શૈલા મુન્શા
હિટલરનુ એક વાક્ય બહુ જ અદ્ભૂત છે. એણે કહ્યું હતું,
“તમારા ચારિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે જ્યાં ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે. ચારિત્રને બનાવો તો આકાશ જેવું બનાવો જેના સુધી પહોંચવાની સૌની પ્રબળ ઈચ્છા હોય.”
વસુધા વિચારી રહી, કદાચ એણે સહુને પોતાની જિંદગીમાં લટાર મારીને જતા રહેવાની છૂટ આપી, કદાચ બધાંએ એની સારપનો પૂરતો લાભ લીધો.
આમ તો વસુધા શાંત સ્વભાવની, પણ બિલ્ડીંગમાં રાજ એનુ ચાલે. રમતી વખતે એ જ નક્કી કરે કે આજે કઈ રમત રમવી છે. મોટો ફાયદો એ કે માસી એના બિલ્ડીંગમાં રહે અને એમને ત્રણ દીકરા,એટલે વસુધા એમની ખૂબ લાડકી. માસીનો સહુથી નાનો દીકરો અને વસુધા લગભગ સરખી ઉંમરના. જયેશના જેટલા મિત્રો રમવા આવે ત્યારે રમત વસુધાએ જ નક્કી કરવાની કે આજે ક્રિકેટ રમવી છે કે ગીલ્લી દંડા, સ્કૂલમાં વસુધા સહુથી ઓછાબોલી, પણ નિંબંધ સ્પર્ધા કે વકૃત્વ સ્પર્ધામાં હમેશ ઈનામ જીતી લાવે.
ઘરની સ્થિતિ સામાન્ય એટલે નાનપણથી વસુધાએ કોઈ મોજશોખ જોયા નહોતા, કે કદી કોઈ માંગ કરી માતા પિતાને મૂંઝવ્યા નહોતા. જેમ જેમ સમજ આવતી ગઈ, બસ એક જ વિચાર કે હું ઘરની તકલીફ દૂર કરવામાં કેવી રીતે મદદરૂપ બનું. વસુધાએ S.S.C. માં આવતાની સાથે જ બિલ્ડીંગનાં પહેલાં, બીજા ધોરણમાં ભણતાં બાળકોને ભણાવવાનુ શરૂ કર્યું. જે થોડીઘણી આવક થતી એ પોતાની જરૂરિયાત અને ઘરની જરૂરિયાતમાં વપરાઈ જતી.
હરેક બાળકીની જેમ વસુધાએ પણ ઘણાં સપનાં સેવ્યાં હતાં, ભૂગોળ ભણતા દુનિયાની સફર કરવાના, નક્શામાં દેખાતા અમેરિકા ખંડ કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના, અરે! બીજું કાંઈ નહિ તો પિક્ચરમાં દેખાતા કાશ્મીરના પહાડો અને ડાલ સરોવરમાં વહેતી બોટહાઉસમાં થોડા દિવસ રહેવાના, સીમલાની વાદીઓમાં બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકવાના. કોઈ મસમોટા સપનાં તો નહોતા, અને વસુધાને લાગતું કે જરૂર આજે નહિ તો કાલે આ બધાં સપનાં અચૂક પૂરાં થશે. કોલેજનાં અંતિમ વર્ષમાં મનોજ એના જીવનમાં આવ્યો. મનોજ ખૂબ વાતોડિયો અને કોઈને પણ મિત્ર બનાવતા વાર ના લાગે. કોલેજની યુવતીઓ સાથે ફ્લર્ટ કરવામાં પાવરધો, પણ કોણ જાણે કેમ વસુધાની સાદગી અને શરમાળપણું મનોજને પસંદ આવી ગયું. ધીરે ધીરે વસુધા મનોજની વાતોમાં ભોળવાતી ગઈ અને દોસ્તીએ ક્યારે પ્રેમનુ રૂપ લીધું એ વસુધાને ખબર પણ ના પડી.
