વસુધા ઈનામદાર
વહાલા ડૅંડી
તમારી દૈહિક ગેરહાજરીને આજે પંદર વર્ષ થયાં. હું ત્યારે દસ જ વર્ષની હતી. એ ગોજારો દિવસ મને આજે પણ અકબંધ યાદ છે. આપણે બંને જણાં મારી બર્થ ડે પાર્ટીનું શોપિંગ કરવા જતાં હતાં, એ વરસાદી સાંજ હતી. મમ્મી આપણને ન જવા માટે મનાવી રહી હતી, પણ તમે ને હું શોપિંગ કરવાના મૂડમાં હતાં.
તમે મમ્મીને મનાવવાના સૂરમાં કહ્યું હતું, “જો તારે ના આવવું હોય તો તું ના આવીશ, પણ મારી આ દીકરી માયા, મારી પરી.દસ વર્ષની થવાની ને એનું બર્થ ડે સેલિબ્રેશન તો એવું કરીશું કે બધાં જોતાં રહી જાશે. એ ધોધમાર વરસતો વરસાદ બંધ થતા જ, તમે ને હું નીકળી પડયાં. હજી તો માંડ વીસેક મિનિટનું ડ્રાઇવિંગ કર્યું હશે ને બાજુમાંની લેનમાંથી બેકાબૂ થયેલી ટ્રકે આપણી કારને ટક્કર મારી! જ્યારે હું ભાનમાં આવી ત્યારે આપણે હૉસ્પિટલમાં હતાં! મને ખાસ વાગ્યું નહોતું, પણ તમને માથામાં ઇજા થઈ હતી. ચાર દિવસ ડૉક્ટરે કરેલા બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. કોઈ તમને બચાવી શકયાં નહીં. જ્યારે પણ હું તમારી રૂમમાં આવતી ત્યારે તમારી નજર જાણે મને પૂછતી, ” બેટા, તું સહી સલામત છે ને ?” તમારી કરુણા વેરતી દૃષ્ટિ જ જાણે મારું કવચ બનીને મને સલામત રાખી. તમારી સાથેની એ અંતિમ ક્ષણો અમારાં સહુ માટે આશા -નિરાશાનું ભયંકર રોલર કોસ્ટર હતું.
ડેડી ,મને યાદ છે હું નાની હતી ત્યારે તમે મને તમારા સ્ટેથસ્કોપથી તમારા કે મારા હૃદયનાં ધબકારા સંભળાવતા . ક્યારેક એ સાંભળવા મારા કાન સરવા થઈ જતા. કેટલી વાર મેં મારા કાન તમારી છાતી પર દબાવીને એ ધબકાર સાંભળ્યા છે. તમે કહેતા, “હું તમારા હૃદયનો ધબકાર છું.”
ડૅડી એ સ્પર્શ, એ ઘબકાર મારા જીવનની સુવર્ણમય ક્ષણો હતી. એ પિતૃવાત્સલ્યની અમૂલ્ય ભેટ મેં મારા અંતરમા હજી સુધી જાળવી રાખી છે. હૉસ્પિટલમાં તે દિવસે હું તમારી રૂમમાં આવી હતી, મેં હળવેથી મારા કાન તમારી છાતી પર મૂક્યા તમારા ધીમા થઈ રહેલાં હાર્ટબીટ સંભળાવવામાં મને મમ્મીએ અને ડૉકટરે મદદ કરી હતી. તમારા એ ધબકારનાં ધાગા મારી જીવાદોરી બની છે. તમારા ગયા પછી મારી કોઈ બર્થ ડે મેં મમ્મીને ઉજવવા નથી દીધી. તમારી સાથે વિતાવેલી એક દાયકાની સ્મૃતિઓ વાગોળવાનો એ દિવસ, પણ મારી તેરમી વર્ષગાંઠને દિવસે મારી ઉદાસીનતાને દૂર કરવા મમ્મીએ એક સરસ મજાનું લાલ વેલ્વેટનું હાર્ટ આપ્યું. તે મારી નજીક બેસીને બોલી ,” માયા, તું કલ્પના કર કે આ તારા ડેડીનું હાર્ટ છે….એની પર લખ, ‘આઈ લવ યુ ડૅંડી.’ હું મમ્મીને વિચિત્ર નજરે જોઈ રહી, મને થયું કે તે ગાંડી થઈ ગઈ છે!
મમ્મી મને મનાવતી હોય તે રીતે બોલી, “જો તું તારા સુંદર હસ્તાક્ષરથી આ હાર્ટ ઉપર મેં કહ્યું તે પ્રમાણે લખીશ તો હું તને બર્થ ડે સરપ્રાઇઝ આપીશ”.
