ્યપને ગરુડ અને અરુણ નામનાં બે પુત્ર થયાં. ગરુડજી મોટા થઈ શ્રી વિષ્ણુનાં શરણે ગયાં અને તેમનાં વાહન બન્યાં. અરુણજી જેઓ કેવળ ધડી હતાં, અર્થાત તેમને માથું ને ધડ હતું પણ પગ ન હતાં તેઓએ સૂર્યદેવનાં રથનાં રથિક એટ્લે સારથિ બન્યાં. આ અરુણજીનાં જે બે પુત્રો થયા તેમને આપણે જટાયુ અને સંપાતી તરીકે જાણીએ છીએ.
સીતાહરણ પછી સીતાશોધમાં નીકળેલા રામ લક્ષ્મણને ઘાયલ અવસ્થામાં પડેલ જટાયુને મળ્યાં. તે વખતે જટાયુએ કહ્યું કે, પુત્રવધૂ સીતાને વિશ્રાવાપુત્ર અને પ્રસિધ્ધ કુબેરનો ઓરમાયો ભાઈ રાવણ દક્ષિણ દિશા તરફ ઉપાડીને લઈ ગયો છે, માટે આપ તે દિશા તરફ જાવ. ( ६७ /१५-१६ ) આટલું બોલી જટાયુએ પ્રાણત્યાગ કર્યા. ( જટાયુજીના મૃત્યુ માટે આજની ભાષામાં એમ કહી શકાય કે આપ શ્રી રામની યાત્રામાં પહેલા શહીદ બન્યા.) એ સમયે રામે લક્ષ્મણને કહ્યું કે,” सीताहरणजं दुःखं न मे सौम्य तथागत् ।“ મને સીતાહરણનું એટલું દુઃખ નથી થયું જેટલું દુઃખ મને આ તપસ્વી જટાયુનાં મૃત્યુથી થયું છે. લક્ષ્મણ મારી દૃષ્ટિમાં મહારાજ જટાયુ પિતા મહારાજ દશરથની સમાન જ આદરણીય હતાં, માટે હે અનુજ ! કાષ્ઠની વ્યવસ્થા કરો જેથી કરીને હું તપસ્વી જટાયુની અંતેયષ્ઠિ કરી શકું. આમ કહી રામે દિક્ષિતઅગ્નિહોત્રી બ્રાહ્મણોની જે વિધિ થતી હોય તે તમામ વિધિ કરી. આ પ્રસંગ એ તરફ ઈશારો કરે છે કે, ગીધ, ગરુડ જેવા ભક્ષ્ય અભક્ષ્ય ખાનારા પક્ષી માટે શું શ્રી રામ આટલો ભાવ દર્શાવી શકે કે? એમાં યે પોતાની પત્નીનાં અપહરણથી યે વધુ શોકાતુર અવસ્થા શું ગીધ જેવા પક્ષી માટે હોઈ શકે કે? “यथा तातं दशरथं यथाजं पितामहम्, तथा भवन्तमासाद्य हृदयं मे प्रसीदति ।“ શ્રી રામે કહી તે બાબતને બીજી રીતે એમ કહી શકાય કે પંચવટીમાં પોતાની કુટીયાની પાસે રહેતા, અને અવારનવાર વૃક્ષ ઉપરથી નીચે ઉતરી આવી રામની કુટીર પાસે ભક્ષ્ય શોધતાં આ પક્ષીને રામ સાથે અનુકૂળતા આવી ગઈ હશે જેથી કરી તે રામ -લક્ષ્મણથી ભય નહીં લાગતો હોય. આ બાબત આપણે ઘર આંગણે આવતાં ગાય, કૂતરા કે અન્ય પક્ષીઓ સાથે જોડી શકીએ છીએ પણ તેમને આપણે આપણાં વડીલો કે પૂર્વજો સાથે જોડી એમ નથી કહેતાં કે, તે ગાયમાં મને મારી સ્વર્ગીય માતા દેખાતી હતી, અલબત્ત ગાય માતા ખરી, આપણી પૂજનીય પણ ખરી પણ તેનું સ્થાન પ્રાણીઓમાં જ ગણાય છે. બીજી વાત એ પણ છે કે, આજનો સમય અલગ છે જેમાં આપણે આપણાં ઘરમાં ઘરનાં સદસ્ય તરીકે કૂતરા, બિલાડી, ગાય કે અન્ય પક્ષીઓને સ્થાન આપીએ છીએ ત્યારે જ્યારે આ સદસ્યોનું મૃત્યુ આપણને હૃદયથી લાગી જાય છે, તે વખતે ય તેઓ ઘરનાં સદસ્યો તો રહે જ છે પણ આપણાં સામાજિક સંબંધો સાથે તેમનું સ્થાન જોડાતું નથી. અહીં પણ જટાયુ સાથે રામ, સીતા લક્ષ્મણનો સબંધ સ્નેહનો સંબંધ હોય શકે પણ તે રાજા દશરથનું સ્થાન લઈ શકે તે વાતને માની શકાય તેમ નથી.