વસુધાની સાદગી અને સંસ્કારિતા મનોજના મમ્મી પપ્પાને પસંદ આવી ગઈ અને કોઈ વિઘ્ન વિના વસુધાનાં મનોજ સાથે લગ્ન થઈ ગયાં. મોરના પીછાંને કદી શણગારવા ના પડે એ કહેવત સાર્થક કરતી હોય એમ વસુધા દૂધમાં સાકર ભળે એમ સાસરિયામાં સમાઈ ગઈ.
શરૂના વર્ષો તો ઓફિસનો જોબ, ઘરની જવાબદારી, બાળકોનાં ઉછેરમાં પલક ઝપકતાં વીતી ગયાં.
બંને દીકરા મોટા થતાં પોતાની દુનિયામાં રમમાણ રહેવા માંડ્યા. વસુધાની વાતો, એની સલાહ હવે એમને જુનવાણી લાગતી. મનોજનો અસલી રંગ છતો થવા માંડ્યો. પોતાની જરૂરિયાતો અને પોતાના સિવાય એને પૂરી દુનિયા તુચ્છ લાગતી. ખેર! દીકરાઓ તો પરણીને પોતાના જીવનમાં ગોઠવાઈ ગયા, પણ વસુધાને જ્યારે મનોજની સહુથી વધુ જરૂર હતી ત્યારે મનોજ રોજ કોઈ નવા ધંધાનુ એલાન કરતો, પૈસાનુ પાણી કરતો. વસુધાએ કેટલો પ્રયત્ન કર્યો મનોજને સમજાવવાનો, પણ મનોજને મન તો વસુધાની કોઈ કિંમત નહોતી. તને શું ખબર પડે કહી વસુધાને બોલવા જ દેતો નહિ અને વસુધા આગળ દલીલ કરવા જાય તો ઘરમાં ધમાધમ થઈ જતી. ધીરેધીરે વસુધાનુ બોલવાનુ સાવ ઓછું થઈ ગયું. ઓફિસથી આવી રસોઈ કરી, જમીને થોડું ટીવી જોઈ સુવાનું. બસ યંત્રવત દિવસ શરૂ થતો ને આથમતો.
સહુની મદદે આવતી વસુધાને લાગવા માંડ્યું કે કોઈને એની જરૂર નથી. બધાંની સાથે હોવાં છતાં જીવનમાં એક ખાલીપો આવી ગયો. રાતોની રાતો એની એકલતાનું સાક્ષી એનું ઓશીકું હતું જે આંસુઓથી ભીંજાતું રહેતું.
કેટલીય વાર એને થતું બસ! આજે રાતે ઊંઘમાં જ મારો અંત આવી જાય, સવારે ઉઠું જ નહિ. કોઈને ક્યાં કશો ફરક પડવાનો છે! અને એને હિટલરનુ વિધાન યાદ આવ્યું. “શા માટે હું મારી જાતને લાચાર સમજું છું? શું નથી મારી પાસે ? ભણતર છે, સારી નોકરી છે, આત્મવિશ્વાસ છે. મારું જીવન કાંઈ સાર્વજનિક બગીચા જેવું નથી કે કોઈપણ લટાર મારીને ચાલી જાય અને વસુધાએ પોતાના સપનાં સાકાર કરવાં, બાકીના વર્ષો પોતાની ખૂશી માટે જીવવા પોતાના જીવનનો મહત્વનો નિર્ણય પહેલીવાર પોતાની જાતે લીધો. પોતાના જીવનની પાટી પરથી દુઃસ્વપ્ન જેવા એ દિવસો કાયમ માટે નાબૂદ કરી દીધાં!
પાંત્રીસ વર્ષના લગ્નજીવનને છોડી સ્વમાનભેર સ્વતંત્ર રહેવા ઘર છોડી જવાનો નિર્ણય કર્યો.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
