મંજૂષા
વીનેશ અંતાણી
સિત્તેર વર્ષની દાદી એના પૌત્રને આખો દિવસ કમ્પ્યૂટરની સામે બેઠેલો અથવા એના સ્માર્ટ ફોનમાં જ રચ્યોપચ્યો જોતી ત્યારે એનો જીવ કપાઈ જતો. એ શું કરે છે તેની સમજ પડતી નહીં. એક દિવસ એણે પૌત્રને તે વિશે પૂછ્યું. પૌત્રે દાદીને કમ્પ્યૂટર વગેરેને કારણે આવી ગયેલી ક્રાંતિની વાત કરી અને એના ફાયદા જણાવ્યા. દાદીએ કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાનું શીખવાની ઇચ્છા દર્શાવી ત્યારે પૌત્ર હસી પડ્યો. એણે કહ્યું: ‘દાદી, હવે આ ઉંમરે તમારાથી કોમ્પ્યૂટર-બોમ્પ્યૂટર શીખી શકાય નહીં. તમારી પેઢીમાં એવી સ્માર્ટનેસ પણ નથી.’ દાદીને અપમાન લાગ્યું. એણે આખી જિંદગી મહત્ત્વની નોકરી કરી હતી અને પોતાના પરિવારને આર્થિક અને બીજી બાબતોમાં સારું એવું ઊંચું લાવી શકી હતી. એણે એનાં દીકરા-દીકરીને સારું શિક્ષણ અપાવ્યું હતું. તે કારણે જ એનાં સંતાનો આજે સારી મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરી રહ્યાં હતાં અને પોતાનાં સંતાનોને ઉચ્ચ જીવનશૈલી આપી શક્યાં હતાં. એ જ વ્યક્તિ એની ઉંમર મોટી થઈ ગઈ છે માત્ર એ જ કારણે નવું શીખવાની આવડત ગુમાવી બેસે?
દાદી એના પૌત્રને ખોટો પાડવા માગતી હતી. એણે પોતાની મેળે એના શહેરમાં કમ્પ્યૂટર શીખવતી સંસ્થા શોધી. દરરોજ ત્યાં જવા લાગી અને થોડા સમયમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરતાં શીખી ગઈ. એણે પોતાના માટે એક લેપટોપ ખરીદ્યું. થોડા મહિનામાં એને કમ્પ્યૂટર સાથે દોસ્તી થઈ ગઈ અને તેને કારણે આધુનિક ટેકનોલોજીના બધા જ પ્રકારના ફાયદા ઉઠાવવા સક્ષમ બની ગઈ. એને સૌથી મોટો સંતોષ એ વાતનો થયો કે એ હવે બીજા કોઈ પર આધારિત રહી નહોતી, એ એનાં ઘણાં કામ જાતે કરી શકતી હતી. એ થોડાં વર્ષોથી, ખાસ કરીને નિવૃત્તિ પછી અને પતિના અવસાન પછી, જે પ્રકારનું બોરડમ, લાચારી અને એકલવાયાપણાનો ભોગ બની હતી તેમાંથી એને મોટી રાહત થઈ. એને લાગ્યું કે એ ફરીથી પગભર થઈ છે.

સામાન્ય રીતે અત્યારે પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પહોંચેલી વ્યક્તિઓ ટેકનોલોજીના ક્ષેત્રમાં આવેલા વિરાટ પરિવર્તનથી પોતાને ડઘાઈ ગયેલી અનુભવે છે. એમણે એવો સમય જોયો છે, જ્યારે લેન્ડલાઈન ફોન એક પ્રકારની લક્ઝરી હતી અને તેની પહોંચ થોડા શ્રીમંત લોકો સુધી જ હતી. ફોનનું કનેક્શન મેળવતાં વર્ષો લાગી જતાં. એમણે સંદેશાવ્યવહાર માટે મોટે ભાગે ટપાલી કે તારખાતા પર જ આધાર રાખ્યો હતો. એમણે નાના કામ માટે બેન્કમાં અનેક ધક્કા ખાધા છે, ટ્રેંનની ટિકિટ બુક કરાવવા તેઓ કલાકો સુધી લાઈનમાં ઊભાં રહ્યાં છે. એમના માટે ‘ઇન્સટન્ટ’ જેવું કશું નહોતું.