જટાયુ પ્રકરણથી આગળ વધતાં સીતા શોધમાં નીકળેલા સુગ્રીવના વાનરદળોનો મેળાપ સંપાતી સાથે થયો, ત્યારે તેણે પોતે જટાયુનો મોટોભાઈ હોવાનો ઉલ્લેખ કર્યો. કથાનુસાર આ સંપાતી જ્યારે સૂર્યલોક ગયાં, સૂર્યનાં અસહ્ય તેજથી તેની પાંખો બળી ગઈ જેથી કરી આપ સમુદ્રતટ્ટ પાસે ચેતનાશૂન્ય બની પડી ગયાં. ત્યારપછી આપે પોતાનું નિવાસસ્થાન સમુદ્રતટ્ટ પર જ બનાવ્યું. જૈન ધર્મનુસાર આ સમયે આ સમુદ્રતટ્ટ પાસે ચંદ્રમાન નામના મુનિ રહેતાં હતાં. તેમણે તેના પર દયા કરી તેમનો ઉપચાર કર્યો. જ્યારે સંપાતીમાં ચેતના આવી ત્યારે તેમણે મુનિવર્યનો આભાર માન્યો. મુનિવર્યએ સંપાતીને આર્શીવાદ આપતાં કહ્યું કે; જ્યારે અયોધ્યાપતિ દેવવીર દશરથની પુત્રવધૂ લક્ષ્મીસ્વરૂપા સીતાની ખોજ કરવા આવનાર દળને તેઓ જ્યારે માર્ગ બતાવશે ત્યારે તેમની પાંખો નવનિર્માણને પ્રાપ્ત કરશે.
ચંદ્રમાન મુનિ સાથે આ વાર્તાલાપ પછી ઘણાં સમય સુધી સંપાતી સીતાની શોધમાં નીકળેલા લોકોની પ્રતિક્ષા કરવા લાગ્યાં. જ્યારે ઘણો સમય વીતી ગયો અને સંપાતી વૃધ્ધ થવા લાગ્યાં ત્યારે તેમને મુનિજીની વાત નિરર્થક લાગી. તેથી એ સમય આવ્યો ત્યારે તેમણે પોતાની પાંખો નવનિર્મિત થશે એ આશા છોડી દીધેલી. પણ આ દળને તેમણે પોતાની લાંબી દૃષ્ટિ દ્વારા સીતાજી અત્યારે લંકામાં ક્યાં છે સ્થાન બતાવ્યું ત્યાર પછી તેમની બળેલી પાંખોમાં થોડી ચેતનાનો સંચાર થયો.
સંપાતીની પાંખો અને સીતા ક્યાં છે તે વિષે બીજી અન્ય પણ એક કિવદંતી છે. જેના અનુસાર બળી ગયેલી પાંખોને કારણે સંપાતી ઉડવાને અને પોતાનું ભોજન શોધવાને અસમર્થ હોઈ તેનો પુત્ર સુપાર્શ્વ તેનાં માટે ભોજનની વ્યવસ્થા કરતો હતો. એક સાંજે સુપાર્શ્વ પિતા પાસે આવ્યો ત્યારે તેની પાસે ભોજન ન હતું. આથી સંપાતીએ ભોજન ન લાવવાનું કારણ પૂછ્યું. ત્યારે સુપાર્શ્વએ કહ્યું કે; એક રાક્ષસ સમાન રાજા એક નારીનું અપહરણ કરી આકાશમાર્ગેથી દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો હતો. તે સ્ત્રી હા ! આર્ય, હા ! લક્ષ્મણ કહી કરૂણ આર્તનાદ કરી રહી હતી. હું તે સ્ત્રીને બચાવવા ગયો, પણ તે રાજાનાં અવકાશી વાહનની ઝડપ ઘણી જ વધુ હતી, તેથી હું તેની પાછળ જઈ શક્યો નહીં અને તે નારીની વિવશતા જોઈ રહ્યો. પિતાશ્રી આ પ્રસંગમાં જ હું એટલો જ ઉલઝાઇ ગયો કે ભોજન લાવવાનું ન ધ્યાન રહ્યું. આજ વાત આગળ જઈને સંપાતીએ સીતાની શોધમાં નીકળેલ વાનરદળને બતાવી છે.