માનું મન રાખવા મેં એ પ્રમાણે લખ્યું.
મારા આશ્ચર્ય વચ્ચે તે બોલી ,”માયા, આ તારા હસ્તાક્ષરથી લખેલું વેલ્વેટનું હાર્ટ લે, ને મારી સાથે ગાડીમાં બેસ.”
મેં કહ્યું, “મમ્મી, તું ભૂલી ગઈ કે ડેડીના ગયા પછી હું તારી સાથે ગાડીમાં નથી બેસતી, કેમ કે મને હંમેશા ડર રહે છે કે આપણને અકસ્માત થાય ને તું પણ પપ્પાની જેમ મને મૂકીને જતી રહે તો?”
મમ્મીએ મને સમજાવીને બહુ મોટી સરપ્રાઇઝની લાલચ આપી. મમ્મીએ આપેલું હાર્ટ હાથમાં લઈને હું ડરતી ડરતી ગાડીમાં બેઠી. ગાડીમાં બેસીને હું તમારા વિશે વિચારતી રહી, ડૅડ મને યાદ આવ્યું કે હું ને તમે પકડદાવ રમતાં. હું તમને ખૂબ દોડાવતી પછી તમે મને ઝટ દઈને પકડીને ઊંચકી લેતા ને વહાલથી હૃદયસરસી ચાંપી દેતા. હું પણ તમને વળગીને ચૂપચાપ તમારા હૃદયનાં ધબકાર સાંભળતી! ધક્ ધક્ , ઘક્ ધક્!! તમારા વિશે વિચાર કરવામાં સમય ક્યાં નીકળી ગયો ને એકાદ કલાકમાં તો અમે સરસ મજાના નાનકડાં મકાન આગળ આવ્યાં.
ત્યાં અમને એક સુંદર યુવતીએ આવકાર્યા, ને સરસ મજાનું હુંફાળું ‘હગ’ આપીને અમને બેસાડ્યા. ને હળવા સાદે તે બોલી ‘ ડૅડ તમને મળવા કોઈ આવ્યું છે.’ તમારા કરતા ઉંમરમાં થોડાક મોટા એવા એક ઉમદા માણસે પણ હસીને અમારું સ્વાગત કર્યું. અમે એકબીજાના ખબરઅંતર પૂછયાં. મને ત્યારે જ ખબર પડી કે મમ્મી એમને ઓળખતી હતી.
મમ્મીએ કહ્યું, “માયા,તારી સાથે તું જે લાવી છે તે તું એમને આપ.” હું આશ્ચર્યથી મમ્મીને જોઈ રહી. મમ્મી બોલી, “તારા ડૅડીનું હૃદય આ અંકલને આપ્યું છે.” હું અંકલની પાસે દોડી ગઈ. એમણે મને તમારી જેમ હદયે ચાંપી. મેં મારા વહાલસોયા પિતાના હૃદયની ધકઘક સાંભળી, મારી આંખમાંથી આંસુ સરી પડયાં સુખના કે દુઃખનાં ખબર ના પડી!
ત્યારે મને સમજાયું નહોતું કે હું ખુશ હતી કે નાખુશ? પણ, હું એવું કાંઈક વિચારું તે પહેલાં એમની મોટી દોકરીએ કહ્યું, “આઈ એમ સો સૉરી ફોર યૉર લોસ,બટ યોર ! ફાધર ગેવ મી એ ગિફટ ઓફ માય ડૅડ. જો તમે એમનું હૃદય ડોનેટ ન કર્યું હોત તો આજે હું અને મારી અપંગ બહેન અનાથ હોત, વર્ષો પહેલાં અમારી માને અમે ગુમાવી દીધી છે.”
હું કશું કહું તે પહેલાં એમની નાની દીકરી વીલ ચેરમાં આવીને મને અને મમ્મીને થેંક્યુ કહીને રડવા લાગી! મારાથી પણ મમ્મીને થૅકયું કહેવાઈ ગયું. તમે અંકલના હૃદયસ્થ છો જાણ્યા પછી તમારા હૃદયની ધક્ ધક્ સાંભળવા મારું મન ઘેલું બની જતું. સુખ દુઃખની અશબ્દ લાગણીથી હું ભીંજાઈ જતી! મારી અને તમારી ઘણી વાતો મમ્મીએ એમને કરી હશે એટલે જ કદાચ તેઓ જ્યારે હું એમને મળવા જઉં ત્યારે હળવેથી મારું માથું તમારા હૃદય પર મૂકતા. એ હૃદયની ધક્ ધક્ જાણે મને પૂછતી, “માયા તું સલામત છે ને?”
