પુસ્તક પરિચય

આઝાદી સમયની જીવનશૈલી અને માનવીય સંબંધોની ગૂંથણીનો હળવાશભર્યો દસ્તાવેજ

પરેશ પ્રજાપતિ

સામાન્ય સમજણ અનુસાર કોઇ ઉચ્ચતમ સિદ્ધિ મેળવી હોય એ પોતાનાં જીવન વિશે કશું લખે, જેથી અન્યોને પ્રેરણા મળી રહે! વ્યક્તિના જીવનમાં સંઘર્ષો અથવા અણધાર્યા વળાંકો હોય તો એ લખવા માટેની દાવેદારી પાકી મનાય. જો કે પુસ્તક ‘મંઝિલ વગરની સફર’ના આલેખક ડૉ. યોગેશ પુરોહિત જીવનના સ્વાભાવિક ક્રમમાં બાળકમાંથી કિશોર અને યુવાન થયા. શિક્ષણના સ્વાભાવિક ક્રમમાં તેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને નોકરી મેળવી; લગ્ન કર્યું અને સંસાર માંડ્યો. નથી તેમના જીવનમાં કોઈ મોટા સંઘર્ષો કે નથી ચોક્કસ ધ્યેય હાંસલ કરવાની ધખના. બલકે, યોગેશભાઇની જીવનસફર ‘જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમઝ લીયા’ની ફિલસુફી પર આગળ ધપતી જણાય છે. જેમ કે, તેમનો ઝુકાવ ભાષા તરફ પણ નોકરી ઝડપથી મેળવવાના હેતુથી ભણ્યા અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તો ઇતિહાસ ભણ્યા! પીએચ.ડી. કરવાની ઇચ્છા હતી મોનેટરી ઇકોનોમિકસમાં, પણ કર્યું લેબર ઇકોનોમિક્સમાં! નોકરીઓ પણ અલગ અલગ કરી. આમ, તેમની  સફર અનિશ્ચિતતાના પથ પર આગળ ધપતી રહી.  તેથી જ યોગેશભાઇએ તેને ‘મંઝિલ વગરની’ કહી છે. જો કે, યોગેશભાઇનો જન્મ(૧૯૪૧) આઝાદી પહેલાંના રાજપીપળા સંસ્થાનમાં થયો હોવાથી તેમની સ્મરણકથામાં એ સમયનું પ્રતિબિંબ ઝિલાયું છે.

૧૬૨ પાનમાં આલેખાયેલી યોગેશભાઇની જીવનસફરના આલેખમાં તત્કાલિન રાજપીપળાનું, ચોક્કસ ખૂબીઓ ધરાવતી નગરની વિશિષ્ટ વ્યક્તિઓનું તેમજ પરસ્પર સંબંધોની ગૂંથણીનું વર્ણન વાંચવા મળે છે. ‘રાઇ, મેથી જેવી વસ્તુઓ દિવાસળીની પેટીઓમાં અને ચા- ખાંડ સિગારેટના ડબ્બામાં રહેતા.’ એ પરથી ઘરની પાતળી આર્થિક સ્થિતી વિશે ઠીક તાગ મળે છે. જો કે, જીવનના વિવિધ તબક્કે પિતાએ ઉભી કરેલી શાખ ઘણી ઉપયોગી નીવડ્યાના કિસ્સા તેમણે લાક્ષણિક શૈલીમાં આલેખ્યા છે.

પુસ્તકમાં કેટલાંક અભાવો સાથે જીવાતા ગ્રામ્યજીવનમાં ‘વન મેન આર્મી’ જેવા મકાનના પ્લાનિંગથી માંડી ઇન્ટીરીયર ડિઝાઈન સુધીનાં તમામ કામ સંભાળતા દલસુખ મિસ્ત્રી કે બાળકની જન્મકુંડળી બનાવવાથી માંડી તેનાં લગ્ન અને ભવિષ્યની બાબતો વિશે સેવા આપતા શિવપ્રસાદ જોષી જેવી વ્યક્તિઓનાં રસાળ પાત્રાલેખનો વાંચવા મળે છે. એ ઉપરાંત પુસ્તકમાં તે સમયની શિક્ષણ પ્રણાલી વિશે માર્મિક ચિતાર આપતાં તેમણે લખ્યું છે,- ‘છોકરો ભણે નહીં તો મારજો’ અને તોફાન કરે તો મારજો’ આ બે વાક્યોમાં મા- બાપની જવાબદારી પૂરી થઇ જતી અને શિક્ષકની જવાબદારી શરૂ થતી. એ સાથે શાળામાં સાહજિક રીતે પીરસાતા સામાન્ય જ્ઞાન તથા વિદ્યાર્થીની વ્યક્તિગત ધોરણે અપાતી જીવનોપયોગી ટિપ્પણીઓ પણ તેમણે નોંધી છે. પહેલી વખત શાળાએ જતી વખતે બાળકને મળતાં માનપાન અને બીજા દિવસે થતા વાસ્તવિકતાનો અહેસાસ, બેચલર લાઇફના પ્રસંગો તથા જમવાનું બનાવવાનાં વિવિધ પ્રયોગો સહિત અનેક મજેદાર આલેખનો વાંચવા મળે છે.

