તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ. પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

દવા ક્યાં સુધી સાચવી/વાપરી શકાય એની સમજ બહુ જરૂરી છે.

એક્સપાયરી ડેટ/અવધિ તારીખ એટલે દવાના પેકિંગ ઉપર ઉત્પાદન કરનારી કંપનીએ છાપેલી એ નામની તારીખ, ત્યાં સુધીમાં દવા વાપરવાથી તેની ઉપયોગિતા અને અસરકારકતા (Potency and Efficacy) માટે આપેલી બાંહેધરી, જો યોગ્ય રીતે દવાના પેકિંગ સાથે સાચવી હોય તો.
એક્સપાયરી ડેટ ની શું જરૂર?

(૧) દવા આમ તો કોઈક જાતનું રસાયણ (Chemical) જ હોય છે, લાંબા સમયે એનામાં ફેરફાર (Degraded/Chemical Change) થઈ શકે છે, ખાસ કરીને, પેકિંગ ખોલ્યા પછી વાતાવરણના ભેજથી, સૂર્ય પ્રકાશથી, ગરમીથી, તેમાંનાં પ્રીઝર્વેટિવથી, વગેરે. આથી તેની ઉપયોગિતા ઓછી થાય કે નાશ પામે, બીજા રાસાયણિક ફેરફારો થઈ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે. જંતુઓ લાગે અને તેનાથી ચેપ થાય (Infection). આવું ખાસ કરીને પ્રવાહી રૂપે વપરાતી દવાઓમાં વધારે પ્રમાણમાં થાય છે. દા.ત. બાળકો માટે વપરાતાં સિરપ, વિટામિન અને બીજી શક્તિની દવાઓ, આંખના ટીપા વગેરે.

(૨) કાનૂની જરૂરિયાત (Legal Requirements) – એ તારીખે દવાની ઉપયોગિતા ઓછામાં ઓછી ૯૦ % હોવી જોઈએ, એ તારીખ પછી નુકસાન કરે એવા ફેરફાર વગેરે.

આ સમય-અવધિ ૧ થી ૫ વર્ષનો હોય છે. એનો અર્થ એવો કે કંપનીએ એ સમય સુધી જ એની ઉપયોગિતા તપાસી (studied) છે, અને કાયદાકીય રીતે ત્યાર પછીની તેની જવાબદારી નથી. (કંપની ફાયદા માટે એક્સપાયરી ડેટ ઓછી રાખે એ માનવું યોગ્ય નથી).

થોડા શબ્દોના અર્થ આ માટે સમજવા પડે, કારણ કે દવાની કંપની જુદા-જુદા શબ્દોમાં એક્સપાયરી ડેટ લખે છે.

Expiry Date – આપેલા મહિનાની છેલ્લી તારીખ સુધી વાપરી શકાય.
Expires – આપેલી તારીખ પહેલાં/લખેલા મહીના પહેલાં વાપરવી.
Use by Date – આપેલી તારીખ/મહીના પહેલાં વાપરવી.
Use Before – આપેલી તારીખ મહીના પહેલા, એટલે કે આગળના મહિનાની છેલ્લી તારીખ સુધી.

જોકે થોડા દિવસોમાં ખાસ વાંધો ના આવે, છતાં કંઈ અજુગતું બને તો ડૉક્ટરને જવાબ આપવો અઘરો પડે.

હવે જોવામાં આવ્યું છે કે લોકો મોંઘી દવાઓ ફેંકી દઈ શકતા નથી વાપરવા લલચાય છે. અને ઘણા સંશોધનો પછી તારણો નીકળ્યાં છે કે અમુક દવાઓ જે ટેબ્લેટ કે કેપ્સ્યુલના પૅકમાં છે તે વર્ષો સુધી એની ઉપયોગિતા ગુમાવતી નથી. આથી બંને બાજુ આર્થિક નુકસાન થાય છે, અને વધારામાં એ દવાઓનો નાશ કરતાં પર્યાવરણને પણ નુકસાન કરીએ છીએ.

તો શું કરવું?

ટેબ્લેટ (Tablets) કે કેપ્સ્યુલ (capsules)માં આવતી દવાઓ વાપરવાથી વાંધો આવતો નથી, એટલે કે એવી દવાઓની સંઘરવાનો સમય (Shelf Life) એક્સપાયરી ડેટથી વધારે હોય છે. દા.ત. તાવ/દુખાવા માટેની ગોળીઓ (Paracetamol like Crocin, Metacin, Brufen), કેટલીક એન્ટિબાયોટિક્સ, દા.ત. એમોક્સિસીલિન, સીપ્રોફ્લોક્ષાસીલિન (Amoxicillin, Ciprofloxacillin).

પ્રવાહી દવાઓ, આંખના ટીપાં (eye drops) બાળકો માટેનાં સિરપ (Syrup), વિ. ને પૅકિંગ ખોલ્યા પછી થોડા દિવસોમાં જ વાપરવા પડે, બરાબર ઠંડક વાળી જગામાં, સૂર્ય પ્રકાશથી દૂર રાખીને, ઢાંકણું બરાબર જંતુમુક્ત રીતે બંધ રાખીને.

સાવધાની – Warning

હવે આટલું જાણ્યા પછી સામાન્ય બુદ્ધિ (Common Sense) વાપરવી જરૂરી છે. જો દવા સામાન્ય રોગની હોય તો ચાન્સ લેવામાં વાંધો નથી દા.ત. માથું દુઃખે ત્યારે પેરાસીટેમોલ (Paracetamol like Crocin), શરીરના કળતર માટે બ્રુફેન (Brufen) જેવી દવાઓ લેવાય તો અસર ના થાય તો સમજી શકાય. પણ જો હૃદય રોગ (For Angina Glyceryl Trinitrate) તાણ માટે (Anticonvulsants), ડાયાબીટીસ માટેનું ઇન્સ્યુલિન, રસીકરણની દવાઓ (Vaccines) કે બીજી જાન બચાવનાર દવાઓ (like Adrenakine) એક્સપાયરી ડેટ પછી ના લઈ/આપી શકાય. અને બને તો ડૉક્ટરને પૂછીને ખાત્રી કરવી.

દવાઓમાં નીચે દર્શાવેલા ફેરફારો હોય તો પણ ના લઈ શકાય.

(૧) કલર બદલાયો હોય.
(૨) ખરાબ કે બદલાયેલી ગંધ આવતી હોય.
(૩) સ્વાદ બદલાયો હોય.
(૪) ડહોળાયેલી કે પ્રવાહી અને રસાયણ છૂટાં પડેલાં દેખાય.
(૫) ફૂગ ચડેલી દેખાય.

અંતમાં મારી સલાહ – “દુઃખી થવા કરતાં સ્વસ્થ રહેવું સારું”. Better be safe than sorry. Drug is like a sword, it can protect and kill too!

Punch line –

સહજપણે આપણે
પ્રિય વ્યક્તિને
“આઈ લવ યુ”
કહીએ છીએ ત્યારે
ખબર ક્યાં હોય છે
કે-
શબ્દોને પણ
એક્સપાયરી ડેઇટ હોય છે!

–જનક વ્યાસ


ક્રમશ: 


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.