રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

प्राप्तराज्यस्य रामस्य वाल्मीकिर्भगवान्षिः ।
चकार चरितं कृत्सनं विचित्रपद
र्थवत् ।

અર્થાત:- રાજ્ય પ્રાપ્ત કરી સિંહાસન પર બેસવાવાળા મર્યાદા પુરુષોત્તમ રામનાં વિચિત્ર પદ અર્થયુક્ત સંપૂર્ણ ચરિત્રની રચના મહર્ષિ વાલ્મિકી કરી છે. 

વેદો અને તત્સંબંધી ગ્રંથોમાં સીતા, રામ, કૌશલ્યા તથા રામાયણ ગ્રંથનાં અન્ય પાત્રોનો ઉલ્લેખ તો મળે છે પણ તેમ રામાયણનાં મૂળ કર્તા મહર્ષિ વાલ્મીકિનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવ્યો નથી. તેથી એવું માલૂમાત થાય છે કે સંભવતઃ રામ રાજા બન્યાં ત્યાં સુધી રામાયણની રચના કરવામાં આવી નહીં હોય તેથી વાલ્મીકિજી તે સમયનાં અન્ય ગ્રંથકારો માટે અજ્ઞાત જ રહ્યા હશે. પણ વાલ્મીકિ એ નામ પ્રમાણે જોઈએ તો જેનાં દેહ ઉપર વાલ્મિક અર્થાત રાફડો જામી ગયો છે તે વાલ્મીકિ છે. પણ પ્રાચીન ગ્રંથોમાં નજર કરીએ તો એવાં ઘણાં મહર્ષિઓ મળી આવે છે જેનાં દેહ પર વાલ્મિક જામી ગયો હોય. બીજી બાજુ મહર્ષિ વાલ્મીકિ રામયુગમાં હતાં તેનું પ્રમાણ આપણને આ શ્લોક દ્વારા મળે છે.

 तपः स्वाध्याय निरतं तपस्वी वाग्विदां वरम् ।
नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुंगषम् ।।
को
s
न्वस्मिन् साक्प्रतं लोके गुणगान् कश्चवीर्यवान्
धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढ़व्रतः ।। (बाल-खंड-१-१/२ )

રામાયણનાં પહેલા બે શ્લોકો દ્વારા પ્રમાણ મળે છે કે; રામાયણનો આ ઇતિહાસ એ રામનાં સમકાલીન કવિ દ્વારા લખવામાં આવ્યો છે, પણ આ કાર્યમાં અન્ય કોઈ પણ નિમિત્ત બન્યું છે. આ અન્ય કોઈ એ દેવર્ષિ નારદ છે જેમની સાથે જ્યારે મહર્ષિ વાલ્મીકિજીની ભેંટ થઈ ત્યારે આપે તેમને પૂછ્યું કે; –આ સમયમાં સંસારમાં ઉત્તમ ગુણોથી યુક્ત, પરાક્રમી, ધર્મ અને મર્યાદાને જાણવાવાળા, કૃતજ્ઞ, સત્યવાદી અને દૃઢ નિશ્ચયવાળો પુરુષોત્તમ કોણ છે? આ સાંભળી દેવર્ષિ નારદે તે સમયે ઇક્ષ્વાકુ કુળમાં પ્રગટ થનાર કૌશલ્યાનંદન રામનું નામ પ્રસ્તુત કર્યું. ( “कोsन्वस्मिन् साक्प्रतं लोके “- આ સમયે સંસારમાં ) – साक्प्रतं શબ્દ દ્વારા સ્પષ્ટતા કરતાં દેવર્ષિ નારદે કહ્યું_ આ બાબત પ્રમાણ રૂપથી કહેવાઈ છે અને આપે અદ્રશ્ય-દ્રશ્ય રૂપથી વિહરતા આ ઘટનાને જોઈ હશે અને તેનું જ વિવરણ આપ મહર્ષિ વાલ્મીકિ પાસે કરી રહ્યા છે જેને કારણે મહર્ષિએ આ ઘટના પ્રસંગોને નજીકનાં ભૂતકાળમાં બનેલ ભાષાથી અથવા સિંહાવલોકનથી રજૂ કરેલ છે.  