અગર આ બંને કથાતત્ત્વને બાદ કરીએ અને મૂળ કથા પ્રમાણે જઈએ તો દરિયા કિનારે બેસી, લાંબી દૃષ્ટિ કરી સીતા લંકાપુરીનાં ઉદ્યાનમાં બેઠી છે તેવી સંપાતીની વાતને પક્ષીવિદ્કારોએ નકારીને કહ્યું છે કે; ગીધ, ગરુડ, સમડી જેવા પક્ષીઓ ઊંચે ઊડે ત્યારે તેઓ જમીન પર રહેલ બારીકીને જોઈ શકે છે, એટ્લે કે ઊંચાઈથી જોઈ શકે છે, પણ જમીનનાં લેવલથી માઈલો દૂર લાંબુ જોવાની દૃષ્ટિ તેમનામાં હોતી નથી. જ્યારે ઈતિહાસકારોએ સંપાતિની આ લાંબી દૃષ્ટિને ગીધદ્રષ્ટિ તરીકે ઓળખી છે, પણ જ્યારે સંશોધનની વાત આવે છે ત્યારે કેવળ ઈતિહાસકારોનો મત માન્ય ગણાતો નથી.
જટાયુની તપસ્થળી જટાશંકર:- મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં જટાશંકર નામનું એક સ્થાન છે ત્યાં જટાયુજી તપ કરતા હતા. મ.પ્ર વાસીઓની માન્યતા મુજબ આ ભાગ દંડકારણ્યનો એક ભાગ હતો, જે અનેક ઋષિમુનિઓની તપોભૂમિ હતી. એક સમયે આ ભાગમાં અસંખ્ય ગીધો રહેતાં હોઇ આ સ્થળને “ગીધીયા કોહ” નામે ઓળખવામાં આવતું હતું. પણ આજના સમયે વધતી જતી માનવવસ્તી અને કપાતા જંગલોને કારણે ગીધોની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે. પણ જટાયુજીની યાદમાં આ સ્થળે જટાશંકર શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું.
જટાયુ મંદિર:- છત્તીસગઢનાં વનભાગમાં ( પૂર્વમાં દંડકારણ્યમાં ) એક જટાયુ મંદિર છે. છત્તીસગઢનાં લોકોની માન્યતા મુજબ આ જગ્યાએ જટાયુજીએ રાવણનો પ્રતિકાર કરેલો. બીજું જટાયુ મંદિર મહારાષ્ટ્રનાં ઇગતપુરી પાસે તાકેડ ગામમાં આવેલ સર્વતીર્થ છે. માન્યતાનુસાર આ જ જગ્યા પાસે ઘાયલ જટાયુ રામ -લક્ષ્મણને મળ્યાં હતાં અને પછી અહીં જ જટાયુનાં અંતિમ સંસ્કાર રામ દ્વારા થયા હતા.
જટાયુપાર્ક કોલ્લમ:- જટાશંકર તપોભૂમિની જેમ આપણે કેરાલાનાં કોલ્લમ જિલ્લામાં આવેલ જટાયુપાર્કને પણ યાદ કરવો જોઈએ. આ જટાયુ પાર્કમાં નોંધ લખી છે કે; આ સ્થળે જટાયુ અને રાવણનું યુદ્ધ થયું હતું, પણ પુરાતત્ત્વ અને ઇતિહાસકારોને મતે આ જગ્યા એ છે જ્યાં જટાયુનો ભાઈ સંપાતિ રહેતો હતો, સીતાજીનું હરણ નાસિક પાસેથી થયેલું હતું. તેથી જટાયુ પંચવટીથી છેક સાઉથમાં લડવા માટે ન જાય, બીજું રામાયણમાં જટાયુ વારંવાર રામને કહે છે કે; તે હવે વૃધ્ધ થયો છે તેથી તે વધુ કાર્ય કરવાને અસક્ષમ છે. આના પરથી એ સમજી શકાય કે જટાયુનું યુદ્ધ નાસિક -પંચવટીની આસપાસ જ થયું હશે, છેક કેરાલામાં નહીં. તેથી આજના જટાયુ પાર્કનું પ્રમાણ સાચું નથી.
આમ અનેક મતમતાંતરથી ભરેલ જટાયુ અને સંપાતી પક્ષી હતાં, પક્ષીરાજ હતાં કે નિવૃત થયેલ વૃધ્ધ રાજા હતાં તેનો પ્રશ્ન આજે ય આપણી સામે જ ઊભો જ છે, જેનો જવાબ શું હશે તે તો રામ જ જાણે.
© પૂર્વી મોદી મલકાણ – યુ.એસ.એ purvimalkan@yahoo.com