આજે એ વાતને વર્ષો થઈ ગયા. એમની દીકરીઓ હવે મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. અંકલ પણ મારા, ‘દોસ્ત ડૅંડ’ બન્યા છે. હું મારી બર્થ ડેના દિવસે એમને મળવા અચૂક જઉં છું ને ફાધર્સ ડેનું કાડ ભૂલ્યાં વગર મોકલું છું. એમણે મને એક દિવસ કહ્યું ,”તું તારા પિતા વિશે વાત કર.” મેં એમને કહ્યું, “મારા પિતાએ મને જીવન આપ્યું છે. મારા પર અગણિત સ્નેહ વરસાવ્યો. તેઓ મારી દૃષ્ટિએ ખૂબ શક્તિશાળી ને કરુણાવંત હતા. હી વૉઝ માય સ્ટાર એન્ડ હી વૉઝ માય સુપર હીરો!!”
અમે પહેલી વાર મળ્યા પછી હૃદય પિતા તરફથી સુંદર પત્ર આવ્યો હતો. તેમણે લખ્યું હતું, “તારા પિતાની વહાલી દીકરી, હું ભલે તારો જન્મદાતા નથી, પણ તારા પિતા મારા પુનર્જન્મદાતા છે એ વાત હું ક્યારેય નહી ભૂલું! હું મારી બે દીકરીઓનો તો પિતા છું જ, પણ તારોય ‘હૃદય પિતા’ છું! તારા પિતાના હૃદયમાં તારા વિશે વહેતી સ્નેહ સરવાણી મારી પાસે અકબંધ છે. મારા પુનર્જન્મ સાથે જ તારું પણ આગમન મારા જીવનમાં થયું છે. આ હૃદયનાં ધબકારા તને કહેતા રહેશે ‘ બેટા તું સલામત રહેજે.”
તેઓ ચિત્રકાર છે. એમણે મારો અને તમારો પોર્ટરેટ દોરીને મને કૉલેજ ગ્રેજયુએશનની ગિફટમાં આપ્યો છે!! ત્યારે મેં તમને ખૂબ મિસ કર્યા હતા!! હવે એ ‘હૃદયપિતાને’ હું ‘ દોસ્ત ડૅંડ ‘ કહું છું!!
મારા જીવનના હરેક વળાંકે હું તમારી ખોટ અનુભવું છું. હવે હું નોકરી કરું છું. થોડા સમયમાં હું લગ્ન કરવાની છું. મેં મારા ‘દોસ્ત ડૅડ’ ને જઈને વાત કરી ને પૂછ્યું કે “તમે લગ્નમાં હાજરી આપશો ને? તમને મારું કન્યાદાન કરવું ગમશે ને?” સજલ નેત્રે એમની સંમતિ મળી . એમણે હંમેશની જેમ સ્ટેથસ્કોપ કાઢીને મને આપતા હસીને કહ્યું , “આજે બે ડૅડ એક જ હદયમાં બેસીને તને પૂછવાના છે કે બેટા તું સલામત છે ને? બેટા તું ખુશ છે ને? હૃદયની ધક્ ધક્ વધારે સંભળાય તો તું ગભરાતી નહીં.”
મારું મન બોલી ઊઠ્યું, “થેંક યુ ડૅડ, ફૉર બીઇંગ ધેર્ ફૉર માય કન્યાદાન !! ” અને બાજુમાં બેઠેલી મમ્મીને હળવે રહીને કહ્યું , “થૅકયુ ફૉર હૃદયદાન”! મમ્મીએ તમારી અંતિમ ઇચ્છા પૂર્ણ કરી, તેનો મને આનંદ છે અને એ વાતનો મને ગર્વ છે.
એકવાર મારા મિત્રે મને તમારા વિશે ખૂબ સરસ વાત કહી હતી. એણે કહ્યું હતું, ‘કેટલીક પાર્ટીઓમાં ‘રિટર્ન ગિફટ ‘ આપતા હોય છે તેમ તારા પિતા પૃથ્વી પરથી સ્વર્ગમાં જતા જતા ‘હૃદયદાન’ કરીને ‘રિટર્ન ગિફટ’ આપતા ગયા છે.
ડૅડી આજે મારા મનની વાત તમને પત્ર દ્વારા જણાવીને હું ખુશ છું. આ સાથે મારા લગ્નમાં તમારી આત્મિક હાજરીની અપેક્ષા સાથે વિરમું છું.
વસુધા ઈનામદાર | Email- mdinamdar@hotmail.com

નવીન વિષય અને સુંદર પત્રલેખન
LikeLike
હૃદયસ્પર્શી વાર્તા.
LikeLike