પૉલીસની કટિબદ્ધતાના એક કિસ્સામાં તેમણે નોંધ્યું છે કે પોતાની સાયકલ યોગ્ય સ્થળે પાર્કિંગ નહીં કરવા બદલ પોલીસે તેમને મેમો પકડાવ્યો હતો. એટલું જ નહીં, તેનો દંડ ન ભરતાં પોલીસ ઘેર આવીને વસૂલી ગઇ હતી! અમદાવાદી ખાસિયતનો પરિયચ આપતાં તેમણે લખ્યું છે કે ક્યાંય અકસ્માત વખતે લોકટોળું જામે એટલે પોલીસ લાયસન્સ ચેક કરવાનું શરૂ કરી દે. આ અવલોકનો જે- તે સમયની વાસ્તવિકતા ઉજાગર કરે છે.

યોગેશભાઇએ ભરૂચનો એક કિસ્સો નોંધ્યો છે કે તેમનાં ઇન્ટર્વ્યુની આગલી રાત્રે તે ભરુચ પહોંચ્યા ત્યારે રાત ક્યાં કાઢવી તે પ્રશ્ન ઊભો થયો. કોઈ સુવિધા ન હોવાથી તે સમયે પાંચબત્તી વિસ્તારની બંધ થવાની તૈયારી કરતી ‘ગાર્ડન રેસ્ટોરન્ટ’ પર તેમણે બળાપો કાઢ્યો ત્યારે એ માલિકે ચા- બિસ્કીટ ખવડાવ્યાં, બે ટેબલ ભેગાં કરી પથારી કરી આપી અને સવારે ગરમ પાણીથી નહાવાની સુવિધા પણ આપી. બદલામાં તેણે એટલું કહ્યું કે ભરૂચને વગોવશો નહી. આ કિસ્સો છે પોતાના નગર પ્રત્યે માન, વ્હાલ અને ઉજળી છાપનો!

તે સમયે પરસ્પર વિશ્વાસ અને એકબીજાને મદદ કરવાની ક્રિયા કેટલી સહજ હશે તે વિશે પુસ્તકમાં કેટલાક કિસ્સા છે. પુસ્તકમાં એક ઘટના વર્ણવાઇ છે કે જેમાં યોગેશભાઇ રાતની ટ્રેનમાં સફર કરતાં ડૉક્ટર દંપતીને પોતાને ત્યાં તેડી લાવે છે. યોગેશભાઇ અને તેમના મિત્રોનો પ્રેમ અને સહકાર જોઇ એ દંપતિ વધુ એક દિવસ રોકાવાનો નિર્ણય કરે છે. આ સંબંધે ગાઢ મૈત્રીનું સ્વરૂપ પકડ્યું અને આગળ જતાં યોગેશભાઇની એક વિદ્યાર્થીનીને દાક્તરી સારવારની તાત્કાલિક જરૂર ઊભી થઇ ત્યારે એ દંપતીએ ખડે પગે હાજર રહી મોંઘીદાટ સારવાર અને દવાઓ વિના મૂલ્યે પૂરી પાડી તેનો ઉપચાર કર્યો હતો! આ કિસ્સો અણમોલ મૈત્રીસંબંધનો હોવા ઉપરાંત ડૉ. યોગેશ પુરોહિતની મિત્રાચારી કેળવવાની આવડતનો પણ છે, કે જેનો બીરેન કોઠારીએ લખેલા પુસ્તકના આવકાર લેખ ‘ભેટમાં મળેલા મિત્ર અને તેમની મૈત્રી’માં પણ દિશાનિર્દેશ કર્યો છે.

પહેલી નજરે ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ જેવી જણાતી તેમની આ સફરકથા અંગે ડો. યોગેશ પુરોહિતે નોંધ્યું છે કે, ‘‘કોલંબસની સફરની જેમ છેવટે મંઝિલ તો પ્રાપ્ત થઇ, ભલે નિયત સ્થળે નહીં, પણ અન્ય સ્થળે! મૂળ વાત તો સફરના આનંદની છે…’

આ સફર સાથે આઝાદી પહેલાંનો અને તરત પછીનો કાળખંડ અભિન્નપણે જોડાયેલો હોવાથી એ સમયગાળાનું જીવન,સમાજમાં જોવા મળતાં પરસ્પર હૂંફ અને પ્રેમ તથા નિસ્વાર્થભાવે મદદ કરવાની તત્પરતા વગેરે જેવાં ઉદાત્ત માનવીય ગુણોથી પણ વાચક અવગત થતો રહે છે.

પુસ્તકનું સુંદર આવરણ ચિત્ર યોગેશભાઇના પુત્ર પર્વ પુરોહિતે બનાવ્યું છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

મંઝિલ વગરની સફર:ડૉ. યોગેશ પુરોહિત

પૃષ્ઠસંખ્યા : 162 + 16
કિંમત : ₹ 300

પ્રકાશક: ગીતા પ્રકાશન
પ્રાપ્તિસ્થાન: ડૉ. યોગેશ પુરોહિત, 59 સૌંદર્ય બંગલોઝ, સંત કબીર સ્કૂલ પાસે, વાસણા રોડ, વડોદરા – 390007
સંપર્કઃ +91 98981 28241


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com