 જેણે રામકથાને, રામાયણને, રામજીવનને, રામકાલીન સમાજને, સંસ્કૃતિ ને પ્રકૃતિને  નજીકથી બતાવ્યો છે તે મહર્ષિ વાલ્મીકિનાં વિભિન્ન રૂપોનો ઉલ્લેખ આધ્યાત્ત્મ રામાયણ, મહાભારત, તૈતરીય, પુરાણો અને પ્રતિશાખ્ય પુરાણો, શિવ-રામાયણ, કૃતિવાસ રામાયણ તથા બુધ્ધ ચરિતમાં જોવા મળે છે. 

 વિષ્ણુપુરાણ -મત્સ્યપુરાણ:- વિષ્ણુપુરાણ અનુસાર ૨૬ માં દ્વાપર યુગમાં અસ્થાયી સદસ્યોમાં એક વ્યાસ ભૃગુવંશી થયાં જેમને વાલ્મીકિ તથા ભાર્ગવ તરીકે સંબોધિત કરવામાં આવ્યાં છે. रीक्षोभूद भार्गवस्तस्माद वाल्मीकिर्योंभिधीयते ।“ ( વિ.પુ -૩.૩.૧૮ )

વાયુપુરાણ:– વાયુપુરાણનાં માહેશ્વર -અવતાર યોગમાં વર્ણવીત પ્રસંગમાં કહ્યું છે કે; ભવિષ્યમાં ઋક્ષ ચોવીસમાં દ્વાપરયુગનો વ્યાસ વાલ્મીકિ થશે. परिवर्ते चतुर्विशे ऋक्षो व्यासो वाल्मीकि भविष्यति ।“ ( વા.પુ – ૩૩.૧૬૪ )

 કૂર્મપુરાણ:- આ પુરાણમાં ૩૩ માં વ્યાસ વાલ્મીકિ તરીકે તૃણબિંદુનું વર્ણન કરવામાં આવ્યું છે. त्रिबिंदुस्त्रयोविनशे वाल्मीकिस्ततः परम । કૂ. પુ  ૫૧. ૧.૧૧ )

લિંગ પુરાણ ( ૧.૨૪ ), સ્કંદ પુરાણ ( ૧.૨.૪૦ ) અને દેવી ભાગવતમાં (૧.૩) પણ જે રીતે મહર્ષિ વાલ્મીકિને એક વ્યાસનાં રૂપમાં માનવાંમાં આવ્યાં છે તે જોઈ એમ માની શકાય કે; એક સમયનાં કેવળ એક વાલ્મીકિ નહીં હોય.

 સ્કંદ પુરાણ:- આ પુરાણનાં આવન્ત્ય ખંડનાં અંતર્ગત અવંતી ક્ષેત્ર માહાત્મ્યમાં વાલ્મિકેશ્વર માહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. તદનુસાર ભૃગુવંશી સુમતિ નામનાં બ્રાહ્મણને તેની પત્ની કૌશિકીથી “અગ્નિશર્મા” નામનાં પુત્રનો જન્મ થયો જે પાછળથી દસ્યુ થઈ ગયો. એક દિવસ તે સપ્તર્ષિઓને લૂંટવા ગયો. ત્યારે સપ્તર્ષિઓએ તેને પૂછ્યું કે; તારા સંબધીઓ તારા આ કર્મમાં ભાગ આપે છે? ત્યારે સંબંધીઓએ ના કહી. સબંધીઓનાં નકાર પછી તે સપ્તર્ષિઓને શરણે ગયો. ત્યારે સપ્તર્ષિઓએ તેને દસ્યુ વૃતિથી દૂર કરી મહામંત્ર જાપનો આદેશ કર્યો. અગ્નિશર્માને જપ કરતાં કરતાં ઘણો સમય થઈ ગયો આ સમય દરમ્યાન તેનો દેહ વાલ્મિકની અંદર ખોવાઈ ગયો. યુગો પછી જ્યારે સપ્તર્ષિઓ આવ્યાં ત્યારે તેમણે અગ્નિશર્માનાં દેહને વાલ્મિકમાંથી મુક્ત કર્યો. પછી અગ્નિશર્માએ કુશસ્થળીમાં જઈ મહેશ્વર ભગવાનની આરાધના દ્વારા સિધ્ધિઓ પ્રાપ્ત કરી. ત્યાર પછી તેમણે મહાકાવ્ય રામાયણની રચના કરી હોઈ તેઓ ભાર્ગવ વાલ્મીકિ તરીકે ઓળખાયા. ( સ્કંદ પુરાણ -આવનત્ય ખંડ ૨૩.૩ )

