(૧)

બાવળને પાણી

રક્ષા શુક્લ

બાવળને મેં પાણી પાઈ ઘાવ બધાયે લીલા રાખ્યા.
ચાકુ-બાકુ, કરવત-બરવત, કુહાડી કૂવામાં નાખ્યા.

કૂવે નાખતા ચાકુ પહેલા શબ્દોની મેં નાળ્યું વાઢી,
બાવળિયાના કાંટે ઊંચી ડોકે ફરતી ફાંસું કાઢી.

અંધારે ઊભેલા ઈર્ષા, અહંકારની ચિતા ટાઢી,
સંબંધોમાં સ્હેજ ઊતરતા, તરવા લાગી સમજણ ગાઢી.

છાંવ છાંવ ‘ને વૃક્ષોની વનરાજીના મેં દુવાર વાખ્યાં.
બાવળને મેં પાણી પાઈ ઘાવ બધાયે લીલાં રાખ્યા.

કાલ સુધી થાતું કે બે-ત્રણ વેણ નહીં, લે, બાવી બોલું,
એના કરતબ, એની પોલંપોલ હવે હું પળમાં ખોલું.

ભીતર બેઠો ભોજો બોલ્યો, ‘મેલ, મમત, મંજિરે ડોલું,
બાવળના બેસૂરા બોલે અમથું કાં મનજીને છોલું ?

દરિયાને બોલાવી રણઝણ પીડાના મીણાને ચાખ્યા.
બાવળને પાણી પાઈ ઘાવ બધાયે લીલા રાખ્યા.

(૨)

હિતેન આનંદપરા

કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે,
કોઈ તારી પીડને જીરવી જવા તૈયાર છે?

રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી,
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે.

કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે,
શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે.

વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું,
આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે.

એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં તો સ્વયં પોતે જ હિસ્સેદાર છે.