હવે લોકો ક્ષણ માત્રમાં દુનિયાના કોઈ પણ ભાગમાં સંપર્ક કરી શકે છે અને સંદેશાની આપલે કરી શકે છે. તે જોઈને આગલી પેઢીના લોકો દિગ્મૂઢ થઈને જાણે જોયા કરવા સિવાય જાતે કશું કરી શકતાં ન હોય તેવી લાચારીમાં ફસાઈ જાય છે. નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો એમના માટે બીજા ગ્રહમાં વસવા જેવું લાગે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના એન્જિનિયરિન્ગ ડિઝાઈન સેન્ટરના નિષ્ણાત આયન હોસ્કિન્ગ વરિષ્ઠ લોકોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સહાયભૂત થાય તેવા પ્રોજેક્ટનું સંચાલન કરે છે. એમણે કહ્યું છે: ‘આપણી આજુબાજુ ટેકનોલોજીમાં રસ ધરાવતા ઘણા વરિષ્ઠ લોકો છે, પરંતુ આ વયજૂથના મોટી સંખ્યાના લોકો પોતાને આધુનિક ટેકનોલોજીમાંથી બાદ થઈ ગયાનું અનુભવે છે. તેઓ માને છે કે આ ટેક્નોલોજીને ભેદવી એમના માટે અશક્ય છે. આવી પરિસ્થિતિમાં આપણે વિરિષ્ઠ લોકોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે ઘણું કરવાનું છે.’
પ્રશ્ર્ન વધતી ઉંમરની માનસિકતાનો પણ છે. આ વયજૂથના લોકોમાં નવી પેઢીની સરખામણીમાં પોતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી જ શકે નહીં તેવી ગ્રંથિ બંધાઈ ગઈ હોય છે. એક સર્વેક્ષણ પ્રમાણે ઘણા સિનિયર લોકોમાં ઉંમરની સાથે ઘટતો આત્મવિશ્ર્વાસ પણ મહત્ત્વનું નકારાત્મક પરિબળ બને છે. આગળની પેઢીને નવી પેઢીમાં ચાલી રહ્યું હોય તેના તરફ વિરોધની નજરે જોવાનું વલણ પણ આમાં કારણભૂત બને છે. તે કારણે તેઓ એમના નકારાત્મક પૂર્વગ્રહ છોડી શકતા નથી અને આધુનિક ટેકલનોલોજીથી એમને થઈ શકે તેવા લાભ વિશે તેઓ વિચારવાનું જ બંધ કરી દે છે.
બહુ સાદી વાત છે કે કોમ્પ્યૂટર અને ઈન્ટરનેટ વગેરેના ઘણા ફાયદા છે. વરિષ્ઠ લોકોની પેઢી માટે તો એ વરદાન સાબિત થઈ શકે. આજના સમયમાં જ્યારે વૃદ્ધોએ એકલા જ રહેવાનું પ્રમાણ વધ્યું છે ત્યારે તો આ ફાયદા તરફ એમનું ખાસ ધ્યાન જવું જોઈએ. એનાથી તેઓ કેટલીય રોજિંદી માથાકૂટમાંથી બચી શકે છે. ઘેર બેઠા જ જોઈતી ચીજવસ્તુઓ ઓનલાઈન મેળવી લેવાની સગવડ, બેન્કિન્ગ વ્યવહાર અને બિલ વગેરેના પેમેન્ટમાં પડતી મુશ્કેલીઓ આસાન બને છે. સૌથી મોટો ફાયદો વરિષ્ઠ લોકોની એકલતા દૂર કરવામાં થાય છે. તેઓ એમનાં મિત્રો અને પરિવારજનો સાથે વિડિયો ચેટ કરી શકે છે, સમૂહમાં વિડિયો ગેમ્સ રમી શકે છે, ઘરમાં એકલા બેસીને પણ તેઓ સોશિયલ મીડિયા દ્વારા બહારની દુનિયા સાથે જોડાયેલા હોવાનો ભાવ અનુભવી શકે છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