સ્કંદ પુરાણનાં નાગર ખંડનાં અધ્યાય ૧૨૪ માં કહ્યું છે કે; ચમત્કાર પુરનાં માંડવ્ય વંશમાં લોહજંઘ નામનો બ્રાહ્મણ થયો જે માતપિતાનો ભક્ત હતો. એક સમયે પરિસ્થિતીને વંશ થઈ તે ચૌર કર્મમાં પ્રવૃત થઈ ગયો. મુખર નામના તીર્થમાં તેની ભેંટ મહર્ષિ પુલહ સાથે થઈ. જેમણે લોહજંઘને મરા નામનો જટાઘોટ નામનો મંત્ર આપ્યો. આ મંત્રનાં જાપ પછી લોહજંઘ વાલ્મિકી નામે પ્રસિધ્ધ થયાં. પણ આ સમયે તેઓ કેવળ એક બ્રહ્મપુત્ર હતાં કવિવર વાલ્મિકીનો જન્મ આ સમયે થયો ન હતો.

આ જ પુરાણનાં પ્રભાત ખંડનાં દેવિકા માહાત્મ્યનાં ૨૯૮માં અધ્યાયમાં કહ્યું છે કે; શમીમુખ નામના બ્રાહ્મણનો વૈશાખ નામનો પુત્ર દસ્યુ વૃતિ દ્વારા માતાપિતાનો નિર્વાહ કરતો હતો. પાછળથી શિવપંથી ઋષિઓનાં સંસર્ગથી તે સતમાર્ગે ચાલ્યો અને પોતાની વૃતિઓને બદલી.

સ્કંદ પુરાણનાં વૈષ્ણવ ખંડનાં વૈશાખ મહાત્મ્ય ખંડમાં વાલ્મીકિજી કોણ હતાં તેના અનુમાનમાં વધુ એક પ્રમાણ આપતા કહ્યું છે કે; શંખ નામનો બ્રાહ્મણ એક દિવસ નિમ્નમતિને કારણે દ્વિજોને લૂંટવા ગયો, ત્યારે તેણે સાંભળ્યું કે; જેને રામનામ રૂપી મહાધન મળી જાય તો તેનો બેડો પાર થઈ જાય છે. આ સાંભળી શંખે તે મહાધન મેળવવાની આજીજી બ્રાહ્મણોને કરી જેને કારણે બ્રાહ્મણો મહામંત્ર રૂપી ધનનું દાન શંખને આપ્યું.

    આમ જોઈએ તો વાલ્મીકિ વિષે વિવિધ અનુમાનો આપણને સ્કંદપુરાણમાંથી મળે છે, પણ આમાંથી રામનાં સમયનાં સમકાલીન કોણ હતાં તે વિષે પ્રશ્ન તો જેમનો તેમ જ ઊભો રહે છે.

 બ્રહ્મવૈવર્તક પુરાણ:- આ પુરાણનાં પ્રકૃતિ પર્વમાં નાગ દેવતાની સ્તુતિમાં રામાયણ કાર વાલ્મીકિ દ્વારા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસને પુરાણોનો સિધ્ધાંત સમજાવી રહ્યાં છે તેવું પ્રમાણ જોવા મળે છે. આનાથી મહર્ષિ વાલ્મીકિજીનાં પુરાણકાર હોવાનું પણ સિધ્ધ થાય છે.  

ભક્ત વાલ્મીકિ:- મહાભારતનાં અનુશાસન પર્વમાં વાલ્મીકિ દ્વારા શિવ સ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું છે, અને સામે પક્ષેથી ભગવાન શિવે પણ તેમને ઉત્તમ યશ પ્રાપ્તિ કરવાનું વરદાન આપ્યું છે. ( ૧૮.૮.૧૦ ) મહાભારતનાં જ ઉદ્યોગ પર્વમાં ગરુડ વંશીય વિષ્ણુ ભક્ત સુપર્ણ પક્ષીઓમાં વાલ્મીકિનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ તેમને કર્મણા ક્ષત્રિયઃ અને વિષ્ણુભક્ત કહેવામાં આવ્યાં છે. મહાભારતનાં સભા પર્વમાં વાલ્મીકિને કવિ, શિવ ભક્ત અથવા વિષ્ણુભક્ત તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યાં છે પણ તેમનાં જીવન ઉપર કોઈ પ્રકાશ પાડવામાં નથી આવ્યો, તેથી આ વાલ્મીકિ કોણ હતાં તેનો પ્રશ્ન તો ઊભો જ રહ્યો છે.

શતપથ બ્રાહ્મણ અને ભાગવત પુરાણમાં ભૃગુને વરુણનો પુત્ર કહેવામાં આવ્યાં છે તો ભાગવત પુરાણ અનુસાર વરુણ અને વર્ષિણીને ત્યાં ભૃગુ અને વાલ્મીકિ એમ બે પુત્રો થયાં તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વ્યાકરણ શાસ્ત્રમાં વાલ્મીકિ સમાન જ ચ્યવન મહર્ષિ છે. એક કથાનુસાર ભૃગુ પુત્ર ચ્યવન મુનિ દીર્ઘકાળ સુધી એક જ સ્થાન પર બેસી તપ કરતાં તેથી તેમનો દેહ વાલ્મીકથી ભરાઈ ગયો હતો. ( મહાભારત -આરણ્યક પર્વ અધ્યાય ૧૨૨ ) મુનિ ચ્યવનની જેમ જ વાલ્મીકિ મુનિની યે કથા છે. સંભવત આજ કારણથી વાલ્મીકિજીને અને ચ્યવન મુનિ સમાન ભાર્ગવ માનવામાં આવ્યા છે. ( ૬.૧૮.૪.૫ )

બુધ્ધચરિત ગ્રંથમાં રહેલ અશ્વઘોષ રાજાએ પણ વાલ્મીકિ મુનિનો ચ્યવન પુત્ર તરીકે અને કવિ તરીકે સ્વીકાર કરેલો છે. 
 
वाल्मीकिरादौ चससर्ज पद्यं जगरनाथ यन्न च्यवनो महर्षि । ૧.૪૩ )

રામાયણ તિલકમાં નાગેશ ભટ્ટે વાલ્મીકિને ભૃગુનાં ભાઈ હોવાને કારણે ભાર્ગવ તરીકે સંબોધ્યાં છે.

ઋગ્વેદમાં ભૃગુ મુનિને વારુણી તરીકે ઓળખવામાં આવ્યાં છે. ( ઋગ્વેદ -૬.૬૫.૧૦.૧૬ ) તો સાથે આ વેદનાં દશમ સ્કંધનાં ૯૯ માં સૂક્તમાં; कं नौ वम्री वैखानसः લખ્યું છે. અહીં वैखानसः નો અર્થ તપસ્વી વાનપ્રસ્થી થાય છે. જ્યારે वम्री શબ્દ એ वम्र થી આવ્યો છે જેનો અર્થ ઊધઈની માટી અથવા રાફડા તરીકે કરાયો છે. આ ઊધઈની માટી અથવા રાફડાથી જે શરીર પ્રગટ થાય છે તે वम्राच्छादित કહેવાય છે. અતઃ वम्राच्छादित  શબ્દને સંકેતમાં વલ્મીક એવો કરવામાં આવ્યો અને પાછળથી આ શબ્દ ઊધઈની માટીથી ભરેલ દેહ વાળો અર્થાત વાલ્મીકિ તરીકે કરવામાં આવ્યો.  

 પ્રાચેતસ વાલ્મીકિ:- વાલ્મીકિ રામાયણનાં -ઉત્તરકાંડ -૯૬.૧૯ માં પ્રચેતા અને વરુણને એક માનવામાં આવ્યાં છે. આજ કાંડમાં શ્રી રામ દ્વારા કરાયેલ અશ્વમેઘ યજ્ઞમાં સીતા દ્વારા શપથ ગ્રહણનાં પ્રસંગમાં મહર્ષિ વાલ્મીકિએ સ્વયંને પોતે પ્રચેતાનાં દસમા પુત્ર “પ્રાચેતસ” છે તેમ કહ્યું છે. જ્યારે માર્કન્ડેય પુરાણ, શિવ રામાયણ, રામાયણ તિલક આદી ગ્રંથોમાં વાલ્મીકિનો પ્રચેતા પુત્ર તરીકે સ્વીકાર તો કરવામાં આવ્યો જ છે સાથે તેમને સાધુ પુરુષોમાં “જળ વિભાગનાં અધિકારી” તરીકે પણ ઓળખવામાં આવ્યાં છે.        

ભાર્ગવ વાલ્મીકિ:- વાલ્મીકિ રામાયણમાં ચોવીસ સહસ્ત્ર શ્લોકો તથા સૌ ઉપાખ્યાનવાળા રામાયણ કાવ્યની રચના ભાર્ગવ વાલ્મીકિની છે તેમ માનવામાં આવે છે. ( ૭.૯૪.૨૫ ) વાલ્મીકિ રામાયણનાં બાલકાંડ (૭૦.૩૮ ). બાલ કાંડ, ઉત્તર કાંડમાં વાલ્મીકિને પ્રાચેતસની સાથે ચ્યવન અને ભાર્ગવ પણ કહેવામાં આવ્યાં છે.  (૬૦.૬૪ ) વાલ્મીકિને ચ્યવન અને ભાર્ગવ એમ બંને માનવા માટેનું કારણ સંભવતઃ  એ છે કે બંનેનાં જનજીવનવૃતમાં એકરૂપતા જોવા મળતી હશે.

દસ્યુ વાલ્મીકિ:- વાલ્મીકિજીનાં સંબંધમાં જે જે કિવદંતીઓ રહી છે તેમાંથી સૌથી પ્રચલિત કિવદંતી એ છે કે તેઓ પ્રારંભિક કાળમાં દસ્યુ એટ્લે કે લૂટ કરનાર કિરાત ( શિકારી ) હતાં. નારદ મુનિ સાથે આપનો સંસર્ગ થયાં પછી અને નારદ મુનિ દ્વારા જ તેમનાં સંબંધીઓને પાપમાં ભાગીદાર બનાવવાની પ્રક્રિયાનાં પ્રશ્નથી જે ઉત્તર મળ્યો તેનાથી તેમનાં હૃદયનું પરિવર્તન થયું. અંતે રામનામ સિધ્ધીમંત્ર દ્વારા તેમનું જીવન બદલાયું અને તેમણે તે સમયની દેવભાષા સંસ્કૃતની પ્રાપ્તિ થઈ.  પછી એક દિવસ કૌંચ પક્ષી જોડલીનાં ભંગ પછીની પીડા જોઈ રામાયણ કાવ્યની રચના કરી. 

 બુધ્ધચરિત ગ્રંથ:- આ બંને ગ્રંથમાં અશ્વઘોષ રાજાએ વાલ્મીકિને ચ્યવન પુત્ર અને કવિ તરીકે ઓળખેલાં છે.

वाल्मीकिरादौ चससर्ज पद्यं जगरनाथ यन्न च्यवनो महर्षि ।૧.૪૩ )

 કૃતિવાસ રામાયણ:- આ ગ્રંથમાં વ્યાધને ચ્યવનપુત્ર રત્નાકરને નામે ઓળખેલ છે. જેનું મિલન પ્રથમ બ્રહ્મા સાથે અને પછી નારદ સાથે થયું ત્યારપછી તેનામાં વૈરાગ્ય આવ્યો. જેથી કરી તે નદી પર સ્નાન કરવા ગયો. તે સમયે તેની દૃષ્ટિ માત્રથી નદીનું જળ સૂકાઈ ગયું. પોતાના પાપકર્મો ભરેલ દૃષ્ટિથી પરેશાન થયેલ તે વ્યાધે બ્રહ્માજીને યાદ કર્યા. આ સમયે ટૂંક સમયમાં તેનો ઉધ્ધાર થવાનો છે તેમ જાણી બ્રહ્માજી તેની પાસે આવ્યાં અને રામનામ મંત્ર પ્રદાન કર્યો. પણ પોતાની દુર્વૃતિ કરવાની આદતને કારણે તે વ્યાધ રામનામ જપવામાં અસમર્થ રહ્યો અને પોતાની વૃતિનુસાર તે મારા, મારાનો જાપ જપવા લાગ્યો. મારા ના જાપ માં તે જ્યારે તલ્લીન થયો ત્યારે તે મારામાંથી મરા મરા શબ્દ પર આવી ગયો. સમયાંતરે નારદજીએ તેને જ્યારે વાલ્મીકમાંથી  બહાર કાઢ્યો ત્યારે મરા શબ્દ રામમાં પરિવર્તિત થયો.  

 આધ્યાત્ત્મ રામાયણ: આ ગ્રંથ અનુસાર વાલ્મીકિનો જન્મ એક શાપવશ ભૃગુવંશી બ્રાહ્મણને ત્યાં થયેલો હોઈ તેમને ભાર્ગવ તરીકે ઓળખવામાં આવ્યાં, પણ કિરાતોનાં ( લૂટફાટ કરનાર શિકારી ) સંગમાં રહી તેમનાં જેવુ આચરણ કરવાને કારણે આપમાં પણ ઘણાં બધાં દુર્ગુણો આવી ગયેલાં. સમયાંતરે પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવા તેમણે વટેમાર્ગુને લૂંટવા સિવાય ચોરી જેવા કાર્ય પણ કર્યા. ( આ.રા.૨.૬.૬૫.૬૬ ) 

આનંદ રામાયણ:– આ રામાયણનાં ૧૪માં અધ્યાયમાં મહર્ષિ વાલ્મીકિનાં ત્રણ જન્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલાં જન્મમાં તેઓ શ્રીવત્સ નામના ગોત્રમાં સ્તંભ નામનાં બ્રાહ્મણ થયાં જે મહાપાપી અને વૈશ્યાગામી હતાં, બીજા જન્મમાં આપ વ્યાધ કિરાત બનેલાં જે પશુ પક્ષી પકડીને અથવા તેની હત્યા કરીને ભરણપોષણ કરતો હતો અને ત્રીજા જન્મમાં આપે ફરી બ્રહ્મપુત્ર કૃણુને ત્યાં જન્મ લીધો અને ઘોર તપસ્યા બાદ આ જન્મ અને પૂર્વ જન્મનાં બધાં પાપોનો નાશ કર્યા પછી વાલ્મીકિ નામ ધારણ કર્યું.

તત્ત્વસાર સંગ્રહ:- આ ગ્રંથ અનુસાર પોતાનાં કૂકર્મોથી ત્રાહિત થયેલ કિરાધ સપ્તર્ષિઓ પાસે ગયો. તે વખતે સપ્તર્ષિઓએ તેને “મરા” મંત્ર તેનાં ઉધ્ધાર માટે આપ્યો. આ સમયે સપ્તર્ષિઓએ કહ્યું કે; યોગ્ય સમયે આ મંત્ર ફળશે ત્યારે આપ કિરાધનું રૂપ છોડી બ્રહ્મત્ત્વને પ્રાપ્ત કરશો.  ( બ્રહ્મત્ત્વ એટ્લે કે જેને બ્રહ્માજીએ ઘડયાં છે તેવા સત્માનવનું રૂપ આપ ધારણ કરશો.  

ઠગ, લુંઠક, દસ્યું, દુર્વૃત, તપસ્વીબ્રહ્મપુત્ર વગેરે રૂપે જેને ઓળખેલ છે તે ઋષિવર્ય વાલ્મિકી વિષે આપણે જોયું પણ મોટાભાગની વ્યાખ્યાઓને આધારે આપને રામ નામનો જટાઘોટવર્ય મંત્ર કેમ આપવામાં આવ્યો તે એક વિચારણીય પ્રશ્ન ચોક્કસ બને છે. તેથી વિદ્વાનોની એક ધારણા મૂકી કે; ઉપરોક્ત કહ્યાં તે બધાં જ શાસ્ત્રો  જાણતા હતાં કે આ પ્રચેતસ, દસ્યુ, લુંઠતનાં પૂર્વકર્મનો ભવિષ્યમાં ઉદય થવાનો છે અને જેથી કરી આપ મહાન મહર્ષિનું રૂપ ધારણ કરવાનાં છે, આથી આપને “મરા મંત્ર” ઔચિત્ય વ્યુત્પતિ રૂપે આપવામાં આવેલો. જે યથા રામ શબ્દનો રકાર વૈરાગ્યનો, આકાર જ્ઞાનનો અને મકાર ભક્તિનો વાચક માનવામાં આવ્યો છે.  


© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ । purvimalkan@yahoo.com